તાળાબંધી શબ્દ પ્રચલિત થવાની તૈયારીમાં હતો, પણ તેની જગ્યાએ જનતા કર્ફ્યૂ શબ્દ ગુંજતો રહેશે. તાળાબંધી એટલે કે લોકડાઉન કોરોના વાયરસ ફેલાયો તે ઘણા દેશોમાં કરવામાં આવી છે. ચીનના હુબેઈ પ્રાંતના પાટનગર વુહાનમાં કોરોના ફેલાયો તે પછી સમગ્ર શહેરમાં સંચારબંધી કરી દેવામાં આવી હતી. ઇટાલી ઉંઘતું રહ્યું અને ત્યાં લોમ્બાર્ડી પ્રાંતમાં કોરોના ફેલાયો પછી સમગ્ર પ્રાંતમાં લોકડાઉન એટલે કે સંચારબંધી કરવી પડી હતી. આ પ્રકારના રોગચાળામાં લોકોને એકબીજાથી દૂર રાખવા એ ઉત્તમ ઉપાય છે, પણ લોકોની એકબીજા સાથેની મિલનબંધી કરવી મુશ્કેલ હોય છે.
તેથી જ ભારતમાં પણ હવે વધારે સાવચેતી લેવી પડે તેવો સમય આવ્યો છે. હવે કોરોના માટે કાળજી ના લેવાય તો કમ્યુનિટી લેવલે એટલે કે સમુદાય લેવલે, સામાજિક કે વેપારી કામકાજે સંપર્ક થાય તેનાથી વાયરસ ફેલાઇ શકે છે તે ત્રીજો તબક્કો આવી ગયો છે. પરંતુ તાળાબંધી કે ઘરબંધી કરવાનો આદેશ લોકોના રોજબરોજના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે અને રોષ પણ ફેલાય. તેથી સૌથી ઉત્તમ છે જનતા કરફ્યૂ, જેના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે રાષ્ટ્રજોગ સંદેશમાં વિનંતી કરી છે.
22 માર્ચ રવિવારે દેશની જનતાને જનતા કર્ફ્યૂ માટે વડા પ્રધાને વિનંતી કરી છે. જનતા કર્ફ્યૂ ગ્રામીણ વિસ્તારમાં બહુ પ્રચલિત શબ્દ નથી, પણ અમદાવાદ જેવા શહેર આ શબ્દને સારી રીતે સમજે છે. હમણાં થોડા વર્ષોથી જ રથયાત્રા દરમિયાન જનતા કર્ફ્યૂ બંધ થયો છે, નહિતો કોટ વિસ્તારમાં તેઓ આંશિક અમલ થતો હતો. કર્ફ્યૂ શબ્દ મોટા ભાગના લોકો જાણે છે અને તેનો અમલ સ્વેચ્છાએ કરવો સારો સાબિત થઈ શકે છે.
ફરજિયાતના બદલે જનતાને વિનંતી સાથે કરાયેલા જનતા કર્ફ્યૂને સૌ શક્ય એટલી સારી રીતે પાળશે. હકીકતમાં હવે બે અઠવાડિયા કાળજી લેવાની છે ત્યારે સમજદાર લોકોએ રવિવાર પછીના બે અઠવાડિયા સુધી પણ અર્ધ-કર્ફ્યૂ પાળવો જોઈએ. આ મેસેજ આપણે ફેલાવીએ કે અર્ધ-કર્ફ્યૂ પાળો અને ચેપને અડધેથી જ પાછો વાળો.
