ઇતિહાસમાં સૌથી મોટા ઇન્કમ ટેક્સ દરોડા !

ન્કમ ટેક્સની રેઈડ પડે ત્યારે જોક્સ પણ ચાલે. એવા કાર્ટૂન્સ પણ બનતાં કે જેના પર આઈટીની રેઈડ ના પડી હોય તે ધનવાન વ્યક્તિ અફસોસ કરતી હોય. એવા જોક્સ હવે ટ્રેન્ડી નથી રહ્યાં, પણ આઈટીની રેઈડ પડે ત્યારે સવાલો વધારે નીકળે છે અને કાળું ધન ઓછું નીકળે છે. શશીકલાના કેસમાં પણ એવું જ થશે કે કેમ તે સવાલ છે – એવો સવાલ પૂછીને જવાબ છોડી દેવાની જરૂર ના હોય તેવી સ્થિતિ છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે અત્યારથી જ સવાલો વધારે ઊભા થયાં છે.સૌથી પહેલો સવાલ એ કે આને સૌથી મોટી રેઈડ ગણાવવામાં આવી રહી છે. આવક વેરા વિભાગના ઇતિહાસની આ સૌથી મોટી રેઈડ છે એવો દાવો ઓલરેડી થઈ ગયો છે. સૌથી મોટા કયા અર્થમાં એ પૂછાવા લાગ્યું છે. સૌથી મોટી રેઈડ કે જેમાં સૌથી મોટી બેનામી આવક મળી આવી? કેમ કે 1200 કરોડથી 1450 કરોડ સુધીની શશીકલાની સંપત્તિ શોધી કાઢવામાં આવી છે તેવી વાતો વહેતી થઈ છે. જો તે સાબિત થાય અને તેના પર લગભગ 50 ટકા કરતાંય વધારે વસૂલી થાય તો 600થી 800 કરોડ રૂપિયાનો દંડ થાય. આ દંડ ઇતિહાસનો સૌથી મોટો દંડ હોઈ શકે ખરો.
દંડ સરકારી તીજોરીમાં આવે ત્યારે ખરો, અત્યારે સૌથી મોટી રેઈડ ગણાવવા માટે આ આંકડા અપાયા છે – જોઈ લો જરા – સૌથી વધારે અધિકારીઓ કામે લાગ્યાં. 1800 કરતાંય વધારે. સૌથી વધુ સ્થળોએ દરોડા પડાયા – 187થી વધારે. આ આંકડાં સાચા પણ તેનાથી સિદ્ધ શું થશે?

ધાર્યા પ્રમાણે જ ઓપરેશન ક્લિન મની એવું નામ આપીને ઓપરેશન શરૂ થયું નવ નવેમ્બરે. વહેલી સવાર છ વાગ્યે જયા ટીવીનું પહેલું બૂલેટીન કાઢવા માટે સ્ટાફ આવી ગયો હતો તેની સાથે જ આઇટીના અધિકારીઓ પણ આવી ગયા હતા. એકાત્તુથંગલ વિસ્તારમાં આવેલી જયા ટીવીની ઓફિસ પર દરોડાની શરૂઆત થઈ અને તે પછી શશીકલાના સગાઓના ઘરોને પણ આવરી લેવાયા. જેમ કે શશીકલાની ભાભી ઇલાવારસીના ઘરે. તેનો દીકરો અને શશીકલાના ભત્રીજા વિવેક જયરામન જયા ટીવી અત્યારે સંભાળે છે. ઇલાવારસીની દીકરી કૃષ્ણાપ્રિયાના ઘરે જઈને પણ દરોડો પડાયો. ચેન્નઇની સાથોસાથ ત્રિચી, મન્નારગુડી અને કોઇમ્બતુરમાં પણ દરોડા પડ્યા. મન્નારગુડી શશીકલાની ક્લેનનું વતન છે. તેથી જ આ ટોળીને મન્નારગુડી ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. પેરોલ મળ્યા ત્યારે શશીકલા કૃષ્ણાપ્રિયાના ઘરે જ રોકાઈ હતી.
આવી રીતે કોઈ રાજકારણી પર દરોડ પડે ત્યારે સરકારી તીજોરીને ફાયદો થાય તે ગણતરી નથી હોતી. ગણતરી હોય છે નેતાને રાજકીય નુકસાન કરવાની, પણ તામિલનાડુના સૂત્રો કહી રહ્યા છે કે શશીકલાના વિરોધમાં કોઈ મોટી હવા ઊભી થઈ નથી. આવક કરતાં અઢળક સંપત્તિનો મામલો જૂનો છે. જયલલિતા જીવિત હતા ત્યારે જ આ કેસ થયો હતો અને તેમાં જ શશીકલાને પણ ચાર વર્ષની કેદ થઈ છે. એટલે આ તીર ભાથામાંનું જૂનું અને બૂઠું થઈ ગયેલું છે. હરીફ પક્ષ ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિને પણ તેને અરેબિયન નાઇટ્સ જેવી ગણાવી. સામાન્ય લોકોને પણ સમજ પડવા લાગી છે. લોકો એવું બોલવા લાગ્યા છે કે સાડા ત્રણ વર્ષ પછી શશીકલા જેલની બહાર આવે ત્યારે તેને રાજકારણથી દૂર રાખવા અને હાલમાં સત્તા પર રહેલા જૂથને ભાજપ સાથે ગઠબંધન કરવા માટે મજબૂર કરવા આ બધા ખેલ થઈ રહ્યાં છે.ઓપરેશન ક્લિન મની હેઠળ આ પહેલાં પણ દરોડા પડ્યા છે અને ત્યારે પણ મોટા મોટા દાવ થયા હતા. નોટબંધી પછી તરત જ શેખર રેડ્ડી નામના ખાણમાલિક પર દરોડા પડ્યા હતા. ત્યારે નવીનક્કોર 2000ની નોટો મળી હતી. આઇટીએ એવો દાવો કર્યો કે એટલી બધી નોટો હતી કે ગણવા માટે મશીનો લાવવા પડ્યા. લોકોને થયું કે મોટો દલ્લો સરકારને હાથ લાગશે અને સેંકડો કરોડોની આવક સરકારી તીજોરીને થશે. તેવું થયું નથી. શેખર રેડ્ડી પછી પણ દરોડા પડતા રહ્યા છે અને હવે શશીકલા પરના દરોડાને ઇતિહાસના સૌથી મોટા દરોડા ગણાવાય છે.

