મમતા બેનરજીની જીદ વિધાનસભામાં હરાવશે

0
8114

મતા બેનરજી પોતાનો સ્વભાવ બદલી શકે તેમ નથી. કોઈ પોતાનો સ્વભાવ બદલી શકતા નથી. બદલી શકે છે તે સફળ થાય છે. મમતા બેનરજી પાસે સ્વભાવ ના બદલવાના કારણો પણ છે. આ જ સ્વભાવના કારણે તેઓ જીત્યા છે. આ જ આકરા સ્વભાવને કારણે, લડાયક સ્વભાવને કારણે, શેરીઓમાં આંદોલનો કરીને, હરિફોને પડકારીને, સામસામે સીધો મુકાબલો કરી લેવાની જીદને કારણે જ તેઓ ડાબેરી પક્ષોને પશ્ચિમ બંગાળમાં હરાવી શક્યા હતા. પરંતુ એ જ જીદ અને આકરી વાણી, આકરો વ્યવહાર, આકરું રાજકારણ તેમને એકારું પડી રહ્યું છે તેમ લાગે છે.

ડૉક્ટર પર સગાઓના દર્દીઓએ હુમલો કર્યો અને ડૉક્ટરોએ હડતાળ પાડી. ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં પણ આવા બનાવો બનેલા છે. ગુજરાતના અમદાવાદમાં સિવિલ અને વીએસ હૉસ્પિટલમાં વચ્ચે ઉપરાઉપરી હુમલાના બનાવો બન્યા ત્યારે ગુજરાતમાં પણ ડૉક્ટરોએ હડતાળ પાડી હતી. જોકે સરકારે શક્ય તેટલી ઝડપથી વાટાઘાટો કરીને તબિબિ સેવાને રાબેતા મુજબ કરવા કોશિશ કરી હતી. આ ઉપરાંત ફરજ પરના તબિબ પર હુમલો થાય તેન વધારે ગંભીર ગુનો ગણીને સજાની જોગવાઈ કરતો કાયદો પણ ગુજરાત સરકારે કર્યો હતો.

મમતા બેનરજીએ હડતાળ સામે આકરું વલણ લીધું. તેમણે આખી વાતને પોતાના સ્વભાવ મુજબ કોમી રંગ આપવાની કોશિશ કરી. લોકસભાની ચૂંટણી દરમિયાન અને તેની પહેલાં પણ મમતા બેનરજીએ ઘણા મુદ્દાઓને કોમી રંગે જોવાની કોશિશ કરી હતી. મમતા અને ભૂતકાળમાં બીજા વિપક્ષી દળોએ એ ભૂલ કરી છે કે કોમી રંગ ચડાવીને જીતનો રંગ જોવાની તેમની ભૂલ તેમને જ ભારે પડી રહી છે. કોમી રંગ ભાજપને વધારે ને વધારે ફાયદો કરાવી રહ્યો છે. ભાજપના ટેકેદાર ના હોય તેવા મતદારો પણ લઘુમતી તુષ્ટિકરણના મુદ્દે રોષ અનુભવીને વિપક્ષને નકારે છે, પણ વિપક્ષ વૉટબેન્ક ખાતર નીતિ બદલવા તૈયાર નથી. નીતિ નહિ બદલાય, પણ મમતા બેનરજીની સરકાર કદાચ બદલાઈ જશે તેમ લાગે છે.

2021માં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યાં સુધીમાં ભાજપ પૂરતા પ્રમાણમાં તૃણમૂલ કોંગ્રેસમાં ભાંગફોડ કરી ચૂક્યો હશે. ડાબેરી પક્ષના માથાભારે કાર્યકરો મોટા પાયે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસમાં પણ હવે સર્વાઇવલ કે રિવાઇવલ કશાના ચાન્સ ના જોતા કોંગ્રેસીઓ પણ ભાજપમાં ભળી રહ્યા છે. તેમાં ડૉક્ટરની હડતાળ જેવા મુદ્દા ઉમેરાતા રહેશે અને મમતા બેનરજી પોતાનો આધાર ગુમાવતા રહેશે. મમતા બેનરજીએ લીધેલું વલણ એવી છાપ ઊભી કરે છે કે તેઓ રિઝનેબલ નથી. તેઓ ચિંતા કરી રહ્યા છે દર્દીઓની, પણ દર્દીઓની જ મુશ્કેલી વધારી રહ્યા છે. ધમકી આપવાને કારણે ડૉક્ટર્સે રાજીનામાં આપી દીધા અને હડતાળ પાંચ દિવસે પણ પૂરી થઈ નહોતી. હવે ભારતભરના ડૉક્ટર્સ પણ રાજ્યના તબિબોના ટેકામાં હડતાળ પાડશે. દેશભરના દર્દીઓ હેરાન થશે. તે વખતે મેસેજ એ જશે કે વિપક્ષના નેતાઓને રાજકારણ કરતાં આવડતું નથી અને આ લોકો શાસન કરવાને લાયક નથી. તેના કારણે ફાયદો ભાજપને થશે. પશ્ચિમ બંગાળમાં તો થશે જ, બીજે પણ થશે.

