ચંદ્રાયન, અણુક્ષમતાનો ‘નો ફર્સ્ટ યુઝ’ અને ડૉ. વિક્રમ સારાભાઈ

ચંદ્રાયન ચંદ્રની ફરતે પ્રદક્ષિણા કરવા લાગ્યું છે. તેમાંથી હવે લેન્ડર છૂટું પડશે અને સોફ્ટ લેન્ડ કરશે. આ લેન્ડરનું નામ વિક્રમ છે. વિક્રમ એટલે પરાક્રમ. ચંદ્ર પર ધીમેકથી ઉતરવું એ જોરદાર પરાક્રમનું જ કામ છે. આ કામનો પાયો ભારતના અંતરિક્ષ કાર્યક્રમ સાથે નખાયો હતો, જેના વડા તરીકે ત્યારે પસંદ થયા હતા ગુજરાતના ડૉક્ટર વિક્રમ સારાભાઈ. એટલે વિક્રમ નામ તેમની યાદમાં પણ છે. વિક્રમ લેન્ડર હવે ચંદ્રની ધરતી પર ઉતરશે ત્યાર પછી તેમાંથી પ્રજ્ઞાન રૉવર બહાર નીકળીને ફરશે. ફરતા ફરતા કદાચ સારાભાઈ ક્રેટર સુધી પણ પહોંચે, વ્હૂ નોઝ! યસ, ચંદ્ર પર જુદા જુદા ક્રેટર છે, તેમાંથી એકનું નામ પણ વિક્રમ સારાભાઈ પરથી રખાયું છે, જે તેમની આંતરરાષ્ટ્રીય ધોરણે અવકાશ સિદ્ધિનો સ્વીકાર છે.

12 ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદના મીલ માલિક અંબાલાલ સારાભાઈના ઘરે વિક્રમનો જન્મ થયો હતો. બાળકના કાન એટલા મોટા હતા કે તેને જોઈને ઘણાએ કહેલું કે ગાંધીજી જેટલા મોટા કાન છે એટલે મોટો માણસ થશે. તે જમાનામાં સારાભાઈનું ઘર મોંઘેરા મહેમાનો માટે ઉતારો રહેતું. રવિન્દ્રનાથ ટાગોર પણ ત્યારે તેમના ઘરે આવેલા. તેમણે કાન જોઈને નહિ, પણ વિક્રમનું મોટું ભાલ જોઈને કહેલું કે આના હાથે મોટું કામ થવાનું છે.
તેમના હાથે એક નહિ, પણ ત્રણ ત્રણ મોટા કામ થયા હતા. અંતરિક્ષ કાર્યક્રમને કારણે ઉપગ્રહ બનાવવાથી માંડીને રૉકેટ બનાવવા સુધીની મહત્ત્વાકાંક્ષા ભારતે કેળવી હતી. રૉકેટમાંથી જ આગળ જતા મિસાઇલ કાર્યક્રમ શરૂ થયો હતો. તેની પણ શરૂઆત કરીને તેમણે એ કામ પોતાના શિષ્ય એપીજે અબ્દુલ કલામને સોંપેલું. અબ્દુલ કલામ આગળ જતા ભારતના મિસાઇલ મેન બન્યા.


