17મી લોકસભાનો સોમવાર, 17 જૂને પહેલો દિવસ હતો. દેશભરમાંથી ચૂંટાઈ આવેલા નવા સંસદસભ્યોએ નવી લોકસભાના પહેલા જ સત્રના પહેલા દિવસે હોદ્દા અને ગુપ્તતાનાં શપથ ગ્રહણ કર્યાં હતાં. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મહારાષ્ટ્રના અમરાવતીમાંથી ચૂંટાઈ આવેલાં અપક્ષ ઉમેદવાર નવનીત કૌર રાણાનો પણ સમાવેશ થાય છે. સભ્યોના શપથવિધિ વખતે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપના સંસદસભ્યોએ ‘જય શ્રી રામ’ નારા લગાવતાં ચર્ચા શરૂ થઈ છે.
નવનીત કૌર રાણાએ કહ્યું કે ‘જય શ્રી રામ’ નારા લગાવવા માટે સંસદ યોગ્ય સ્થળ નથી, એ માટે મંદિરો છે.
નવનીત કૌરે કહ્યું કે દરેક ભગવાન સમાન છે, પણ કોઈને પણ ટાર્ગેટ બનાવીને નામ લેવું એ યોગ્ય નથી.
નવનીત કૌર રાણા રાજકારણમાં પ્રવેશ્યાં એ પહેલાં તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી હતાં. ફિલ્મી દુનિયા છોડીને એ રાજકારણમાં આવ્યાં છે. એમનાં પતિ રવિ રાણા અપક્ષ વિધાનસભ્ય છે અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને ટેકો આપે છે.
નવનીત કૌર રાણા આ પહેલી જ વાર ચૂંટણી લડ્યાં હતાં અને વિજયી થયાં. એમને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સમર્થન આપ્યું હતું.
લોકસભા ચૂંટણીમાં, મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 41 પર એનડીએનાં સભ્યો જીત્યાં છે. મોદીના મેજિક વચ્ચે નવનીત કૌર રાણા અપક્ષ તરીકે જીતવામાં સફળ રહ્યાં એ મોટી વાત ગણાય છે. એમણે શિવસેનાનાં સંસદસભ્ય આનંદરાવ અડસૂલને 36,951 મતોથી પરાજય આપ્યો હતો.
નવનીત કૌરે કહ્યું છે કે પોતે મુદ્દાઓને આધારે નરેન્દ્ર મોદી સરકારને ટેકો આપશે અને પોતાનાં મતવિસ્તારનાં લોકોની સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસ માટે રોજ 20 કલાક કામ કરશે.
આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં નવનીત કૌર રાણા ગઈ કાલે પહેલી જ વાર સંસદભવનમાં આવ્યાં ત્યારે પરિસરમાં એમનો ઈન્ટરવ્યૂ લેવા માટે પત્રકારો અને તસવીરો ખેંચવા માટે ફોટોગ્રાફરોએ પડાપડી કરી હતી.
નવનીત કૌર છ ભારતીય ભાષા જાણે છે.