ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું તે વાતને કારણે ઊડેલી ધૂળ નીચે બેસવા લાગી છે, પણ ચૂંટણી પહેલાં વચ્ચે વચ્ચે તે મુદ્દો પણ આવતો રહેશે. વર્તમાન સરકાર બંધારણીય સંસ્થાઓને સ્વતંત્રતાથી કામ કરવા દેવા માગતી નથી તેવા આક્ષેપો ઉછળતા રહેશે. પરંતુ દરમિયાન એક માહિતી એવી જાણવા મળી કે આઝાદી પહેલાં પણ આરબીઆઈની મૂળિયા જેમાં હતા તે સંસ્થાના ગર્વનરે પણ વિવાદો વચ્ચે અને સ્વાયતત્તાના મુદ્દે જ રાજીનામું આપ્યું હતું. એ ઘટનાક્રમ જાણવામાં તમને પણ રસ પડશે.
આરબીઆઈના પ્રથમ ગર્વનરનું નામ હતું ઑસ્બોર્ન સ્મિથ. જોકે ત્યારે ભારતની મધ્યસ્થ બેન્કનું નામ હજી આરબીઆઈ પડ્યું નહોતું, પણ તેનું કાર્ય મધ્યસ્થ બેન્ક સમાન જ હતું. અંગ્રેજોના શાસનમાં ઇમ્પિરિયલ બેન્ક હતી, જે ભારતની મુખ્ય બેન્ક જેવી હતી. 1926માં બેન્ક ઑફ ઇંગ્લેન્ડના તત્કાલિન ગવર્નર મૉન્ટેગ્યુ નોર્મને ઇમ્પિરિયલ બેન્કને વધારે મજબૂત બનાવવા માટે તેના ગવર્નર તરીકે મજબૂત બેન્કને નિમવાનું નક્કી કર્યું હતું. તેમની નજર હતી ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહેલા ઑસ્બોર્ન સ્મિથ પર. સ્મિથ 20 વર્ષથી ઓસ્ટ્રેલિયાની બેન્ક ઑફ ન્યૂ સાઉથ વેલ્સના વડા તરીકે સફળ કામગીરી બજાવી રહ્યા હતા. બાદમાં સ્મિથ કૉમનવેલ્થ બેન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની લંડન બ્રાંચમાં મેનેજર તરીકે નિમાયા હતા. અહીં તેમની સાથે પરિચય પછી નોર્મનને લાગ્યું હતું કે સ્મિથને ઇમ્પિરિયલ બેન્કમાં મોકલવા જોઈએ.
તે રીતે સ્મિથ ઇમ્પિરિય બેન્કના વડા તરીકે ભારત આવ્યા હતા. તેમને મેનેજિંગ ગવર્નરનો હોદ્દો આપવામાં આવ્યો હતો. 1930માં અમેરિકામાં મંદીની અસર સમગ્ર વિશ્વમાં થવા લાગી હતી, પણ ત્યારે સ્મિથે મજબૂત કામગીરી બજાવીને આ બેન્કને બચાવી રાખી હતી. આ રીતે ઇમ્પિરિયલ બેન્ક મજબૂત બનીને રહી, પણ હવે સમસ્યા એ હતી કે તેને વધારે મજબૂત થવા દેવાય નહિ. અંગ્રેજો માટે અને નોર્મન માટે પણ બેન્ક ઑફ ઇંગ્લેન્ડ પણ એટલી જ જરૂરી હતી. બેન્ક ઑફ ઇંગ્લેન્ડને ઇમ્પિરિયલ બેન્ક સામે મજબૂત બનાવીને રાખવાની હતી. તેથી ઇમ્પિરિયલ બેન્કને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા તરીકે વધારે મજબૂત બનાવવાનું કામ ટાળવામાં આવતું રહ્યું. 1927માં પ્રથમ વાર આરબીઆઈની રચના માટેનો ખરડો ઇંગ્લેન્ડની સંસદમાં રજૂ થયો હતો, પણ તે અટકી પડ્યો હતો અને છેક 1935માં આખરે આરબીઆઈની રચના માટેનો કાયદો પસાર થયો.