ત્રીજું કામ થયું તે અણુઉર્જાનું. હોમી ભાભાએ અણુ કાર્યક્રમનો પાયો નાખેલો, પણ કમનસીબે તેમનું વિમાન અકસ્માતમાં મોત થયું. તે વખતે પણ શંકા ગયેલી કે કદાચ આ અકસ્માત નહોતો. એ જ રીતે નાની 52 વર્ષની ઉંમરે કોવાલમના બીચ પરના એક ગેસ્ટહાઉસમાં વિક્રમ સારાભાઈનું અવસાન થયું ત્યારે પણ શંકા ગઈ હતી. ભારતીય વિજ્ઞાનીઓ પશ્ચિમના પ્રતિબંધો છતાં આગળ વધી રહ્યા હતા.  હોમી ભાભાએ અણુ કાર્યક્રમમાં પ્રગતિ તરફનો પાયો નાખ્યો હતો, પણ તેના પર ઇમારત ઊભી કરવાનું કામ સારાભાઈની માથે આવ્યું હતું. હોમી ભાભાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નેટવર્ક વિકસાવેલું. તેથી તેમની જગ્યાએ કોઈ એવા માણસને મૂકવો પડે, જેમની પોતાની પ્રતિભા હોય.  તેથી જ અણુ પંચની જવાબદારી વિક્રમ સારાભાઈને સોંપાઈ હતી. જોકે તેમણે અંતરિક્ષ કાર્યક્રમની હજી શરૂઆત જ કરી હતી. તેથી તે વિભાગ પણ સંભાળવો જરૂરી હતો. તેથી આખરે બંને વિભાગોની જવાબદારી તેમને સોંપાઈ હતી. વિકસતા દેશ માટે, સ્વદેશી ટેક્નોલૉજી વિકસાવવા માગતા રાષ્ટ્ર માટે આ બહુ મોટું કામ હતું. તેના કારણે જ વિક્રમ સારાભાઈ લિજેન્ડ બની શક્યા છે.

તેઓ મૂળ તો ઉદ્યોગપતિ પરિવારના હતા. તેથી મેનેજમેન્ટ તેમને વારસામાં મળ્યું હતું. વિજ્ઞાન કાર્યક્રમને આગળ વધારવા પ્રતિભાવાન વિજ્ઞાનીઓને સંભાળવા, સરકારી વિભાગો સાથે કામ પાર પાડવું, સરકાર સાથે પાર પાડવું એ પણ પડકાર હોય છે. સારાભાઈ તે કરી શકતા હતા, કેમ કે આઝાદી વખતથી જ તેમના કુટુંબનો ઘરોબો કોંગ્રેસની ટોચની નેતાગીરી સાથે રહ્યો હતો. સારાભાઈના લગ્ન થયા અને તેઓ નવી વધૂને લઈને અમદાવાદ આવ્યા ત્યારે તેમના બહેન મૃદુલા સારાભાઈ જેલમાં હતા. મૃદુલા સારાભાઈ ભારત છોડો આંદોલનમાં જોડાયેલા હતા. ગાંધીજી અને સારાભાઈ પરિવાર વચ્ચે પણ સારા સંબંધો હતા.

વિક્રમ સારાભાઈ સીધા જવાહરલાલ નહેરુ સાથે વાત કરી શકતા હતા. તેમણે આપેલી દરખાસ્ત પછી જ અંતરિક્ષ અને સેટેલાઇટ ટીવી સહિતના કાર્યક્રમો આગળ વધ્યા હતા. ઇન્દિરા ગાંધી સાથે પણ તેઓ સીધી વાતચીત કરી શકતા હતા. મોરારજી દેસાઈ પણ તેમનાથી પણ રાજી હતા. તેમને સારાભાઈ સારો છોકરો લાગ્યા હતા.
આ કિસ્સો રાજા રામન્નાએ કહેલો છે. તેમણે કહેલું કે મોરારજી દેસાઈ ગાંધીજીના પગલે અહિંસામાં જ વધારે માનતા હતા. તેમને થતું કે ભારત જેવા દેશે અણુ બૉમ્બ બનાવવો જોઈએ નહિ. જોકે હોમી ભાભાએ તે માટેનો કાર્યક્રમ જોરશોરથી આગળ વધારી દીધો હતો. હોમી ભાભાનું અવસાન થયું અને તેમની જગ્યાએ સારાભાઈ આવ્યા ત્યારે તેમણે બૉમ્બ વિકસાવવાનો કાર્યક્રમ ધીમો પાડ્યો એવું કહેવાય છે.  વિક્રમ સારાભાઈ અણુ ઉર્જાના ક્ષેત્રમાં આગળ વધવા માગતા હતા. આ વાત મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારે રાજા રામન્નાને કહેલી. તેમણે કહેલું કે ‘આ વિક્રમ સારો છોકરો છે. પેલા હોમી ભાભા તો આખી દુનિયાને ધકાડો કરીને ઉડાવી દેવા માગતા હતા.’

