NEET અને IIT-JEEની દેશભરમાં લેવાતી પરીક્ષાઓ વર્ષમાં બેવાર લેવામાં આવશે અને પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઈન લેવાશે તેવી જાહેરાત કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય પ્રધાન પ્રકાશ જાવડેકરે કરી છે. તે જાહેરાતને દસેક દિવસ થવા આવ્યાં છે ત્યારે હવે તેના ફાયદા ગેરફાયદાનું મૂલ્યાંકન થવા લાગ્યું છે. મોટાભાગના લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. જાહેરાત થઈ તે સાથે જ તરત તેને વધાવી લેવાયો હતો. વિદ્યાર્થીઓ માટે મોટી રાહત છે અને એક તક ચૂકી જનારને બીજી તક મળશે તે વાતને સૌએ આવકારી હતી.
પરંતુ એકાદ અઠવાડિયા બાદ હવે કેટલાક એવું પણ કહેવા લાગ્યા છે કે નવી પદ્ધતિને કારણે ખાનગી શિક્ષણને જ વધારે પ્રોત્સાહન મળશે. ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણનું ખાનગીકરણ થવા લાગ્યું છે. ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણને કારણે દાટ વળી ગયો છે. શિક્ષણ મોંઘું બની ગયું છે અને શિક્ષણની ગુણવત્તા નીચે જવા લાગી છે. સરકારી શાળાઓની ઉપેક્ષા થાય છે. તેમાં બાળકોને ભણવા મોકલવાનું કોઈને ગમતું નથી. ખાનગી શાળાઓમાં બાળકોને મોંઘી ફી આપીને ભણવા મોકલવા પડે છે, પરંતુ આવા શાળાઓમાં શિક્ષકો જ હોતાં નથી. હોય છે તે બહુ નબળાં હોય છે.
મોટાભાગની ખાનગી શાળા નેતાઓની છે. નેતાઓએ શાળાઓને ધંધાની હાટડી બનાવી દીધી છે. વાલીઓને લૂંટાય તેટલા લૂંટી લેવાના. અનેક જાતના બહાને ફી લેવાની. તેની સામે શિક્ષકો તરીકે નવા નિશાળિયા કરતાંય નબળા બેકાર લોકોને રાખવાના. ક્યાંય નોકરી ના મળી હોય અને બેકાર હોય તેવા યુવાનોને બહુ મામૂલી પગાર આપીને નોકરીએ રખાય છે. થોડી વધારે આવકની લાલચે ગૃહિણીઓને નોકરીએ રખાય છે. પાંચ સાત કે દસ હજારનો પગાર આવા શિક્ષકોને અપાય છે, જે ભાગ્યે જ સારું શિક્ષણ બાળકોને આપી શકે છે.આવા સંજોગોમાં NEETની પરીક્ષાને કારણે પણ શિક્ષણના ખાનગીકરણને જ પ્રોત્સાહન મળવાનું હોય તો પરીક્ષાનો બોજ દૂર કરવાનો મૂળ હેતુ માર્યો જશે એમ ઘણાને લાગશે. ઘણા એમ કહે છે કે પરીક્ષાનો બોજ અને ટેન્શન ઓછું થશે, પણ શિક્ષણનું ખાનગીકરણ વધશે તે નુકસાન સાથે થવાનું જ છે.
અત્યાર બોર્ડની પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓએ તરત જ NEET માટે તૈયારીમાં લાગી જવું પડતું. પ્રવેશ મેળવવા માટે NEETમાં પણ સારા માર્ક્સ લાવવા જરૂરી હોય છે. કોઈક કારણસર પરીક્ષા નબળી જાય તો એડમિશન મેળવવું મુશ્કેલ બની જાય છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ અગત્યની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાનું નક્કી થયું હતું. JEE-Mainsની પરીક્ષા પ્રથમવાર જાન્યુઆરીમાં યોજાય તે પછી બીજી વાર એપ્રિલમાં યોજાશે. એ જ રીતે NEETની પરીક્ષા પ્રથમવાર ફેબ્રુઆરીમાં અને ત્યારબાદ મે મહિનામાં ફરીવાર યોજાશે.