1935માં આરબીઆઈની સ્થાપના થઈ અને તેના પ્રથમ ગર્વનર તરીકે ઑસ્બોર્ન સ્મિથને જ રાખવામાં આવ્યા. ઑસ્બોર્ન સ્મિથ હવે વધુ સ્વાયત્તતા સાથે પોતાની કામગીરી બજાવીને આરબીઆઈને મજબૂત બનાવવા માગતા હતા. પરંતુ તેમણે સ્વાયત્તતાથી કામ કરવાનું શરૂ કર્યું તે સાથે જ તેમની સામે ઇંગ્લેન્ડના બેન્કરોનો વિરોધ પણ શરૂ થયો હતો. તેના કારણે આખરે તેમણે પોતાની મુદત પૂરી થાય તે પહેલાં રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેઓ એપ્રિલ 1935માં આરબીઆઈની રચના થઈ ત્યારે ગર્વનર બન્યા અને જૂન 1937માં છુટ્ટા પણ થઈ ગયા. આમ તો તેમણે દોઢ જ વર્ષમાં ઑક્ટોબર 1936માં રાજીનામું આપી દીધું હતું અને બાદમાં નવા ગર્વનરની નિમણૂક સુધી હોદ્દા સંભાળતા રહ્યા હતા. આ રીતે કહી શકાય કે આરબીઆઈના પ્રથમ ગર્વનરે માત્ર દોઢ જ વર્ષમાં રાજીનામું આપી દેવું પડ્યું હતું.
આરબીઆઈની સ્વાયત્તતાનો મામલો તેમાં હતો જ, પણ સાથોસાથ તેમાં રાજકીય વિવાદ પણ જોડાઈ ગયો હતો. ભારતમાં કામગીરી બજાવવા સાથે ઑસ્બોર્ન સ્મિથની સહાનુભૂતિ આઝાદી આંદોલનના નેતાઓ સાથે જોડાઈ હતી. તેઓ ભારતને સ્વતંત્રતા મળવી જોઈએ તેવું માનતા થયા હતા અને તેના કારણે બ્રિટિશ અમલદારોમાં તેમની સામે નારાજી હતી.
બે બ્રિટિશ અમલદારો, તે વખતે આઇસીએસ ઓફિસર કહેવાતા હતા તેવા બે અંગ્રેજો જેમ્સ ગ્રેગ અને જેમ્સ બ્રેડ ટેલર તેમની પાછળ પડી ગયા હતા. જેમ્સ ગ્રેગ તે વખતે ફાઇનાન્સ વિભાગમાં હતા તેથી આરબીઆઈમાં સ્મિથની કામગીરી સામે વાંધો પાડતા હતા.
બીજી બાજુ સ્મિથ સામે ભ્રષ્ટાચારના અને ગેરરીતિના આરોપો પણ થવા લાગ્યા હતા. અંગ્રેજ અમલદારોને લાગતું હતું કે સ્મિથ ભારતીય વેપારીઓ સાથે વધારે પડતો ઘરોબો કેળવી રહ્યા છે. પુરુષોત્તમદાસ ઠાકુરદાસ આરબીઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હતા. તેમની સાથે સ્મિથને સારું બનતું હતું. અન્ય એક ભારતીય અર્થશાસ્ત્ર એ. ડી. શ્રોફ સાથેના તેમના સંબંધોની પણ ચર્ચા થવા લાગી હતી.
આઇએએસ અમલદાર તરીકે બ્રિટિશ તંત્ર ચલાવનારા ગ્રેગ અને ટેલરને લાગતું હતું કે તેમની નીતિ અનુસાર આરબીઆઈએ ચાલવું જોઈએ. તેની સામે સ્મિથ માનતા હતા કે મધ્યસ્થ બેન્કની કામગીરી રાજકીય રીતે નહિ, પણ આર્થિક રીતે જોવી જોઈએ. તેના કારણે આરબીઆઈનું નામ ઇમ્પિરિયલ બેન્ક હતું ત્યારથી આ બે અમલદારો સાથે સ્મિથને વાંધો પડ્યો હતો. પણ હવે બ્રિટિશ પાર્લામેન્ટના કાયદા સાથે આરબીઆઈ બની હોવાથી સ્મિથ પાસે વધારે સ્વાયત્તતા હતી. તેના કારણે તેઓ હવે અમલદારોને ગાંઠતા નહોતા.
દરમિયાન મામલો આવ્યો બ્રિટિશ પાઉન્ડ સામે રૂપિયાનું મૂલ્ય નક્કી કરવાનો તથા વ્યાજના દરો નક્કી કરવાનું. રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવે તો ભારતના નિકાસકારોને ફાયદો થાય તેમ હતો. ગ્રેગ ભારતીય વેપારીઓને ફાયદો થાય તે રીતે રૂપિયાનું મૂલ્ય નક્કી કરવાના વિરોધમાં હતા. સ્મિથ સામે એવા આક્ષેપો પણ થવા લાગ્યા હતા કે ભારતના વેપારીઓ સાથે તેમની સાંઠગાંઠ વધી રહી છે. ભારતીય વેપારીઓને ફાયદો થાય અને તેમાં સ્મિથની ભાગીદારી હોય તેવા આક્ષેપો થવા લાગ્યા હતા. આ એક પ્રકારની નાણાકીય ગેરરીતિ હતી.
