ગયાં વર્ષના ઑગસ્ટમાં અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું તેના એક વર્ષમાં એક ડઝન જેટલાં મહત્ત્વના રાજકીય નેતાઓએ વિદાય લીધી. જ્યોર્જ ફર્નાન્ડિઝ, શીલા દીક્ષિત, જયપાલ રેડ્ડી ઉપરાંત ભાજપના પાંચ નેતાઓના અવસાન થયાં. ખુરાના, અનંત કુમાર, સુષ્મા સ્વરાજ અને હવે અરુણ જેટલી.
સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી એક જ મહિનામાં અવસાન પામ્યાં. બંનેએ છેલ્લે છેલ્લે કાશ્મીર વિશે, કલમ 370 વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. સ્વરાજે ઓનલાઇન મેસેજ મૂકેલો, જ્યારે જેટલીએ બ્લોગ લખેલો. બંને 2014ની મોદી સરકારમાં મહત્ત્વના પ્રધાનો હતાં. બંને 2019ની મોદી સરકારમાં નહોતાં. બંનેને કિડનીને લગતી બીમારી હતી. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી શકે તેવી સ્થિતિમાં નહોતાં. સ્વરાજને રાજ્યસભામાં તક મળે તેવી ચર્ચા હતી અને જેટલી ખાતાં વિનાના પ્રધાન બની શકે તેવી વાત પણ હતી.
બંને નેતાઓએ આખરે નિવૃત્ત થવાનું જ પસંદ કર્યું હતું. રાજકારણમાં સામાન્ય રીતે કોઈ નિવૃત્ત થતું નથી હોતું, પરંતુ શરીર સાથ ના આપે ત્યારે મુશ્કેલી થાય. સત્તા વાજિકરણનું કામ કરતી હોય છે એટલે બીમારી પણ ઘણીવાર નડતી નથી. જોકે ભાજપે અપવાદો સાથે 75 વર્ષ નિવૃત્તિનો નિયમ રાખ્યો છે. તેનો સગવડિયો ઉપયોગ થાય છે. તે બહાને પણ થોડો ઉપયોગ થાય તે સારું જ છે.
સ્વરાજ અને જેટલીના સંબંધો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કેવાં હતાં તેની પણ સરખામણી થતી રહી. આમ તો આ બધાં અડવાણી છાવણીના હતાં. પણ અડવાણીને કોરણે રાખીને મોદી છાવણી અલગ નખાઈ ત્યારે કોણ કઈ છાવણીમાં જશે તેની ગણતરીઓ શરૂ થઈ હતી.
વાજપેયી અને અડવાણી છાવણી વચ્ચે પસંદગીની વાત હતી ત્યારે વાજપેયીમાંથી અડવાણી છાવણી તરફ જેટલી ઢળ્યાં હતાં. જોકે મહાજનની ગેરહાજરીમાં જગ્યા મળી ત્યારે જેટલી થોડો સમય વાજપેયી પીએમઓમાં મહત્ત્વના સ્થાને પણ રહ્યાં હતાં. તેમણે સારું બેલેન્સિંગ કર્યું હતું. સુષ્મા સ્વરાજે પણ સારું બેલેન્સિંગ કર્યું હતું. 2013માં નરેન્દ્ર મોદીને પક્ષનો ચહેરો બનાવવાનો તેમણે વિરોધ કર્યો હતો, પણ એકવાર નિર્ણય લેવાઈ ગયા પછી તેઓ મોદી સાથે રહ્યાં હતાં. તેમને વિદેશ મંત્રાલય પણ અપાયું અને વિદેશ મંત્રાલયના મોદીની સક્રિયતા છતાં પોતાની ઓળખ બનાવી શક્યાં હતાં.
