પાંચ બેઠકો ગુમાવવા સાથે લોકસભાની ભાજપની તૈયારીઓ શરૂ

પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થઈ ગયા પછી હવે બધા રાજકીય પક્ષો 17મી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીમાં લાગી ગયા છે.  નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) તરફથી સાથી પક્ષ સાથે બેઠકોની વહેંચણીની પ્રથમ સત્તાવાર જાહેરાત પણ રવિવારે થઈ ગઈ. બિહારમાં જનતા દળ (યુનાઇટેડ) અને લોક જનતાંત્રિક પક્ષ (એલજેપી) સાથે ભાજપના ગઠબંધનને આખરી ઓપ આપી દેવાયો. રામવિલાસ પાસવાનના પક્ષ એલજેપીને છ બેઠકો ફાળવાઈ છે. પાછળ વધેલી 34 બેઠકોમાં ભાજપ અને જેડી(યુ)એ અડધી અડધી વહેંચી લીધી છે. 16મી લોકસભામાં પાસવાન ભાજપની સાથે જ હતા અને ઉપેન્દ્ર કુશવાહાનો પણ સાથ હતો. ત્રણેય પક્ષોએ મળીને 31 બેઠકો મેળવી લીધી હતી. જેડી(યુ) માત્ર 2 બેઠકો મેળવી શક્યું હતું. ભાજપને પોતાને 22 બેઠકો મળી હતી. તેનો અર્થ એ થયો કે ગઠબંધનની શરૂઆત સાથે અને ચૂંટણી પહેલાં જ ભાજપે લોકસભાની પાંચ બેઠકો ગુમાવી છે. ભાજપ માત્ર 17 બેઠકો પર જ લડશે.

જોકે ભાજપ માટે રાહતની વાત એ છે કે જેડી(યુ) સાથે જોડાયું હોવાથી બેઠકોની ખોટ તે પૂરી કરી શકશે. ફક્ત બેની જગ્યાએ વધારે બેઠકો નીતિશકુમારનો પક્ષ મેળવી શકશે તેવી અપેક્ષા છે. બીજી રાહતની વાત એ છે કે પાસવાન સાથે રહ્યા છે. પાસવાનને હવામાન રડાર કહેવામાં આવે છે. સૌથી વધુ પાટલીઓ પાસવાને બદલી છે. દેશમાં કોની હવા ચાલી રહી છે તેનો અણસાર પાસવાનને આવી જાય છે. સત્તા સાથે રહેવા ટેવાયેલા પાસવાને સઢ ફેરવ્યું નથી. જોકે બીજા એક હવામાન ટાવર નાયડુએ એનડીએ છોડી દીધું છે, એટલે આ વખતે મિશ્ર સિગ્નલ મળી રહ્યા છે.

પરિણામો પણ મિશ્ર આવશે એવું જાણકારો અત્યારે કહે છે. 2014ની જેમ એક તરફી પરિણામોની અપેક્ષા હાલ નથી, પણ હજી ચારેક મહિનાનો સમય છે અને તે દરમિયાન વાતાવરણ પલટાય તો વાત જુદી છે. બિહારમાં ભાજપે ચૂંટણી પહેલાં જ 5 બેઠકો ગુમાવી છે, પણ ઈશાન ભારતમાં ગઠબંધનોને કારણે બેઠકો વધવાની પણ છે. પરંતુ કેટલી ખોટ પુરાશે તે જ જોવાનું છે. બીજી બાજુ 2014ની ચૂંટણી પછી એક પછી એક પેટાચૂંટણીમાં પણ ભાજપે બેઠકો ગુમાવી છે તે જુદી. 2014માં કુલ 282 બેઠકો હતી, તે અત્યારે ઘટીને 271 થઈ ગઈ છે. 11 બેઠકો તે અને 5 બિહારની એક 16નો ખાટો ઈશાન ભારતમાંથી પુરાશે કે કેમ તે જોવાનું રહેશે. 2014માં ઈશાન ભારતની 25માંથી 8 બેઠકો ભાજપને મળી હતી. તે પછી નાના પક્ષો સાથે ગઠબંધનને કારણે છેલ્લે મિઝોરમ સહિત બધા જ રાજ્યોમાં હવે ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર છે. તેથી 25 બેઠકોમાંથી 21 બેઠકો મેળવવાનો ટાર્ગેટ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે થોડા મહિના પહેલાં આપ્યો હતો. આ ટાર્ગેટ હાંસલ થઈ શકે તેવો છે, કેમ કે મિઝોરમની બેઠક પણ હવે મળી શકશે તેમ લાગે છે.