તકરારનો બીજો મુદ્દો વ્યાજના દરો નક્કી કરવાનો હતો. આજની જેમ તે વખતે પણ વ્યાજના દરો કેવી રીતે નક્કી કરવા તે મુદ્દે સરકાર અને બેન્ક વચ્ચે એકમત નહોતો. તે વખતે વ્યાજનો દર 3.5 ટકા હતો અને સ્મિથ તેને ઘટાડીને 3 ટકા કરવા માગતા હતા. અહીં ફરી એકવાર સ્મિથ પર ભારતીય વેપારી વર્ગને ફાયદો કરાવવાનો આક્ષેપ મૂકાયો હતો. તેની સામે સ્મિથની દલીલ એવી હતી કે વ્યાજનો દર થોડો ઓછો કરવામાં આવે તો વધારે વેપારીઓ ધિરાણ લઈ શકે છે. બેન્કનું કામ ધિરાણ આપવાનું છે અને તેમાં બેન્કોનો ફાયદો છે. સાથે વેપાર વૃદ્ધિ થાય છે તે બધાના ફાયદામાં છે. ફાઇનાન્સ વિભાગના સભ્ય તરીકે ગ્રેગનો મત એવો હતો કે વ્યાજ દર ઘટાડવા જોઈએ નહિ.
આમ છતાં સ્મિથે વ્યાજ દરો ઘટાડ્યા તે પછી સ્મિથની સામે બ્રિટિશ અમલદારોએ તપાસ શરૂ કરાવી હતી. કોલકાતાના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરોનો એક રિપોર્ટ એવો હતો કે આરબીઆઈના શેરોમાં મોટી ઉથલપાથલ થાય છે તે શંકાસ્પદ છે. તેની પાછળ કોઈનો દોરિસંચાર હોવાની શંકા રિપોર્ટમાં હતી. તે માટે બે ભારતીય વેપારીઓના નામ ઉછળ્યા હતા. બદ્રીદાસ ગોએન્કા અને માંગીરામ બાંગર આરબીઆઈના શેરોમાં સટ્ટા કરતા હોવાનું તપાસ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. સ્મિથ સામે આક્ષેપ એ હતો કે તેઓ ઇન્સાઇડર તરીકે આ ભારતીય વેપારીઓને માહિતી પહોંચાડતા હતા. આરબીઆઈના એક ડિરેક્ટર અમર કૃષ્ણ ઘોષે પણ એવું કહ્યું હતું કે સ્મિથ માંગીરામ બાંગર સાથે વેપારી હિતો ધરાવે છે. બાંગર પાસેથી તથા અન્ય એક ખાનગી કંપનીમાંથી સ્મિથને કમાણી થઈ હોવાના આક્ષેપો ઘોષે પણ કર્યા હતા.
દરમિયાન ઑસ્બોર્ન સ્મિથનું એક લફરું પણ ચગ્યું હતું. આરબીઆઈના જ એક ઓફિસરની પત્ની સાથે સ્મિથના સંબંધોની ગુસપુસ થવા લાગી હતી. બેન્કિંગ વર્તુળોમાં હવે એક તરફ સ્મિથ અને સામેની બાજુએ ગ્રેગ અને ટેલર વચ્ચે ટકરાવની પણ ગુસપુસ ચાલ્યા કરતી હતી. સરકારી તંત્ર અને આરબીઆઈ વચ્ચે આ રીતે પ્રથમથી જ ટકરાવ થયો હતો તે આ પ્રથમ ગવર્નરનો કિસ્સો જણાવી રહ્યો છે. બ્રિટિશ અમલદારોએ હવે સ્મિથ સામે લંડનમાં પણ ફરિયાદો મોકલવાનું શરૂ કરી દીધું હતું. સ્મિથ વધારે શરાબપાન કરતા હોવાની વાતો પણ ચગાવવામાં આવી હતી.