જેટલી માટે અવઢવ નહોતી અને તેઓ પ્રથમથી જ મોદીના નામને આગળ કરવામાં અગ્રેસર હતાં. તેથી તેમને પણ 2014ની સરકારમાં મહત્ત્વના સ્થાન મળ્યાં હતાં. જોકે તે દરમિયાન ‘ક્લબ 160’ એવી ગોસીપ દિલ્હી દરબારમાં ચાલતી થઈ હતી. ક્લબ 160 એટલે ભાજપના દ્વિતીય હરોળના નેતાઓની એક ત્રીજી છાવણી. એવી છાવણી, જે ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળે છે તેના આધારે આકાર લેવાની હતી. નરેન્દ્ર મોદીના જોરદાર પ્રચારના કારણે સત્તા મળવાની આશા જાગી હતી. પરંતુ ભાજપને કેટલી બેઠકો મળશે અને કેટલા પક્ષોનો ટેકો લેવો પડશે તે અંદાજનો વિષય ત્યારે હતો. તેથી ક્લબ 160 વિશે એવું કહેવાતું હતું કે 160 કરતાં ઓછી બેઠકો ભાજપને મળે તો શું થાય તેની ગણતરી આ ક્લબના સભ્યો કરી રહ્યાં હતાં. અન્ય પક્ષોના ટેકા વખતે ભાજપના નેતા કોણ બને, કોણ વડાપ્રધાન બને તેનો મુદ્દો આવે. તેથી કદાચ અડવાણીનું જ નામ આગળ આવે અને અન્યથા ત્રીજા નામ તરીકે જેટલી કે સુષ્માનું નામ પણ આગળ આવે કે પછી ગડકરી અથવા રાજનાથસિંહની સરપ્રાઇઝ પણ આવે. આવી ગણતરીઓ હતી.
જોકે અરુણ જેટલી બહુ સ્પષ્ટપણે મોદી સાથે રહ્યાં હતાં અને એથી જ વડાપ્રધાન મોદીએ બહેરીનમાં તેમને યાદ કર્યા ત્યારે મેરા દોસ્ત ચલા ગયા એમ કહ્યું હતું. જેટલીએ એક મુલાકાતમાં કહેલું કે મોદી સાથે તેમનો સંબંધ ભરોસાનો હતો. બે દોસ્તો વચ્ચે હોય તેવો વિશ્વાસ પરસ્પરને હતો.વિશ્વાસનું કારણ પણ કદાચ એ હતું કે અરુણ જેટલી પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ હતાં. વિદ્યાર્થી કાળથી તેઓ રાજકારણમાં આવ્યાં. કટોકટીમાં જેલમાં પૂરવામાં આવ્યાં ત્યારે તિહાર જેલમાં વાજપેયી અને અડવાણી સાથે રહેવા મળ્યું હતું. આ પ્રારંભિક ઘડતર તેમને કામ આવ્યું હતું. 1977માં જનતા પાર્ટી તૈયાર થઈ ત્યારે કારોબારીમાં પણ યુવાવયે તેમને સ્થાન મળ્યું હતું. એકથી વધુ પક્ષમાં વ્યાપક સંપર્કોની શરૂઆત ત્યાંથી જ થઈ હતી.
1989માં વી. પી. સિંહ સરકારે પ્રમાણમાં ઓછી વય અને સિનિયોરિટી છતાં એડિશનલ સોલિસિટર જનરલ બનાવ્યાં હતાં. તેમણે બોફર્સના પેપર તૈયાર કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેના કારણે કાનૂની ગૂંચ અને રાજકીય ગૂંચને ઉકેલવાનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો. 1999માં રાષ્ટ્રીય પ્રવક્તા બનાવાયાં. ટીવી નવું પણ બહુ મજબૂત માધ્યમ બની ચૂકયું હતું. ટીવી ડિબેટમાં કપિલ સિબ્બલ સામે તેમની ક્લાસિક ચર્ચાઓ ચાલતી રહી. તેમની રાષ્ટ્રીય છબી તેના કારણે ઉપસી આવી હતી. ભાજપના નેતાઓમાં તે અલગ તરી આવતાં હતાં. ભાજપ અને સંઘતરફી પત્રકાર સ્વપ્ન દાસગુપ્તા કહે છે તે પ્રમાણે મધ્યમ વર્ગને માફક આવે તેવો ચહેરો ત્યારે જેટલીનો હતો. આગળ જતાં નીયો મિડલક્લાસની વાત કરનારા નરેન્દ્ર મોદી પણ સપનાં દેખાડીને મધ્યમ વર્ગને આકર્ષી શક્યાં હતાં.
