એક રાષ્ટ્ર, એક ચૂંટણીઃ કરવા જેવો એક પ્રયોગ

1947માં ભારતને આઝાદી મળી. સાથે જ ભાગલા પણ પડ્યા. ભાગલા અને રમખાણો વચ્ચે ભારતે પોતાનું સ્વરૂપ ઘડવાનું હતું. આગવું બંધારણ ઘડવા માટે બંધારણ સભા કામ લાગી હતી અને વચગાળાની સરકાર નહેરુ અને સરદારની આગેવાનીમાં બની હતી તેણે રાષ્ટ્રની સ્થિતિ સંભાળવાનું કામ ઉપાડ્યું હતું. બંધારણ તૈયાર થઈ ગયું અને 15 ઑગસ્ટ 1950ના રોજ તેને અપનાવાયું. તે સાથે જ ભારત હવે પ્રજાસત્તાક હતું. સાચી સત્તા હવે પ્રજાના હાથમાં હતી.


પરંતુ સરકાર પ્રજાએ રચેલી નહોતી. અંગ્રેજોની સાથે વાટાઘાટો પ્રમાણે સૌથી મોટા સંગઠન કોંગ્રેસની સરકાર હતી. આઝાદ હિંદને હવે ચૂંટાયેલી સરકાર મળવી જરૂરી હતી. ભારતમાં ચૂંટણીઓ થવા લાગી હતી અને પ્રાંતીય સરકારો રચાતી હતી. તે પ્રયોગ નેતાઓ માટે અને લોકો માટે તદ્દન નવો નહોતો, પણ હવે આઝાદી પછી પુખ્યવયના તમામને મતાધિકાર સાથે અને વંચિત વગ્રો માટે અનામત બેઠકો સાથે અસલી ચૂંટણી કરવાની હતી. તેની તૈયારીમાં એકાદ વર્ષ લાગી ગયું હતું અને 1951થી પ્રક્રિયા શરૂ કર્યા પછી 1952માં તબક્કાવાર સમગ્ર દેશમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી.
ચૂંટણી તબક્કાવાર થઈ હતી, પણ થઈ હતી એકસાથે એમ કહી શકાય. લોકસભાની અને સાથેસાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી. દેશમાં વિરોધ પક્ષ ઊભો થયો હતો ખરો. કોંગ્રેસમાં જ રહેલા સમાજવાદીઓએ અલગ સમાજવાદી કોંગ્રેસની રચના કરી હતી. આગળ જતા પ્રજા સમાજવાદી પક્ષની પણ રચના થઈ હતી. હિન્દુ મહાસભા, જનસંઘ સહિતના જમણેરી રાજકીય પક્ષો પણ હતા. પરંતુ સત્તા મેળવી શકે તેટલા મજબૂત હજી થયા નહોતા.

1952, 1957, 1962 અને 1967 સુધી દર પાંચ વર્ષે ચૂંટણીઓ થતી રહી. કેન્દ્રમાં અને રાજ્યોમાં સાથે જ ચૂંટણીઓ થતી રહી. પણ 20 વર્ષ પછી હવે દેશમાં ચિત્ર બદલાતું લાગતું હતું. નહેરુ નહોતા, શાસ્ત્રી પણ જતા રહ્યા હતા અને વંશપરંપરાની શરૂઆત કોંગ્રેસમાં થઈ ચૂકી હતી. મોરારજી દેસાઈની જગ્યાએ સ્થાપિત હિતોએ ઈન્દિરા ગાંધીને નેતા બનાવ્યા હતા. કોંગ્રેસમાં તડાં પડ્યાં. મોરારજી દેસાઈ, કામરાજ, સદોબા પાટીલ સહિતના ઈન્દિરા કરતાં અનેકગણા સિનિયર અને નહેરુને પણ સમકક્ષ ગણાય તેવા નેતાઓની સંસ્થા કોંગ્રેસ બની. જોકે ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ (આઈ) વધારે મજબૂત સાબિત થઈ. સત્તા ઈન્દિરા પાસે જ રહી અને 1969માં કોંગ્રેસના ટુકડા પછી લોકસભાની ચૂંટણી એક વર્ષ વહેલી કરી દેવાનું નક્કી થયું.

