ભારતરત્ન: નાનાજી દેશમુખ

એક એવો જીવાત્મા કે જેણે સમાજ પર એવી છાપ છોડી કે સમાજ અને દેશને એવું વિચારવાં મજબૂર કરી દીધાં કે, કોઈ સાધારણ મનુષ્ય પણ દલિતો,પીડિતો અને શોષિતોનાં દુઃખ દૂર કરી તેમનાં હૃદયમાં ઈશ્વર,ગુરુ,પ્રેરક તરીકેનું સ્થાન મેળવી શકે છે. આ જીવાત્મા એટલે નાનાજી દેશમુખ

हम अपने लिए नहीं अपनों के लिए हे। अपने वे हे जो सदियों से पीड़ित,शोषित उपेक्षित हे।

જે સમયે ભારત દેશ અંગ્રેજોની ગુલામીની જંજીરોમાં જકડાયેલ હતો, તે સમયે એક અલૌકિક આત્માએ જન્મ લીધો કે જે સમાજનાં કલ્યાણ માટે સમર્પિત રહયાં. નાનાજીનો જન્મ 11 ઓક્ટોબર 1916 ના રોજ કડોલી ખાતે, જે હિંગોલી જિલ્લાનું એક નાના  શહેરમાં મરાઠી ભાષી દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.  નાનાજીનાં પિતાનું નામ અમૃતરાવ દેશમુખ અને માતાનું  નામ રાજબાઇ હતું. નાનાજી તેમનાં પિતાનું પાંચમું સંતાન હતાં. નાનાજીનાં માતા-પિતા ભણેલાં નહોતાં.

તેમણે તેમના શિક્ષણ માટે નાણાં એકત્ર કરવા માટે શાકભાજી વેચનાર તરીકે કામ કર્યું. તે સિકરમાં હાઈસ્કૂલમાં ગ યાં, જ્યાં સિકરના રાવરાજાએ તેને શિષ્યવૃત્તિ આપી. તેમણે આગળ અભ્યાસ કર્યો. રાજસ્થાનનાં પિલાનીમાં તેમણે કોલેજ શરુ કરી. કોલેજમાં વિદ્યાર્થીઓની તમામ પ્રવૃતિઓમાં તેઓ ભાગ લેતાં કબડ્ડી અને ફૂટબોલ તેમનાં પ્રિય ખેલ હતાં. શિક્ષણપ્રાપ્તિની શરૂઆતમાં જ તે સંઘમાં જોડાઈ ગયા હતાં. 24 વર્ષની ઉંમરમાં તેમણે કોલેજ છોડીને પોતાનાં શિક્ષણનું બલિદાન આપીને દેશ અને સમાજનાં કલ્યાણ માટે તેમનું જીવન સંઘને સમર્પ્રિત કરી દીધું. અંગ્રેજોની ગુલામીની જંજીરો તોડવા માટે દેશમાં એક નવું સંગઠન ઉભું થઇ રહ્યું હતું. તેનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હતું. જેની  સ્થાપના વિજ્યાદશમીનાં દિવસે 1925 નાં ડો.કેશવ બલિરામ હેડગેવારજીએ કરી હતી.પિલાનીમાં કોલેજ કરવાં જવા માટે ડો. હેડોવરજીએ આર્થિક સહાય આપવા પ્રયત્ન કર્યો.પરંતુ નાનાજી ખુબ સ્વભિમાની વ્યક્તિ હતાં. તેમણે સવિનય ઇન્કાર કર્યો.

સાચો સ્વયંસેવક તેને કહેવાય જે પોતાનાં સ્વભિમાન સાથે ક્યારેય સમજૂતી કરતો નથી, તથા હંમેશા પોતાના માટે નહીં પરંતુ દેશ અને  સમાજ માટે જીવે છે.”

