શિયાળો અને યોગ

શિયાળામાં ખેતરમાં અનાજનો અમુક પાક વધુ ઉગે છે એવી જ રીતે શિયાળામાં વસાણા ખવાય તે બીજી ઋતુમાં નથી ખવાતા. આ રીતે શિયાળામાં જે આસન પ્રાણાયમ વધારે કરતા હોઈએ એ બીજી ઋતુમાં નથી કરતા હોતા.

ફૂલ, છોડની વાત કરીએ તો અમુક ખાસ પ્રકારના ફૂલો તમને શિયાળામાં જોવા મળશે, અમુક ખાસ પ્રકારના ઉનાળામાં ને ચોમાસામાં એટલે ઋતુની અસર ફૂલ છોડ પર પણ પડે છે. તો આપણા શરીર પર પણ આની સારી કે ખરાબ અસર પડે જ. દા.ત. પ્રાણાયામની વાત કરીએ તો ઠંડીની ઋતુમાં શરીરની અંદરનું તાપમાન સારું રહે, મંદાગ્નિ થાય, અંદરથી ઠંડી લાગી બિમાર ન પડાય તે માટે, ભ્રસ્તિકા, નાડીશોધન(fast breathing), સૂદર્શનક્રિયા, સૂર્યભેદનક્રિયા, એમ ઘણું બધું થઈ શકે.

 

 

 

 

 

 

 

 

 

 

હવે જો ચંદ્ર ભેદન તમે શિયાળામાં કરશો તો શરદી થઇ જશે. કારણ કે બહાર ઠંડું વાતાવરણ અને તમે અંદર પણ ઠંડું તાપમાન કરી રહ્યા છો. એટલે શિયાળામાં ઉપર જણાવેલ પ્રાણાયમ વધુ કરવા જોઈએ.

હવે જો આસનોની વાત કરીએ તો જેમાંથી આપોઆપ સૂર્યનાડી પ્રબળ થાય જેના કારણે શક્તિ ઉદભવે, ઠંડી દુર થાય, લોહીનું પરિભ્રમણ સારું થાય, હકારાત્મકતા વધે, આળસ-પ્રમાદ દૂર થાય, અગ્નિ પ્રજ્વલિત થાય, વજન ઉતરે, અનિદ્રાની તકલીફ, અપચો, કબજિયાત દૂર કરે, કરોડરજ્જુને સારો મસાજ આપે, પેટના,પગના સ્નાયુઓ મજબુત કરે.

 

 

 

 

 

 

 

 

 

 

 

આ બધા જો એક ક્રિયામાં હોય તો એ છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના બાર સ્ટેપ છે અને દરેક સ્ટેપમાં સૂર્યનારાયણ દેવના નામનો ઉલ્લેખ કરતાં કરતાં આસનો કરીએ તો શરીર મન અને આત્મા ત્રણેયને ફાયદો થાય. 12 સ્ટેપ અને 12 સૂર્યનારાયણ ભગવાનના નામ એટલે…

  • ૐ મિત્રાય નમઃ
  • ૐ રવયેનમઃ
  • ૐ સુર્યાય નમઃ
  • ૐ ભાનવે નમઃ
  • ૐ ખગાય નમઃ
  • ૐ પુષ્ણેય નમઃ
  • ૐ હિરણ્યગર્ભય નમઃ
  • ૐ મરિચયે નમઃ
  • ૐ આદિત્યાય નમઃ
  • ૐ સવિત્રેય નમઃ
  • ૐ આર્કાય નમઃ
  • ૐ ભાસ્કરાય નમઃ

(સ્વર: જાણીતા ગાયિકા આરતીબેન મુનશી)

 

 

 

 

 

 

 

 

 

આવી રીતે સુંદર કંઠે સુર રેલાવતા જો સુર્યનમસ્કાર કરવામાં આવે તો ચોક્કસ પણે આપણા પર સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય. એટલે જ કહેવાયું છે કે, સામાન્ય કસરત અને યોગ એ બંનેમાં ઘણો તફાવત છે. યોગ એ શરીર મન અને આત્માનું મિલન છે. નિયમિત રીતે મહિનાઓ કે વર્ષો સુધી જે યોગનો અભ્યાસ કરે છે તે એનો સ્વભાવ બદલી શકે છે. રસના વિષયો બદલાય છે સાથે ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકે છે. આપણે આ જે મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે એનું અંતિમ લક્ષ્ય એ જ છે કે,આત્માનું પરમાત્મામાં લીન થવું, એકાકાર થવો. સંસારમાં પોતાની ફરજો બજાવતા પણ તમે સાંસારિક ગતિવિધિથી અલિપ્ત રહી શકો છો. ઉત્તમ ઉદાહરણ એટલે રાજા જનકજી આધ્યાત્મિકતામાં સંસારી હોવા છતાં એટલા બઘા આગળ વધેલા. જેને spiritual માં આગળ વધવું હોય તેમના માટે રાજા જનકજી પ્રેરણારૂપ છે.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)