શું શું કરી શકાય તેવી ટૂંકમાં વાત કરીએઃ
1) સરકારી કચેરીઓમાં જરૂર હોય તેટલા જ કર્મચારીઓ આવે અને બાકીનાને રજા મળે. આ અંગે કેટલાક અંશે નિર્ણય લેવાયો છે, વધુ સ્પષ્ટતા સાથે રાજ્ય સરકારે પણ નિર્ણય લેવો જોઈએ. 2) પબ્લિક સાથે કામ પાડવાનું હોય તે બારીના કર્મચારીઓમાં પણ શિફ્ટ કરી શકાય. સવાર અને સાંજની ચાર ચાર કલાકની શિફ્ટ અને અડધો દિવસની રજા. 3) બેન્કમાં અનિવાર્ય ના હોય તો જવું જ નહિ. બેન્કમાં પણ સ્ટાફની શિફ્ટ કરી શકાય. 4) પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવા સૌને એકઠા કરવાના બદલે સીધા જ ડ્યુટીના સ્થળે. 5) દૂધ વગેરેની ખરીદી સિવાયની બધી જ ખરીદી બંધ કરો. ઘરમાં હોય તે વસ્તુ સાવ ખૂટી ના જાય ત્યાં સુધી લેવા ના જાવ. ડેરીએ ભીડ ના કરવી અને પાંચ પાંચ ફૂટના અંતરે રહેવું. 6) શાકભાજીની લારીએથી અઠવાડિયુ ચાલે તેટલી ખરીદી કરીને આવતા બે અઠવાડિયામાં ફક્ત બે જ વાર શાકમાર્કેટ જવું. લારી પર એક ગ્રાહકની ખરીદી ચાલતી હોય ત્યારે બીજાએ ડાબી બાજુ અને ત્રીજાએ જમણી બાજુ ઊભા રહેવું. ચોથા ગ્રાહકે દૂર ઊભા રહેવું. 7) પાણીપુરી ના ખાવા જાવ તે ઉત્તમ, પણ નાના ફેરિયા અને લારીવાળાની રોજીરોટી અટકશે તો આર્થિક સમસ્યા વધશે. તેથી એકબીજાથી દૂર રહીને વારાફરતી પાણીપુરી ખાવ. દર વખત કરતાં અડધી ખાવ અને પૈસા ડબલ આપો. ડબલ પૈસા આપજો, પૂણ્યનું કામ થશે. ભીડ ઓછી થવાથી ચેપ નહિ ફેલાય અને રોજીરોટી માટે કપરાં સમયે મદદ કરી તેનું પૂણ્ય મળશે. 8) કામવાળાને, ડ્રાઇવરને, ચોકિદારને રજા આપી દો અને તેમને એડવાન્સમાં પગાર આપો અને થોડું બોનસ આપો. જાતે કામ કરવાથી કસરત થશે, ઇમ્યુનિટી વધશે, ફાયદો થશે. માણસોને નાનકડું બોનસ મળવાથી ખુશ થશે, તેઓ ઘરે જ રહેશે અને ભીડ ઓછી કરીને આપણને સૌને જ ફાયદો કરાવશે. 9) સરકારી કચેરીની જેમ ખાનગી કંપનીઓએ પણ બિનજરૂરી બધા જ કર્મચારીઓને સ્વંય રજા આપી દેવી રહી. મુંબઈમાં આનો અમલ થવા લાગ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, જામનગર, ભાવનગર, જૂનાગઢમાં પણ અમલ થવો જોઈએ. 22 તારીખે જનતા કર્ફ્યૂ પછી આખું અઠવાડિયું ચાલુ પગારે રજા. 10) જે કંપની ઉત્પાદન આધારે ચાલતી હોય અને ઉત્પાદન બંધ કરીને ચાલુ પગારે રજા આપી ના શકે તેમ હોય તેમણે સમગ્ર કંપનીના કર્મચારીગણના પગારમાં કામ મૂકવો. મોટા પગારદારો વધુ કાપ સ્વીકારે, મધ્યમ ઓછો કાપ સ્વીકારે અને નાના કર્મચારીનો પગાર યથાવત રહે. તેના કારણે કંપનીને કુલ નુકસાન જવાનું હોય તેમાંથી થોડી ખોટ માલિક સહન કરે અને બાકીની ખોટ આ રીતે કર્મચારીઓ વચ્ચે વહેંચે. 