આગળ જતા જોકે આ જ મુદ્દે તેમને ઇન્દિરા ગાંધી સાથે પણ મતભેદો થયા હોવાનું કેટલાક જાણકારો કહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ હતી. ભારતે મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ આવવા અને સુરક્ષા ખાતરે અણુક્ષમતા વિકસાવવી જરૂરી હતી. ઇન્દિરા ગાંધીએ અણુ પંચની કામગીરી અન્યને સોંપવાનું વિચારેલું. તેમણે અંતરિક્ષ પંચ અને અણુ પંચ અલગ અલગ કરીને અંતરિક્ષ પંચના અધ્યક્ષ તરીકે સારાભાઈને રાખવાનું નક્કી કરેલું. ઇન્દિરા ગાંધીએ તેમને બોલાવીને આ વિશે ઇશારો પણ કરેલો. તેમણે એવું કહેલું કે તમે બહુ કામ કરો છો. બબ્બે વિભાગો સંભાળો છો ત્યારે અમે તમને જલદી ગુમાવી દેશું. માટે તમે અણુ વિભાગ છોડી દો, સરકાર અંતરિક્ષ પંચ બનાવવા માગે છે તે તમે સંભાળી લો. આ વાત સારાભાઈને ઠીક લાગી નહોતી. તેમને લાગેલું કે પોતાના પર વડાપ્રધાનને વિશ્વાસ નથી. તેમણે રાજીનામું આપી દેવાનું પણ વિચારેલું. જોકે થોડા જ વખતમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને બાંગલાદેશની રચના થઈ હતી. તેથી સારાભાઈ જેવા દેશપ્રેમી રાજીનામું આપીને સરકારને વિમાસણમાં મૂકે નહિ. તેથી વાત ટળી ગઈ હતી.

સારાભાઈ મૂળ ગુજરાતના, તેમનું કુટુંબ ગાંધીજી સાથે નીકટથી સંકળાયેલું, ગાંધીજીની અહિંસા અને જૈન પરંપરા પ્રમાણેની અહિંસા. આ બધી બાબતોના કારણે સારાભાઈ અહિંસા તરફ ઢળતા હતા તેમ માની શકાય. અણુબૉમ્બ જેવી વિનાશક શક્તિને તેઓ એ રીતે પણ નકામી ગણતા હતા કે વાસ્તવિકતામાં તેનો કોઈ ઉપયોગ થવાનો નથી. તે માત્ર કાગળનો વાઘ છે એમ તેમને લાગતું હતું. હિરોશીમા અને નાગાસાકીમાં વિનાશક સ્થિતિ જોયા પછી દુનિયાને ખ્યાલ આવી ગયો હતો કે ક્યારેય અણુ શસ્ત્રોનો ઉપયોગ કરાય નહિ. આ સંજોગોમાં હાલમાં જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે નો ફર્સ્ટ યુઝની નીતિ માત્ર હાલ પૂરતી છે. ભવિષ્યમાં સ્થિતિ પ્રમાણે ફેરફારો થઈ શકે છે. જોકે પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મન દેશોને ભારતે ચેતવણી આપવી પણ જરૂરી છે.  બીજી બાજુ ભારતે અણુ કાર્યક્રમ આગળ વધારવા સાથે અંતરિક્ષ કાર્યક્રમમાં વધુ મોટી હરણફાળ ભરી છે. ચંદ્રયાન-2નું 66 ટકા મિશન પાર પડી ગયું છે. ચંદ્રને ફરતે તે પ્રદક્ષિણા કરવા લાગ્યું છે. હવે વિક્રમ લેન્ડર નીચે ઉતરશે અને પ્રજ્ઞાન રોવર બહાર નીકળીને ફરશે. તે સાથે મિશન 100 ટકા સફળ થશે. મંગળ ઓરબિટર પણ આપણે પહેલા જ પ્રયાસે સફળ બનાવી શક્યા છીએ. ભવિષ્યમાં મંગળ પર પણ ભારત લેન્ડર મોકલશે. સારાભાઈએ ટીવી પ્રસારણ શરૂ કરાવ્યું હતું તે પણ અલગ કહાની છે. આજે જુઓ ભારતમાં ટીવી ક્યા પહોંચ્યું છે…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]