એ રીતે 1971માં લોકસભાની ચૂંટણી થઈ તે સાથે જ રાજ્યો સાથે ચૂંટણી યોજાતી હતી તે ક્રમ તૂટ્યો. દરમિયાન નહેરુના જમાનામાં જ કેરળની સામ્યવાદી સરકારને હટાવીને રાષ્ટ્રપતિ શાસન લગાવાયું હતું. ઈન્દિરાના જમાનામાં રાષ્ટ્રપતિ શાસનનો બેફામ દુરુપયોગ થયો હતો. તેથી કેટલાક રાજ્યોની ચૂંટણીઓ પણ અલગ થવા લાગી.
1975માં વળી કટોકટી આવી. લોકસભાની ચૂંટણીઓ નિર્ધારિત રીતે ના થઈ અને 1977માં થઈ. ક્રમ ફરી એકવાર તૂટ્યો. 1989માં વી. પી. સિંહની સરકાર બની તે પાંચ વર્ષ પૂરા કરી શકી નહિ. ક્રમ ત્યાં પણ તૂટ્યો. 1996, 1998 અને 1999માં ઉપરાઉપરી ચૂંટણીઓ કરવી પડી. એ પછી બે દાયકાથી ક્રમ જળવાયો છે અને રાબેતા મુજબ ચૂંટણીઓ થઈ છે. પરંતુ આ બધા ફેરફારોને કારણે સ્થિતિ એવી છે કે દર છ મહિને હવે બેથી ચાર રાજ્યોની ચૂંટણીઓ માથે ઊભી જ હોય છે.

દાખલા તરીકે પાંચેક મહિનામાં, આ વર્ષના અંતે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની ચૂંટણીઓ આવશે. ભાજપ ત્રણેય રાજ્યો જાળવી રાખવા માટે મથામણ કરશે. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં એનસીપી સાથે અને ઝારખંડમાં આરજેડી, જેએમએમ સાથે રહીને લડત આપવાની કોશિશ કરવાની છે. તેનો અર્થ એ થયો કે શાસક અને વિપક્ષ બંને આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોતાનું રાજકારણ ચલાવશે. તેના કારણે ટૂંકો વ્યૂહ લેવામાં આવશે, લાંબા ગાળાનો વિચાર મુલતવી રાખવામાં આવશે.

એક સાથે ચૂંટણી કરી લેવાના ઘણા કારણોમાં આ એક કારણ છે. ખર્ચમાં બચત અને તંત્રની સરળતા તેના બીજા કારણો છે. સરકારી ખર્ચ જોકે વધારે પડતો ના ગણાય. 2014માં ચૂંટણી પંચનો ખર્ચ 3870 કરોડ રૂપિયાનો થયો હતો. 2009માં 1114 કરોડનો ખર્ચ થયો હતો, તેમાં આ સીધો ત્રણ ગણો વધારો હતો. 1952માં 10.5 કરોડનો ખર્ચ થયો હતો તેના કરતા 30 ગણો ખર્ચ વધી ગયો છે. 2019માં તેમાં જંગી વધારો થયો હશે, કેમ કે આ વખતે બધી જગ્યાએ વીવીપેટનો ખર્ચ વધી જશે.

આટલો ખર્ચ વધારે પડતો ના કહેવાય, પણ અસલી ખર્ચ રાજકીય પક્ષોએ કરવો પડતો હોય છે. જુદી જુદી સંસ્થાઓના અંદાજ અનુસાર 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ 2019ની ચૂંટણીમાં થયો હશે. ભારતનું બજેટ 20 લાખ કરોડ રૂપિયા પર પહોંચવા આવ્યું છે ત્યારે આ ખર્ચ પણ કદાચ નાનો લાગશે. બેઠક પર સ્પર્ધા કેવી છે તેના પ્રમાણે એક બેઠક પર એક કરોડથી પાંચ કરોડ સુધીનો ખર્ચ થતો હોય છે. લોકશાહીની તંદુરસ્તી માટે એ આંકડો પણ કદાચ નાનો લાગશે, પણ માત્ર ખર્ચ બચે એટલે જ એકસાથે ચૂંટણી કરવી જરૂરી નથી.

