પૂર્વ ભારતમાં ભાજપે ફતેહ કરી છે, પણ પૂર્વમાં આવેલું પશ્ચિમ બંગ હજી જીતવાનું બાકી છે અને પૂરી તાકાત ત્યાં લગાવી દેવામાં આવી છે. ભાજપ ત્યાં કોંગ્રેસ અને ડાબેરીઓને પાછળ રાખીને ઘણા જિલ્લાઓમાં બીજા સ્થાને આવવા લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજીને ટક્કર આપીને વધુ એક રાષ્ટ્રીય કદ ધરાવતા નેતાને ધૂળ ચાટતા કરવાની ભાજપની યોજના છે, જેથી રાષ્ટ્રીય કક્ષાની જેમ પ્રાદેશિક કક્ષાએ પણ પડકાર ઓછા થતા જાય.
પશ્ચિમ બંગના મિદનાપોરમાં નરેન્દ્ર મોદીની સભા ગયા અઠવાડિયે યોજાઈ ગઈ, તેમાં તેમણે સિન્ડિકેટનો ઉલ્લેખ કર્યો. પશ્ચિમ બંગમાં સિન્ડિકેટને નૈવૈદ્ય ધરાવ્યા વિના કોઈ કામ થતું નથી એવી ટકોર તેમણે કરી. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં તમારે પૂજા કરવી હોય તો પણ લાંચ આપ્યા વિના થઈ શકતી નથી. આ સિન્ડિકેટ શું હશે તેવો સવાલ થાય. આમ તો સમજાઈ તેવું છે, પણ બંગાળમાં સિન્ડિકેટ અનોખી રીતે કામ કરે છે તેમ સ્થાનિક જાણકારો કહે છે.
સરકાર બદલાઈ ગઈ, પણ સિન્ડિકેટ બંધ થઈ નથી. સિન્ડિકેટ એટલે આમ તો ટોળકી. તમે એક જૂથ બનાવીને કામ કરો એટલે ફાવો. સંગઠનમાં તાકાત છે તે વાત સાચી, પણ આ જુદા પ્રકારનું સંગઠન છે. આ એક પ્રકારની ટોળકી છે, જેના શરણે તમે ના જાવ તો તમારું કામ થવા ના દે. લાગો ઉઘરાવવા ઊભેલું ટોળું, જે તમારી પાસેથી નાનકડી વસુલી કરીને જ આગળ જવા દે. લાંચ અને ખંડણીનો આ એક જુદા જ પ્રકારનો પ્રયોગ છે, જે ખુલ્લેઆમ ચાલે છે.
સિન્ડિકેટની શરૂઆત રિઅલ એસ્ટેટમાં થઈ હતી અને હજીય મુખ્યત્વે તેમાં જ વધારે ચાલે છે. પણ ધીમે ધીમે બધા જ વ્યવસાયમાં સિન્ડેકેટની દાદાગીરી શરૂ થઈ ગઈ છે. તમે ઇમારત બનાવી રહ્યા હો ત્યારે મુંબઈમાં ગુંડાઓને ખંડણી આપવી પડે છે. તે વિસ્તારના દાદાનો ભાગ હોય. કાંતો રોકડા આપો, કાંતો એકાદ દુકાન કે મકાન આપી દો. તે પછી તમારું પ્રોટેક્શનનું પણ કામ થાય અને તોફાનીઓ આવીને બાંધકામ અટકાવે નહિ. બંગાળમાં સિન્ડિકેટ જુદી રીતે કામ કરે છે. તમારે ઇમારત બાંધવી હોય તો ઇંટો, રેતી, ચૂનો, પ્લમ્બિંગ સહિતની સામગ્રી સિન્ડિકેટ પાસેથી જ લેવી પડે. ઘણી જગ્યાએ મજૂરો પણ તેમની પાસેથી જ લેવા પડે.
મુશ્કેલી ત્યારે શરૂ થાય છે, જ્યારે સિન્ડિકેટ તગડો ભાવ વસુલે અને વસ્તુઓ નબળી આપે. નબળી સીમેન્ટ, સળિયા, રેતી આપે તેના કારણે બાંધકામની ગુણવત્તાને અસર થાય છે. સમાજ માટે આ વધારે જોખમકારક છે. મુંબઈમાં એકવાર ખંડણી આપી દીધા પછી બિલ્ડર પોતાની મરજી પ્રમાણે, પોતાના બજેટ પ્રમાણે સારી ક્વોલિટીનું બિલ્ડિંગ ખડું કરી શકે. કોલકાતામાં નવી બની રહેલી ઇમારતો જોખમી બની રહી છે આ સિન્ડિકેટને કારણે.
