ગરીમાપૂર્વક સ્વીકારાયેલું દાન દાતાને ઋણમુક્ત કરે

યોઽર્ચિતં પ્રતિગૃહ્ણાતિ દદાત્યર્ચિતમેવ વા ।

તાવુભૌ ગચ્છતઃ સ્વર્ગં નરકં તુ વિપર્યયે ।।4.235।।

દાતા જ્યારે આદરપૂર્વક દાન કરે છે અને દાન સ્વીકારનાર જ્યારે એટલા જ માનથી તેનો સ્વીકાર કરે છે ત્યારે તેઓ બન્ને સ્વર્ગમાં સ્થાન પામે છે. તેનાથી વિપરીત, જો દાતા અપમાનાસ્પદ રીતે-તિરસ્કારપૂર્વક દાન આપે અને દાન સ્વીકારનાર પણ જો એ જ રીતે એનો સ્વીકાર કરે તો બન્ને નરકમાં જાય છે (4.235)

મનુસ્મૃતિના ઉપરોક્ત શ્લોકમાં આ અત્યંત મહત્ત્વપૂર્ણ બોધ આપવામાં આવ્યો છે.

અહીં થોડાં વર્ષો પહેલાનો એક કિસ્સો યાદ આવે છે. હું મારા મિત્રો સાથે એક લગ્નમાં ગયો હતો. બીજા કેટલાક મિત્રો હજી આવ્યા ન હતા. મને બાજુના બેંક્વેટ હૉલમાં થોડો કોલાહલ સંભળાયો અને મેં જિજ્ઞાસાવશ ત્યાં ડોકિયું કર્યું તો સ્ત્રીઓ અને પુરુષો મળીને આશરે 70-80 જણનો સમૂહ ત્યાં દેખાયો. સ્ટેજ પરથી આધેડ વયની એક મહિલાને 75 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવી રહ્યો હતો અને એ પ્રસંગના ફોટા લેવાઈ રહ્યા હતા. બીજા બધા લોકો તાળીઓ પાડીને એ ઘટનાને વધાવી રહ્યા હતા. દાતાઓની ઉદારતા બદલ પ્રસંશાનાં પુષ્પોની વર્ષા થઈ રહી હતી.

તેમણે કોઈ નાનકડા ગામમાંથી આવેલી આ આધેડ મહિલાને કિડની પ્રત્યારોપણ માટે 75 હજાર રૂપિયાની સહાય કરી હતી. આપણે સાચું શું અને ખોટું શું અથવા તો સારું શું અને ખરાબ શું એ બાબતે કોઇ પણ ટિપ્પણી કર્યા વગર ફક્ત એટલું વિચારવું રહ્યું કે આટલા બધા લોકોની વચ્ચે ચેક સ્વીકારતી વખતે મહિલાના મનમાં કયા વિચારો ચાલતા હશે.

એ ચેક તેની સારવાર માટે ચોક્કસપણે કામને કામમાં આવવાનો હતો પણ શું તમને લાગે છે કે એ ચેક આપવા માટે આવો કાર્યક્રમ યોજવાની જરૂર હતી? દાન આપનારે દાન લેનારની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ અને એ વ્યક્તિનું ગૌરવ સચવાય એ પ્રમાણે દાન આપવુ જોઈએ. એ જ રીતે દાન સ્વીકારનારે પણ ગરિમાપૂર્વક દાનનો સ્વીકાર કરવો જોઈએ.

અન્ય એક ઘટનામાં એક હૉસ્પિટલના જનરલ વોર્ડમાં બિછાનાંની સંખ્યા વધારવા માટે ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું હતું. ટ્રસ્ટીઓ નાણાં ઉભાં કરવા માટે ઘણી જહેમત ઉઠાવી રહ્યા હતા. એ કામ માટે આશરે 85 લાખ રૂપિયાની આવશ્યકતા હતી.

