તું મારા માટે આટલું નહીં કરે?

વિનુનો પતિ મહેશ ઓફિસે ગયો એટલે ઝાંપો બંધ કરીને વિનુ પાછી ફરી. લગભગ પાંચેક મિનિટ પછી અચાનક એક કૂતરાની દર્દભરી કિકિયારી સંભળાઈ. વિનુ તરત જ દોડીને બહાર નીકળી અને જોયું તો એક સ્કૂટર ચાલકે રસ્તાની બાજુ પર સૂતેલા કૂતરાના પગ પર ટાયર ફેરવી દીધેલું. કૂતરું પીડાથી કણસી રહ્યું હતું. વિનુ એની નજીક ગઈ.

પહેલાં તો વિનુને પોતાની પાસે આવતી જોઈને તે કાબરચીતરૂં કૂતરું ભસ્યું, પણ પછી તો એ જાનવર ય વિનુની આંખોમાં રહેલી ભાવના સમજી ગયું. વિનુએ પાસે બેસીને તેના માટે હાથ ફેરવ્યો એટલે એ શાંત થયું, પણ કણસવાનો અવાજ બતાવતો હતો કે તેનું દર્દ અસહ્ય હતું. પગનું હાડકું તૂટી ગયું હોય તેવું લાગતું હતું.

વિનુએ પતિ મહેશને ફોન કરીને વિગત કહી સંભળાવી અને પ્રાણીના દવાખાના વિશે માહિતી પૂછી.

‘તું ફોન કરીને જાણ કરી દે કોઈને. બીજું આપણે શું કરવાનું તેમાં?’ મહેશને વાતમાં ખાસ રસ પડ્યો નહીં.

‘પહેલા તો હું તેને આપણા વિસ્તારના પ્રાણીઓ માટેના દવાખાનામાં લઇ જવાની વ્યવસ્થા કરું છું. હું તને પછી ફોન કરીશ, બાય.’ કહીને વિનુએ ફોન કાપી નાખ્યો.

ઈન્ટરનેટ પરથી નજીકના પ્રાણી દવાખાના અને ડોક્ટરની વિગત મેળવીને વિનુએ ફોન કર્યો અને એપોઇન્ટમેન્ટ મેળવી. બે ગરમ ગરમ રોટલી બનાવીને તે કૂતરા પાસે બહાર આવી. દર્દ હળવું થવાને કારણે હવે કૂતરું આંખો મીંચીને સૂતું હતું, પણ ભાંગેલો પગ હજી તેણે જમીનથી અધ્ધર ઊંચકી રાખ્યો હતો. વિનુએ તેના માથે હાથ ફેરવ્યો એટલે શાંત પડી રહેલા શ્વાને એક આંખ ખોલીને જોયું. મૂંગા પ્રાણીને કોઈએ આટલા પ્રેમથી પંપાળ્યું તેના આનંદમાં લાડ દર્શાવતા ઉહમ… ઉહમ એવા ઉદગાર કાઢ્યા અને ગરદન વિનુ તરફ લંબાવી. વિનુએ તેને રોટલી ખવડાવી અને ધીમે ધીમે કૂતરું વિશ્વાસમાં આવ્યું એટલે ઓટો રીક્ષા રોકીને તેને દવાખાને લઇ ગઈ.

ડોક્ટરે પાટા પિંડી કરીને દવા આપી. દર્દ ઓછું થતા કૂતરાની આંખોમાં ચમક આવી અને હવે વિનુ સાથે ગમ્મત કરવા માંડ્યું. વિનુ તેને લઈને પાછી ફરી અને ઘરના એક ખૂણામાં ગુણીયું પાથરીને તેને સૂવાડ્યું.

સાંજે મહેશ ઓફિસેથી આવ્યો તો જોયું કે ઘરના ખૂણામાં કૂતરું ઊંઘતું હતું. તેનો મગજ છટક્યો.

‘વિનુ, આ કૂતરાને તું ઘરમાં શા માટે લાવી?’