સિન્ડિકેટનું સ્વરૂપ આગળ જતા બીજા વ્યવસાયોમાં પણ લાગુ પડ્યું. તમારે ધંધો કરવો હોય તો સિન્ડિકેટની સાથે જ કરવો પડે. બંગાળને સૌથી વધારે નુકસાન આ સિન્ડિકેટને કારણે એટલા માટે થયું છે કે સિન્ડિકેટ એટલે ગુંડાટોળકી નહિ, પણ સત્તાધારી પક્ષના કાર્યકરોની ટોળકી. મૂળ ડાબેરીના રાજમાં સિન્ડિકેટ શરૂ થઈ હતી અને ડાબેરી પક્ષના કાર્યકરો પોતપોતાના વિસ્તારમાં સિન્ડિકેટ જમાવીને બેસી ગયા હતા. કામધંધો કંઈ મળે નહિ એટલે આ રીતે બિલ્ડરો પાસેથી તેમને ધંધો અપાવાયો. એકવાર લોહી ચાખી ગયા પછી કાર્યકરોને ખ્યાલ લાગ્યું કે આ તો મોટામાં મોટો ધંધો છે.
1995માં સીપીએમની સરકાર હતી ત્યારે રાજથાટમાં નવું નગર ઊભું કરવાનું હતું. સ્થાનિક લોકોને ત્યાંથી હટાવાયા એટલે નારાજી હતી. તેથી તે વખતના શહેરી વિકાસ પ્રધાન ગૌતમ દેવે તે લોકોને સહકારી મંડળી બનાવવાનું કહ્યું. તેમની જગ્યાએ નવી ઈમારતો ઊભી થાય તે માટે બિલ્ડિંગ મટિરિયર આ સહકારી મંડળીએ આપવાના. આ રીતે મંડળીને કમાણીનું સાધન મળી ગયું. તે પછી તો જ્યાં પણ બિલ્ડિંગ બનતી હોય ત્યાં સ્થાનિક લોકો મંડળી બનાવી લેતા હતા. ધીમે ધીમે આ મંડળીઓ સીપીએમના કાર્યકરો જ બનાવવા લાગ્યા અને તે રીતે સમગ્ર બંગાળમાં સિન્ડિકેટ ઊભી થઈ ગઈ.
કાર્યકરોની દાદાગીરી સામે પોલીસ કે તંત્ર પણ કશું કરે નહિ. સામે આ જ કાર્યકરો પક્ષને સત્તામાં રાખવા માટે કામય કામ કરતા રહે. આ તંત્ર એટલી હદે મૂળિયા ઘાલી ગયું છે ડાબેરીને હરાવીને મમતા બેનરજીની સરકાર આવી છે ત્યારથી સિન્ડિકેટ પર ટીએમસીના કાર્યકરોએ કબજો જમાવી લીધો છે. આ કાર્યકરોને ખુશ રાખવા સરકાર પણ તેમને અટકાવી શકતી નથી. મમતા બેનરજી વચ્ચે વચ્ચે જાહેરમાં અપીલ કરીને સિન્ડિકેટને ઉઘરાણું ના કરવા માટે કહેતા રહે છે. પણ તે એક દેખાડો છે અને સિન્ડિકેટનો ધંધો ચારેકોર એટલો જામી ગયો છે કે બંગાળની પ્રજાએ પણ તેને સ્વીકારી લીધો છે.
પશ્ચિમ બંગમાં હવે ભાજપ સત્તા માટે કોશિશ કરી રહ્યું છે. ત્યારે તેના કાર્યકરો પણ સિન્ડિકેટ નહિ કરે તેની કોઈ ખાતરી નથી. હકીકતમાં ગુજરાત જેવા રાજ્ય, જ્યાં અઢી દાયકાથી ભાજપ સત્તામાં છે, ત્યાં છુપી સિન્ડિકેટ ઊભી થઈ જ ગઈ હોય છે. સરકારી તંત્ર, સંસ્થાઓ, ખાનગી કંપનીઓ બધી જગ્યાએ સરકારના માણસો બેસી ગયેલા દેખાય છે. સરકારમાં બેઠેલા સરકારના પીઠ્ઠુઓ હવે જરાય ગભરાયા વિના બિન્ધાસ્ત પોતે જે તે પક્ષના કાર્યક્રર છે તેનો દેખાડો કરે છે.
સરકારો બદલાઇ જાય, સિન્ડિકેટ બદલાઇ જાય, પ્રજાની હાલત ત્યાંની ત્યાં રહે છે. પ્રજાએ કાયમ ભોગવવાનું આવે છે. વેપારીઓને હપ્તાબાજી સામે બહુ વાંધો નથી હોતો. હપ્તો આપીને તેમનું કામ થઈ જાય છે. હપ્તો આપ્યા પછી નાગરિકો માથાફોડી કરવા આવે ત્યારે આ જ કાર્યકરો કમ ગુંડાઓ વેપારીઓની તરફેણ કરીને નાગરિકોને ધમકાવે છે. ગુજરાતમાં દારૂના અડ્ડા ચાલે છે તેમાં એક પ્રકારની સિન્ડિકેટ જ છે. બૂટલેગરો સામે સ્થાનિક લોકો ફરિયાદ કરે ત્યારે પોલીસ આવીને નાગરિકોને ધમકાવે છે. સ્થાનિક કાર્યકરો ફરિયાદ કરનાર નાગરિકને હેરાન કરે છે અને બૂટલેગરોની તરફેણ કરે છે.
હવે તો નાગરિકો પોતાની સિન્ડિકેટ બનાવે સ્થાપિત હિતો સાથે તો કદાચ કામ બને.