મારા એક ક્લાયન્ટ અનેક વાર મને કહી ચૂક્યા છે, “હું મારી બીએમડબ્લ્યુ કાર વધારે ચલાવતો નથી. વધારે ચલાવીએ તો લોકોની આંખે ચઢી જઈએ.”
આમ કહીને તેઓ પરોક્ષ રીતે એમ કહેવા માગે છે કે લોકો એમની ઈર્ષ્યા કરે છે. હું એના વિશે કોઈ ટિપ્પણી કરતો નથી. વાસ્તવમાં એમના આ વિચાર પાછળ એમનો બીએમડબ્લ્યુ કારના માલિક હોવાનો ગર્વ છતો થાય છે. બીએમડબ્લ્યુ કારની માલિકીને લોકો મોભાનો વિષય ગણે છે. પોતે અહમ્ કરે છે એવું કહેવાને બદલે લોકો બીજાઓ પર દોષારોપણ કરે છે. શું આપણો મોભો કે દરજ્જો એક કાર પર નિર્ભર છે? શું આપણા અંતઃકરણ, આપણા ચારિત્ર્ય, આપણા ઉછેર, વગેરેનો કોઈ અર્થ નથી?
જે ઘડીએ આપણો માનમરતબો કે મોભો બાહ્ય વસ્તુ પર નિર્ભર બની જાય છે એ જ ઘડીથી દુઃખ શરૂ થઈ જાય છે. આ દુનિયામાં હંમેશાં એવું કોઈક મળી આવશે, જેની પાસે, આપણી દૃષ્ટિએ, આપણા કરતાં વધારે સંપત્તિ હોય. અહીં ‘આપણે’ શબ્દ અગત્યનો છે. સામેવાળી વ્યક્તિ પાસે આપણા કરતાં વધારે ધન છે કે નહીં એ ચકાસવાનો કોઈ ખાતરીલાયક રસ્તો નથી.
આપણે મારા એ ક્લાયન્ટની વાત પર પાછા આવીએ. એમની પાસે બીએમડબ્લ્યુ કાર હોવા છતાં તેઓ એનો જોઈએ ત્યારે આનંદ લઈ શકતા ન હતા, કારણ કે બીજાઓ શું વિચારશે એનો જ ખયાલ એમના મનમાં રહેતો. મનુષ્ય જ્યારે તુલના કરવા લાગે ત્યારે વિષાદ જન્મ્યા વગર રહેતો નથી.
હું અહીં જરાય એમ કહેવા માગતો નથી કે લોકોએ બીએમડબ્લ્યુ અથવા બીજી કોઈ કાર ખરીદવી નહીં. પોતે કઈ કાર વાપરવી એ દરેક વ્યક્તિની પોતાની મુનસફી કે ઈચ્છા પર નિર્ભર છે. મારું તો એટલું જ કહેવું છે કે કારને તમારા દરજ્જાની નિર્ણાયક બનાવવી નહીં કે એની માલિકીને પોતાના ગર્વ કે ઘમંડનો વિષય બનાવવી નહીં. જો તેની સાથે અહમ્ સંકળાઈ જાય તો દુઃખી થઈ જવાય.
જો સામેવાળી વ્યક્તિ પાસે આપણા કરતાં નાની બીએમડબ્લ્યુ હોય તો આપણને સારું લાગે અને કદાચ એની પાસે મોટી કાર નીકળી આવે તો આપણે દુઃખી થઈ જઈએ. ત્યાર પછીની સ્થિતિ એવી આવે કે આપણે લક્ઝરી કારની માલિકીની ભાવનાના ગુલામ બની જઈએ. એક વખત બીએમડબ્લ્યુ કારનો ઉપયોગ કરી લીધા બાદ લોકોની નજરમાં તેના કરતાં ઊતરતી ગણાતી કાર વાપરતી વખતે દુઃખ જ થાય, બીજું કંઈ નહીં. આમ થવાનું કારણ, અગાઉ કહ્યું એમ, આપણો અહમ્ છે. આ અહમ્ ફક્ત કાર સાથે સંકળાયેલો હોય છે એવું નથી. મોબાઇલ, વસ્ત્રો, એક્સેસરીઝ, ફરવાનાં સ્થળ, વગેરે બધી જ બાબતો સાથે સંકળાયેલો હોઈ શકે છે. આવી બાહ્ય વસ્તુઓને કારણે મળતો આનંદ ક્ષણભંગુર હોય છે. તેની અવળી અસર હંમેશાં દુઃખભરી હોય છે.
યોગિક સંપત્તિ આપણને સંપત્તિનો નિર્ભેળ આનંદ માણવાનું શીખવે છે. એ ત્યારે જ શક્ય બને છે, જ્યારે આપણી લાગણીઓ તેની સાથે સંકળાયેલી ન હોય. આને જ ખરું સુખ કહેવાય. જે વસ્તુ બીજી કોઈ વસ્તુ કે બાબત પર નિર્ભર હોય એ હંમેશાં કામચલાઉ, ક્ષણિક, ટૂંકા ગાળાની હોય છે અને આપણને બંધનમાં બાંધી દેનારી હોય છે. સમય જતાં આપણે એ બંધનના ગુલામ બની જઈએ છીએ.
અહીં એક ઉદાહરણ જોવા જેવું છે. જો આપણે અમુક જ બ્રાન્ડનાં વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખતા હોઈએ અને કોઈક દિવસ બ્રાન્ડેડ કપડાં પહેરીએ નહીં તો બીજા લોકો ભલે એના તરફ ધ્યાન નહીં આપે, પણ આપણને પોતાને થશે કે આપણામાં કંઈક ખૂટે છે. ઊણપની આ ભાવના દુઃખને જન્મ આપશે. પૈસા ખર્ચ્યા પછી પણ મનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે એવું જીવન કેવું કહેવાય?
છેલ્લે, એટલું જ કહેવાનું કે સંપત્તિનો આનંદ માણો, પરંતુ તેની સાથે પોતાનો મોભો અને ઘમંડ સાંકળો નહીં, અન્યથા તમે દુઃખી થઈ જશો. યોગિક સંપત્તિ એને જ કહેવાય, જે પ્રસન્નતા બક્ષે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
