આ કાર પહોંચાડે છે ઘરે બેઠાં કરિયાણું!

જમાનો ઘરે બેઠાં ઘણું પ્રાપ્ત કરવાનો છે. આ જુઓ ને, તમે આ લેખ પણ ઘરે બેઠાં જ તમારા મોબાઇલ કે પીસી પર વાંચી રહ્યા છો ને. પરંતુ ઘરે બેઠાં પ્રાપ્ત કરવાની સુવિધા આપવાની કંપનીઓ વચ્ચે હોડ લાગી છે. તેમાં ટૅક્નૉલૉજીના માધ્યમથી નવાનવા પ્રયોગો રોજબરોજ થઈ રહ્યા છે.

અમેરિકાનું જ ઉદાહરણ લો ને. ત્યાં છૂટક વેપાર કરતી મોટી કંપનીઓને, ભારતની જેમ જ, ઑનલાઇન કામ કરતા વેપારીઓથી સ્પર્ધા છે. આથી તેઓ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે તેમના ગ્રાહકોને પણ તેઓ ઑનલાઇન કંપનીઓ જેવી જ સુવિધા આપી શકે. અમેરિકાની સૌથી મોટી કરિયાણાની શ્રૃંખલા દુકાનો ધરાવતી ક્રૉગરે પોતાના ગ્રાહકોને ઘરે બેઠાં કરિયાણું પહોંચાડવા ડ્રાઇવરવિહોણી કારનું પરીક્ષણ શરૂ કર્યું છે.

ક્રૉગરનો આ પરીક્ષણ કાર્યક્રમ ગત સપ્તાહે શરૂ કરાયો હતો. અમેરિકાના સ્કૉટ્સડેલમાં આવેલા તેના એક સુપરમાર્કેટની બહાર રૉબૉટિક કાર ઊભી હતી. સ્ટૉરના કારકૂને પાછળની બેઠક પર કરિયાણું ભરેલી કોથળીઓ મૂકી. એક વ્યક્તિ ડ્રાઇવરની બેઠક પર અને એક બીજી વ્યક્તિ તેની બાજુની બેઠક પર હતો. તે બંને કારનું કાર્ય જોવા માટે ત્યાં હતા.

આ પ્રકારની સેવામાં ગ્રાહકો મોબાઇલ ઍપ પર ૬ ડૉલરના એક સમાન દરે પોતાનો ઑર્ડર ઑનલાઇન નોંધાવી શકે છે. ઑર્ડર મૂકાયા પછી ડ્રાઇવરવિહોણી કાર કરિયાણું પહોંચાડશે, પરંતુ ગ્રાહકોએ તે લેવા હાજર રહેવું પડશે. તેમને એક સંખ્યાવાળો કૉડ અપાશે જેની મદદથી કારનો દરવાજો ખુલશે.

હાલમાં ક્રૉગર ટૉયૉટાના પ્રિયસ વાહનને કામમાં લાવી રહી છે. અત્યારે તો માણસ કારમાં હાજર રહે છે પરંતુ પરીક્ષણના બીજા તબક્કામાં માણસો વગર માત્ર કાર દ્વારા કરિયાણું પહોંચાડવાનું પરીક્ષણ થશે. સિનસિનાટી સ્થિત ક્રૉગર સિલિકૉન વેલી સ્ટાર્ટ અપ ન્યુરો સાથે ભાગીદારી કરી રહી છે. આ સ્ટાર્ટ અપ બે એન્જિનિયરોએ સ્થાપ્યું છે. તેઓ ગૂગલમાં સ્વંયચાલિત વાહન પર કામ કરતા હતા. ન્યૂરોના સહ સ્થાપક ડેવ ફર્ગ્યુસને કહ્યું કે અમારો હેતુ લોકોનો સમય બચાવવાનો છે, સાથે જ સલામતીપૂર્વક કામ કરવાનો પણ છે. સમય સાથે અમે સુધારા કરતા જઈશું.

ગૂગલના સ્વયંચાલિત વાહનની પરિયોજનાને વેયમો નામ અપાયું હતું. તેણે અમેરિકાના ફૉએનિક્સમાં ગયા મહિને વૉલમાર્ટ સ્ટૉર માટે આવો જ પરીક્ષણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. વેયમો એવી સેવા શરૂ કરવા પ્રયાસ કરી રહી છે જેમાં બસ અને રેલવેના મુસાફરો નજીકના ઠેકાણે જવા સ્વયંચાલિત કાર માટે ઑર્ડર આપી શકે. ફૉએનિક્સ વિસ્તારમાં ટ્રાન્ઝિટ લાઇનનું કામ સંભાળતી વેલી મેટ્રો અત્યારે આ પરીક્ષણ કરી રહી છે.

ગયા વર્ષે સ્વયંચાલિત કારને સંડોવતો એક જીવલેણ અકસ્માત થયો હતો. સ્વયંચાલિત ઉબેર એસયુવી ગત માર્ચમાં ફૉએનિક્સમાં એક મહિલા સાથે અથડાઈ અને મહિલાનું મૃત્યુ થયું. આમ છતાં આ બાબતે પરીક્ષણો અટક્યાં નથી. એરિઝૉના સ્વયંચાલિત ટૅક્નૉલૉજી માટે પરીક્ષણ મેદાન બની ગયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]