ગાંધી બાપુએ એક વખત કહ્યું હતું, ”આ પૃથ્વી પર દરેક જણની જરૂરિયાત સંતોષાય એટલી વસ્તુઓ છે, પણ દરેકની લાલચ સંતોષાય એટલી નથી.” ”લાલચ બૂરી બલા હૈ” એવું પણ આપણે સાંભળ્યું છે.
ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 12મા શ્લોકમાં કહેવાયું છે કે સેંકડો ઈચ્છાઓનાં બંધનોથી બંધાયેલા અને કામ-ક્રોધથી ભરેલા મનુષ્યો વિષયભોગો માટે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરતા હોય છે.
નાનપણમાં મેં મમ્મી પાસે સાંભળ્યું હતું કે કંજૂસનું ધન કાંકરા બરાબર હોય છે. કરકસર કરવી એક વાત છે અને કંજૂસ બનવું એ બીજી, એવું તેઓ કહેતાં.
કંજૂસાઈ એક અર્થમાં સંગ્રહખોરી કહેવાય. કોઈ પણ પ્રકારનો સંગ્રહ અસલામતી દર્શાવે છે અને અસલામતી અનુભવતો માણસ ગુલામ હોય છે. એની પાસે ઘણું હોય છે, છતાં હજી વધુ જોઈતું હોય છે. ગુલામ કદી સ્વતંત્ર હોતો નથી અને જે સ્વતંત્ર નથી એ ક્યારેય ખુશ રહી શકતો નથી.
ભૌતિક સુખ માણવા માટે પણ માણસ સ્વતંત્ર હોવો જરૂરી છે
રોહિતભાઈ દર બીજા વર્ષે પત્ની, દીકરી-જમાઈ અને પુત્ર-પુત્રવધૂ સાથે વિદેશપ્રવાસે જતા. તેઓ પહેલેથી જ આયોજન કરી રાખતા અને પાકે પાયે બુકિંગ કરાવીને સહેલગાહે જઈ આવતા. એ તબકક્કા સુધી તો એમને ઘણો આનંદ આવતો, પરંતુ જ્યાં જ્યાં પૈસા ચૂકવવા પડે ત્યાં એમનો હાથ બંધાઈ જતો. જ્યાં જવાનું નક્કી કર્યું હોય ત્યાં જઈને પૈસા બચાવવા માટે પોતે અમુક પ્રવૃત્તિ કરતા નહીં. દા.ત. બીજા બધાને મ્યુઝિયમ જોવા અંદર મોકલે, પરંતુ પોતે કોઈક બહાનું કાઢીને બહાર રહે અને પોતાની ટિકિટના પૈસા બચાવે.
તેઓ વિદેશમાં આખો પરિવાર એક સાથે રહી શકે એવું સ્થળ પસંદ કરતા, જેથી ખર્ચ ઓછો હોય. સવારનો નાસ્તો અને રાતનું ભોજન રોકાયા હોય ત્યાં જ કરે અને બપોરનું ભોજન બહાર ફરવા ગયા હોય ત્યાં લે. આ રીતે બધા સાથે પણ રહે અને ખર્ચ પણ ઓછો થાય, એવી એમની ગણતરી હતી. ક્યારેક તો રોહિતભાઈ પૈસા બચાવવા માટે બપોરનું ભોજન પણ લે નહીં.
ઘરે હોય ત્યારે કરિયાણાની ખરીદી પોતે જ કરવા જાય, જેથી ભાવતાલ કરી શકાય. તેઓ કોઈ ડીલ મળતી હોય તો એ પસંદ કરે, પછી ભલે એ ડીલમાં વાસી થવાની તૈયારીમાં હોય એવાં શાકભાજી અને ફળ આપવામાં આવતાં હોય. દુકાનદાર પણ એવી જ વસ્તુઓ ડીલમાં આપતા હોય છે, જે બીજા દિવસે વાસી થઈ જવાની હોય.
આખા વિદેશપ્રવાસ પાછળ લાખો રૂપિયા ખર્ચીને પછી એકાદ ટિકિટ કે બપોરનું ભોજન નહીં લઈને કે પછી જૂનાં ફળ-શાકભાજી ખરીદીને પૈસા બચાવવા એ બાબત આંતરિક વિરોધાભાસ દર્શાવે છે. ભાવતાલ કરવો કે કોઈ ડીલ મેળવવાનો પ્રયાસ કરવો એમાં કંઈ ખોટું નથી. મહેનતની કમાણી ફેંકી દેવા માટે હોતી નથી, પરંતુ અજુગતું લાગે એવી રીતે સાવ નાની રકમ બચાવવાના પ્રયાસ કરવા એમાં સમજદારી લાગતી નથી. મ્યુઝિયમમાં રખાયેલી વસ્તુઓ જોવામાં કોઈ રુચિ ન હોય એ એક વાત છે અને ફક્ત ટિકિટના થોડા પૈસા બચે એ માટે ન જવું એ બીજી. શું ખબર આપણને એ શહેરમાં બીજી વખત જવાનો મોકો મળશે કે નહીં!
લોભ-લાલચ ન કરો, બિનજરૂરી સંગ્રહખોરી ન કરો અને કંજૂસાઈ પણ ન કરો. મારે આ બાબતે વધારે કંઈ કહેવું જોઈએ નહીં, દરેકે જાતે જ આત્મચિંતન કરવું જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)