‘બસ હવે ક્યારેય નહી આજ પછી ક્યારેય નહીં’: રૂપાલીએ નિર્ણય મક્કમ કર્યો

રૂપાલી તેના મોબાઈલમાં આવેલો મેસેજ વાંચી રહી કે તેના હાથ કાંપવા લાગ્યા. તેના ચહેરાના સ્નાયુઓ તંગ થયા અને આંખોમાં લાલાશ આવી. તેના હાથની મુઠ્ઠી કડક થઈ અને તેની આંગળીઓ મોબાઈલ પર વધારે જોરથી ભીંસાઈ.
‘હવે ઘણું થયું. હવે નહીં. હવે હું ચોખ્ખી ના પાડી દઈશ, પછી ભલે જે થવું હોય તે થાય.’ તેના મનમાં આવા વિચારો ચાલી રહ્યા હતા.
ત્રણ ચાર ક્ષણમાં તેની શૂન્ય મનસ્ક આંખો ભરાઈ આવી. આંસુનું ટીપું તેની જમણી આંખમાંથી સરીને ગાલ પર પહોંચ્યું. અશ્રુ બિંદુના ત્વચા પરના સ્પર્શથી તેને ગાલ પર ખજવાળ જેવું આવ્યું પરંતુ રૂપાલીએ ખજવાળવા તત્પર થયેલી તેની આંગળીને રોકી લીધી. તેણે પોતાનું ધ્યાન ગાલ પર ધીમે ધીમે નીચે તરફ દડી રહેલા અશ્રુ બિંદુ અને તેનાથી થઈ રહેલી સંવેદના પર કેન્દ્રિત કર્યું. ખંજવાળને તીવ્ર થવા દીધી અને મનને મક્કમ કરીને આંસુ ન લુછવાનો નિર્ણય કર્યો. તેના મનના વિચારોમાં ઊઠેલી તીવ્રતા અને ખંજવાળની તીવ્રતા એક સાથે વધતા ગયા પરંતુ રૂપાલી હવે મક્કમ હતી.
બે ક્ષણ વધારે વીતી અને ખંજવાળ મટી ગઈ. રૂપાલીને આંસુ લૂછવાની જરૂર ન પડી, ખજવાળવાની જરૂર ન પડી. એ સંવેદનાને સહન કરીને તેણે જીતી લીધી.
‘હવે તો ચોક્કસ નહીં જ, ગમે તે થાય પણ હવે નહીં.’ તેણે ફરીથી પોતાનાં મનમાં નિશ્ચય દ્રઢ કર્યો.
તેણે સ્ક્રીન ઓફ કરી અને મોબાઈલ બાજુ પર મૂકી દીધો અને ન્હાવા જતી રહી. ન્હાતી વખતે તે મનમાં આવી રહેલા વિચારોને ખંખેરવાનો પ્રયત્ન કરતી રહી પરંતુ તે પોતાના અંગો પર નજર નાખવાની હિંમત ન કરી શકી. તેને પોતાનું શરીર મેલું લાગી રહ્યું હતું. ખબર નહીં શા માટે પણ આજે તેણે ત્રણવાર સાબુથી આખું શરીર વારંવાર ધોયું અને જાણે પોતાની ચામડી ખોતરી કાઢીને પોતાને નવો જન્મ આપવા મથી રહી હોય તેવી રીતે કણસી રહી.
‘હવે નહીં. આજ પછી ક્યારેય નહીં.’ તે મોટેથી બોલી. પોતાનો અવાજ કાનમાં પડતો સાંભળીને એક શક્તિનો પ્રવાહ આવ્યો. આ શબ્દોથી તેને જાણે કોઈ શક્તિ મળી હોય તેવો અનુભવ રૂપાલીને થયો.
રૂપિલીએ આંખો બંધ કરી અને ફરીથી બોલી, ‘હવે નહીં. આજ પછી ક્યારેય નહીં.’
ફરીથી એ જ અનુભવ. રોમ રોમમાં શક્તિ અને હિંમત.
રૂપાલીને ક્યારેક ખબર નહોતી કે તેના પોતાના શબ્દોમાં આટલી તાકાત હશે. તેણે ફરીથી એકવાર વધારે જોરથી કહ્યું, ‘હવે નહીં. આજ પછી ક્યારેય નહીં.’
નાહીને તેણે કબાટમાંથી નવા કપડાની જોડી કાઢી. નવા સેન્ડલ કાઢ્યા. ડ્રેસિંગ ટેબલના ડ્રોવરમાંથી મેકઅપ કાઢ્યું. આ બધું જોઈને રૂપાલીને યાદ આવ્યું કે કેટલાય મહિનાઓથી તેણે નવા કપડા અને મેકઅપનો ઉપયોગ કર્યો જ નહોતો. ખરેખર તો તેને તૈયાર થવામાં અને સારા દેખાવામાં ડર લાગી રહ્યો હતો. પરંતુ આજે તેના મનમાં નવા કપડા પહેરીને તૈયાર થવાની ઈચ્છા થઈ હતી.