નાનાજી આવી જ વિચારધારાનું પાલન કરતાં હતાં ,નાનપણથી તે બાલગંગાધર તિલકનાં વ્યક્તિત્વ થી અત્યંત પ્રભાવી હતાં.1940 માં નાનાજી દેશમુખ સંઘનાં પ્રથમ વર્ષનાં શિક્ષણ માટે નાગપુર ગયાં. ત્યાં ડો. હેડગેવારજીએ આવેલાં તમામ સ્વયંસેવકોને પોતાનું જીવન ભારતમાતાનાં ચરણોમાં સમર્પ્રિત કરવાનું આહવાન કર્યું.  21મી જૂન 1940 માં ડો. હેડગેવારજીના નિધન બાદ નાનાજીએ 24 વર્ષની ઉંમરે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દઈને સંઘનાં પૂર્ણકાલીન સભ્ય બની ગયાં.તે સમયે અંગ્રેજો આઝાદીની લડાઈ લડવા વાળાને યાતો ફાંસીએ ચડાવી દેતા, અથવા તો કેદ કરી દેતા. આમ છતાં, નાનાજી તેમનાં નિર્ણયમાં મક્કમ હતાં. ડો. હેડગેવારજીનાં મિત્ર બાબાસાહેબ આપ્ટેનાં વ્યક્તિત્વથી નાનાજી ખુબ પ્રભાવિત હતાં.

નાનાજી દેશમુખને આગરા શહેરની જવાબદારી સોંપવામાં આવી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય બી.એ. ની પરીક્ષા પાસ કરી એમ.એ. કરવા આગ્રા આવ્યા અને નાનાજીની સાથે એક જ રૂમમાં રહેવા લાગ્યા. નાનાજી દેશમુખ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય કલાકો સુધી દેશ અને સમાજનાં વિવિધ વિષયો પર ચર્ચા કરતાં ત્યારબાદ નાનજીને કાનપુરની જવાબદારી આપવામાં આવે છે. નાનાજી એવું જુસ્સાદાર ભાષણ આપતાં, તેથી યુવાનો સંઘની રાષ્ટ્રપ્રેમની વિચારધારાથી આકર્ષાતાં.

થોડા વર્ષો બાદ નાનજીને ગોરખપુરની જવાબદારી આપવામાં આવે છે. ગોરખપુરમાં તેઓ યુવાનોને સંઘ પ્રતિ આકર્ષિત કરવાં માટે ફૂટબોલ ટીમમાં જોડાયાં અને અંતતઃ ફૂટબોલ ટીમનાં સાત સભ્યો દેશમુખજીનાં વિચારો અને પ્રતિભાથી પ્રભાવિત થઈને ગોરખપુરમાં શાખાની શરૂઆત કરવામાં આવી. પરિણામ સ્વરૂપે અનેક સંતો અને સમાજસેવકોએ તેમને સમર્થન આપવાનું વચન આપ્યું નાનાજીએ પોતાની વ્યવહાર કુશળતાથી મહંત દિગ્વિજયનાથને પોતાની સાથે જોડી લીધાં.

થોડા સમય બાદ તેમની મુલાકાત ભાઈ હનુમાન પ્રસાદ પોદારની સાથે થઇ. જેમણે ગોરખપુરમાં ગીતા પ્રેસની સ્થાપના કરી. ગીતાપ્રેસ તે સમયે હિન્દૂ ધર્મનાં પ્રચાર અને પ્રસાદ અર્થે ખુબ નજીવી કિંમતે ધર્મગ્રંથો છાપીને દેશનાં ખૂણે ખૂણામાં પહોંચાડવામાં આવતાં. આમ ખુબ થોડા સમયમાં નાનાજીએ ગોરખપુરમાં સંઘનો પ્રચાર અને પ્રસાર ખુબ મજબૂત રીતે કર્યો.     નાનાજીનાં નેતૃત્વમાં 1942 માં સૌ પ્રથમવાર ઉત્તરપ્રદેશમાં સંઘશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ કાશીમાં પણ સંઘશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. 4 જાન્યુઆરી 1948 નાં રોજ ગાંધીજીની હત્યા બાદ સંઘ પર પ્રતિબંધ લગાવીને સંઘને નેસ્તનાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરિણામ સ્વરૂપે નાનજીને ગોરખપુરથી ગિરફ્તાર કરવામાં આવ્યા.

 

1947 માં સંઘે પંડિત દીનદયાલ ઉપાઘ્યાયનાં નેતૃત્વમાં રાષ્ટ્રધર્મપત્રિકાની શરૂઆત કરી. આ માસિક પત્રિકા જેનું સંચાલન અટલ બિહારી બાજપેયી અને રાજીવ લોચન અગ્નિહોત્રી કરી રહ્યા હતાં. 1948 માં મકરસંક્રાંતિનાં શુભ દિવસે અટલ બિહારી બાજપેયી દ્વારા સંવાદિત પંચજન્યસાપ્તાહિક શરુ કર્યું.