‘મહેશ, તેને સારવારની જરૂર છે. હું વિચારું છું કે એકદમ સારું ન થાય ત્યાં સુધી આપણા ઘરમાં જ રાખું.’ વિનુએ પોતાના મનનો વિચાર મૂક્યો.

‘અરે, ના હો. ઘરમાં મને કૂતરા ન જોઈએ.’ મહેશે ચિડાઈને કહ્યું.

વિનુને સમજાયું નહીં કે તે શું કહે. તેને પોતાનું બાળપણ યાદ આવ્યું.

‘વિનુ, વિનુ, આ શું માંડ્યું છે? ગલૂડિયાને ઘરમાં ન લાવ, કેટલી વાર કહેવું તને?’ પુષ્પા બહેને પોતાની બાર વર્ષની દીકરી વિનુ પર ચિડાતા કહેલું.

‘મમ્મી, તને ખબર છે હું ન લાવી હોત તો તેને કોઈ ન સાચવત.’ ઘાયલ ગલૂડિયાને પંપાળતા વિનુએ કહ્યું હતું.

વિનુને જાનવરો પ્રત્યે બાળપણથી જ ખૂબ પ્રેમ હતો. એમાંય ખાસ કરીને જેને સહાયતાની જરૂર હોય તેવા જાનવરો માટે વિનુ બધું જ કરી છૂટવા તૈયાર હોય. ક્યારેક મોટરગાડી કે સ્કૂટર નીચે આવી જાય કે બીજી કોઈ રીતે ઘવાઈ જાય તો તેવા પ્રાણીઓને દવાખાને પહોંચાડવા માટે તે નાની બાળકી પોતાનાથી બનતું બધું જ કરી છૂટે. જયારે તે પોતાના મમ્મી-પપ્પા સાથે રહેતી ત્યારે તો જેમ તેમ કરીને તે બંનેને માનવી લેતી. પણ હવે તો છ મહિનાથી પતિ સાથે જ રહેતી હતી. નવા નવા લગ્ન હતા અને હજી પતિનો સ્વભાવ પરખાયો નહોતો એટલે તે થોડી મૂંઝવણમાં પડી.

‘મેં તને કહ્યુંને વિનુ, કૂતરાને ઘરમાં રાખવાનું નથી.’ મહેશે ફરીથી પોતાનો ઈરાદો સ્પષ્ટ કરતા કહ્યું એટલે વિનુ પોતાના વિચારોમાંથી બહાર આવી.

‘પણ શા માટે? ખૂણામાં સૂતું રહેશે. આઠ દસ દિવસમાં સારું થઇ જશે પછી હું તેને બહાર મૂકી દઈશ. તું મારા માટે આટલું નહિ કરે?’ વિનુએ વિનંતી કરતા કહ્યું. વિનુની વિનંતીમાં સૂર પૂરાવતું હોય તેમ કૂતરાએ પણ પોતાના લાક્ષણિક અવાજમાં હુંકાર કર્યો. જાણે કે તેને સમજ પડતી હોય કે તેના માટે જ વાત થઇ રહી છે.

મહેશે કૂતરા તરફ જોયું તો તેની આંખોમાં આશા છલકાતી હોય તેવું લાગ્યું. તેની પત્નીની આંખો વિવશ નહિ પણ પ્રેમાળ લાગતી હતી. બાળપણમાં તેના મિત્રને હડકાયુ કૂતરું કરડ્યું અને ચૌદ ઇન્જેક્શન લેવા પડેલા ત્યારથી મહેશને કૂતરાથી ઘૃણા થઇ આવેલી અને તે જાનવરોથી હંમેશા દૂર રહેતો.

‘પ્લીઝ, મહેશ.’ વિનુએ હાથ જોડીને ફરીથી કહ્યું.

‘સારું. પણ ઘરમાં નહિ. તેના માટે ડોગ હાઉસ ખરીદી લેજે અને ફળિયામાં ખૂણામાં રાખી દેજે.’ મહેશે પોતાના જૂના ઘાવને કારણે પત્નીના હૃદયને ઘાવ ન પહોંચાડવાનો નિર્ણય લીધો.

(રોહિત વઢવાણા)

 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)