બીજા અનેક કારણસર એકસાથે ચૂંટણી કરવાના ફાયદા છે. માત્ર લોકસભા અને વિધાનસભા જ નહિ, પંચાયતોની ચૂંટણી પણ સાથે કરી દેવી જોઈએ. સરપંચથી માંડીને વડાપ્રધાનની પસંદગી સુધીની પ્રક્રિયા એકસાથે થઈ જાય તો પછી પાંચ વર્ષ માત્ર વહિવટ પર ધ્યાન આપવાનું બને. વિપક્ષે પણ સરકારની કામગીરી પર વધારે ઝીણી નજર રાખવાની અને સમગ્ર રીતે શાસક પક્ષના કાર્યનું મૂલ્યાંકન કરવાની તક મળશે.

એક સાથે ચૂંટણી થઈ જવાથી રાજકીય પક્ષોને, તેના સર્વોચ્ચ નેતાઓને, રાજ્ય કક્ષાના નેતાઓને, સ્થાનિક નેતાઓને, ઉમેદવારોને અને કાર્યકરોને પણ સરળતા થઈ જશે. પ્રચારનો ખર્ચ ઘટશે નહિ, પણ એક જ ખર્ચમાં એક સાથે પંચાયત, વિધાનસભા અને લોકસભાના ઉમેદવારનો પ્રચાર થશે તે મોટો ફાયદો છે. પક્ષોએ આંતરિક જૂથબંધીની સમસ્યા પાંચ વર્ષે એક જ વાર સહન કરવાની આવશે. એક સાથે ચૂંટણી કરવા માટે બંધારણમાં સુધારા કરવા પડશે તેવી ચર્ચા થઈ રહી છે. વાત સાચી છે, બંધારણમાં સુધારા કરવા પડે અને ગૃહની મુદત પાંચ વર્ષની સુનિશ્ચિત કરવી પડે. સમસ્યા અહીંથી જ શરૂ થઈ છે. કેટલાકને શંકા જાગી છે કે ચોક્કસ સ્થાપિત હિતો બંધારણમાં વારંવાર અને વ્યાપક ફેરફારો કરીને આખરે એવું સાબિત કરવા માગે છે બંધારણમાં બહુ બધી ખામીઓ છે. બંધારણમાં વારેવારે ફેરફારોને સહજ અને સરળ બનાવી આ સ્થાપિત હિતો એવી વ્યવસ્થા ઊભી કરી દેવા માગે છે, ફરી એકવાર પ્રાચીન સમયમાં હતી તે રીતે એક જ જૂથનો દબદબો રહે. કચડાયેલા લોકોને સ્વતંત્રતાનો ભ્રમ રહે અને અસલી સત્તા અને માલમલાઈ માત્ર નાનકડા સ્થાપિત હિતોને થતી રહે.

પ્રાદેશિક પક્ષોને નુકસાન થાય અને રાષ્ટ્રીય પક્ષો ફાવે. રાષ્ટ્રીય પક્ષ પાંચ વર્ષે ચૂંટણી ટાણે જ લાગણીને ઉશ્કેરનારો એવો એકાદ જોરદાર મુદ્દો ઊભો કરી દે કે વિપક્ષ બિચારું ફાવે જ નહિ. એક જ નકલી, ભાવનાત્મક મુદ્દો ઊભો કરીને સમગ્ર રાષ્ટ્રમાં ચૂંટણીઓ જીતી લેવાની. પ્રાદેશિક પક્ષોના, નાના જૂથોના, પછાત લોકોના હિતોના મુદ્દા દબાઈ જાય અને રાષ્ટ્રીય હિતના નામે અમુક જ જૂથના મુદ્દા ચાલી જાય. લોકશાહી ચાલે છે એવું પણ કહેવાય અને ચૂંટણી જીતી લો એટલે પછી પાંચ વર્ષની નિરાંત. પાંચ વર્ષ પછી વળી કોઈક બહાને ઉશ્કેરણી કરી દેવાની. અનુભવ એવો છે કે આવી ઉશ્કેરણી કરવી બહુ અઘરી નથી.