આમ છતાં 2013માં પણ અરુણ જેટલીને પક્ષપ્રમુખ બનવાનું મળ્યું નહોતું. પક્ષપ્રમુખ તરીકે રાજનાથસિંહ હતાં. રાજનાથસિંહ કદાચ તેના કારણે જ સરકારમાં નંબર ટુનું સ્થાન પામી શક્યાં હતાં. જેટલી નંબર થ્રી પણ હતાં કે કેમ તેવી ચર્ચા પણ ક્યારેય થઈ નહોતી, કેમ કે તેઓ નંબર વિના આગવું મહત્ત્વ ધરાવતા નેતા હતાં. તેથી જ સૌ કોઈએ તેમને ટ્રબલ શૂટર તરીકે અચૂક યાદ કર્યા. વૈંકયા નાયડુ અને ગડકરી જેવા નેતાઓ તેમની હરોળના નેતાઓ ગણાય અને તેઓ પણ પક્ષપ્રમુખ બન્યાં હતાં. પણ જેટલી માટે ક્યારેય વિચારણા થઈ નહોતી. ભાજપના નેતાઓ ખાનગીમાં કહેતાં હતાં કે જેટલીની છાપ એલીટ છે. એલીટ એટલે ભદ્ર. મોજશોખથી જીવનારા, ધનિક, આધુનિક, વિચારધારાનો છોછ ન રાખનારા, સાદગી જેવા દંભમાં ન પડતાં અને 24 કલાક સર્મપિત થઈ જવાના બદલે વર્ક અને લાઇફ વચ્ચે બેલેન્સ કરનારાં. ત્યાગ અને તપ અને સાદગી અને બધું જ જૂનું ઉત્તમ હતું તેવી વાતો કરનારા પક્ષમાં તેઓ મિસફિટ હતાં. તેથી જ તેમની કલ્પના પક્ષપ્રમુખ તરીકે થઈ નહોતી.
ક્લબ 160 આડકતરી રીતે અડવાણીને તક અપાવવા માટે હતી કે પછી ખરેખર જેટલી અને સુષ્મા જેવા દ્વિતીય હરોળના નેતામાંથી કોઈ એક માટે ઝડપી લેવા માટે હતી તે ક્યારેય સ્પષ્ટ થયું નહોતું. 2014માં નરેન્દ્ર મોદીના નામે ભાજપને એકલા હાથે બહુમતી મળી હતી. 160ના બદલે 283 બેઠકો મળી હતી. અમિત શાહે ઉત્તર પ્રદેશમાં સપાટો બોલાવી દીધો હતો. તેના કારણે ક્લબ 160 માટે કોઈએ 60 સેકન્ડની પણ ચર્ચા કરી નહોતી. તેથી અરુણ જેટલી પક્ષપ્રમુખ બની શક્યાં હોત કે કેમ તેની કલ્પના પણ ઓછી થઈ હતી, તે જ રીતે સંજોગોવશાત વડાપ્રધાન બની જવાની શક્યતા પણ જોર પકડે તે પહેલાં જ શમી ગઈ હતી.
એક પત્રકારે અરુણ જેટલીને ભાજપના પ્રણવ મુખરજી કહ્યાં હતાં. પ્રણવ મુખરજી કોંગ્રેસના ટ્રબલ શૂટર હતાં અને મહત્ત્વના નેતા હતાં, છતાં પીએમપદેથી એક વેંત છેટું જ રહી ગયું. અરુણ જેટલી માટે એવી ચર્ચા ક્યારેય ન થઈ તે પણ તેમના સ્વભાવની એક ખાસિયત જ બતાવે છે. પોતાની શક્તિઓ સાથે પોતાની મર્યાદાઓ જાણવી ઓછું સંભવ બનતું હોય છે.