આ સધરા જેસંગના સાળાને ઓળખો છો?

આમ તો રાજકારણ ગંભીર વિષય, પણ આજકાલ અમુક નેતાઓના જાહેર વાણી-વર્તાવ જોયા પછી લોકોએ દુઃખી થવાનું છોડીને હસવાનું ચાલુ કરી દીધું છે એ જોઇને લાગે કે, આ નેતાઓ અને કોમેડિયનો વચ્ચે બહુ, ના, બિલકુલ ફરક નથી.

પરંતુ આજે આ નેતાઓની વાત નથી કરવી. વાત કરવી છે રાજકારણ જેવા ગંભીર વિષય પર ખડખડાટ હસાવતી, રાજકારણ અને સમાજકારણમાં આજે જે સ્થિતિ પ્રવર્તે છે એના પર હળવી શૈલીમાં વેધક ચાબકાં ફટકારતી એક નવલકથાની. હાસ્યરસ પ્રધાન હોય એવી રાજકીય નવલકથાઓની વાત આવે એટલે સૌ પ્રથમ શ્રીલાલ શુક્લ રચિત અત્યંત જાણીતી હિન્દી નવલકથા રાગ દરબારીની યાદ આવે, પરંતુ આપણી જે વાત છે એ ગુજરાતી નવલકથાની છે.

આ નવલકથા એટલે સધરા જેસંગનો સાળો. મડિયા રાજા તરીકે પોંખાયેલા આપણી ભાષાના લોકપ્રિય સર્જક ચુનીલાલ મડિયાની કલમે આલેખાયેલી એક અદભૂત હાસ્યનવલ. ગુજરાતી સાહિત્યમાં આમેય પોલિટીકલ હ્યુમર ધરાવતી નવલકથાઓ-કૃતિઓ ઓછી છે, પણ જેટલુ લખાયું છે એમાં શિરમોર અને અપવાદરૂપ કૃતિ કોઇ હોય તો એ આ નવલકથા છે.

અને, આજે એની વાત કરવાનું કારણ એ છે કે, આજે 29 ડિસેમ્બરે મડિયાની 55મી પુણ્યતિથી છે અને આ દિવસે અમદાવાદમાં રતિલાલ બોરીસાગર, બળવંત જાની, અરવિંદ બારોટ ને કિરીટ દૂધાત જેવા દિગ્ગજો મડિયા વિશે બોલી રહ્યા છે.

આ વિદ્વાનો તો મડિયાના સર્જન વિશે સાહિત્યિક દ્રષ્ટિકોણથી બોલશે અને મૂલવશે, પણ આપણે તો આજે ફક્ત ને ફક્ત એક વાચકના દ્રષ્ટિકોણથી સધરા જેસંગના સુવર્ણદ્વીપની રાજકીય દુનિયા માણવી છે.

000                           000                           000

સુવર્ણદીપ તરીકે ઓળખાતા પ્રદેશની રાજધાની સજનગઢમાં બે રાજકીય પક્ષો, પ્રજામંડળ પક્ષ અને લોકસત્તા પક્ષ વચ્ચે જામેલા ચૂંટણી જંગથી શરૂ થતી આ નવલકથામાં મડિયા પૂરજોશમાં ખીલ્યા છે. આરંભમાં જ સુવર્ણદ્વીપના મહારાજા સજનસિંહના અવસાન પછી એમના પાટવીકુંવર મહારાજા દુર્ગેશસિંહજીએ જય જગદંબા લોન્ડ્રી ખોલી હતી એવું કહીને એમણે સંકેત આપી દીધો છે, નવલકથામાં એ રાજા કે રંક (પ્રજા), કોઇનેય બક્ષવાના નથી. કોને ઉમેદવાર બનાવવો એની મૂંઝવણમાં પ્રજામંડળ પક્ષના વડા સેવકરામ અચાનક સજનગઢમાં શાકભાજી વેચતા, રાજકારણનો ‘ર’ ય ન જાણતા સધરા જેસંગને ચૂંટણીમાં ઉમેદવાર બનાવે છે અને કઇ રીતે સધરાનો સાળો નામે ભડક એમને જાદુ કરીને જીતાડે છે અને પછી કઇ રીતે સજનગઢમાં રાજકીય ઘટનાક્રમો સર્જાય છે એના વર્ણનમાં લેખકે રાજકીય નેતાઓ તો ઠીક, સાહિત્યકારો, વેપારીઓ, કોન્ટ્રાક્ટરો, પોલીસ અને અખબારીઆલમ સહિત કોઇને ય છોડ્યા નથી.

