બંગલાના મામલે ઉત્તરપ્રદેશમાં મચી બબાલ

રકારી બંગલા પર સૌની બાજ જેવી નજર હોય છે. સત્તા પર આવનારી પાર્ટી પોતાના મળતિયાને સારામાં સારા બંગલા ફાળવવાની હોડમાં લાગી જતી હોય છે. દિલ્હીમાં કેટલાક નેતાઓ એવા છે, જેઓ પેઢીથી બંગલા દબાવીને બેઠા છે. હારી ગયા પછીય વગદાર નેતાઓ બંગલા ખાલી કરતા નથી. પરંતુ ઉત્તર પ્રદેશમાં બંગલાનું રાજકારણ કંઈક અનોખા પ્રકારનો રંગ પકડી રહ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સરકારી બંગલા માટેનું રાજકારણ માયાવતી અને મુલાયમસિંહના વખતથી વધારે પેચીદું બન્યું હતું.

માયાવતી મુખ્ય પ્રધાન નહોતા રહ્યા અને દિલ્હીમાં સાંસદ હતા ત્યારે પણ લખનૌનો પોતાનો વિશાળ બંગલો ખાલી કરતા નહોતા. મુલાયમસિંહ પાસે પોતાનો, ઉપરાંત પુત્ર અખિલેશનો જુદો અને પુત્રવધુ અપર્ણા યાદવનો પણ વૈભવી બંગલો જુદો હતો. સચીવો અને પત્રકારોને પણ બંગલા ફાળવી દેવાયા હતા. આ મામલો કોર્ટેમાં પણ પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારી બંગલા ખાલી કરાવો. ભાજપની યોગી સરકાર આવી તે પછી માયાવતી અને મુલાયમ સામે ખાર રાખીને તેમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.

સુપ્રીમ કોર્ટને કારણે માયાવતીએ વધુ માથાફોડી કરવાને બદલે બંગલો ખાલી કરી દીધો, પણ યોગી સરકારે જૂની સરકારની જેમ જ ગોબાચારી કરી છે. તેમણે માયાવતીનો વૈભવી બંગલો, મોકાના સ્થાને આવેલો અને વિશાળ ક્ષેત્રફળ ધરાવતો બંગલો અખિલેશના કાકા શિવપાલસિંહ યાદવને ફાળવી દીધો. શિવપાલસિંહ આ બંગલામાંથી પોતાનો નવો પક્ષ ચલાવી શકે અને ભત્રીજા અખિલેષ યાદવનો ખેલ બગાડે તેવો ખેલ યોગીએ ગોઠવ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગલા ખાલી કરાવવા માટે આદેશ આપ્યો ત્યારે ઉદ્દેશ સારો હતો. અયોગ્ય લોકોના હાથમાં સરકારી સંપત્તિ ના જવી જોઈએ, પણ યોગી સરકારે માયાવતી પર દાઝ રાખીને તેમની પાસેથી ખાલી કરાવ્યો, પણ આપ્યો પોતાના માનિતા શિવપાલસિંહને. તેનો અર્થ એ થયો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ભાવનાનો યોગી સરકારી સરેઆમ ભંગ કર્યો છે. આ ઉપરાંત બદનામ રાજા ભૈયા માટે પણ એક મોટો બંગલો તૈયાર થઈ રહ્યો છે. તેમને પણ કામ સોંપાશે કે માયાવતી અને અખિલેષના ગઠબંધનનો ખેલ આ બંગલામાંથી ગોઠવે.

દરમિયાન અન્ય એક બંગલાનો વિવાદ હાલમાં ચગ્યો છે, તેના કારણે ઘણાંના ભવાં ચડ્યા છે. આ વખતે કોઈ નેતા નહિ, પણ લોકાયુક્ત જેવો બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિને બંગલાની ફાળવણીના મામલે વિવાદ થયો છે.

સંજય મિશ્રાની નિમણૂક ઉત્તર પ્રદેશમાં લોકાયુક્ત થઈ છે. તેમની નિમણૂક થઈ ત્યારે પણ ઘણાને નવાઈ લાગી હતી. સંજય મિશ્રા અલાહાબાદ હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ છે. 31 જાન્યુઆરી 2016માં તેઓ યુપીના લોકાયુક્ત બન્યા હતા. અખિલેષની સરકાર હતી ત્યારે વીરેન્દ્ર સિંહનું નામ લોકાયુક્ત તરીકે નક્કી હતું. સુપ્રીમ કોર્ટે મંજૂરી પણ આપી હતી, પરંતુ કોર્ટ સામે રજૂઆત થઈ કે વીરેન્દ્ર સિંહ નામ સામે અલાહાબાદ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે વાંધો લીધો હતો. સુપ્રીમ કોર્ટ સુધી આ માહિતી પહોંચવા નહોતી દેવાઈ, પણ આખરે તેમનું નામ પડતું મૂકાયું. તે પછી અન્ય પાંચ નામો સરકારે મોકલ્યા હતા તેમાંથી સંજય મિશ્રાનું નામ પસંદ થયું હતું.

મિશ્રાની નિમણૂકને બે વર્ષ થઈ ગયા પછી તેમને કેવો બંગલો મળવો જોઈએ તેનો વિવાદ જાગ્યો હતો. તેમને અખિલેષ સરકારે ટાઇપ-6 બંગલો ફાળવ્યો હતો, જેમાં ચાર બેડરૂમ હોય છે. ડિસેમ્બર 2017માં યોગી સરકાર આવી પછી તેમને જણાવાયું કે આ બંગલો તેમણે ખાલી કરવો પડશે. તેમને હવે ટાઇપ-5 બંગલો આપવાની વાત થઈ, જેમાં ત્રણ બેડરૂમ હોય છે. લોકાયુક્ત બંધારણીય પદ છે અને હાઈ કોર્ટના ન્યાયાધીશો સમકક્ષ આવે છે એટલે પોતે વધારે મોટા બંગલા માટે લાયક છે તેમ મિશ્રાને લાગ્યું હતું. તેથી તેમણે બંગલો ખાલી ના કર્યો, પણ હાઈ કોર્ટમાંથી સ્ટે લઈ લીધો.