રાજનીતિકજીવન :-

ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ 1951 માં જનસંઘ નામની  રાજનીતિક પાર્ટીની સ્થાપના કરી. આ રાજનીતિક દળને સુચારુરૂપે ચલાવવાં પંડિત દીનદયાલ ઉપધ્યાય અને નાનાજી દેશમુખને જવાબદારી સોંપવામાં આવી. 1952 નાં શરૂઆતનાં સમયમાં સફળતા ન મળવા છતાં, 1957 માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 14 ધારા સભ્યો જીતવામાં સફળ થયાં.   આમ એક પ્રકારે નાનાજીએ જનસંઘ માટે ચાણક્યની ભૂમિકા નિભાવવામાં કોઈ કસર બાકી રાખી.  જનસંઘની મોટાભાગની રણનીતિઓમાં દિમાગ નાનાજી નું જ કામ કરતુ હતું.

1967 માં જનસંઘે ઉત્તરપ્રદેશમાં 100 વિધાનસભા સભ્યો મેળવતાં, ચૌધરી ચરણસિંહને મુખ્ય પ્રધાન બનાવ્યાં. નાનાજી દેશમુખ(રાજનીતિમાં હોવાં છતાં)  વ્યક્તિગત સત્તાપ્રેમ, અવસરવાદ, દળ-બદલ, જાતિવાદ, તુષ્ટિકરણ વગેરેથી દૂર રહયાં.. આમ નાનાજી  દેશમુખ ભારતીય જનસંઘ અને રાષ્ટ્રીય રાજનીતિનાં એક મુખ્ય યોદ્ધા બની ગયા. ઉત્તરપ્રદેશમાં ભારતીય જનસંઘ પંડિત દીનદયાલજીની દ્રષ્ટિ, અટલ બિહારી બાજપેયીનું વક્તૃત્વ અને નાનાજીની સંગઠનાત્મક શક્તિથી એક મહત્વપૂર્ણ રાજનીતિક તાકાત બની ગયો.

લોકો લાડ-પ્યારમાં નાનજીને નાના ફડણવીસ કહેતાં. નાનાજીને રામમનોહર લોહિયાની સાથે પણ સારા સબંધો હતા. જેને કારણે સમાજવાદી અને જનસંઘમાં નિકટતા વધવા લાગી. 1963 નાં લોકસભાની મધ્યવર્તી ચૂંટણીમાં ડો. લોહિયાને જીતાડવામાં જનસંઘની ભૂમિકા મહત્વપૂર્ણ હતી.

નાનાજીએ પંડિતદિનદયાલ સાથે મળીને ઘણા વર્ષો કામ કરેલ આથી તેમની યાદમાં દીનદયાળ ઉપાધ્યાય  સ્મારક સમિતિ ની સ્થાપના કરી જેના અધ્યક્ષ અટલ બિહારી બાજપેયી હતા. નાનાજી પંડિત દીનદયાળને ભાઈ તેમજ મિત્ર માનતાં. 1972 માં તેમની યાદમાં દીનદયાલ શોધ સંસ્થાન ની સ્થાપના કરી. ભારતીય રાજનીતિમાં નાનાજી દેશમુખને જયપ્રકાશ નારાયણનાં આંદોલનને સફળ બનાવનાર કાર્યકર્તાનાં રૂપમાં પણ યાદ કરવામાં આવે છે.

કટોકટી કાળ:

