ફક્ત ઐયાશીમાં રાચવું એ અસુરનું લક્ષણ છે…

દરેકના અસ્તિત્વ માટે નાણાંની જરૂર હોય છે,

પરંતુ સમાજને તેના હકથી વંચિત રાખીને

ફક્ત ઐયાશીમાં રાચવું એ અસુરનું લક્ષણ છે 

ગયા વખતે ભગવદ્ ગીતાના શ્લોક 16.12ની વાત કરી. 16મા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અસૂરની વ્યાખ્યા આપી છે. આ અધ્યાયના 12માથી 15મા શ્લોકમાં અસુરના ધન-સંપત્તિ સંબંધેના વિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે આગળના ત્રણ શ્લોકનો અભ્યાસ કરીએ.

 

इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् |

इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् || 13||

આસુરીજન વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું છે અને મારા મનોરથ પ્રમાણે હજી વધારે પ્રાપ્ત કરતો રહીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ એ વધતું રહેશે.

असौ मया हत: शत्रुर्हनिष्ये चापरानपि |

ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी || 14||

પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું.

आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया |

यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिता: || 15||

અને હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ-મજા કરીશ. આમ, અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા, તેમ જ વિષયભોગમાં રચ્યાપચ્યા રહેનારા આસુરીજનો મોટા અપવિત્ર નરકમાં પડે છે.

મદ્યના ધંધાના એક અગ્રણી ઉદ્યોગપતિએ થોડાં વર્ષો પહેલાં પોતાના જન્મદિવસની ઉજવણી એક સપ્તાહ સુધી કરી હતી. તેઓ દારૂ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન કંપની, હોટેલ, પૅપર મિલ, ઘરેણાં, ઘડિયાળો, વગેરે જેવી આંતરરાષ્ટ્રીય લક્ઝરી વસ્તુઓના સ્ટોર્સની શ્રૃંખલા જેવા અનેક બિઝનેસ કરતા હતા.

એક બાજુ, જન્મદિન નિમિત્તે દેશ-વિદેશથી મહેમાનોને બોલાવાયા હતા. તેમને લાવવા-લઈ જવા માટે ખાનગી વિમાનો રાખવામાં આવ્યાં હતાં. ભવ્ય પાર્ટીઓ, થીમ નાઇટ્સ અને વિશેષ મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમંત્રિતોને મોંઘીદાટ ભેંટસોગાદો આપવામાં આવી હતી.

બીજી બાજુ, તેમની અનેક કંપનીઓમાં મહિનાઓ સુધી કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યા ન હતા. કેટલાય કર્મચારીઓની હોમ લોનની ઈએમઆઇ ચૂકવવાની રહી જતી હતી અને ઘણાના પરિવારમાં વડીલોને પણ સાચવવાનો મોટો ખર્ચ થતો હતો. આ ધનકુબેરની મોટાભાગની કંપનીઓ બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લૉનો ચૂકવવામાં નિષ્ફળ ગઈ હતી. આજની તારીખે એ વ્યક્તિ ભાગેડુ જાહેર કરાઈ છે. સરકારે તેમની બધી સંપત્તિ જપ્ત કરી લીધી છે. ભગવદ ગીતાની વ્યાખ્યા મુજબ આવી વ્યક્તિઓ અસૂર કહેવાય છે.

આવાં લક્ષણો ધરાવતી અનેક વ્યક્તિઓ આપણી આસપાસ દેખાય છે. તેઓ ઊચ્ચભ્રૂ વર્ગના લોકોના વિસ્તારમાં રહેતા હોય છે, તેમની પાસે કારના કાફલા હોય છે, તેમનાં વૅકેશન હંમેશાં વિદેશમાં જ હોય છે. આમ છતાં તેમના કર્મચારીઓને પૂરતો પગારવધારો આપવામાં આવતો નથી.

દરેક મનુષ્યે ધ્યાનમાં રાખવું જોઈએ કે પોતાની વૃદ્ધિ સમાજને આભારી છે અને તેથી જ પોતે રળેલા ધનની સમાજ સાથે વહેંચણી કરવી જોઈએ.

રમેશ જૈન નામના મારા એક ક્લાયન્ટ છે. તેમનો એક મોટો સવાલ હતોઃ પોતાની પાસે કેટલાં નાણાં જમા થાય ત્યારે તેઓ નિવૃત્ત થઈ શકે? તેઓ નવી દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં રહે છે. તેમની દીકરી ન્યૂયોર્કમાં સાધનસંપન્ન પરિવારમાં પરણાવેલી છે. તેઓ કાયમ પૈસા જ ગણતા હોય છે. તેમને વૃદ્ધાવસ્થામાં જરાય તકલીફ પડે નહીં એટલું ધન તેમની પાસે છે. ખરી અછત તો તેમના મનમાં છે. તેમણે આખી જિંદગી પૈસા…પૈસા… જ કર્યું છે. પહેલેથી જ મનમાં પૈસાનો જ વિચાર ચાલતો આવ્યો હોવાથી હવે તેઓ તેના વિશેની ચિંતાને છોડી શકતા નથી. ક્યારેક તેઓ પોતાની પાસેની સંપત્તિને ઓછી માનીને ઉદાસ થઈ જાય છે. તેઓ હંમેશાં મિત્રો અને સંબંધીઓના ધનની સાથે પોતાના ધનની તુલના કરતા હોય છે. આને કારણે તેમના આખા ઘરમાં એક પ્રકારની નીરસતા છવાયેલી રહે છે.

દરેકના અસ્તિત્વ માટે નાણાંની જરૂર હોય છે, પરંતુ સમાજને તેના હકથી વંચિત રાખીને ફક્ત ઐયાશીમાં રાચવું એ અસુરનું લક્ષણ છે. પોતાનું જીવન સારી રીતે ચાલી શકે એટલો પૈસો હોવા છતાં વ્યગ્ર અને દુઃખી રહેવું એ પણ ભગવદ્ ગીતામાં કહ્યા મુજબ અસુરનું લક્ષણ છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)