બ્રહ્મમુહૂર્તે ઉઠીને ધનવાન અને ગુણવાન બનવા માટેનું ચિંતન કરવું

બ્રાહ્મે મુહૂર્તે બુધ્યેત ધર્માર્થી ચાનુચિન્તયેત્ ।

કાયક્લેશાંશ્ચ તન્મૂલાન્ વેદતત્ત્વાર્થમેવ ચ ।।92।।

માણસે બ્રાહ્મણો માટેના પવિત્ર સમયે (બ્રહ્મમુહૂર્તમાં) ઉઠવું અને ગુણવાન અને ધનવાન બનવા માટેનું ચિંતન કરવું, તેના માટે આવશ્યક મહેનતનો વિચાર કરવો તથા વેદના તત્ત્વાર્થનું પણ ચિંતન કરવું.

ઉક્ત શ્લોક મનુસ્મૃતિનો ચોથા અધ્યાયનો 92મો શ્લોક છે. તેના પરથી ફરી એક વાર જોઈ શકાય છે કે શાસ્ત્રોમાં ક્યાંય સંપત્તિસર્જનની ના પાડવામાં આવી નથી. તેમાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે અર્થની સાથે સાથે ધર્મનું પણ સંપાદન થવું જોઈએ.

સંસારીઓ માટે કહેવામાં આવ્યું છે કે તેઓ માત્ર ધર્મનો વિચાર કરી શકે નહીં. એ તો સાધુ-સંતો અને સંન્યાસીનું કામ છે. જોકે, સંસારીએ ફક્ત ધનનો જ વિચાર કરવો નહીં, કારણકે એમ કરવાની વૃત્તિ અસુરી કહેવાય છે. આમ, સંસારીઓ માટે ધર્મ અને અર્થને સાથે રાખવાનું અગત્યનું છે.

અહીં ઋગ્વેદની એ વાતનો વધુ એક વાર ઉલ્લેખ કરીએ કે સદગુણી માણસે સંપત્તિ એકઠી કરીને જનકલ્યાણ માટે તેનો ઉપયોગ કરવો, અન્યથા એ સંપત્તિ અસુરી લોકો લઈ જશે અને મનુષ્યજાતિના વિનાશ માટે તેનો ઉપયોગ કરશે.

હવે પાછા મનુસ્મૃતિ પર આવીએ. મનુએ કહ્યું છે કે ધર્મ અને અર્થનું ચિંતન કર્યા બાદ તેની પ્રાપ્તિ માટે લાગનારા પ્રયાસનો વિચાર કરવો જોઈએ. આ બોધ ઘણો જ મહત્ત્વનો છે. આપણે અવિચારીપણે કંઈ જ કરવું જોઈએ નહીં. દરેક પ્રવૃત્તિ માટે આયોજન-વ્યૂહ હોવાં જરૂરી છે.

કોઈ પણ કામમાં મગજ અને શરીર બન્નેનો ઉપયોગ કરવાનો હોય છે. આયોજન કરીને આગળ વધવાનું કારણ એ છે કે એ રીતે આપણા સ્રોતો અને શક્તિનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે.

એક જપાની મિત્રે મને સરસ મજાની કહેવત કહી હતી. તેનો ભાવાર્થ આ હતોઃ અમલ વગરનું આયોજન એ માત્ર દીવાસ્વપ્ન છે અને આયોજન વગરનો અમલ એ દુઃસ્વપ્ન છે.

આ વાત પરથી પૈસાની પાછળ આંધળી દોટ મૂકનારા હાલના ઘણા યુવાનોની યાદ આવી જાય છે. તેઓ આખરે થાકી-હારી જાય છે. તેમને જાતજાતની બીમારીઓ લાગુ પડી જાય છે. કોઈકને ડિપ્રેશન તો કોઈકને હાયપરટેન્શન અને કોઈકને એંગ્ઝાઈટી-સ્ટ્રેસ.

છૂટાછેડા અને અન્ય સામાજિક સમસ્યાઓનાં ઉદાહરણ પણ આપણને જોવા મળે છે. ધર્મનો વિચાર અને અમલ કર્યા વગર અને આયોજન કર્યા વગર ફક્ત પૈસાની પાછળ દોડવાનું આ પરિણામ છે.

મારા એક પરિચિત યુવાને મને કહ્યું હતું, ”અમે આખો દિવસ નોકરી-ધંધામાં દોડાદોડ કરીને તેનાથીય વધારે જોશથી પાર્ટી કરવામાં માનીએ છીએ.” એ યુવાન 28 વર્ષનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો તેમની પ્રવૃત્તિ આખો દિવસ ગધેડાની જેમ કામ કરીને રાત્રે વાંદરાની જેમ પાર્ટી કરવાની હોય છે. આમ, તેઓ પ્રાણીઓની જેમ જ વર્તે છે.

ઘણા સંસારીઓ કામકાજ છોડીને ધર્મ કે અધ્યાત્મની પાછળ દોટ મૂકતા જોવા મળે છે. આવું થવાનું કારણ એ છે કે તેઓ ગદ્ધાવૈતરું કરી-કરીને થાકી ગયા હોય છે અને તેમને માનસિક શાંતિની જરૂર હોય છે. એ શાંતિ મેળવવા માટે તેઓ મંત્રોચ્ચાર કે મેડિટેશન, વગેરેનો આશરો લેતા હોય છે.

છેવટે એક વાત કહેવાનું મન થાય છે કે ધર્મનો ઉપયોગ દુન્યવી કર્તવ્યોથી દૂર ભાગવા માટે કરવો નહીં. પૈસાની પાછળ એટલું દોડવું નહીં કે થાકી-હારી જવાય અને માનસિક તાણ પડે. સંતુલિત જીવન જ શ્રેયસ્કર માર્ગ છે.

આપણે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં અગાધ અને ઊંડું જ્ઞાન સુપ્રાપ્ય છે. દૈનિક જીવન માટેનો તેમાં બોધ છે. આપણે પોતાના તથા આસપાસના લોકોના કલ્યાણ અર્થે તેનો ઉપયોગ કરવો જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)