ચિલ્લર શબ્દ પર પન એટલે કે શ્લેષ કરવામાં આવ્યો અને તેના કારણે વિવાદ થયો. શ્લેષનું સાહિત્યમાં ઘણું મહાત્મ્ય છે. જ્યોર્જ બર્નાર્ડ શો પન માટે જાણીતા છે એવું તરત આપણે કહીએ, પણ સંસ્કૃત સાહિત્યમાં પણ શ્લેષનો પ્રચૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્લેષ સીધો જ સમજાઈ જાય તેવો ના હોય ત્યારે શ્લેષ અભિપ્રેત છે એવી સ્પષ્ટતા પણ કરાતી હોય છે. સામાન્ય માણસની ભાષામાં તેને શબ્દરમત પણ કહેવામાં આવે છે. શબ્દરમત દ્વારા હાસ્ય નિષ્પન્ન થાય, કટાક્ષ થાય, મજાક થાય. સેન્સ ઓફ હ્યુમરને સજ્જનનો ઉત્તમ ગુણ માનવામાં આવે છે, પણ મજાકમાંથી વાત વણસે ત્યારે ગંભીર વિવાદ થતો હોય છે.આ ચિલ્લર શબ્દ પર એવો જ પન કરવાની કોશિશ કોંગ્રેસના નેતા શશી થરૂરે કરી તો વિવાદ થયો. વાત સાવ ચિલ્લર પણ નથી (અહીં શ્લેષ અભિપ્રેત છે), કેમ કે શશી થરૂરે નોટબંધીની વાતને આ છિલ્લર સાથે જોડીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. છિલ્લર એટલે માનુષી છિલ્લર, ભારતીય યુવતી જેણે 2017નો વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો. વિશ્વ સુંદરી એટલે મિસ વર્લ્ડ. આ ચોખવટ એટલા માટે કે મિસ યુનિવર્સ નામની વળી જુદી જ કોન્ટેસ્ટ છે. મિસ અર્થ અને મિસ ઇન્ટરનેશનલ પણ છે, પણ તે બે ભારતમાં ઓછી જાણીતી છે. 1994માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની અને ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની એટલે ભારતમાં અહોઅહો થઈ ગયું હતું.
તે પછી 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી અને 2000માં પ્રિયંકા ચોપરા ઉપરાઉપરી મિસ વર્લ્ડ બની હતી. તેના કારણે ભારતમાં અહોઅહોની સાથે કેટલાક લોકો ચોંક્યા હતાં. તેમને લાગ્યું કે ભારતમાં કન્ઝ્યુમરિઝમને પ્રમોટ કરવા માટે, બ્યૂટી પ્રોડક્ટનું માર્કેટ એક્સપાન્ડ કરવા માટે ઇરાદાપૂર્વક ભારતની યુવતીઓને વિશ્વ સુંદરીના ખિતાબો અપાઈ રહ્યાં છે. આ એ જમાનો પણ હતો જ્યારે ભાજપની પહેલીવાર કેન્દ્રમાં સરકાર બની હતી. ડાબેરીઓ તરફથી આક્ષેપો થવા લાગ્યાં હતાં કે જમણેરી (અને વગર શ્લેષે જેમને જૂનવાણી કહી દેવામાં આવે છે તે) લોકો નવા જમાનાને અને નવી પેઢીની આકાંક્ષાને સમજતા નથી. જમણેરી સત્તામાં આવ્યાં હતાં તેથી તેમના અવાજમાં પણ જોર આવ્યું હતું અને સંસ્કૃત્તિ ખતરે મેં હૈના નારા પણ લાગતાં હતાં.
