માનવ સેવાના મંદિર સમા ફાઉન્ડેશનના સ્થાપક તબીબ

પૃથ્વી પર એન્જલ્સ એટલે કે દેવદૂત અને સંતનું હોવું એ એક દુર્લભ ઘટના છે. એ જ્યારે આપણી વચ્ચે હોય છે ત્યારે આપણા માટે કાયમ આશીર્વાદ સમાન હોય છે, પણ જ્યારે આપણે આવા લોકોને ગુમાવી દઈએ છીએ ત્યારે એ આપણા માટે દુઃખદાયક હોય છે અને એ આપણને એક પ્રકારના ખાલીપાનો અનુભવ કરાવે છે. એ ખાલીપો પૂરવો અઘરૂં બની જતું હોય છે.

હાલ દેશભરના ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટસ, ડાયાબિટીસથી પીડાતા અનેક વયસ્ક દર્દીઓ અને બાળકો આવા જ એક દેવદૂત સમા ડો. વી.એસ. અજગાંવકરની ચિરવિદાયથી દુઃખી છે અને આ ખાલીપો અનુભવી રહયા છે. દેશના સુપ્રસિદ્ધ ડાયેબિટેલોજિસ્ટ, મહાન શિક્ષક અને ‘જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન-મહારાષ્ટ્ર’ ના સંસ્થાપક ડો. અજગાંવકરનું હમણાં 11 ઓગસ્ટ, 2020ના રોજ મુંબઈમાં નિધન થયું. 89 વર્ષના ડો. અજગાંવકર છેલ્લા કેટલાંક વર્ષોથી કેન્સરથી પીડિત હતા, પણ એમની બીમારી એમને એમના સેવાકાર્યોથી દૂર નહોતી રાખી શકી. જીવનના અંત સુધી એ ડાયાબિટીક દર્દીઓની સેવા કરતા રહયા એટલું જ નહીં, ડાયાબિટીસના ઇતિહાસ પર એમણે એક પુસ્તક લખ્યું. સતત છ દાયકા સુધી પરિશ્રમ કરીને એમણે આ વિષય પર ઉંડું સંશોધન કરેલું છે.

લગભગ ચાલીસેક વર્ષ પહેલાં જ્યારે ડાયાબિટીસ દર્દીઓની સારવાર ફક્ત દવાઓથી જ કરવામાં આવતી હતી અને ખાસ કરીને ડાયાબિટીસથી પીડિત બાળકો એક નિરાશાજનક જિંદગી જીવતા હતા ત્યારે ડો. વિજય અજગાંવકરે (એ આબા નામથી લોકપ્રિય હતા-જેનો અર્થ થાય છે એવી વ્યક્તિ કે જેનામાં માતા અને પિતા બન્નેના ગુણોનો સમન્વય થયો હોય) આવા દર્દીઓના જીવનમાં નવી આશા જગાવી. સારવાર ઉપરાંત, દર્દીઓને હૂંફાળો સ્પર્શ આપીને ડાયાબિટીસના પડકારો છતાં ય આ બાળકો કેવી રીતે જિંદગી જીવી શકે અને ખરા અર્થમાં જિંદગી માણી શકે એ દિશા એમણે બતાવી. આમાંથી અનેક બાળકો આજે મોટા થઇને પોતાની કરિયરમાં સફળ થયા છે અને પોતાના ઘર-પરિવાર સાથે બીજા અનેક લોકોની જેમ નોર્મલ લાઇફ જીવી રહયા છે. આટલું જ નહીં, એ લોકો ડાયાબિટીસથી પીડાતા અનેક બાળકો માટે એક રોલ મોડલ સમાન બની ચૂક્યા છે.

આ અર્થમાં ડો. અજગાંવકરે એક એવી માનવ-સાંકળ તૈયાર કરી છે કે એમણે પોતાના આગવા માનવીય સ્પર્શથી આવી અનેક જિંદગીઓમાં પરિવર્તન લાવવાનું જે મિશન શરૂ કર્યું હતું એ મિશન કાયમ માટે ચાલુ જ રહે. કોઇ દેવદૂત સમાન વ્યક્તિ જ પોતાની દૂરંદેશીથી આવી સિધ્ધી મેળવી શકે છે.

