સરકારને આરબીઆઈની લોટરી લાગી કે શું?

રબીઆઈ તરફથી ભારત સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. આવા સમાચાર જાહેર થયા પછી સૌ પોતપોતાની રીતે અભિપ્રાયો આપી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓમાં પણ બે પ્રકારના અભિપ્રાયો આવી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે તમે આરબીઆઈને ખાલી કરી નાખીને તેને જોખમમાં નાખી રહ્યા છો. ભવિષ્યમાં કરન્સી કે ટ્રેડ ક્રાઇસિસ ઊભી થશે ત્યારે તેને પહોંચી વળવા માટે પૂરતી આરક્ષિત રકમ આરબીઆઈ પાસે નહિ હોય. તેની સામે અન્યો કહે છે કે આટલી ચૂકવણી પછીય જરૂરી અનામત રકમ આરબીઆઈ પાસે રહેશે એટલે ચિંતા કરવાની જરૂર નથી.

સોશ્યલ મીડિયાની અભણ યુનિવર્સિટીમાં કોઈ વાતને ઝાઝી સમજવાની જરૂર હોતી નથી. તેથી સરકારને આરબીઆઈની લોટરી લાગી ગઈ એવી મજાક કરી શકાય. માણસને તો લોટરી લાગતી હતી, હવે સરકારને પણ લોટરી લાગે છે એવું ઘણાવે લાગશે. પણ લોટરીની રકમમાંથી મોટો ટેક્સ કપાઈ જાય એમ 1.76 કરોડની જંગી રકમમાંથી સરકાર પાસે અસલી વધારાની રકમ અડધી જ આવી છે.

આવું કેમ બન્યું? જાણકારો સમજાવે છે કે કુલ રકમ સરકારને મળશે, તેમાંથી 52,637 કરોડ રૂપિયા જ વધારાના મળ્યા છે. બાકીની રકમ તો સરકારને મળવાની જ હતી. કેટલી અનામત રાખવી તેના નિયમોમાં છૂટછાટ લેવામાં આવી તેથી 52 હજાર કરોડ વધારાના છુટ્ટા કરી શકાયા. કન્ટિજન્સી ફંડમાં 5.5થી 6.5 ટકા જેટલી રકમ રાખવી જોઈએ તેમ જાલન કમિટીએ નક્કી કર્યું. આરબીઆઈની બેલેન્સ શીટના 5.5થી 6.5 ટકા. હાલમાં આરબીઆઈની બેલેન્સ શીટ પ્રમાણે કન્ટિજન્સી ફંડ 6.8 ટકા જેટલું હતું.

સમિતિની ભલામણ પ્રમાણે 6.5 ટકા રાખીને 0.3 ટકા રકમ સરકારને આપી શકાઈ હોત, પણ આ વખતે ખેંચાય એટલું ખેંચી લેવાની ભાવનાથી 5.5 ટકા જ રાખો એમ નક્કી થયું. તેથી 1.3 ટકા કન્ટિજન્સીની રકમ સરકારને આપી એટલે 52 હજાર કરોડ રૂપિયા થયા.

બાકીના 1,23,414 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? આરબીઆઈ ચલણ અને સોનાનું પણ અનામત ફંડ રાખે છે. વિદેશી હૂંડિયામણ અને સોનાનો ભંડાર કેટલો છે તેના આધારે આ ફંડ નક્કી થતું હોય છે. ફંડનું સત્તાવાર નામ છે કરન્સી એન્ડ ગોલ્ડ રિવેલ્યૂએશન એકાઉન્ટ (CGRA). CGRAમાં કેટલી અનામત રાખવી? બેલેન્સ શીટના 20થી 24.5 ટકા રકમ રાખવી તેવું કમિટિએ ધાર્યું. સોનાનો ભાવ અને હૂંડિયામણના દર પ્રમાણે જૂન 2019માં આરબીઆઈ પાસે 23.3% ટકા અનામત આ ખાતામાં હતી. તેથી તેને 20 ટકા સુધી નીચે લાવવામાં વાંધો નથી. તેને નીચે લાવવાને બદલે કે વધારીને 24.5 ટકા કરવાના બદલે યથાવત રાખવાનું નક્કી થયું. તેથી આરબીઆઈની જે આવક થાય તે તેમાં ઉમેરવાની જરૂર ના રહી. તેથી બધી જ આવક 1,23,414 કરોડ રૂપિયા સરકારને સોંપી દેવાનું નક્કી થયું.