આ પ્રકારના વિવોદ પછી સ્મિથ સામે સરકારી રાહે તપાસ થવા લાગી હતી. સરકાર દ્વારા આપવામાં આવતા આદેશોનું પાલન આરબીઆઈના ગવર્નર ઑસ્બોર્ન સ્મિથ કરતાં નથી તેવી ફરિયાદો હવે સત્તાવાર સ્વરૂપ લેવા લાગી હતી. ભારતીય વેપારીઓ સાથે સ્મિથની સાંઠગાંઠ વધી રહી હોવાની વિગતો પણ મોકલવામાં આવી. આ રીતે સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ નાણાકીય ગેરરીતિ કરી રહી છે તેવી ફરિયાદ પછી લંડનમાં બેઠેલી સરકારે પણ ગંભીરતાથી નોંધ લેવી પડે તેમ હતી. સરકારી તંત્ર અને આરબીઆઈના ગવર્નર વચ્ચેની તકરારને કારણે અયોગ્ય છાપ ઊભી થઈ રહી છે તેવું સરકારને લાગવા લાગ્યું હતું.
તેના કારણે સ્મિથને હવે રવાના કરશે તેવું લાગવા લાગ્યું હતું. જોકે બાદમાં આરબીઆઈના પ્રથમ ગવર્નર તરીકે નિમાયેલા સી. ડી. દેશમુખનું માનવું છે કે સ્મિથ સામે મુખ્ય વિરોધ તેમણે લીધેલા આર્થિક નિર્ણયો હતો. વ્યાજ દરોનો મામલો હતો જ, ઉપરાંત સોનાની નિકાસ ભારતમાંથી ના થાય તે માટે તેના પર ડ્યુટી નાખવાનો પણ નિર્ણય સ્મિથે લીધો હતો. આ બધા પગલાં એવા હતા જે ભારતના હિતમાં હતા, પણ બ્રિટિશ અમલદારોને માફક આવે તેમ નહોતા. ભારતને આર્થિક લાભ થાય અને ભારતની આઝાદી માટે લડનારા લોકો માટે સહાનુભૂતિ હોય તેવા ગવર્નર લાંબો સમય ટકી ના શકે તે સ્પષ્ટ થવા લાગ્યું હતું. આરબીઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ભારતીય વેપારીઓને નિમવામાં આવ્યા હતા અને તેમની સાથે સ્મિતનો તાલમેલ સારો હતો. બ્રિટિશરોની બેન્કની નીતિ ભારતીય વેપારી વર્ગના પ્રભાવમાં નક્કી થઈ રહી હતી. તેમાં પણ એવો આક્ષેપ કરાયો કે સ્મિથ હિન્દુ વેપારીઓનો વધારે ખ્યાલ રાખે છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવાની અંગ્રેજોની નીતિ અહીં પણ કામ કરી રહી હતી. ગ્રેગે હવે નાણાં વિભાગના પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને સ્મિથના ડેપ્યુટી તરીકે એક મુસ્લિમની નિમણૂક કરાવી. સિકંદર હયાત ખાન ડેપ્યુટી ગર્વનર બન્યા તેની સામે સ્મિથે વાંધો લીધો હતો, કેમ કે ખાનને બેન્કિંગનો કોઈ અનુભવ નહોતો.
પોતાની કામગીરીમાં આવી રીતે દખલ થવા લાગી તેનાથી નારાજ થઈને 1935માં સ્મિથે છ મહિનાની રજા મૂકી અને લંડન જતા રહ્યા. વિવાદ વધી પડ્યો તે પછી વાઇસરોયે સમાધાન માટે કોશિશ કરી હતી, પણ સ્મિથ સામે ગ્રેગ અને ટેલરનો પક્ષ મજબૂત બન્યો હતો. તેથી આખરે આરબીઆઈના પ્રથમ ગવર્નર બન્યાના દોઢ જ વર્ષ બાદ સ્મિથે રાજીનામું આપી દેવું પડ્યું હતું.
જોકે લંડનમાં રજા પર રહેલા સ્મિથ બારોબાર રાજીનામું આપી દે સારું ના લાગે, તેથી એવો રસ્તો કઢાયો હતો કે સ્મિથનું રાજીનામું રાજીખુશીથી થયું છે તેવો દેખાવ થાય. સ્મિથ લંડનથી ભારત પરત ફર્યા, અંગત કારણોસર પોતે રાજીનામું આપવા માગે છે તેવું જણાવ્યું. તેમનું રાજીનામું સ્વીકારી લેવાયું અને નવા ગર્વનરની નિમણૂક સુધી તેમને હોદ્દા પર રહેવા જણાવાયું. વધુ કેટલાક મહિના બાદ આખરે સ્મિથની વિદાય થઈ.