મુંબઈસ્થિત જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડો. મનોજ ભાટવેડર કહે છે, ‘સર (ડો. અજગાંવકર) ટાઇપ વન ડાયાબિટીસની સારવારમાં માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજનારાઓમાં સૌથી આગળ હતા. વયસ્ક ડાયાબિટીસના વયસ્ક દર્દીઓની સારવાર કરતી વખતે એ દર્દીઓની મનોસામાજિક (સાઇકોસોશિયલ) પૃષ્ઠભૂમિમાં ઊંડા ઊતરતા અને એમના તણાવને સમજીને એમને મદદ કરતા. એ હંમેશા કહતા કે, મારું અડધું કામ એ તમારું કામ છે. એ એક બાહોશ ડોક્ટર તો હતા જ, પણ સાથે સાથે દર્દીઓની માનસિક પરિસ્થિતિને સમજવાની એમની સંવેદનશીલતા અને સરળતાથી ઉપલબ્ધ હોવાના લીધે એ દર્દીઓમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા.’

જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF)ના માધ્યમથી મહારાષ્ટ્રમાં એમણે 40 વર્ષ પહેલાં ટાઇપ-વન ડાયાબિટિક બાળકો અને એમના માતા-પિતાને યોગ્ય મદદ માટે એક સપોર્ટ ગ્રુપ બનાવ્યું હતું. આબાના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતમાં આવા ચાર ગ્રુપ કાર્યરત છે, તો નાગપુર અને છત્તીસગઢમાં પણ આ ગ્રુપ કાર્યરત છે.

એ ખરા અર્થમાં મેન ઓફ એક્શન હતા. એ માનતા કે, જ્યારે કોઈ એક વ્યક્તિ નેકદિલથી સારું કામ હાથમાં લે છે ત્યારે બીજા સારા લોકો એમાં જોડાતા જ હોય છે. અને બન્યું પણ એવું જ. આજે ડો. અસ્પિ ઇરાની (પિડિયાટ્રિશિયન), ડો. દીપક દલાલ (ડાયાબિટેલોજિસ્ટ), ડો. આનંદ નાડકર્ણી (મનોચિકિત્સક), ડો. મનોજ ભાટવડેકર (સાઇકિયાટ્રીસ્ટ) જેવા અનેક જાણીતા અને સેવાભાવી તબીબો મહારાષ્ટ્રમાં JDF સાથે જોડાયેલા છે.

ડો. અજગાંવકર ટોપીવાલા મેડિકલ કોલેજમાં લેક્ચર આપવા જતા. પછીથી એમણે સાયન હોસ્પિટલમાં ફિઝીશિયન તરીકે પણ સેવાઓ આપી, ખાસ કરીને ડાયાબિટીસના રોગ માટે વિશેષ રસ લઇને. કસ્તુરબા હોસ્પિટલમાં 25 વર્ષ સુધી સંક્રમણ રોગની સારવાર માટે શિક્ષણ આપ્યું અને એસ. એલ. રાહેજા હોસ્પિટલમાં પણ 1981થી 2005 સુધી ડાયાબિટેલોજિસ્ટ તરીકે સેવાઓ આપી. શિક્ષક તરીકે પણ લોકપ્રિય એવા ડો. આજગાંવકર માટે એમના વિદ્યાર્થીઓ આજે પણ એટલો જ આદરભાવ ધરાવે છે.

એમનું એક પુસ્તક “નાતે જુડલે મધુમેહાશી” અર્થાત, ‘ડાયાબિટીસની સાથે ગાઢ સંબંધ’ માં એમણે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF)ના વિસ્તૃત ઇતિહાસ અને ડાયાબિટીસના વિવિધ પાસાંઓનું વર્ણન કર્યું છે. પુસ્તકમાં ડાયાબિટીસ થયા પછી દર્દી કેવી રીતે ખુશ અને સ્વસ્થ રહી શકે એની સરસ રજૂઆત છે.

