પ્રેમ… દુનિયાનો સૌથી સુંદર અહેસાસ, ભીનાશભરી લાગણી, પોતાની જાતને અન્યને સોંપી દેવી, તેની પસંદને પોતાની પસંદ બનાવવી એટલે પ્રેમ. પરંતુ કોઇને પ્રેમ થાય અને કોઇને પ્રેમ ન પણ થાય. જેને પ્રેમ કરતાં હોઇએ એની સાથે લગ્ન થાય પણ ખરાં અને ન પણ થાય. જો કોઇ પસંદ આવે તો કોઇવાર એવો અહેસાસ પણ થાય કે આની સાથે આખી જિંદગી નહીં નીકળી શકે. અને પછી અંતમાં એવું થાય કે સિંગલ જ રહી જાવ. અનેક યુવતીઓ સાથે આવું થાય છે પરંતુ એનો મતલબ એ નથી કે તમારે તમારી જિંદગીથી નાખુશ થઇ જવું. એક સિંગલ છોકરી જોઇને સમાજ ઘણું બધું વિચારશે. પરંતુ એ માનવું ખોટું છે કે તમે સિંગલ છો તો તમારી લાઇફ અધૂરી છે. લાઇફમાં જીવવા માટે, મજા કરવા માટે ઘણીબધી વસ્તુ છે. બસ, તમારે ખાલી એટલુ જાણવાનુ છે કે તમારે એને કઇ રીતે જીવવી.તમારા મિત્ર, માતાપિતા, ભાઇબહેન અને સમાજ એ જ વિચારશે કે તમે એકલાં છો તો તમે દુઃખી હશો અને તમને સેટલ થવાની સલાહ આપતાં હશે. પરંતુ જો તમે લગ્ન કરવા નથી માગતાં પછી એનું કારણ કોઇપણ હોય પણ તમે એટલું માનીને ચાલો કે તમે એકલાં રહીને પણ ખુશ રહી શકો છો. હા પણ એક વાત ખાસ યાદ રાખો કે એકલા રહેવાનો નિર્ણય ત્યારે જ કરો કે જ્યારે તમે એકલાં રહેવા માટે તમામ રીતે તૈયાર હોય.
એવું જરૂરી નથી કે કોઇ પરણેલાં છે તો એ લાઇફમાં ખુશ જ હશે. લગ્નમાં જવાબદારીઓ સાથે સમસ્યાઓ પણ આવે છે. પરંતુ તમે તો સિંગલ છો તો તમે તમારી લાઇફને કોઇપણ કમિટમેન્ટ વગર સેલિબ્રેટ કરી શકો છો. કોઇ કપલને હાથમાં હાથ નાખીને જોયાં કરતાં ખુલ્લી હવામાં શ્વાસ લઇ પોતાની લાઇફ જીવો. લોકોની વાતોને સાંભળીને દુઃખી થવું કે તેના પર પ્રતિક્રિયા આપવાનુ મૂકી દો. તમે ઘર, પતિ, છોકરા આ તમામ જવાબદારીઓમાંથી મુક્ત છો જેથી તમે પોતાને પણ પૂરતો સમય આપી શકશો. કોઇ જ અપેક્ષા અને ઉમ્મીદ વગર જીવશો એટલે ન તો કોઇના માટે વિરોધાભાસ રહેશે કે ન કોઇ કડવાહટ રહેશે.સિંગલ છો એનો મતલબ એ પણ નથી કે તમારે એકલાં જ રહેવું. તમે તમારું પોતાનું એક સર્કલ બનાવો, ફ્રેન્ડ્સ બનાવો. અને જ્યારે પણ કંટાળો આવે તો એમની સાથે ફરવા જાવ, મૂવી જોવા જાવ, હોટેલમાં જમવા જાવ. પરંતુ કોઇ પર નિર્ભર પણ ન રહેવું કે મારી ફ્રેન્ડ આવશે તો જ હું જઇશ નહીંતર હું નહી જઉ. તમે એકલાં પણ જઇ શકો છો. અન્ય એક વસ્તુ તમે સિંગલ વુમન છો તો તમે આરામથી તમારા કેરિયર પર ધ્યાન આપી શકો છો. મોટાભાગે મેટ્રો સિટીની યુવતીઓ પોતાના કેરિયર અને ઇચ્છાઓને પૂરી કરવા માટે એકલાં રહેવાનું વધુ પસંદ કરતી હોય છે. એવી ઘણી બધી યુવતીઓ છે કે જે પોતાના કેરિયરને મહત્વ આપીને લગ્ન નથી કરતી. લગ્ન બાદ વધતી જવાબદારીઓ, બાળકો થતાં લેવો પડતો બ્રેક જેવી બાબતોને કારણે એકલાં રહેવાનું પસંદ કરે છે. અને એટલે જ ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ સિંગલ વુમન પર વધુ પસંદગી ઉતારે છે. કેમ કે સિંગલ વુમન વધુ સમયની સાથેસાથે પોતાના કામમાં પરફેક્ટ હોય છે. સિંગલ વુમન છો તો કોઇપણ રોકટોક વગર તમે તમારા દરેક શોખ પૂરા કરી શકો છો. કોઇ તમને એવું પણ નહીં કે શું આ ઉંમર છે આ બધુ કરવાની? તમે તમારી જાતને નવી ટૅક્નોલોજીથી અપડેટ રાખી શકો છો.
તમે કમાવ છો તો તેને પોતાની પર ખર્ચ કરો. પોતાની કમાઇથી શોપિંગ કરવાની મજા જ કંઇક અલગ હોય છે. જે ગમે એ ખરીદી શકો છો તમારી પર કોઇ પણ જાતનો દબાવ નહીં હોય. તમારે કોઇના માટે તમારી ખુશીઓને જતી કરવાની જરુર નથી. લોકો તમને સ્વાર્થી જરૂર કહેશે પણ એમાં ખરાબ શું છે? થોડું સ્વાર્થી હોવું પણ જરૂરી છે. નહીંતર લાઇફમાં તમને ખુશીઓ ઓછી અને દુઃખ વધુ જોવા પડશે. તમારી ખુશીઓ, તમારી ઇચ્છાઓ માટે બીજા પર શું કામ આધાર રાખવાનો. તો પછી ખૂલીને જીવો રોકટોક વગરનું જીવન…