તેથી જ બંધારણમાં સુધારાના બદલે, વર્તમાન કાયદા અને નિયમો પ્રમાણે જ એકસાથે ચૂંટણીઓ યોજવાની પ્રક્રિયા ફરી પાટે ચડાવવાની કોશિશ થવી જોઈએ. તેના માટેનો ઉપાય પણ છે. થોડો મુશ્કેલ છે, પણ સર્વસંમતિ થાય તો શક્ય બને. 1952માં પ્રથમવાર ચૂંટણીઓ યોજાઈ રહી હતી એટલે સાથે જ યોજાઈ ગઈ. તેના કારણે એક સાયકલ ચાલતી થઈ અને 20 વર્ષ સુધી ચાલતી રહી. તે પછી રાજકારણે જ સાયકલ તોડી. છેલ્લા 20 વર્ષથી કેન્દ્રમાં સરકારો પાંચ વર્ષ પૂરા કરી રહી છે. રાજ્યોમાં થોડા અપવાદને બાદ કરતાં સરકારો પાંચ વર્ષ પૂરા કરી રહી છે. ગોવા અને મેઘાલયમાં અસ્થિરતા છતાં ભાજપની સરકાર ચાલતી રહી છે. કર્ણાટકમાં અને તામિલનાડુમાં પણ અત્યારે સખળડખળ સાથે પણ સરકાર ચાલી રહી છે. તેનો અર્થ એ થયો કે ફરી એકવાર આ સાયકલને ચાલુ કરવાની જરૂર છે. બંધારણમાં સુધારાની વાત પડતી મૂકો. ગૃહની અવધી પાંચ વર્ષની સુનિશ્ચિત કરવાની વાત પણ પડતી મુકો. એક સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકનારાએ સામે બીજી સરકારના વિશ્વાસના મતનો વિકલ્પ આપવો પડે તેવી જોગવાઈને પણ છોડો. બધા જ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લઈને, રાજ્ય સરકારોની મુદત વધારીને અથવા ટૂંકાવીને એક સાથે ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરો. રાજ્ય સરકારોની મુદત વધારવામાં વળી બંધારણની જોગવાઈ નડશે એટલે મુદત ટૂંકાવવી જ વધારે વ્યવહારું છે.

કેટલાક રાજ્યોમાં ફક્ત છ મહિને, કેટલાક રાજ્યોમાં ફક્ત એક વર્ષે અને મોટા ભાગના રાજ્યોમાં બેથી ત્રણ વર્ષ વહેલા ચૂંટણી લાવવાની રહેશે. લોકસભાની મુદત પણ એકાદ વર્ષ ટૂંકાવી શકાય. પરંતુ એક જ વાર મુદત ટૂંકાવવાથી બધાની ચૂંટણી સાથે થઈ શકશે. તેના કારણે એક સાયકલ ચાલતી થશે અને અનિવાર્ય સંજોગોમાં કેટલાક રાજ્યોનો ક્રમ તૂટે ત્યારે એટલો અપવાદ ચાલવા દેવો. એક કે બે દાયકા બાદ બેથી ત્રણ રાજ્યોમાં ક્રમ તૂટે ત્યારે ફરી તેની મુદત ટૂંકાવીને તેમને પણ ફરી સાયકલમાં જોડી શકાય છે.

બંધારણમાં સુધારો કર્યા સિવાય, સૌને સમજાવીને અને સાથે રાખીને આ એક પ્રયોગ કરવા જેવો છે. તેમાં વર્તમાન શાસક પક્ષ ફાયદામાં રહેશે તેમ અત્યારે લાગે છે, પણ જરૂરી નથી કે હંમેશા તેને જ ફાયદો થયા કરે. આગળ જતા અન્ય રાષ્ટ્રીય પક્ષને અને ઓડિશા, આંધ્ર જેવા રાજ્યમાં થયું છે તે પ્રમાણે પ્રાદેશિક પક્ષને પણ સત્તા મળી શકે છે. આ એક કરવા જેવો પ્રયોગ છે, ટૂંકમાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]