ખુલ્લા દિલના ડો. અજગાંવકર પોતાનાથી નાની ઉંમરના લોકો પાસે પણ હંમેશા શીખવાની વૃત્તિ ધરાવતા હતા. આયુષ્યના સાતમા દાયકામાં પણ એમણે મુંબઈ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું હતું. એમણે પૌરાણિક કથાઓનો તુલનાત્મક સ્ટડી કર્યો, સંસ્કૃતમાં ડિપ્લોમા પણ કર્યો અને ઇતિહાસમાં ડીગ્રી પણ મેળવી. આ વાત જ એમની સતત કાંઇક નવું શીખતા રહેવાની ધગશનો પુરાવો આપે છે. અનેક કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, લેખો અને પુસ્તકો લખનાર ડો. અજગાંવકર એક સારા લેખક પણ હતા. જિંદગીના પાછલાં વર્ષોમાં સ્કેચ બનાવવા અને પેઇન્ટિંગ કરવું એ એમની પ્રિય પ્રવૃત્તિ હતી.

એમના નિધન પછી પણ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનું કામ તો ચાલુ જ રહેશે, જે એમનું એક સપનું હતું. બાળરોગ, ખાસ કરીને ડાયાબિટીક બાળકોના સારવારમાં વિશેષ રસ ધરાવતા અને શરૂઆતથી જ ફાઉન્ડેશન સાથે જોડાયેલા ડો. અસ્પિ ઇરાની યાદ કરે છે એમ, આ મિશનની શરૂઆત 80ના દાયકામાં થઈ હતી, જ્યારે ડાયાબિટીસથી પીડિત બાળકો માટે સ્થિતિ ચિંતાજનક હતી. ડો. ઇરાની કહે છે, ‘પ્રારંભના એ દિવસોમાં ડો. અજગાંવકરે મને એમની સાથે કામ કરવા માટે આમંત્રિત  કર્યો હતો કેમ કે એ માનતા હતા કે ડાયાબિટીસથી પીડિત બાળકોને ફ્કત ઇન્સ્યુલિન લખી આપવા પૂરતું નથી. એમને વિશેષ સારવાર અને હૂંફની જરૂર હોય છે. આ બાળકો અને તેમનાં પરિવારને ડાયાબિટીસ વિશે શિક્ષિત કરવા જરૂરી હતા જેથી એ આત્મનિર્ભર બનીને જીવી શકે. તેમને કાઉન્સેલિંગની જરૂર હતી, કેમ કે જીવનભર ચાલતી સારવારની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. મેં આ બાળકો અને તેમના પરિવારોના જીવનમાં એક નોંધપાત્ર બદલાવ જોયો છે અને અમારી ટીમના કામથી મને ઘણો સંતોષ છે.’

પરંતુ શું ડો. અજગાંવકરના નિધન પછી જુવેનાઇલ ડાયાબિટીસના ક્ષેત્રે કામ કરવાનું આ મિશન એમના સૈનિકો ઉપાડી લેશે?

‘હા, ચોક્કસ. સારું કાર્ય નિરંતર ચાલુ જ રહેશે અને કાયમ ચાલતું રહેશે.’ ડો ઇરાની કહે છે.

ડો. દીપક દલાલ અને ફાઉન્ડેશનના એક ટ્રસ્ટી વિપુલ મહેતા યોગ્ય રીતે જ કહે છે કે, ‘આબા માટે જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન માનવ સેવાનું એક મંદિર હતું. તેમના જીવંત શિશુ મધુવીર તેમના આરાધ્યદેવ હતા. તે અને તેમનાથી પ્રેરાઇને અહીં કામ કરનાર દરેક વ્યક્તિ આ મંદિરના નિરપેક્ષ પૂજારીઓ હતા. સેવક હતા અને છે. આ મંદિર મુંબઈથી શરૂ થઈને ભાવનગર, નાગપુર,  રાજકોટ, જામનગર અને છત્તીસગઢ ખાતે તેમના અનુયાયીઓએ સ્વતઃ પ્રેરણાથી શરૂ કર્યા અને આજે પણ કાર્યરત છે. ઇતિહાસ આ સઘળા જીવંત મંદિરોનો સાક્ષી બની રહેશે એમાં શંકા નથી.’

(ડો. ભાવિશા જોશી-મુંબઇ)