પતિ સાથે મળીને કઇ રીતે કરશો મની મેનેજમેન્ટ? કેટલીક ટિપ્સ..

છા બજેટમાં પણ ઘર કઇ રીતે સંભાળવુ એ એક મહિલાના હાથમાં હોય છે. મોંઘવારીના જમાનામાં અને એમાં પણ ખાસ કરીને હાલમાં વધતા જતાં ભાવ તેમ જ GST લાગુ થતાં દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. કહેવાય છે ને કે પૈસા એક એવી વસ્તુ છે જેના કારણે દરેક સંબંધમાં ખટાશ પેદા થઇ શકે છે. પછી ભલે ને તે એક પતિપત્નીનો સંબંધ જ કેમ ન હોય? કારણ કે દરેક દંપતિના જીવનમાં એક એવો સમય આવે છે કે આર્થિક બાબતને લઇને બંને વચ્ચે મતભેદ શરૂ થાય છે. પરંતુ જો બંને સાથે મળીને મની મેનેજમેન્ટ કરે તો ક્યારેય પૈસાને લઇને પતિપત્ની વચ્ચે ક્યારેય દરાર પેદા નહીં થાય.

મોંઘવારી એટલી બધી વધી રહી છે કે પરિવારનું પૂરુ પાડવા તેમ જ અન્ય ખર્ચાને પહોંચી વળવા માટે પતિપત્ની બંનેએ કમાવવું આવશ્યક બની ગયુ છે. હંમેશા એવું થતું હોય છે કે પતિપત્ની પૈસાને લઇને ઘણીબધી બાબતો એકબીજાથી છૂપાવતાં હોય છે. જેનું તમને એક ઉદાહરણ આપુ તો જ્યારે મોદી સરકારે નોટબંધી કરી ત્યારે બધાની છૂપી બચત સામે આવી અને ત્યારે તમે પોતે પણ ચોકી ગ્યાં હશો કે ઓ..હો.. મારી પાસે આટલા પૈસા પડ્યાં હતાં. તમારે કેટલી સેલેરી છે, કેટલી બચત થાય છે અને કોઇ દેવું છે તો એ તમામ વસ્તુઓની તમારા સાથીને જાણ હોવી જોઇએ. અને પતિપત્નીએ પોતાના ખર્ચા એકબીજા સાથે શેર કરવા જોઇએ.

જો વાતચીત દરમિયાન તમને જાણ થાય કે પૈસા તમે સાચી જગ્યાએ નથી વાપરી રહ્યાં તો તમે એકબીજાના ખર્ચનો હિસાબ રાખો. પૈસા ક્યાં-ક્યાં ખર્ચ થઇ રહ્યાં છે અને ક્યાંથી આવી રહ્યાં છે અને ત્યારબાદ એકબીજા સાથે ચર્ચા કરો કે કયો ખર્ચ આવશ્યક છે અને કયો ખર્ચ અનાવશ્યક છે. પોતાના મિત્રો સાથે પાર્ટી કરવામાં પૈસા ખર્ચ કરવા કરતાં તમે બંને જણા એકબીજા સાથે ડીનર પર જાવ તો તે વધુ સારુ રહેશે અને એકબીજા સાથે સમય પણ પસાર થશે. તમે સાથે હશો ત્યારે તમારો ખર્ચ પણ ઓછો થશે.