આ રીતે કુલ 1.76 લાખ કરોડ રૂપિયા મળ્યા. આટલા બધા નાણાં વાપરશો ક્યાં એવો સવાલ નાણાં પ્રધાનને પૂછાયો. નાણાં પ્રધાને ચોખ્ખો જવાબ આપવાના બદલે કહ્યું કે જરૂર જણાય ત્યાં યોગ્ય રીતે વપરાશે. હવે મજાની વાત એ છે કે આરબીઆઈ તરફથી સરકારને આવક થશે તેનો અંદાજ અંદાજપત્ર મૂકાયો હતો. તેનો હિસાબ બજેટમાં થયેલો જ હતો. કેટલો હિસાબ હતો?

આરબીઆઈએ ઇન્ટરીમ ડિવિડન્ડ તરીકે 28,000 કરોડ રૂપિયા સરકારને આપેલા જ હતા. તે આ કુલ રકમમાં જ આવી ગયા. (ડિવિડન્ડ સમજવા માટેનો શબ્દ છે. આરબીઆઈની માલિકી સરકારની હોવાથી ડિવિડન્ડ આપવાની જરૂર નથી હોતી, પણ ખર્ચ બાદ કરતાં આવક વધે તે નફો સરકારનો જ કહેવાય. કેટલોક અનામત ખાતાઓમાં રાખવાનો અને બાકીનો સરકારના ખાતામાં ટ્રાન્સફર કરવાનો.) બીજું, બજેટમાં 90,000 કરોડની આવક આરબીઆઈમાંથી થશે તેનો હિસાબ પણ ગણી લેવાયો હતો. તેથી વધારાની આવક થઈ છે 86,000 કરોડ રૂપિયા – 1.76 લાખ કરોડની આવક નથી થઈ.

86,000 કરોડ વધારે મળ્યા છે, પણ વેરાની આવકમાં ધારણા પ્રમાણે વધારો મળ્યો નથી. વેરાની આવકમાં સરકારને પડેલો ખાડો આ 86,000 કરોડ રૂપિયાથી ભરાશે. હવે આમાં વધારાની કેટલી રકમ રહેશે જે સરકારને વાપરવા મળશે? તેનાથી અર્થતંત્રને કેટલો ફાયદો થશે? આ બધા સવાલ માટે રાહ જોવી પડશે. બીજું એકવાર ધોરણ નક્કી થયું હોવાથી હવે આગામી ચાર વર્ષ સુધી સરકારને આરબીઆઈમાંથી આટલી વધારાની રકમ મળતી રહેશે. તેથી આગામી વર્ષોમાં કદાચ સરકારને ફાયદો દેખાશે તેમ લાગે છે. પરંતુ આગામી દિવસોમાં અર્થતંત્ર સુધર્યું નહિ, ચીન અને અમેરિકાનું વેપાર યુદ્ધ વકર્યું, ખાડીમાં નાનકડો ભડકો થયો, હૂંડિયામણ દરમાં ઉથલપાથલ થઈ, વૈશ્વિક મંદીના અણસાર છે ત્યારે દેશની મંદી પણ હજી એક કે બે વર્ષ બહાર ના આવી તો શું થશે?

આ સવાલોના અને આવી અનિશ્ચિતતાને કારણે જ આરબીઆઈ પાસેનું અનામત ભંડોળ ઓછું કરવાના મુદ્દે સરકારની ટીકા થઈ રહી છે. આરબીઆઈ પાસે થોડું વધારે ભંડોળ પડ્યું હોય તો જરૂર પડ્યે તેને કામે લગાડી આર્થિક અસ્થિરતા થોડી સ્થિર કરી શકાય. બીજી બાજુ આરબીઆઈમાં પૈસા પડ્યા રહે અને મંદી ઘેરી બનતી રહે તેનો શો અર્થ એવો સવાલ પણ વાજબી છે. અત્યારે જ કટોકટી છે ત્યારે બચત પણ વાપરી કાઢો. અત્યારે ટકી જાવ તો ફરી કમાતા થઈશું અને ફરી બચત કરીશું. આવી કંઈક વિચારસરણી પણ ચાલી રહી છે. આમાંથી કોણ સાચું તે તો આવનારો સમય જ કહેશે એવું હાથવગું વાક્ય વાપરીને લેખ પૂરો કરીએ, કેમ કે શું થશે તેની આ લેખકને પણ બહુ સમજ પડતી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]