મમતા બેનરજી ઓલરેડી ભાજપની ટ્રેપમાં આવી ગયેલા છે. હાર પછીય ટ્રેપમાંથી બહાર નીકળવાને બદલે તે ટ્રેપમાં વધુ મજબૂત રીતે જકડાઈ રહ્યા છે. મામલાને કુનેહપૂર્વક ઉમેરવાના બદલે આકરો મિજાજ ગુમાવીને પ્રોફેશનલ વર્ગમાં મમતા બેનરજીએ પોતાની છબી વધારે ખરાબ કરી છે. ઉદ્યોગ અને વેપારમાં તેમની ઑલરેડી નબળી અને અવ્યવહારુની છાપ હતી. તેના બદલામાં કામદારો, ગરીબો, વંચિતોના મત મળશે તેવી ગણતરી હશે, પણ તે ગણતરી ખોટી પડી રહી છે. કામદારો અને ગરીબોના આધારે ચૂંટણી જીતવાના જમાના જતા રહ્યા છે. કોઈ પોતાને ગરીબની કેટેગરીમાં ગણાવા માગતું નથી. સરકારી લાભો માટે તે વ્યાખ્યામાં આવવાનું, પણ ઇચ્છા તે વર્ગમાંથી ઝડપથી બહાર નીકળવાની હોય છે. આ વર્ગને હવે એવો નેતા જોઈએ છે, જે તેમના માટે લડે નહિ, પણ તેમને સપના દેખાડે કે તમને આમાંથી બહાર કાઢીશ. ખોટ્ટેખોટ્ટું સપનું દેખાડો તો પણ ચાલે, પણ તમને ગરીબમાંથી અમીરીમાં લાવી દઈશ તેવા સપના દેખાડવાનું રાજકારણ ચાલી રહ્યું છે. અંગ્રેજીમાં તેને એસ્પિરેશન કહે છે. એસ્પિરેશનલ રાજકારણ ચાલી રહ્યું છે. ભઈ, જુઓ હું વ્યવહારું છું. ગરીબો માટે ઉપવાસ પર બેસવાના અને આંદોલન કરવાના જમાના ગયા. તેમના માટે કારખાના નાખવાની, મેટ્રો ટ્રેનની, વિકાસની વાતો કરો. સરકારી ડૉક્ટર્સને સીધા કરવાને બદલે નેતા કહે કે જાવ તમને વીમો આપ્યો, કોઈ પણ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી લેજો… આ ચાલે છે.

ગુજરાતમાં કોંગ્રેસ કહેતી હતી કે ભાજપ પાંચ ઉદ્યોગપતિની સરકાર છે. ભાજપ માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવે છે. મતદારોએ કશું સાંભળ્યું જ નહિ, કેમ કે બધા જ ગુજરાતીઓની ઈચ્છા ઉદ્યોગપતિ બનવાની છે. સરકાર ઉદ્યોગપતિને ફાયદો કરાવતી હોય તો સારી વાત કહેવાય. હું પણ કાલે ઉદ્યોગપતિ બની જઈશ અને આ સરકાર મારી થઈ જશે. આ સપનું કહેવાય અને સપનું કંઈ સાચું ના પડે, પણ સપના દેખાડે એવી સરકાર સારી કે ઉદ્યોગપતિ બનીશ પછી કોંગ્રેસની સરકાર આવશે તો તવાઈ આવશે તેવી જોખમકારણ સરકાર સારી?

બોલો. બોલો. મમતા બેનરજીએ દર્દીઓ માટે લડાઈ લડી છે, પણ હેરાન દર્દીઓ થઈ રહ્યા છે. દર્દીઓ પણ પાંચમાં દિવસે કંટાળે અને કહે કે ભઈ વાત પડતી મેલો અને સારવાર ચાલુ કરો. ભાજપ પૂરતા પ્રમાણમાં પ્રચાર કરશે કે કઈ રીતે મમતાની જીદના કારણે ઉલટાના દર્દીઓ હેરાન થયા. કઈ રીતે મમતાની જીદને કારણે રાજ્યમાં આયુષ્યમાન યોજના બરાબર ચાલતી નથી અને દર્દીઓને સારી સારવાર મળતી નથી. મમતાના આ જ પ્રકારના અકડ વલણને કારણે ગુજરાત મોડેલ પ્રમાણે વિકાસની તક રાજ્યને મળતી નથી તે પ્રચાર બરાબર કામ આવશે.

ગુજરાત મોડેલ શું છે તેનો અભ્યાસ બંગાળનો મતદાર કરવાનો નથી. તેમને લાગે છે કે ગુજરાત મોડેલ સારું છે. ગુજરાતીઓ સુખી છે, પૈસે ટકે સૌથી આગળ છે તો કંઈક તો હશે જ. ગુજરાત જેવું થવે તેવું એસ્પિરેશન હોય ત્યારે મમતા બેનરજી કહે કે ગુજરાત મોડેલ અહીં નહિ ચાલવા દઉં તો મતદાર માને ખરો? મતદાર એ નથી સમજવાનો કે મમતા કયા મોડેલની વાત કરી રહ્યા છે અને કયા મોડેલનો વિરોધ કરી રહ્યા છે. દેશભરમાં અસરકારક રીતે થતા પ્રચાર પ્રમાણે બંગાળનો મતદાર ગુજરાત મોડેલ એટલે ઝડપી આર્થિક વિકાસ એ મોડેલ ના માનતો હોય તેવું બને નહિ. તો વિચારો કે ગુજરાત મોડેલનો વિરોધ કરવાની મમતાને ફાયદો થશે કે નુકસાન?

નુકસાન જ થવાનું છે. જે લડાઈ મમતા માને છે કે પોતાને મજબૂત બનાવે છે એ જ લડાઈ હકીકતમાં તેમને નબળા પાડી રહી છે. ભાજપ સામેની આવી અન્ય વિપક્ષોની લડાઈ પણ આ જ રીતે તેમની પોતાની સામે જ પડી હતી. કોંગ્રેસ ઉપરાંત મોટા ભાગના પ્રાદેશિક પક્ષો ભાજપ સામેની લડાઈમાં, પોતાની મજબૂતાઈ ગણાતી હોય તે પ્રકારની લડાઈમાં પગ પર કુહાડો મારતા જ થઈ ગયા હતા. જો જો હવે, પશ્ચિમ બંગાળમાં શું થાય છે.