દ્વારકાના જગત મંદિરની ધજાની પરંપરાની રસપ્રદ વાત…

જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ભારતીય મહિના શ્રાવણ વદ આઠમની તિથિ એટલે કે જન્માષ્ટમી. દેશભરમાં જાણીતા તીર્થમંદિરો સહિત વિવિધ સ્ળે તેની અલગઅલગ રુપ અને રંગથી વૈવિધ્યસભર ઉજવણી કરવામાં આવે છે.  કહેવાય છે કે શ્રાવણ વદની આઠમની મધ્યરાત્રિએ 12 વાગે ભાઈ કંસ કારાગૃહમાં માતા દેવકીની કૂખે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. જે મથુરાનો માખણચોર અને ગુજરાતની દ્વારકાનો રાજા બન્યો. આ કૃષ્ણની લીલા પણ અપરંપાર છે. કાન્હાની લીલાથી લોકો જેટલા મોહિત છે તેટલા જ ભગવાન કૃષ્ણ તેના ભક્તો પર દયાવાન છે. ગુજરાતમાં ભગવાન કૃષ્ણનું મુખ્ય મંદિર એટલે જગત મંદિર દ્વારકા. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. વિવિધતાથી ભરેલા દ્વારકાના આ મંદિરમાં ભાવિકભક્તો એક વિશેષ ધજા ચડાવે છે.  આવો જાણીએ જગતમંદિરની ધજા વિશે રોચક વાતો. મથુરાથી ભાગીને-રણછોડરાય કહેવાઈને ભગવાન શ્રીકૃષ્ણએ આ નગરી વસાવી, ત્યારથી લઈ દ્વારકા યદુવંશ રાજાઓની રાજધાની રહી હતી. જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાનો સમાવેશ થતો હતો. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ અહીં રાજ કરતા હતા. જગત મંદિરમાં ધજા પૂજનનું પણ અનોખું મહત્વ છે. દ્વારકાધીશના મંદિર પર ફરતી ધજાને અનેક કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. આ ધજા નાની નહીં પરંતુ 52 ગજની હોય છે.

મોટી ધજા પાછળ પણ રોચક કથા છે. દ્વારકાનગરમાં 56 યાદવોએ શાસન કર્યુ હતું. દરેક રાજાને પોતાનો મહેલ હતો અને તેના પર પોતાની નિશાનીરૂપે ધજા હતી. જ્યારે તેમાના મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરૂદ્ધ અને પ્રદ્યુમન આ ચાર ભગવાન હોવાથી તેમના મંદિરો બનાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 52 યાદવોના પ્રતીક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. આ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદી સામે 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે.મંદિર પર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિન્હો છે. જેનો અર્થ એવો કરવામાં આવે છે કે, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. જો કે સૂર્ય અને ચંદ્ર બંને કૃષ્ણના પ્રતીક છે. અહીં મંદિરમાં દિવસમાં ત્રણ વખત ધજા બદલવામાં આવે છે. સવારે, બપોર અને સાંજે એમ ત્રણ વખત ધજા અબોટી બ્રાહ્મણ દ્વારા બદલવામા આવે છે. દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે. જો કે આ તમામ ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણનો રંગ મેઘ સમાન હોવાથી ધજા મેઘધનુષ્ય સમાન સપ્તરંગી હોય છે.

શું આપ જાણો છો કે દ્વારકાધીશ મંદિરમાં દિવસમાં ત્રણ વખત ધજા બદલવામાં આવે છે અને એ પણ અબોટી બ્રાહ્મણ દ્વારા. પવન ગમે તે દિશમાં હોય, પરંતુ ધજા હમેશાં પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે. મહત્વનું છે કે, ધજા મેધધનુષ્યની જેમ સપ્તરંગી હોય છે. દ્વારકાનું જગત મંદિર પવિત્રયાત્રા ધામ છે. અહીં ખાસ કરીને જન્માષ્ટમી પર દેશવિદેશથી હિંન્દુઓ મોટી સંખ્યામાં આવે છે.