એ દરોડા પડ્યા તેને પણ એક અઠવાડિયું થવા આવ્યું છે. કોઈ નવા આંકડાં બહાર આવ્યા નથી. ખરેખર કેટલી સંપત્તિ, કેટલા દસ્તાવેજો, કેટલા રોકડા તેનો પાકો હિસાબ અપાયો નથી. અપાશે કે કેમ તે પણ ડાઉટફૂલ છે. ભૂતકાળના અનુભવો કહે છે કે રેઈડ પાછળ રાજકીય કારણો વધારે હોય છે. પનીરસેલ્વમ જયલલિતાની પસંદ હતા એટલે શશીકલાને ગમતા નહોતા. બીજી બાજુ પનીરસેલ્વમ શશીકલા જૂથને નારાજ કરીને ભાજપ સાથે બેસવાની હિંમત કરતા નહોતા. એ જ સમયગાળામાં શશીકલાએ નીમેલા મુખ્ય સચિવ રામ મોહન રાવના નિવાસસ્થાને પણ દરોડા પડ્યા. ડિસેમ્બર 2016ની એ વાત છે. તે દરોડા પડ્યા તે પછી પનીરસેલ્વમ શશીકલા સામે બળવો કરવાની તૈયારી કરવા લાગ્યા હતા. શશીકલાને ખ્યાલ આવી ગયો એટલે તેમણે પનીરસેલ્વમને જ હાંકી કાઢ્યા અને તેમની જગ્યાએ પોતે સીએમ બની જવા માગતા હતા. જોકે એ ખેલ લાંબો ના ચાલ્યો, કેમ કે ફરી એક વાર ફટાફટ તંત્રને કામે લગાડાયું અને શશીકલા સામેના કેસમાં આખરી ચૂકાદો આવી ગયો કે તેમણે ચાર વર્ષ જેલમાં જવું પડશે.

શશીકલાએ નછૂટકે પોતાના બીજા ટેકેદાર પલાનીસામીને સીએમ બનાવીને જેલમાં જવું પડ્યું. તે પછીય શશીકલાની મન્નારગુડી ગેન્ગ પક્ષ પર કબજો જમાવીને બેઠી હતી. તેણે ભત્રીજાને મહામંત્રી બનાવી દીધો હતો. પણ ધીમે ધીમે શશીકલાની પાંખ કાપી નાખવાનું શરૂ થયું હતું અને તે સીરીઝમાં જ આ સૌથી મોટા ગણાવાયેલા દરોડા પણ પડ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આઇટી વિભાગ જેને સૌથી મોટા દરોડો ગણાવે છે તેનું મોટું મોટું પરિણામ શું આવે છે.