નવી પદ્ધતિ પ્રમાણે બન્ને પરીક્ષાના સરેરાશ માર્ક્સ નક્કી કરી પરિણામ જાહેર કરાશે. પ્રથમ પરીક્ષામાં વિદ્યાર્થી સારો દેખાવ ન કરી શકે તો તેને વધુ એક તક બીજી પરીક્ષામાં મળે અને પોતાનું ધોરણ સુધારી શકે. આ ઉદ્દેશ સારો છે, પણ તેના કારણે હોંશિયાર વિદ્યાર્થીઓને નુકસાન છે એવું કેટલાક કહે છે. મહેનતના બદલે નસીબનો ખેલ વધારે બન્યો છે. હોંશિયાર વિદ્યાર્થી મહેનત કરીને પ્રથમવાર જ સારી રીતે પરીક્ષા આપે તે પછી તેણે બીજી પરીક્ષા પણ સારી રીતે આપવી રહી. તેના કારણે પરીક્ષાઓનો બોજ ઘટતો નથી, ઉલટાનો વધ્યો છે તેવો પણ અભિપ્રાય છે.
એકવાર નબળો દેખાવ થાય તો બીજી તક માટે આખું વર્ષ રાહ જોવી પડે. તેના બદલે થોડા જ મહિનામાં ફરી તક મળે છે. પરંતુ તેના કારણે પ્રાઇવેટ ટ્યુશન આપનારા તથા ક્લાસનો રાફડો ફાટશે. પોતાની પરીક્ષા વિશે વિદ્યાર્થીઓને હંમેશા અસંતોષ રહેવાનો. તેના કારણે પ્રથમ પરીક્ષા સારી આપી હોય તો પણ બીજી પરીક્ષામાં જોખમ ન લેવા ટ્યુશન અને ક્લાસનો આશરો લેવાની લાલચ થશે. એક વિદ્યાર્થી ક્લાસમાં જશે એટલે બીજાના વાલી પર દબાણ આવશે. તેણે પણ પોતાના બાળક માટે ટ્યુશન કે ક્લાસની વ્યવસ્થા કરવી પડશે. આ રીતે ખાનગી ક્લાસિસ અને ટ્યુશનની બોલબાલા વધી જશે, જ્યારે શાળા શિક્ષણનો દાટ નીકળી જશે.
આવી પદ્ધતિ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી અપનાવે છે. તેના આધારે આ મોડેલ તૈયાર થયું છે, પણ અહીં ફરક એ છે કે આ વિદ્યાર્થીઓ માટે છે. બીજું 25 લાખ જેટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપે છે. તેના કારણે ખાનગી શિક્ષણના ખંધા, ખાઉધરા, કમાણીના લાલચુ સંચાલકો માટે મોટું માર્કેટ ખોલી આપવામાં આવ્યું છે.બીજું પરીક્ષા ઓનલાઇન લેવાશે. તેનો અર્થ એ થયો કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને વધારે નુકસાન થશે. ગામે ગામે પીસી પહોંચી ગયા છે, પણ દરેક વિદ્યાર્થી તેના પર સતત બેસીને તેનાથી સારી રીતે પરિચિત થઈ શકતો નથી. નાના નાના નગરોમાં કમ્પ્યૂટર પર નાનામાં નાનું કામ કરવા માટે સાયબર કાફે અને તેના અણઘડ સંચાલકો પર આધાર રાખવો પડે છે. આવા વિસ્તારોમાં ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ સાયબર કાફેની દયા પર અને આવડત પર નિર્ભર રહેવું પડશે.
બીજું આ પ્રકારની પરીક્ષા પદ્ધતિને કારણે તૈયારીઓ કરવી જરૂરી છે તેવો હાઉ ઊભો કરીને ક્લાસના સંચાલકો વાલીઓને ખંખેરી લે છે. એક તરફ ખાનગી શાળાએ આખું વર્ષ લૂંટ્યા હોય છે. તે પછી હવે પરીક્ષા ટાંકણે ક્લાસવાળા પણ લૂંટશે. હવે તો ખાનગી શાળા સાથે જ ક્લાસવાળાનું પણ ગોઠવાઈ જાય છે. શાળામાંથી જ કમ્પિટિટિવ એક્ઝામ માટે કયા ક્લાસ છે તે વિદ્યાર્થીઓને દેખાડીને તેમાં જવા માટે રીતસર દબાણ થતું હોય છે. કેટલીક શાળાઓ આવા ક્લાસમાં જવું ફરજિયાત કરી નાખે છે અને તે બહાને પણ કાળી કમાણી કરી લે છે.