પ્રજામંડળ પક્ષના સર્વેસર્વા, આજીવન વિધૂર સેવકરામની વિધવાને જ પરણવાની પ્રતિજ્ઞા, ચૂંટણી વખતે જ સુવર્ણદ્વીપની લોકશાહીનો સ્ટડી કરવા આવેલી વિદેશી મહિલા ફ્લોરાબેનનું લોકોને ઘેલું લાગવું, દરેક રજૂઆતના જવાબમાં સેવકરામનો ‘ધોરણસરનું થશે’ એવો તકિયાકલામ જવાબ, સધરાની જગ્યાએ રાજ્યનો ખરો વહીવટ ચલાવતો એનો સાળો ભડક અને પછીથી સાળા-બનેવી વચ્ચે રાજકીય છૂટાછેડા, ભડકનો પક્ષપલટો, નાગાબાવાનો રાજકીય પ્રવેશ, સેવકરામના ઉપવાસ, સુવર્ણદ્વીપના સાહિત્ય સમારોહમાં અધ્યક્ષ થવાની હોડ… પાને-પાને મડિયા પેટ પકડીને હસાવે છે. તીવ્ર અવલોકનશક્તિ અને વર્ણનશૈલી સાથે હસવા હસવામાં મડિયારાજ્જા કોથળીમાં પાંચશેરી ફટકારતા જાય છે.

અમુક વિધાનો અને સંવાદો તો વાંચ્યા પછી તો એવું જ લાગે કે, જાણે એમણે આજના રાજકારણને ધ્યાનમાં રાખીને જ એ લખ્યા છે. ઉદાહરણોઃ

  • પુનર્લગ્નના સૂચનના જવાબમાં સેવકરામ કહે છેઃ જ્યાં સુધી સમાજના એકએક પુરુષને પત્ની ન મળી રહે ત્યાં સુધી મને પણ અર્ધાંગના અગરાજ ગણાય.
  • અને જ્ઞાતિજનો પણ એવા રૂઢિચુસ્ત કે પોતાની પુત્રીની જેમ મત પણ પરનાતના ઉમેદવારને કદી આપે જ નહીં.
  • કોણ જાણે કેમ, પણ પરધાન એટલે મને પારકું ધાન એમ સમજાય છે.
  • સધરો નિયત સમય કરતાં ખાસ્સો મોડો આવવાથી નેતા તરીકેની એની આબરૂમાં પણ ખાસ્સો વધારો થઇ ગયો.
  • છાપાનાં અગ્રલેખોને હું વ્યગ્રલેખો જ કહું છું. એમાં તંત્રીની પોતાની વ્યગ્રતા જ ઠલવાતી હોય છે.
  • અને તેથી જ ઇસ્પિતાલ ભડભડ બળતું રહ્યું અને પ્રેક્ષકો તટસ્થ રાષ્ટ્રોની શિખર પરિષદના સભ્યોની અદાથી આ તાલ અને તમાશો નિહાળી રહ્યા.
  • મોટા માણસોમાં અશુધ્ધિ તો ચંદ્રના કલંક જેવી શોભી રહે.

આ નવલકથાની પહેલી આવૃત્તિ છેક 1962માં પ્રકાશિત થઇ હતી એટલે મડિયાએ આ 1961-62ના સમયગાળામાં લખી હશે એવું માનીએ તો પણ આજે વર્ષ 2023 (અને 2024)માં, છ દાયકા પછી ય એમાં લખેલી વાતો જાણે આજના સમાજજીવન-રાજકીયજીવનમાં એટલી જ લાગુ પડતી હોય એવું લાગે છે.

