અને કાળુ શાળાએ જતા બાળકોને જોઈ રહ્યો…

માલિની આજે સવારે શાળાના ગેટ પાસે પહોંચી ત્યાં તેની ચપ્પલ તૂટી ગઈ. ગેટના થાંભલાને અઢેલીને ઉભા રહી તેણે ચપ્પલ હાથમાં લીધી અને આમતેમ પટ્ટી ભરાવવાની કોશિશ કરી પણ તેને સંધાવ્યા વિના છૂટકો નહોતો. માલિનીને યાદ આવ્યું કે શાળાએ આવતા રસ્તામાં જ એક મોચી બેસે છે તેની પાસે ચપ્પલ સંધાવી લે. તેણે ઘડિયાળમાં જોયું તો વીસેક મિનિટનો સમય હતો અને મોચી તો થોડા ડગલાને અંતરે જ બેસતો હતો. એટલે તે તૂટેલી ચપ્પલ પગમાં પહેરી ખોડંગાતી ચાલીને મોચી પાસે આવી અને ચપ્પલ સાંધવા આપી.

‘કાળુ, ખીલીની ડબ્બી આપ.’ મોચીએ તેની સાથે કામ કરતા બારેક વર્ષના છોકરાને કહ્યું.

માલિનીએ કાળુ સામે જોયું. શામળો રંગ, લાંબો ચહેરો, આશાભરેલી મોટી આંખો અને થીગડાંવાળા કપડાં. વાળ વધેલા પણ બરાબર ઓળેલા.

‘આ તમારો છોકરો છે?’ માલિનીએ પૂછ્યું.

‘ના બહેન. મારે ત્યાં નોકરીએ આવે છે.’ મોચીએ ચપ્પલ સાંધતા જવાબ આપ્યો.

‘અરે, તમને ખબર નથી અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકને નોકરીએ રાખવો ગુનો છે?’ માલિનીએ ગુસ્સો કર્યા વિના સમજાવતાં કહ્યું.

‘બહેન, એની મમ્મીએ આજીજી કરી એટલે મેં રાખ્યો છે. નહિ તો મારે પણ ક્યાં કોઈની જરૂર છે.’ મોચીએ કાનૂની ચેતવણીની પરવા ન કરતા કહ્યું.

માલિનીએ કાળુ સામે નજર કરી તો એ છોકરાએ પોતાની નજર હટાવી લીધી અને શાળાએ જતા બાળકોને જોઈ રહ્યો.

‘તને ભણવા જવાનું મન નથી થતું કાળુ? શા માટે શાળાએ નથી જતો?’ માલિનીએ કાળુને સંબોધીને કહ્યું.

‘મારી મા નહિ બેસાડે ભણવા.’ કાળુએ જવાબ આપ્યો અને શાળાના ગેટમાં પ્રવેશતા બાળકોને હોંશથી જોતો રહ્યો.

‘લો બહેન, તમારું ચપ્પલ થઇ ગયું.’ મોચીએ ચપ્પલ માલિનીના પગ પાસે મૂકતા કહ્યું.

માલિનીએ પૈસા ચૂકવ્યા અને શાળા તરફ ચાલતી થઇ. જતા જતા કાળુને ફરીથી એકવાર જોઈ લીધો.

માલિની ચાલીસેક વર્ષની હતી અને એકલી રહેતી હતી. લગ્નના પાંચ વર્ષમાં જ તેના ડિવોર્સ થઇ ગયેલા અને ત્યારથી તે એકલી જ હતી. કોઈ બાળક નહોતું અને માતા – પિતા ગામડે રહેતા હતા. જીવન તેનું ખાલીપાવાળું હતું અને એટલે તેને બાળકો પ્રત્યે મમતા વધારે હતી. કાળુને જોઈને તેને કોઈક રીતે મદદ કરવાનું મન થઇ આવ્યું. પણ કેવી રીતે મદદ કરે?