એક અંદાજ પ્રમાણે ખાનગી ટ્યુશન ક્લાસીસનો ધંધો ભારતમાં વર્ષે 24,000 કરોડથી પણ વધી ગયો છે. આ આંકડો 2016નો છે, જેમાં વધારો જ થયો હશે. નાના નગરોમાં પણ ખૂલી ગયેલાં કોચિંગ સેન્ટરનો હિસાબ જુદો. આ બધાં જ નાણાં વાલીઓનાં ખિસ્સામાંથી જાય છે.
સરકારી અને ખાનગી સંસ્થાઓના અહેવાલમાં સતત એવી ડાહીડાહી વાતો થતી હોય છે કે શિક્ષણમાં વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનો બોજ ઓછો કરવો જોઈએ. તેમને શીખવાનું મન થાય અને તેમનો માનસિક વિકાસ થાય તેવી પદ્ધતિ હોવી જોઈએ. પણ તે પદ્ધતિ કેવી હોવી જોઈએ અને પરીક્ષાનો હાઉ કઈ રીતે ઓછો કરવો તેનો કોઈ ઉપાય સરકારોને મળી રહ્યો નથી. પરીક્ષાનું મહત્ત્વ યથાવત રહેતા, વિદ્યાર્થીઓને અને વાલીઓને ખાનગી ટ્યુશનનો આશરો લેવો મજબૂરી બની રહી છે.
અત્યાર સુધી શિક્ષણ સંસ્થાઓ જ પરીક્ષા લેતી હતી. તેના બદલે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઊભી કરાઈ છે, જે આ પ્રકારની પરીક્ષાઓનું આયોજન કરશે. તેની સારી બાબત એ છે કે અભ્યાસક્રમ, પ્રવેશ અને શાળાના સંચાલન જેવી બાબતની જફામાંથી આ એજન્સી મુક્ત રહેશે. તે વધારે સારી રીતે ટેસ્ટ પેપર્સનું અને એક્ઝામનું આયોજન કરી શકશે. વર્ષમાં એકથી વધુ વાર અને એકથી વધુ પ્રકારની ટેસ્ટ માટે પણ એજન્સી કાર્ય કરી શકશે.
જોકે વિદ્યાર્થીઓ માટે તો એકના બદલે બે પરીક્ષાઓ થઈ. એન્જિનિયરિંગની બે અને મેડિકલની બે. બંને સ્ટ્રીમના વિદ્યાર્થીએ વળી ચાર પરીક્ષા આપવી પડશે. સરવાળે પરીક્ષા સરળ થઈ તેમ લાગે, પણ વધુ એક પરીક્ષા વધી એટલે સરવાળો શું થયો? બીજું બોર્ડની પરીક્ષા પહેલાં એક પરીક્ષા આપી દેવાની, પછી બોર્ડની પરીક્ષા આપવાની અને ફરી એકાદ મહિનામાં બીજી પરીક્ષા આપવાની. બોર્ડના વિદ્યાર્થી માટે છેલ્લું અડધું વર્ષ માત્ર પરીક્ષાઓનું ચિંતામાં જ જશે.
આ પદ્ધતિને કારણે પોતાને કેટલી તગડી કમાણી થશે તેના સરવાળા ખાનગી ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ અત્યારથી જ મંડાવા લાગી છે. ઓનલાઇન પરીક્ષાની વિગતો હજી બધા વાલીઓને સમજાઈ નથી. તેમાં વિવિધ પ્રકારના એક્ઝામ સેટ્સ રહેશે અને તેમાં પણ તારીખો પસંદ કરવાની અનુકૂળતા વિદ્યાર્થીઓને રહેશે. આ બધી ગૂંચ એવી છે કે શરૂઆતના થોડા વર્ષો કોચિંગ ક્લાસ પાસે ગયા સિવાય છૂટકો નથી. આગળ જતાં કદાચ આમાંથી પસાર થયેલા વાલી બીજા વાલીને માર્ગદર્શન આપી શકશે, પણ પ્રારંભમાં ટ્રેનિંગ ક્લાસવાળાને તડાકો પડવાનો છે. તેથી પરીક્ષા બે વાર લેવાશે અને વધુ પારદર્શી રીતે લેવાશે તેવી જાહેરાત થઈ ત્યારે શરૂઆતમાં મોટા ભાગના લોકો ખુશ થયા હતાં. હવે મોટા ભાગના લોકો મૂંઝાવા લાગ્યા છે આમાં ફાયદો વધારે કે નુકસાન વધારે.