જેમ કે, ચૂંટણી વખતે બન્ને રાજકીય પક્ષ વચ્ચે મતદારોને રીઝવવા યોજાતા સામસામા જમણવારો, બન્ને પક્ષના મુખપત્ર જેવા ‘સિંહગર્જના’ અને ‘ડીમડીમ’ વચ્ચેની સ્પર્ધા, પંતપ્રધાન સધરા પાસે કામ કઢાવવા એના સાળા ભડક એટલે કે ભડકદેવના બંગલે થતી ભીડ, સત્તાનું કેન્દ્ર ભડકનો સાગરતરંગ બંગલો, ઘી-વેજીટેબલની બનાવટોમાં ભેળસેળ કરતા વેપારીઓ, રાજકારણમાં નાગાબાવાનો પ્રવેશ અને એને હંફાવવા ડોક્ટર દામાણીનો દામાણીદેવ તરીકેનો અવતાર, સધરો પંતપ્રધાન બનતાં જ શાકભાજીની હાટડી આગળ ફરજ બજાવતા સિપાઇ જીલુભાનું ડીઆઇજી પદે પ્રમોશન, આખેઆખી મતપેટીઓ બદલવાનો ચમત્કાર કરતો ભડક, પક્ષ છોડીને સગા બનેવી સામે મોરચો માંડતો ભડક… આવું બધું આપણી આસપાસ આજેય નથી બનતું? સાહિત્યના કાર્યક્રમોમાં અધ્યક્ષપદે જેને સાહિત્ય સાથે નહાવા નીચોવવાનો સંબંધ ન હોય એવા વેપારીઓ અધ્યક્ષપદે હોય એવું આજે બને છે એવું નહીં, એ સમયમાં પણ મડિયાની નવલકથામાં બને છે! એ છોડોઃ ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ એ સૂત્ર રાજકારણમાં આજે પ્રચલિત છે, પણ મડિયાએ તો એ જમાનામાં આ સૂત્ર આપેલુઃ ‘ખાઓ અને ખાવા દો…!’

સધરો, સધરાનો સાળો ભડક, ઓઘડ, ડોક્ટર દામાણી અને એમની સ્વરૂપવાન દીકરી વત્સલા ઉર્ફ વફાબહેન, ધૂન માટે પ્રખ્યાત ધૂનીબહેન, કુશળવપુશંકર, કવિ પ્રેમપિપાસુ, જોહરમલ, જીલુભા, ઘોઘલો ગંજેરી, સેવકરામ, નાગાબાવા અને ફ્લોરાંબહેન જેવા પાત્રોથી સજનગઢના જાહેરજીવનની જે દુનિયા રચાય છે એમાં આ બધા પાત્રો એક યા બીજા સ્વરૂપે જાણે આપણી આસપાસ આજેય જીવતાં હોય એવું ન લાગે તો જ નવાઇ!

000                           000                           000

બેશક, ચુનીલાલ મડિયા આપણી ભાષાના એક ઉત્તમ, દિગ્ગજ સર્જક. સિનેમાના ચાહકો એમને જાણીતી ફિલ્મ મિર્ચ મસાલાના મૂળ લેખક તરીકે ઓળખે. સાહિત્યજગત એમને લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી અને આલા ધાંધલનું ઝીંઝાવદર જેવી નવલકથાઓ અને અન્ય વાર્તાસંગ્રહોથી ઓળખે. એમ તો મડિયાએ નાટકો અને વિવેચનો લખ્યાં છે. અનુવાદો અને સંપાદનો પણ કર્યા છે. 12 ઓગસ્ટ, 1922ના રોજ જન્મેલા મડિયાએ ફક્ત 46 વર્ષની આયુમાં પુષ્કળ લખ્યું છે અને ઉત્તમ લખ્યું છે.

સધરા જેસંગનો સાળો એ એમાંનું એક, અલગ ફ્લેવરનું સર્જન. કાશ, એ અન્ય ભાષાઓમાં ગઇ હોત કે પછી કોઇ ફિલ્મ નિર્માતાએ એના પર હાથ અજમાવ્યો હોત!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

(તસવીર સૌજન્યઃ ચુનીલાલ મડિયાના ફેસબુક પેજ પરથી સાભાર)