11) પગારદાર સેલ્સમેન ચાલુ પગારે ઘરે રહી શકે, પણ વસ્તુઓ જાતે લાવીને જાતે વેચતા સેલ્સમેન માટે કામ છોડી દેવું અઘરું છે. આ પ્રકારના સેલ્સમેન જે વેપારીને કાયમ કમાણી કરી આપે છે, તે વેપારીએ સામે ચાલીને કહેવું જોઈએ કે બે અઠવાડિયાની તારી સરેરાશ કમાણી તને હું આપી દઈશ, પણ તું હાલમાં ઘરે રહેજે. વેપારીએ વ્યાપક રીતે વિચારવું રહ્યું. સ્થિતિ સંભાળીશું નહિ તો આરોગ્ય કરતાં મોટું નુકસાન અર્થતંત્રને થવાનું છે. અર્થતંત્રને નુકસાન થતું અટકાવીએ અને રૂપિયાને ફરતો રાખીએ તે અર્થતંત્રને ઓછું નુકસાન થશે અને વેપારીવર્ગને પણ એટલું નુકસાન ઓછું થશે. થોડું નુકસાન સહન કરીને, પોતાની સાથે કામ કરતાં માણસોને ટકાવી રાખીને વેપારને અને દેશના અર્થતંત્રને ટકાવી રખાશે. સાચો દેશપ્રેમ આ જ છે. દેશદાઝ દેખાડો. 12) રેસ્ટોરન્ટ બંધ કરી દેવાથી રોજગારી પર અસર થશે, પણ સાથે જ જોખમ ત્યાં વધુ હોવાથી કાળજી વધુ લેવી જોઈએ. અહીં પણ એક ટેબલ પર એક જ ગ્રાહક અને બીજા ટેબલ પર સામી બાજુ બીજો ગ્રાહક એટલા અંતરથી જ ગ્રાહકોને બેસાડવા. આવનારા ગ્રાહકના હાથ સેનિટાઇઝરથી ધોવરાવવા. સ્ટાફ માટે વિશેષ કાળજી લેવી. વધારે ગ્રાહકો હોય ત્યારે ટોકન આપીને વારાફરતી પ્રવેશ આપવો. આસપાસમાં ભીડ ના થાય તે માટે પણ ગ્રાહકોને વિનંતી કરવી. કાર લઈને આવ્યા હોય તે ગ્રાહકને કારમાં જ સર્વ કરવું. સરકાર બંધ કરાવે તેના બદલે સ્વંય શિસ્ત પાળીને રેસ્ટોરન્ટ થોડો બિઝનેસ ચાલુ રાખી શકે છે. 13) એ જ રીતે સિટિબસ વગેરે બંધ કરવાથી લોકોની મુશ્કેલી વધી શકે છે. સારો ઉપાય એ છે કે પહેલાં જેટલી જ બસો દોડતી રાખવી. અર્ધ-કર્ફ્યૂ જેવી સ્થિતિ હોવાથી બસો ખાલી ખાલી હશે. તેથી જોખણ પણ ઓછું અને જરૂરી અવરજવર કરનારા લોકોને મુશ્કેલી પણ ના પડે. 14) ટેક્સી સર્વિસને અસર થઈ છે. ટેક્સી ડ્રાઇવર પણ સેનેટાઇઝર સાથે રાખી શકે છે અને પાછલી સીટમાં ફક્ત એક એક ગ્રાહકને બેસાડીને સેવા ચાલુ રાખી શકે. 15) આમ છતાં ઉપરની કક્ષાને એરલાઇન્સને અને તળિયાની કક્ષાએ ટેક્સી ડ્રાઇવર અને નાના રેસ્ટોરન્ટ સહિતના બિઝનેસને અસર થશે જ. સરકારે ટાસ્ક ફોર્સ બેસાડ્યું છે અને આર્થિક રીતે જે જે ક્ષેત્રને અસર થવાની હોય તેવા માટે વિચારાશે. પરંતુ સરકારી પ્રયાસો સરકારી જ રહેવાના. આજે સંકટના સમયે જરૂર છે દરેક નાગરિક પોતાની ફરજ સમજીને વિચારે કે પોતે શું કરી શકે. જનતા કર્ફ્યૂ અને પછી અઠવાડિયું અર્ધકર્ફ્યૂ પાળે. |
આ રીતે સ્વંય બહારની અવરજવર ઓછી થશે તેનાથી સ્વંયની સુરક્ષા થશે અને બીજા પરનું જોખમ પણ ઘટશે. પણ બે અઠવાડિયા અર્ધકર્ફ્યૂ જેવી સ્થિતિમાં નિમ્ન મધ્યમ વર્ગ અને કામદાર અને રોજમદાર વર્ગને નુકસાની થશે. તમારી કલ્પના કામે લગાવો અને એવી રીતે દાનપૂણ્ય કરો કે આવા વર્ગના લોકોને ટેકો થઈ જાય. તમારી આસપાસના લોકો, તમારી સોસાયટીના ચોકિદાર, નજીકનાચાર રસ્તે રોજ ઊભા રહેતા રીક્ષાવાળાથી માંડીને લારીવાળા સહિતના લોકોને મદદ કરવા માટે વિચારો. કર્ફ્યૂમાં એકલા રહેવા મળ્યું છે ત્યારે ચિંતન કરો, સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરો, સારા આઇડિયા વિચારીને મિત્રો સાથે ઓનલાઇન શેર કરો અને દાનપૂણ્ય, મદદના મેસેજ ફેલાવો.