જીંદગીભર વ્યક્તિની જરૂરિયાત બદલતી રહે છે. કોઇને ગાડી ખરીદવી હોય છે તો કોઇ પોતાના બાળકોની ફી ભરવા માટે પૈસા બચાવવા માગતા હોય છે. દર વર્ષે તમે બંને સાથે મળીને એક નિયમ કરો કે આ વર્ષે શું કરશું કે પૈસા ક્યાં બચાવીશુ. તમે જીવનના કોઇ પણ સ્ટેજ પર હો, પરંતુ તમારા માટે પૈસાનું શું મહત્વ છે એ એકબીજાને પૂછો. એવું બની શકે છે કે તમારા સાથી એવા પરિવારમાં મોટાં થયાં હોય જ્યાં પૈસાને લઇને હંમેશા ચિંતા રહેતી હોય તો તમે બંને એકબીજાને સારી રીતે સમજી શકશો. જ્યાં સુધી તમારું અને તમારા સાથીનું કામ, કામ કરવાનો સમય અને સેલેરી એક જેટલી ન થાય ત્યાં સુધી એક વ્યક્તિને ઘર ખર્ચમાં વધુ પૈસા આપવા જ પડશે. ઘરના ફિક્સ ખર્ચ માટે તમે એક એકાઉન્ટ બનાવવા તૈયાર થાવ. બેમાંથી કોઇ એક વ્યક્તિ પોતાની સેલેરીમાંથી અમુક પૈસા ભવિષ્ય માટે સાચવીને રાખે તો શું તમે એમાં સહમત થશો?  એ મહત્વપૂર્ણ નથી કે કોણ શેના માટે કેટલો ખર્ચ કરે છે પરંતુ એ મહત્વનું છે કે તમને બંનેને તમામ વસ્તુઓની ખબર હોય.

દરેક વ્યક્તિના જીવનમાં પૈસાને લઇને ક્યારેક તો મુશ્કેલી આવતી જ હોય છે. આ તમામ સમસ્યાઓથી બહાર નીકળવા એ જરૂરી બની જાય છે કે બંને એકબીજા સાથે આ વિષય પર પ્રેમથી વાતચીત કરો. તું વધુ ખર્ચ કરે છે કે તમે વધુ ખર્ચ કરો છો એવો એકબીજા પર આરોપ લગાવશો તો તમારો સંબંધ બગડી શકે છે અને તમારી વચ્ચે દૂરી પેદા થઇ શકે છે. તો હવે તમને બંનેને તમારી સેલેરી અને ખર્ચ ખબર પડી ગઇ છે તો સાથે મળીને એક બજેટ બનાવીને તમારા ખર્ચનું પ્લાનિંગ કરો. જેમાં ઘરનું ભાડું તેમ જ અન્ય ખર્ચનો પણ સમાવેશ કરી શકો છો. અને એ જ હિસાબથી તમે તમારી લાઇફનું પણ પ્લાનિંગ કરો. જો કે જોઇન્ટ એકાઉન્ટનું ચલણ તો ખૂબ જ જૂનું છે પરંતુ માત્ર સેવિંગ માટે જ નહીં પણ ખર્ચને પહોંચી વળવા માટે જોઇંટ એકાઉન્ટ બનાવો જે માત્ર તમારા ખર્ચ માટે જ હશે.

સૌથી મહત્વની બાબત લાઇફમાં ઇમરજન્સી ક્યારે પણ આવી શકે છે તો આવી પરિસ્થિતિ માટે સેવિંગ કરવું ખૂબ જરૂરી છે. પરંતુ આ સેવિંગ માટે તમે અલગથી ફંડ બનાવો. આ તમામ ખર્ચને લઇને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે બંને વચ્ચે કોઇ પણ મતભેદ કે ગેરસમજ પેદા ન થાય. આના માટે બંને વચ્ચે પારદર્શિતા રહે તે જરૂરી છે. જો તમે ઘર ખર્ચ સિવાય અન્ય કોઇ પણ ખર્ચ કરો છો તો એ જરૂરી છે કે તમે તમારા પાર્ટનરને એ વિશે જાણ કરી દો. જો તમે આટલી બાબતોનું ધ્યાન રાખીને પ્લાનિંગ કરશો તો જીવનમાં એક સમયે પૈસા ઓછા હશે તો પણ એકબીજા વચ્ચે પ્રેમ ક્યારેય ઓછો નહી થાય.