ભારતીય રિઝર્વ બેન્કના નાયબ ગવર્નર વિરલ આચાર્યએ રાજીનામું આપ્યું

મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નાયબ ગવર્નર વિરલ આચાર્યએ એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

આચાર્યએ એમની મુદત પૂરી થવાના છ મહિના અગાઉ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

આચાર્ય 2017ના જાન્યુઆરીમાં દેશની આ કેન્દ્રીય બેન્કમાં જોડાયા હતા.

દેશમાં આર્થિક ઉદારીકરણના પગલાં લેવાયા બાદ RBIના સૌથી યુવાન વયના નાયબ ગવર્નર બન્યા હતા.

એવા અહેવાલ છે કે પોતાની મુદત લંબાવવામાં આવે એવું આચાર્ય ઈચ્છતા નહોતા.

આચાર્ય કદાચ ફરી ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં જશે જ્યાં એ CV Starr પ્રોફેસર ઓફ ઈકોનોમિક્સ તરીકે જોડાશે.

ક્રેડિટ રિસ્ક ક્ષેત્રમાં આચાર્ય એક્સપર્ટ મનાય છે.

કહેવાય છે કે એમને ગઈ 4 એપ્રિલે જાહેર કરાયેલી RBIની નાણાકીય નીતિના મામલે RBIના ગવર્નર શક્તિકાંત દાસ સાથે મતભેદો થયા હતા.

આચાર્ય 1995માં મુંબઈસ્થિત આઈઆઈટીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરિંગમાં બીટેક થયા છે. ત્યારબાદ એમણે 2001માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ફાઈનાન્સમાં પીએચડી હાંસલ કરી હતી.