જયારે બધાં રાજકીય પક્ષો ઇન્દિરા ગાંધીનાં રાજીનામાની માંગણી કરતાં હતા. તેમાંથી જનતાનું ધ્યાન બીજે દોરવાં 26 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટીની જાહેરાત કરી. નાનજીને આ બાબતનો અંદેશો આવી જતા તેમને તેમની જાતને છુપાવીને, પહેરવેશ બદલીને જુદી જુદી જગ્યાએ છુપાઈને સંઘર્ષ ચાલુ રાખ્યો. જનસંઘનાં કાર્યકર્તાઓની અને સ્વયંસેવકોની સમગ્ર દેશમાંથી ગિરફ્તારી કરવામાં આવી. 18 મી ઓગસ્ટે નાનાજીની ધરપકડ કરવામાં આવી. 17 જાન્યુઆરી 1977 માં કટોકટી ખતમ કરવામાં આવવાં છતાં,નાનજીને જેલમાંથી મુક્ત કરવામાં નહોતાં આવ્યા,બાદમાં ઉત્તરપ્રદેશનાં ગોંડા જીલ બલરામપુરમાંથી નાનાજીએ ઉમેદવારી કરી અને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. આ ચૂંટણીમાં તેમની શાનદાર થઇ. 1977ની ચૂંટણીમાં જનતાપાર્ટીને 302 સીટો સાથે પૂર્ણ બહુમતી મળી. જનતા પાર્ટીની ઐતિહાસિક જીતમાં નાનાજીદેશમુખની ભૂમિકા મહત્વની હતી. આથી મોરારજી દેસાઈએ તેમને ઉદ્યોગમંત્રીનું મહત્વપૂર્ણ પદ આપ્યું. જેનો તેમણે સવિનય અસ્વીકાર કર્યો.

ચૌધરી ચરણસિંહને લખેલા પાત્રમાં નાનાજીએ લખેલું.  ” હું રાજનીતિમાં મારા નિજીસવાર્થને લીધે નહીં, રાષ્ટ્રહિત માટે છું.” 20 એપ્રિલ 1978 માં એક ભાષણમાં નાનાજીએ કહેલું “60 વર્ષ પછી રાજનેતાઓ રાજનીતિમાંથી સંન્યાસ લઈને બાકીનું જીવન સમાજ અને ગરીબોની ભલાઈ માટે વાપરવું જોઈએ.”

નાનાજી ભારતના સમાજ સુધારક અને રાજકારણી હતા. તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ આત્મનિર્ભરતાના ક્ષેત્રોમાં કામ કર્યું. તેમને 1999માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા તેમને મરણોત્તર ભારત રત્ન, 2019માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ભારતીય જનસંઘના નેતા હતા અને રાજ્યસભાના સભ્ય પણ હતા.

તેમણે ગરીબી વિરોધી અને લઘુતમ જરૂરિયાતોનાં કાર્યક્રમ તરફ કામ કર્યું. તેમના કામના અન્ય ક્ષેત્રો કૃષિ અને કુટીર ઉદ્યોગ, ગ્રામીણ આરોગ્ય અને ગ્રામીણ શિક્ષણ હતા. દેશમુખે રાજકારણ છોડ્યા બાદ ચિત્રકૂટ સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળ્યું અને પોતાનો તમામ સમય સંસ્થાના નિર્માણમાં ફાળવ્યો. સામાજિક પુનર્ગઠનમાં પણ તેમનો ફાળો હતો. તેમણે ભારતના ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બંને રાજ્યોના 500 થી વધુ ગામોમાં સામાજિક પુનર્ગઠન કાર્યક્રમ હાથ ધરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મંથન” (આત્મનિરીક્ષણ) જર્નલ પણ પ્રકાશિત કર્યું હતું.  દેશમુખે ગોંડા (યુપી), બલરામપુર અને બીડ (મહારાષ્ટ્ર) માં સામાજિક કાર્ય કર્યું. તેમના પ્રોજેક્ટનું સૂત્ર હતું હર હાથ કો દેંગે કામ, હર ખેત કો દેંગે પાની.”

દેશમુખનું 27 ફેબ્રુઆરી 2010 ના રોજ ચિત્રકુટ ગ્રામોદય વિશ્વવિદ્યાલયના પરિસરમાં અવસાન થયું હતું. આમ નાનાજીનું જીવન કોઈ પદમાટે નહિ ,પણ કદ ના રૂપમાં યાદ કરવામાં આવે છે. આમ આ જીવાત્માએ મનુષ્યજાતિ અને સમાજ માટે આપેલ ફાળો અનન્ય છે. નાનાજી દેશમુખને આજના તેમનાં જન્મદિવસે (11 મી ઓક્ટોબર) શત શત નમન…

(ડો.મયંક ત્રિવેદી, લાઈબ્રેરીયન, એમ.એસ.યુ,વડોદરા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]