નવ દિવસ માતાની સ્તુતિ સાથે સ્વને સમજીએ

નવરાત્રી એટલે ગરબા. વર્તુળાકાર બનાવી ઠેસ અને તાલી કે ચપટી સાથે કમરેથી વાંકા વળી પાછા સીધા થઇ શરીરને થોડું ગોળ ફેરવવું. ગરબા થતાં હોય ત્યારે શરીરના દરેકે દરેક અંગોને કસરત તો મળે જ પણ ઉર્જાનો સતત સંચાર પણ થાય. ગરબા એક પ્રકારની સ્તુતિ જ છે.

માતાજીના ગરબા કે આરતી ગાતી વખતે તાલી પાડવામાં આવે. અને એ પણ લયબદ્ધ રીતે. એની પાછળ પણ વિજ્ઞાન છે. પણ એ ઉપરાંત ગાતી વખતે લય સચવાય એના માટે તાલની જરૂર પડે. એટલે તાલી વગાડવામાં આવે. દક્ષિણ ભારતીય ગાયકો પોતાના પગ પર હાથથી જે રીતે તાલ આપે છે એ આ પ્રકારની પ્રક્રિયા ગણી શકાય. તાલી પાડતી વખતે બંને હાથ એક બીજાને સ્પર્શે. હાથ અને પગમાં ઉર્જાના બિંદુઓ આવેલા છે. આપણા પોતાના શરીરની ઉર્જા રીચાર્જ થાય.

સ્વ સાથે જોડાયેલી અન્ય એક બાબત એટલે આત્મસન્માન. શ્વાસ, પ્રેમ ઉપરાંત જે ત્રીજી બાબત માનવને જીવંત રાખે છે તે છે તેનું આત્મસન્માન. આફ્રિકાના એક દેશમાં કોઈ વ્યક્તિએ ગુન્હો કર્યો હોય તો એને મૃત્યુ દંડ આપવાના બદલે એની આસપાસના લોકો એનું આત્મસન્માન ઓછું થાય એવું બોલતા. જે તે વ્યક્તિ આના કારણે મૃત્યુ પામતી એવું ક્યાંક વાંચવામાં આવ્યું હતું. એ કેટલું સાચું છે એ ખબર નથી. પણ આત્મસન્માન આત્મવિશ્વાસ સાથે જોડાયેલું છે એ ખબર છે.

વ્યક્તિ જયારે આત્મવિશ્વાસ ખોઈ બેસે ત્યારે એ પોતે જે વસ્તુ નથી ઈચ્છતો એ કરવા તૈયાર થઇ જાય છે. અંકુશ ફિલ્મના એક દ્રશ્યમાં આ બાબત દર્શાવી છે. કેટલાક લોકો એવું કહે છે કે સફળ થવા માટે શરૂઆતમાં સન્માન ભૂલી અને જે હૃદયને મંજુર નથી એ પણ કરવું જોઈએ. પછી એક વાર સફળ થઇ ગયા પછી આપણને ગમે છે એ બધું જ કરી શકાય છે. શું એક વાર આત્મસન્માનના ભોગે સફળ થયેલો માણસ અન્ય વ્યક્તિને સન્માન આપી શકશે? એ પોતે એક એવી ઝાળ રચશે જેમાં એ પોતે જે પ્રક્રિયામાંથી પસાર થયો છે એવું અન્ય સાથે કરવા પ્રયત્ન કરશે. આમ દરેક પેઢી વધારે નમાલી થઇ શકે.

જે આત્માને મંજુર નથી એ ક્યારેય ન કરાય. થોડા પ્રલોભનો માટે મનને થોડું મારી નંખાય? લાંબા સમય સુધી મન મારીને જીવનાર વ્યક્તિઓ અંતે બીમારીઓનો ભોગ બને છે. દબાયેલું મન ક્યારેક બળવો તો ક્યારેક હતાશાને જન્મ આપે છે. પછી કોઈની રહેમ નજરથી મળેલી જગ્યા એ વ્યક્તિનો આત્મવિશ્વાસ પાછો આપી શકશે? બની શકે એને કોઈના ઉપર વિશ્વાસ જ ન આવે. સફળતાના આવરણ નીચે બેઠેલો આત્મસન્માન વિહોણો માણસ આંતરિક રીતે નિષ્ફળ જ રહેશે. આવા માણસો અન્યનું આત્મસન્માન ઓછુ કરવા પ્રયત્ન કરી શકે.

આવા સમયે એક વાત સમજવી ખુબ જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા થયેલું અપમાન કે અપમાન જનક પ્રક્રિયા કોઈનું સન્માન હણી ન શકે. જેના પર બળાત્કાર થયો છે એ દોષી નથી. જે બળાત્કાર કરે છે એ અસન્માનનીય છે એ સમજવું ખુબ જરુરી છે. દમન ક્યારેય સહન ન થાય. અને જો ક્યારેક કોઈ એ કરવા પ્રયત્ન કરે તો સ્વ પર ભરોસો રાખવો જરૂરી છે. જો આત્મસન્માન જીવિત હશે તો માણસ પોતાની ઉર્જા થકી જીવન પથ સફળતાથી કાપી શકશે. માતાની સ્તુતિ સાથે સ્વને સમજીએ અને એ જ કરીએ જે પોતાને ગમે છે. અને ગમતું કરવાથી જ સાચી સફળતા મળશે.

(મયંક રાવલ)