એક વડીલ ટ્રસ્ટીઓને મળવા માટે વિનંતી કરી. રહ્યા હતા. તેમણે અગાઉથી ટ્રસ્ટીઓની ઍપોઇન્ટમેન્ટ લીધી ન હતી. તેઓ લગભગ નજીકના કોઈ નાના શહેરમાંથી આવ્યા હોય એવું લાગતું હતું. દોઢેક કલાક રાહ જોયા બાદ તેમને ટ્રસ્ટીઓને મળવા જવા દેવાયા.

વાસ્તવિકતા એવી હતી કે થોડાં વર્ષો પહેલાં એ સજ્જનનાં પત્નીની સારવાર આ જ હૉસ્પિટલમાં થઈ હતી. તેઓ જનરલ વૉર્ડ માટે ફૂલ નહીં ને ફૂલની પાંખડી સમાન 5,000 રૂપિયાની રકમ આપવા ઇચ્છતા હતા. એ રકમ તેમના એક મહિનાના પેન્શન જેટલી હતી.

ટ્રસ્ટીએ એ રકમ તો સ્વીકારી પરંતુ એ સ્વીકારતી વખતે તેમના ચહેરા ઉદાસીનતા જોવા મળી. મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.235માં કહેવામાં આવ્યું છે કે દાન આપતી અને લેતી વખતે ગરિમા જળવાવી જોઈએ. આપણે એ પણ સાંભળતાં આવ્યા છીએ કે જમણા હાથેથી દાન આપો તો ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં.

મનુએ ઉક્ત શ્લોકમાં સ્વર્ગ અને નરકમાં જવાની વાત પણ કરી છે. આવી કોઈ જગ્યા છે કે નહીં એ તો ઈશ્વર જ જાણે, પરંતુ એ બન્ને શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં અલગ-અલગ લાગણીઓ જન્મે છે. જ્યાં સુખ અને શાંતિ તથા પ્રસન્નતા હોય એને આપણે સ્વર્ગ કહીએ છીએ અને જ્યાં અહંકાર, ઈર્ષ્યા, અસલામતી હોય એ જગ્યાને આપણે નરક કહીએ છીએ.

જો દાતાને દાન આપતી વખતે જો કોઈ મોટું કામ કર્યાની લાગણી થતી હોય તો એ તેમનો અહમ્ કહેવાય. દાન આપવા બદલ તેમની કદર થશે. એ કદરદાનીથી થોડો સમય તેમને સારું લાગશે, પરંતુ પછીથી તેમને એની આદત પડી જશે. કદર પામવા માટે તેમણે સતત કંઈક આપતાં રહેવું પડશે અને લોકો આવી સ્થિતિનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે એ શક્ય છે. આવા દાતાનુ જીવન નરક સમાન બની જવાની શક્યતા હોય છે.

આ જ રીતે જો દાન સ્વીકારનાર વ્યક્તિ ઘમંડ રાખીને દાનનો સ્વીકાર કરે તો પરોક્ષ રીતે એ કોઈકની લાગણીઓ છુપાવી રહ્યો છે એમ કહી શકાય. ખાસ જણાવવાનું કે દાન આપનાર વ્યક્તિ દાન આપીને કોઈના પર ઉપકાર કરતા નથી. શક્ય છે કે આ ભવની કે ગયા ભવની કોઈ લેણાદેણી બાકી હોય. દાન મેળવનાર વ્યક્તિની ફરજ છે કે તે જ્યારે સમર્થ બને ત્યારે તેણે સમાજ પ્રત્યેનું ઋણ પાછું વાળવું જોઈએ.

દાન સ્વીકારનાર વ્યક્તિ ગરિમાપૂર્વક જો દાન સ્વીકારે તો દાતા ઋણ મુક્ત થઈ જાય છે. દાનમાં કેટલી રકમ આપવામાં આવે છે એનું કોઈ મહત્ત્વ હોતું નથી. આપણે દાતાના કાર્યને ઓછું આંકીએ એ પણ ઘમંડની એક નિશાની કહી શકાય. ટૂંકમાં, દાનની બાબતે આ શ્લોકમાં અત્યંત મહત્ત્વપૂર્ણ બોધ આપવામાં આવ્યો છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)