યોગિક સંપત્તિમાં ભાવનાત્મક સંપત્તિ ઘણો જ મહત્ત્વનો ઘટક છે

સેન દંપતી કોલકાતામાં રહે છે. શ્રી રોનક સેન ચાની એક કંપનીમાં જનરલ મૅનેજર છે. તેઓ અહીં પ્રોબેશનરી ઑફિસર તરીકે જોડાયા હતા અને છેલ્લાં 30 વર્ષોમાં સતત પ્રગતિ કરીને આજે જનરલ મૅનેજરના પદ પર પહોંચી ગયા છે. આટલાં વર્ષોમાં તેમણે લગ્ન કર્યાં, કુટુંબ વિસ્તાર્યું, બાળકોને ભણાવ્યાં અને તેમના લગ્ન કરાવ્યાં. આજે તેઓ નિવૃત્તિની નજીક છે. તેઓ સ્વભાવે નમ્ર, શાંત અને સરળ છે. કોઈ પણ વ્યક્તિ તેમના પર વિશ્વાસ મૂકી શકે છે. તેઓ બધા સાથે હળીમળીને રહે છે. જરૂર પડે ત્યારે, ખાસ કરીને માનસિક તકલીફમાંથી પસાર થઈ રહ્યા હોય એવા વખતે, બધા લોકો એમની મદદ લેવા આવે છે.

મોટા ભાગે શ્રી સેન હૉસ્પિટલમાં કોઈની મુલાકાત લેવાનું પસંદ કરતા નથી. તેઓ માને છે કે હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને શારીરિક અને માનસિક રીતે આરામ મળવો જોઈએ. બીજા લોકો ઔપચારિક રીતે દર્દીની મુલાકાત લઈ લે ત્યાર બાદ તેઓ દર્દીને મળવા જાય અને એમને માનસિક સધિયારો આપે. આ જ રીતે તેઓ કોઈ પાર્ટીમાં કે સામાજિક મેળાવડામાં જતા નથી અને જો જાય તો પણ પોતાની હાજરી વર્તાવા દેતા નથી. તેઓ હાજરી પૂરીને યજમાનને માઠું ન લાગે એ રીતે પાછા ઘરે આવી જાય છે.

તેમણે ઘણી વૈવાહિક સમસ્યાઓ, ઘણા પારિવારિક વિવાદો હલ કર્યા હતા તથા ઘણી વ્યક્તિઓને તેમની માનસિક તકલીફના સમયમાં સાથ આપ્યો હતો. આ બધું તેઓ કોઈ પણ ગાજાવાજા કર્યા વગર કરતા. તેમના પત્ની સહિત કોઈનેય તે વિશે ખબર પડતી નહીં.

આવું બધું કોઈ મનથી સલામતી અનુભવતી વ્યક્તિ જ કરી શકે. જેમનું ચિત્ત શાંત હોય અને જેઓ ઠરેલ હોય તેઓ જ આવો ગુણ ધરાવતા હોય છે.

બીજું એ કે આવા માણસો ક્યારેય કોઈના વિશે અભિપ્રાય બાંધી લેવાનું પસંદ કરતા નથી. એક દિવસની વાત છે. તેમના એક સહયોગીએ પોતાના પુત્રના લગ્નપૂર્વેના પ્રેમસંબંધ વિશે ગોપનીય રીતે વાત કરી ત્યારે તેમણે એ યુવાન વિશે કોઈ અભિપ્રાય બાંધી લેવાને બદલે તેની સાથે મૈત્રી વિકસાવી અને તેને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તેમણે એ યુવાન અને યુવતી બન્ને સાથે માનપૂર્વક વર્તન કર્યું. આજે એ યુગલ સુખી દાંપત્યજીવન ધરાવે છે અને તેમનાં લગ્ન પહેલાની મુશ્કેલીઓ વિશે કોઈનેય ગંધ સુદ્ધાં આવી ન હતી. આવા તો ઘણા કિસ્સા શ્રી સેનની હાજરીમાં બની ગયા છે.

મોટા ભાગે તેઓ આવી બધી વાતોને લાંબો સમય યાદ રાખતા નથી. આવો ગુણ બધાની પાસે હોતો નથી, પણ એ વાત ખરી કે તેને વિકસાવી શકાય છે. એક વ્યક્તિની એ મહામૂલી મૂડી સમાન હોય છે.

આ જ શ્રી સેન એક વખત ગંભીર બીમારીમાં પટકાયા ત્યારે ઘણા લોકોએ તેમના માટે પ્રાર્થના કરી હતી અને બાધાઓ રાખી હતી. તેનું કારણ એ કે એ વ્યક્તિઓ માટે તેઓ મજબૂત આધારસ્તંભ હતા; સામેવાળો માણસ કેવો છે તેની પરવા કર્યા વગર તેની મદદે દોડી જનારી વ્યક્તિ હતા. માણસ જેવો છે તેવો તેને સ્વીકારી લેવાનો ગુણ એમનામાં હતો. તેઓ બધાને બિનશરતી પ્રેમ કરતા. તેઓ એમ કરી શકતા, કારણ કે તેઓ પોતાની જાતને પણ એવી જ રીતે ચાહતા. આવા લોકો ફક્ત જીવવા ખાતર નથી જીવતા. તેઓ ભૌતિક સંપત્તિનો ઉપભોગ કરતા હોય છે અને આનંદ માણતા હોય છે, પરંતુ તેમાં એક પ્રકારની પરિપક્વતા હોય છે. સંપત્તિ એમના માટે અહંકારનું સાધન પણ નથી હોતી અને તેના વિશે ગુનાહિત લાગણી પણ તેમનામાં હોતી નથી.

કોઈ પણ વ્યક્તિ માટે ભાવનાત્મક સંપત્તિ એ સૌથી મોટી મિલકત હોય છે. એ ભગવાનની ભેટ હોય છે, પરંતુ બહાર પ્રગટ કરવા માટે એ ગુણ કેળવવો પડે છે. આથી જ યોગિક સંપત્તિમાં ભાવનાત્મક સંપત્તિને ઘણો જ મહત્ત્વનો ઘટક માનવામાં આવે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)