સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના 146મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના કામ-ધંધામાં મળતી આવક અને તેમાંથી થતા ખર્ચની દરરોજ સારા અક્ષરે નોંધ રાખવી. બીજા શબ્દોમાં કહીએ તો રોજમેળ રાખવો.
રસેશ જૈન પોતાના મોટા દીકરા અમિતના જન્મદિન નિમિત્તે સપરિવાર બહાર જમવા ગયા હતા. રેસ્ટોરાં શાનદાર હતી, તેમાં હળવું સંગીત વાગી રહ્યું હતું અને વાતાવરણ ગમી જાય એવું હતું. બધા ટેબલ પર ગોઠવાયા.
થોડી જ વારમાં વેઇટર પોતાની ઇચ્છા પ્રમાણે ભોજન પીરસવા લાગ્યો. કોને કેટલું પીરસવું અને કઈ વાનગી આપવી એ પણ વેઇટરે જ નક્કી કર્યું. એમાં થયું એવું કે પરિવારજનોને અમુક જ ડિશ પસંદ આવી. બીજું બધું વેડફાયું. એટલું જ નહીં, તેમને જે વાનગીઓ ભાવી એમાં પણ વધારાના હિસ્સાનો બગાડ થયો. સૌ કુટુંબીઓને ભોજન ગમ્યું અને સાંજ યાદગાર રહી, પરંતુ ખોરાક અને પૈસા વેડફાયાં તેનો અફસોસ પણ થયો.
શું આ યોગ્ય થયું કહેવાય? આપણે રેસ્ટોરાંમાં જઈએ ત્યારે વેઇટર પોતાની પસંદગી પ્રમાણે ભોજન પીરસવા લાગે છે કે પછી આપણે મેનુ કાર્ડ જોઈને પોતાની પસંદગી પ્રમાણેની અને જોઈએ એટલા જ પ્રમાણમાં વાનગીઓ મગાવીએ છીએ?
વેઇટર સ્વેચ્છાએ વાનગીઓ પીરસવા માંડે એ યોગ્ય છે કે પછી આપણે જાતે નિર્ણય લઈએ એ યોગ્ય છે? સ્વાભાવિક છે કે આપણે જાતે નિર્ણય લઈએ એ જ યોગ્ય છે. જો એવું જ હોય તો આપણે રેસ્ટોરાંના મેનુ કાર્ડ અને પરિવારના નાણાકીય મેનુ કાર્ડ એટલે કે કૌટુંબિક બજેટ બાબતે અલગ અલગ પ્રકારનું વર્તન કેમ કરીએ છીએ?
જે રીતે આપણે સમજી-વિચારીને વાનગીઓ મગાવીએ નહીં તો અન્ન તથા ધનનો બગાડ થઈ જાય એ જ રીતે જો આયોજન કર્યા વગર આડેધડ ખર્ચ કર્યે રાખીએ તો ધનનો દુર્વ્યય થાય છે.
દરેક પરિવાર પોતાનું બજેટ બનાવે એ ખરી સમજદારી છે. પરિવારની જરૂરિયાતોના આધારે અને આવક પ્રમાણે ખર્ચ કરવાનું નક્કી કર્યા બાદ રોજના ખર્ચની નોંધ કરવી જોઈએ. ઘરખર્ચ મર્યાદા કરતાં વધારે થઈ જાય નહીં એ માટે આ અત્યંત જરૂરી છે.
શિક્ષાપત્રીનો શ્લોક ક્રમાંક 146 આપણને નાણાકીય આયોજનનો પાયાનો બોધ આપે છે અને તેથી જ આપણે તેને ધ્યાનમાં લઈને ઘરનું બજેટ બનાવવું જોઈએ.
આપણે હાલમાં જોયું કે દેશના બજેટની ચર્ચા બધે જ થાય છે. આપણે પોતાની કંપનીના કે ડિપાર્ટમેન્ટના બજેટને પણ ધ્યાનમાં રાખીને તે અનુસાર વર્તવું પડે છે, પરંતુ આપણે પોતાના પરિવારના બજેટ તરફ ધ્યાન આપતા નથી. ઘણા લોકો પરિવારનું બજેટ બનાવતા નથી. હવે તમે જ કહો, આપણા માટે કયું બજેટ સૌથી વધુ મહત્ત્વનું અને આવશ્યક હોય છે – દેશનું, ઑફિસનું કે પરિવારનું?
મારી કારકિર્દીમાં એવા ઘણા લોકો સાથે મળવાનું થયું છે જેમને પરિવારનું બજેટ બનાવવાનું ગમતું નથી. આવી સ્થિતિમાં હું તેમને શોપિંગ લિસ્ટ બનાવવાનું કહું છું. આ કામ સૌને ગમે છે. પછી હું તેમને એ ખર્ચ માટેનાં નાણાં ક્યાંથી આવશે એ લખવાનું કહું છું. નાણાં નિયમિતપણે થતી આવકમાંથી, કોઈક રોકાણના વળતરમાંથી, ફિક્સ્ડ ડિપોઝિટની પાકેલી રકમમાંથી, બોન્ડમાં મળતા વ્યાજમાંથી, વગેરે અનેક માર્ગે આવી શકે છે. આટલું કર્યું એટલે બજેટ તૈયાર. તમે તેને બજેટ કહો કે શોપિંગ લિસ્ટ કહો કે નાણાકીય મેનુ કાર્ડ કહો, આખરે તો એ પોતાની પસંદગી પ્રમાણેનું નાણાકીય સ્રોતોનું આયોજન જ કહેવાય.
અહીં ખાસ જણાવવું રહ્યું કે દરેક પરિવારને પોતાના નાણાકીય બજેટનો વિષય લાગુ પડે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)