‘કાળુની મમ્મીને બોલાવું અને સમજાવું કે બાળમજૂરી ન કરાવે?’ ‘પણ શા માટે આટલા નાના છોકરાને મજૂરી કરવા મોકલતી હશે? કાળુના પિતા કમાતા નહિ હોય?’ ‘કે પછી તે પણ મારી જેમ એકલી જ હશે?’ આવા અનેક વિચારો માલિનીના મનમાં ભમરાવા લાગ્યા. સ્કૂલમાં બાળકોને ભણાવતી વખતે પણ તેની આંખો સામે કાળુનો ચેહરો તરી રહ્યો હતો.

શાળા પૂરી થઇ અને ઘરે ગઈ ત્યારે પણ તે કાળુ અને મોચીને જોતી ગઈ. કાળુ તો અત્યારે પણ શાળાએથી નીકળતા બાળકોને આશાભરી આંખે જોઈ રહ્યો હતો અને તેની આંખોમાં એક અનેરી ચમક હતી. માલિનીને સમજાયું નહિ કે કેવી રીતે તે બાળકની મદદ કરે.

તે દિવસે સાંજે માલિનીના મનમાં એક વિચાર આવ્યો એટલે તેણે બજારે જઈને નોટબુક, પેન્સિલ, એક બે ચોપડીઓ અને નાની બેગ ખરીદ્યા. બીજા દિવસે સવારે શાળાએ જતા તેણે તે બેગ કાળુને આપતા કહ્યું, ‘તું શાળાએ ન આવી શકે તો કઈ નહિ. ઘરે બેસીને ભણજે.’ કાળુ માલિની સામે જોઈ રહ્યો. દફતર મળ્યાનો આનંદ તેના ચહેરા પર વ્યક્ત થતો હતો. મોચીના ચહેરા પર પણ ખુશી પ્રકટી.

માલિની રોજ સવારે અને સાંજે પસાર થાય ત્યારે કાળુ અને મોચી પાસે ઉભી રહે અને થોડીવાર વાત કરે. ક્યારેક કાળુને એકાદ ચોકલેટ પણ આપે. સમય થયો એટલે કાળુ હવે માલિની સાથે પરિચય અનુભવવા લાગ્યો હતો. વાતચીત દરમિયાન માલિનીને એ મોચી પાસેથી જાણવા મળેલું કે કાળુના પિતાનું ખાણમાં કામ કરતી વખતે માટી ધસી પડવાથી અવસાન થઇ ગયેલું અને તેની માં કાળુને જાતે લોકોના ઘરકામ કરીને મોટો કરી રહી હતી. કોઈના સમ્માનને ઠેસ ન પહોંચવી જોઈએ તેવું વિચારીને જ માલિનીએ ધીરજ રાખી હતી.

‘તરત કહીશ તો તેમને લાગશે ગરીબી પર દયા ખાય છે. થોડો સમય રહીને પ્રસ્તાવ મૂકી જોઇશ જો કાળુને શાળાએ મોકલવા તૈયાર હોય તો તેનો ભણવાનો ખર્ચો હું ઉઠાવી લઈશ.’ માલિનીએ મનમાં વિચાર કરી રાખ્યો હતો.

એક દિવસ સવારે માલિની શાળાએ જઈ રહી હતી તો કાળુ ન દેખાયો. તેને લાગ્યું કે કદાચ મોડો આવશે. સાંજે પાછી ફરી તો મોચી પણ નહોતો. થોડી ચિંતા તો થઇ પરંતુ કોઈ કામકાજ હશે તેવું વિચારીને તે ઘરે આવી ગઈ. બીજા દિવસે સવારે શાળાએ જઈ રહી હતી તો તેણે મોચીને જોયો પણ કાળુ નહોતો એટલે પૂછ્યું, ‘કેમ કાળુ નથી આવ્યો? કાલે પણ નહોતો જોયો.’

‘બહેન, કાલે તેની માં બહુ બીમાર થઇ ગઈ અને દવાખાનામાં જ ગુજરી ગઈ. બિચારો છોકરો એકલો થઇ ગયો. ખબર નહિ હવે શું થશે તેનું.’ મોચીએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું.

‘ચિંતા ન કરશો. હું સાચવીશ કાળુને. બોલાવી લેજો અહીંયા. સાંજે ઘરે જતા મારી સાથે જ લેતી જઈશ.’ માલિનીએ શાળા તરફ ડગલું ભરતાં કહ્યું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)