કર્ણાટકમાં કોંગ્રેસ કાર્યકર્તાના વિજય સરઘસ પર એસિડથી હુમલો; 10 જણ જખ્મી થયાં

બેંગલુરુ – કર્ણાટક રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ છે, અને મતગણતરી સાથે પરિણામોની જાહેરાત થઈ ચાલુ છે તેવામાં એક આંચકાજનક બનાવ બન્યો છે.

ટુમકુરમાં, કોંગ્રેસના ઉમેદવાર ઈનાયતુલ્લાહ ખાન વિજયી બનતા એમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ વખતે કોઈકે એસિડ જેવા કેમિકલ વડે હુમલો કરતાં 10 જેટલા લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.

આ હુમલામાં કોનો હાથ છે એ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

પોલીસે કહ્યું કે, ટોળામાંથી જ કોઈકે ટોળા પર કોઈક પ્રકારના પ્રવાહીનો છંટકાવ કર્યો હતો. કેટલાક લોકોને એનાથી દાઝી જવા જેવી લાગણી થઈ હતી. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે તે પ્રવાહીમાં ઓછી ઘનતાવાળું એસિડ હોવું જોઈએ, જેમ કે બાથરૂમ ક્લીનર જેવું. એટલે 10 જણને મામુલી ઈજા થઈ છે.

પોલીસ આ બનાવમાં તપાસ કરી રહી છે. હજી સુધી કોઈની ધરપકડ કરી નથી અને કોઈએ ફરિયાદ નોંધાવી નથી.
કર્ણાટકમાં, 3 શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના 135 વોર્ડ,  28 સિટી મ્યુનિસિપાલિટીઝ, 53 ટાઉન મ્યુનિસિપાલિટીઝ અને 23 ટાઉન પંચાયતમાં ચૂંટણી યોજવામાં આવી છે, જેમાં મતગણતરી ચાલુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]