સૉશિયલ મિડિયા: ખાતાં બંધ કરતા પહેલાં…

સૉશિયલ મિડિયાથી હવે ઘણાને કાં તો કંટાળો આવવા લાગ્યો છે તો કેટલાકને નિરાશા. કેટલાકને ગુસ્સો પણ આવવા લાગ્યો છે. ટૂંકમાં, સૉશિયલ મિડિયા પ્રત્યેનો મોહભંગ થવા લાગ્યો છે કારણકે તેનાથી સામાજિક મિલનના બદલે ઝઘડા થાય છે. તમારી અંગત માહિતીનો દુરુપયોગ થાય છે. તમને બીજાની પૉસ્ટ કે ફોટા જોઈને ચીડ આવી શકે છે. આવી સ્થિતિમાં તેમને હવે સૉશિયલ મિડિયાનાં ખાતાં બંધ કરવા હોય છે. પરંતુ સબુર. ખાતાં બંધ કરવા એમ સરળ નથી. ના, ના. વિધિ તો સરળ જ છે પણ કેટલીક તકેદારીઓ લઈને ખાતાં બંધ કરવા હિતાવહ છે. તો ચાલો, આજે તમને આપીએ ખાતાં બંધ કરવાની સલાહ.social_media_closeતમે તમારી બધી સામગ્રીને ભૂંસી નાખે તે પહેલાં, તમને કદાચ તેને ડાઉનલૉડ કરવા વિચારો તેવું શક્ય છે. તમને થાય કે તમે ફેસબુક પર ફોટા અપલૉડ તો કરી નાખ્યા પણ પછી તે ફેસબુકમાં જ રહેવાના છે તેમ માનીને તેને ફૉનમાંથી ડિલીટ કરી નાખ્યા હોવાનો સંભવ છે. આથી ફેસબુક , ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ પર તમે જે પૉસ્ટ, પછી તે ફોટા હોય, વિડિયો હોય કે લખાણ, તેને ડાઉનલૉડ કરી કમ્પ્યૂટરમાં સંગ્રહિત કરી લો.

પછી ખાતું બંધ કરતા પહેલાં સો વાર વિચાર કરી લો કે તમારે ખાતું ખરેખર બંધ જ કરવું છે ને કારણકે નહિતર જો તમે ઉતાવળમાં ખાતું બંધ કરી દેશો અને પછી ભવિષ્યમાં મન બદલાશે તો ખાતું તો નવેસરથી ચાલુ થઈ જશે પણ તેમાં પ્રૉફાઇલની વિગતો ભરવાની, પ્રૉફાઇલ પિકચર, કવર ફોટો અપલૉડ કરવાની (તેમાંય પાછો ઓરસચોરસ બનાવવો), પછી મિત્રો કે અનુચરો (ફૉલૉઅર) ફરીથી બનાવવા કે મેળવવા, કોઈના ફૉલોઅર બનવાની પ્રક્રિયા લાંબી અને કંટાળાજનક છે. પાછું સામે પક્ષે એ લોકો ફરીથી તમને મિત્ર બનાવશે જ તેની કોઈ ખાતરી નથી.

માનો કે તમારે સાવ સૉશિયલ મિડિયા નથી છોડવું પણ કેટલાક મિત્રો, જે ખરેખર તો મિત્રો નથી, તેમને તીલાંજલી આપવી છે તે માટે તમે સૉશિયલ મિડિયા છોડવું છે તો તમારે તેના માટે મિત્રોને અનફ્રેન્ડ કે બ્લૉક કરવાનો વિકલ્પ રહેલો છે. આનો બીજો વિકલ્પ એ પણ છે કે તમે એ ખાતું બંધ કરી નવેસરથી ખાતું ખોલાવો અને એમાં એમને જ મિત્રો તરીકે જોડો જેમને તમે મિત્ર તરીકે રાખવા માગો છો. ઘણા લોકો પોતાનાં એકથી વધુ ખાતાં રાખે છે. દા.ત. કોઈ સ્ત્રી પોતાનાં વેસ્ટર્ન ડ્રેસ પહેરેલા ફોટા પોતાના એ ખાતામાં જ અપલૉડ કરશે જેમાં તેનાં સાસરિયા કે માતાપિતા નથી કે નથી સમાજની એવી  કોઈ વ્યક્તિ જે તેનાં વડીલોના કાન ભંભેરી શકે.

હવે ફેસબુક પરથી તમે સાવ નીકળી જ જવા માગો છો તો તમારે તમારા ખાતાને ડિલીટ કરવું જોઈએ, ડિએક્ટિવેટ નહીં. ડિએક્ટિવેટ કરવાથી ખાતું ફેસબુક પરથી અદૃશ્ય તો થશે પણ તમે ગમે ત્યારે એને પાછું ચાલુ કરી શકશો. તેના કારણે તમારો ડેટા અકબંધ રહેશે. આ જ રીતે જો તમને થાય કે તમે ભવિષ્યમાં કદાચ પાછું ખાતું ખોલવા માગશો તો તમારે તેને ડિલીટ નહીં, ડિએક્ટિવેટ કરવું જોઈએ. આમ તો ખાતું બંધ કરતા પહેલાં તેને નિષ્ક્રિય કરવું એ જ સારો માર્ગ છે. તેના લીધે તમારા મનની કસોટી થઈ જશે કે તમે ખરેખર ફેસબુક વગર રહી શકો છો કે કેમ. જો તમે તમારા ઈરાદા પર અનેક દિવસો સુધી મક્કમ રહી શકો તો તમારી પાસે ખાતું સંપૂર્ણ બંધ કરવાનો વિકલ્પ ખુલ્લો જ છે પરંતુ જો તમે પહેલાં ખાતું બંધ કરી દીધું હશે તો તમારું મન ચળી જશે અને તમારે ખાતું પાછું ચાલુ કરવું હશે તો આખી માથાકૂટ એકડેએકથી કરવી પડશે.