પહેલી વખત તો તેની નાદાની હતી અને તે કોઈની વાતોમાં આવી ગયેલી. મોડર્ન અને કુલ દેખાવાની તેની ઈચ્છાને કારણે તે રાત્રે પાર્ટીમાં તેણે ખૂબ વાઈન પી લીધેલી. ત્યાર પછી જે બન્યું તે રૂપાલીને યાદ નહોતું. પરંતુ એક અઠવાડિયા પછી જ્યારે તેના કાકાએ રૂપાલી નગ્ન ફોટો વોટસએપ પર મોકલીને સાંજે તેને પોતાના ઘરે બોલાવી. ત્યાર પછી જે બન્યું અને વારંવાર બનતું રહ્યું તેનાથી રૂપાલી પોતાની જાતને નફરત કરવા લાગેલી. સોળ વર્ષની વયમાં તેની સાથે આવું બધું થયું, અને તે પણ તેના પોતાના સગા કાકાએ જ તેનું શારીરિક શોષણ કર્યું તે ઘટનાથી રૂપાલી માનસિક રીતે પડી ભાંગી હતી. આ સંપૂર્ણ ઘટના માટે તે પોતાની જાતને જ દોષી માની બેઠેલી.
થોડીવારમાં તે તૈયાર થઈ ગઈ અને તેણે ફરીથી પોતાનો મોબાઈલ ઉઠાવ્યો. તેણે આજનો મેસેજ ફરી એક વાર વાંચ્યો. બસ એ જ માંગણી કે આજે સાંજે મારા ઘરે આવી જજે. હવે તો તેમાં પહેલા અપાતી તેવી ધમકીની પણ જરૂર નહોતી રહી કે ‘જો નહીં આવે તો હું તારા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ’, ‘તારા લગ્ન નહીં થવા દઉં’, ‘સમાજમાં તને મોઢું બતાવવા જેવી નહીં રહેવા દઉં’, વગેરે વગેરે. આ બધી જ ધમકીઓ આપીને તેના કાકાએ વારંવાર રૂપાલીને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા મજબૂર કરેલી. હવે તે ધમકીઓ આવશ્યક નહોતી રહી. તેના કાકાને ખબર હતી કે રૂપાલી પાસે બીજો કોઈ માર્ગ નહોતો. સભ્ય સમાજમાં રહેતી એ યુવાન છોકરી પોતાની અને પોતાના માં બાપની ઈજ્જતનો વિચારીને જ્યારે પણ પોતે બોલાવશે ત્યારે તેની હવસ સંતોષમાં આવી જશે તેવું તેના કાકા માની બેઠેલા.
રૂપાલી આજનો અને જુના બધા મેસેજ એક પછી એક ડીલીટ કર્યા. એક પછી એક મેસેજ અને ફોટો ડીલીટ થતા ગયા તેમ તેમ રૂપાલીના ચહેરા પર આત્મવિશ્વાસ વધતો ગયો. એ જૂની ઘટનાઓને યાદ કરતા કરતા તેણે પોતાના મનમાંથી પણ એ બધી યાદો ડીલીટ કરી નાખવાનો નિશ્ચય કર્યો. પોતાની એક નદાનીને કારણે તે જીવન પર કોઈના હાથમાં રમકડું બનીને નહીં જ રહે એ વાત આજે રૂપાલીએ નક્કી કરી લીધી.
તેને લાગ્યું કે શા માટે તે આટલા મહિનાઓ સુધી આવું શોષણ સહેતી રહી. આખરે તેનો શું વાંક હતો કે તેના પર આવો અત્યાચાર ગુજારવામાં આવ્યો. તેનું આવું શોષણ થયું. કદાચ તેને પોતાના કરતા સમાજની ચિંતા વધારે હતી અને ‘લોકો મારા વિશે શું વિચારશે?’ તે પ્રશ્ન તેના સ્વાભિમાન કરતાં વધારે મોટો થઈ ગયેલો. ‘પરંતુ હવે બસ. આજ પછી હવે ક્યારેય નહીં.’ આજે તે નિશ્ચય રૂપાલીના મનમાં દ્રઢ થઈ ગયો હતો.
હવે તે અત્યાચારી, શોષણકારી કાકાની માંગણીઓને સંતોષવા નહોતી ઇચ્છતી. ભલે તે કોઈપણ રીતે તેને બદનામ કરે. ભલે તેના ફોટો સોશિયલ મીડિયામાં મૂકે. ભલે તેના લગ્ન ન થવા દેવાની ધમકી આપે. ભલે તેને સમાજમાં રહેવા મોઢું ઉઠાવવા લાયક ન રહેવાની ધમકી આપે. ભલે આવું બધું વાસ્તવમાં જ થઈ જાય પરંતુ એ અત્યાચારી, શોષણકારી વ્યક્તિનો હાથ હવે તે પોતાના શરીર પર નહીં પડવા દે. હવે પછી તે ક્યારેય પોતાનું શોષણ નહીં થવા દે.
‘બસ હવે ક્યારેય નહી. આજ પછી ક્યારેય નહીં.’ રૂપાલીએ નિર્ણય મક્કમ કર્યો અને પોતાના કાકાનો નંબર બ્લોક કરી દીધો. જે થશે તે જોયું જશે.
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)