17 વર્ષ ફરી સ્થિતિનો વિચાર કરો. સત્તામાં જમણેરી મનાતી સરકાર છે. અર્થતંત્ર ફરી સુધારા તરફ છે. મધ્યમ વર્ગ મોટો થઇ રહ્યો છે. સ્પેન્ડિંગ વધ્યું છે, ભારતની કન્ઝ્યુમર માર્કેટને કેપ્ચર કરવા માટે (જે ઓલરેડી કેપ્ચર કરેલી છે તે માટે) મલ્ટિનેશનલ કંપનીઓ થનગની રહી છે. આવા માહોલ વચ્ચે વધુ એકવાર એક ભારતીય યુવતીને મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો.
આ વખતે જે યુવતી વિશ્વ સુંદરી બની તેનું નામ છે માનુષી છિલ્લર. આવી કોઈ ઘટના બને એટલે સ્વાભાવિક છે કે સોશિઅલ મીડિયા ધમધમી ઊઠે. અભિનંદનોના વરસાદ વરસે. સાથોસાથ પેલા વર્લ્ડ બ્યૂટી જેવી સ્ત્રીને અપમાનિત કરતી સ્પર્ધાનો વિરોધ કરનારે હોબાળો પણ બનાવ્યો. તેમાં શશી થરૂરે પણ એક નિવેદન પોસ્ટ કર્યું. તેમણે પન કર્યો. તેમણે કહ્યું કે આપણી છિલ્લર પણ મિસ વર્લ્ડ બની ગઈ. અહીં તેમણે છિલ્લર અને ચિલ્લરનો પન કર્યો. આ શુદ્ધ શ્લેષ નથી, પણ શબ્દરમત વધારે છે. શુદ્ધ શ્લેષમાં મૂળ શબ્દના જ બે અર્થ થયા હોય તેના પરથી કટાક્ષ થાય અહીં શબ્દ રમત વધારે હતી – છિલ્લર અને ચિલ્લર.પણ વિવાદ થયો તે બીજા કારણસર. તેમણે છિલ્લર શબ્દને ચિલ્લર સાથે રાઇમ કરીને ટીકા કરી હતી ડીમોનેટાઇઝેશનની. નોટબંધીના કારણે ભારતીય ચલણની હાલત ખરાબ થઈ હતી. ભારતીય 500 અને 1000ની નોટો બંધ કરી દેવાઈ તેની ટીકા આ બહાને થરૂરે કરી. તેમણે એવો ટોણો માર્યો કે તમે ભારતીય ચલણનું અવમૂલ્યન કર્યું હતું. તમે જુઓ કે ભારતીય ચિલ્લર (એટલે કે છિલ્લર)નું વિશ્વમાં કેવું મૂલ્ય થયું. ભારતીય કેશ અને ચિલ્લર વિશ્વ પ્રસિદ્ધ થાય છે અને તમે તેનું અવમૂલ્યન કરો છો.
વિવાદ વધી પડ્યો. ભારતનું ગૌરવ કરનાર યુવતીને તમે કેમ ચિલ્લર જેવી ગણાવી એવો વિરોધ થયો હતો. તેની પાછળ મૂળ નારાજી એ હતી કે તમે નોટબંધીની કેમ ટીકા કરી. નોટબંધીની ટીકા કરવા બદલ કશી ટીકા થાય તેમ નહોતી તેથી વિરોધીઓએ મોકો જોઈને થરૂર પર વાર કર્યો કે તમે એક યુવતીની મજાક કરી છે. તરત જ થરૂરે માફી પણ માગી લીધી અને કહ્યું કે પનને મજાકમાં સૌથી નીચેના લેવલનું માનવામાં આવે છે. ખાસ તો અલગ અલગ ભાષાના બે શબ્દોને ભેગા કરીને પન થાય ત્યારે વધારે નિમ્ન સ્તર થાય એવું મને સમજાયું એમ પણ થરૂરે કહ્યું.
થરૂરને જે સમજાયું તે, પણ આપણે એટલું સમજવાનું કે આજકાલ કોઈની મજાક કરવામાં પણ મુશ્કેલી થઈ જાય છે.