આ કેસ ચાલ્યો તેનો ચુકાદો ગત નવેમ્બર મહિનામાં આવ્યા. તેમાં હાઈ કોર્ટે પણ જણાવ્યું કે લોકાયુક્તનો દરજ્જો હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમકક્ષ છે, તેથી તેમને ટાઇપ-6 જેવો મોટો બંગલો જ મળવો જોઈએ.

લોકાયુક્તે કોર્ટમાં લડત આપીને મોટો બંગલો રાખ્યો તે પછી અન્ય અધિકારીઓ પણ પોતાના મોટા બંગલા ખાલી કરવાના યોગી સરકારના આદેશ સામે કોર્ટમાં અરજીઓ કરી છે. ચીફ ઇન્ફર્મેશન ઓફિસર અને લોકસેવા આયોગના ઉપાધ્યક્ષે પણ કહ્યું છે કે તેમનો દરજ્જો સામાન્ય અમલદારો કરતાં મોટો છે, તેથી તેઓ પણ ટાઇપ-6 બંગલો ખાલી નહિ કરે.

યુપીના નેતાઓમાં ચાર બેડરૂમ અને મોટી લોન સાથેનો ટાઇપ-6 બંગલો લોકપ્રિય છે. તેને પોતાના મોભા અનુરૂપ ગણીને તેના માટે માગણી થતી હોય છે. લોકસભાની ચૂંટણી પહેલાં શિવપાલસિંહ યાદવ અને રાજ્જા ભૈયાને રાજી કરવા માટે તેમને વિશાળ અને વૈભવી બંગલા અપાયા છે, ત્યારે ભાજપના નેતાઓ અને સાથી પક્ષના અન્ય નેતાઓ પણ મોટા બંગલા માગી રહ્યા છે. યોગી સરકાર પાસે પૂરતા પ્રમાણમાં બંગલાઓ છે નહિ એટલે તેમણે એસબી અને બીએસપીના નેતાઓના બંગલા ખાલી કરાવ્યા. અખિલેષનો બંગલો પણ ખાલી કરાવાયો છે. પરંતુ પૂરતા બંગલા ના હોવાથી યોગી સરકારે મોટા પાયે નોટીસો મોકલી હતી. એક અંદાજ અનુસાર 36 જેટલા મોટા બંગલામાં રહેતા અધિકારીઓ અને નેતાઓએ પોતાનો બંગલો ખાલી કરવાના બદલે અદાલતનો આશરો લીધો છે.

જોકે સંજય મિશ્રાનો બંગલો ખાલી ના કરાવવો તેવો હાઈ કોર્ટે આદેશ આપ્યો તે પછી બીજા લોકો પણ આશા રાખે છે કે તેમને પણ અદાલત રાહત આપશે. જોકે મિશ્રાને અદાલતમાં જીત મળી તે પછી લોકાયુક્તના અધિકારીઓએ પત્રકાર પરિષદ બોલાવીને યોગી સરકારની ટીકા કરી હતી.

બંગલો ખાલી ના કરાવી શકાયો ત્યાં સુધી ઠીક વાત હતી અને અદાલતમાં સરકાર હારી ગઈ તે પણ ઠીક. પરંતુ હવે લોકાયુક્ત કચેરીએ યોગી આદિત્યનાથની સરકારે બંધારણીય હોદ્દો ધરાવનારાનું અપમાન કર્યું છે તેમ કહીને જાહેરમાં ટીકા કરી એટલે મામલો વધારે ચગ્યો. એવો પણ આક્ષેપ કરાયો કે સંજય મિશ્રા દબાણમાં રહે અને સરકારનું કહ્યું કરે તે માટે તેમને બંગલો ખાલી કરવાનું કહેવાયું હતું. સાથે જ સરકાર પર આક્ષેપો કરાયા કે લોકાયુક્ત કામ ના કરી શકે તેવી રીતે સરકાર વર્તે છે. સરકાર કચેરી માટે જરૂરી સ્ટાફ અને સુવિધા આપતી નથી એવું પણ કહેવાયું. લોકાયુક્ત કચેરીએ પોતે યોગ્ય રીતે કામ કરી શકે તે માટે 16 આઈપીએસ અને 25 કૉન્સ્ટેન્બલ આપવાની માગણી કરી છે. સરકારે જોકે કોઈની ફાળવણી કરી નથી.

યોગી સરકારના બાંધકામ વિભાગના પ્રધાને પણ બાદમાં આ પ્રકારની ટીકા કરવી યોગ્ય નથી તેનું નિવેદન આપ્યું હતું. નિયમો પ્રમાણે ટાઇપ-6 બંગલો આપવાની કોઈ જોગવાઈ નથી અને આ બાબતે ભલે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો, પણ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરવામાં આવી છે એમ પણ કહેવાયું. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે હજી અમુક નેતાઓને અને કામ આવે તેવા અધિકારીઓને પણ બંગલા ફાળવીને રાજી કરવાની યોગી સરકારની ગણતરી છે ત્યારે નજીકના મહિનાઓમાં બંગલાના મામલે બબાલ બંધ થવાની નથી તેમ લાગે છે.