બિહારમાં પાંચ બેઠકો ગુમાવીને પાસવાનના પક્ષને સાથે રખાયો છે. ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીને 2014માં ત્રણ બેઠકો ફાળવાઈ હતી. ત્રણેયમાં તેને જીત મળી હતી. પણ આ વખતે ભાજપ તેને બે જ બેઠકો આપવા માગતો હતો, તેથી કુશવાહા આખરે એનડીએ છોડીને યુપીએમાં જતા રહ્યા છે. રવિવારે દિલ્હીમાં નીતિશકુમાર સાથે બેઠક યોજાયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે બેઠકોની વહેંચણી પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. સાથે જ એવો દાવો પણ કર્યો હતો કે ગયા વખતે બિહારમાંથી એનડીએને કુલ 31 બેઠકો મળી હતી તેનાથી વધુ બેઠકો મેળવાશે. તે રીતે ભાજપની પોતાની બેઠક ભલે પાંચ ઓછી થઈ, પણ ગઠબંધનની બેઠકો વધે તેવા પ્રયાસો કરાશે.

હવે પંજાબમાં અકાલીઓને કેવી રીતે રાજી રખાશે અને મહારાષ્ટ્રમાં શિવસેના આખરે માની જશે કે કેમ તે જોવાનું બાકી રહે છે. શિવસેનાન સાથેનો મામલો છેક સુધી લબડતો રહેશે તેમ લાગે છે, પણ પંજાબમાં તે પહેલાં નિર્ણય લેવો પડશે. પંજાબના સંદર્ભમાં નવું ડેવલપમેન્ટ એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અચાનક પ્રેમ ઉભરાઇ આવવાની તૈયારી છે. રાજીવ ગાંધીના ભારત રત્નના મુદ્દે વિવાદ થઈ ગયો છે તે શમાવવાની કોશિશમાં બંને પક્ષો લાગ્યા છે. જો આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું સમાધાન થાય અને તો દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ તેની અસર થઈ શકે છે. તેથી પંજાબમાં પણ ભાજપ ઝડપથી અકાલીઓ સાથેની દોસ્તીને પાકી કરી લેશે તેવી અપેક્ષા છે.

બિહારમાં ગઠબંધન થયા પછી જેડી(યુ)ના પ્રવક્તા સંજય સિંહે કહ્યું હતું કે ભાગીદારીમાં હવે અમે મોટાભા છીએ. અમારો પક્ષ હવે સિનિયર પાર્ટનર છે એવું સંજય સિંહે કહ્યું હતું. અત્યારે કોણ સિનિયર પાર્ટનર છે તે કહેવાનો આમ કોઈ અર્થ નથી, કેમ કે બંનેને સરખી 17 17 બેઠકો ફાળે આવી છે, તેમાંથી કયો પક્ષ વધારે બેઠકો મેળવે છે તેના આધારે તે નક્કી થશે. તે પછી વિધાનસભાની ચૂંટણી વખતે કોણ વધારે બેઠકો મેળવે છે તે પણ જોવાનું રહેશે, પરંતુ તે પહેલાં દિલ્હીમાં કોણ સત્તામાં બેસશે તેનો નિર્ણય થઈ ગયો હશે.

ચૂંટણીની તૈયારીઓમાં બેઠકોની વહેંચણી પછી અગત્યની બાબત ચૂંટણીના મુદ્દા પણ રહેવાના છે. બેઠકોની વહેંચણી થઈ ગઈ તે પછી નીતિશકુમારે સ્પષ્ટતા કરી હતી કે તેમના માટે રામમંદિર કોઈ મુદ્દો નથી. બિહારમાં મુદ્દો વિકાસનો છે એમ તેમણે કહ્યું હતું. આવી જ વાતો કરવાની શરૂઆત રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાને કરી દીધી હતી. તેમણે નિવેદનો આપવાનું શરૂ કરી દીધું હતું કે રામમંદિરનો મુદ્દો ભાજપનો છે, એનડીએનો નથી. આ નિવેદનો પછી ભીંસ શરૂ થઈ હતી અને તેથી ભાજપે ઉતાવળે બિહારમાં પાંચ બેઠકોનું નુકસાન કરીને પણ બેઠકોની વહેંચણી કરી લીધી છે.

વિકાસનો મુદ્દો એટલે શું તે કોઈ કદી સમજ્યું નથી, એટલે ચૂંટણી નજીક આવે ત્યારે કયા મુદ્દાઓ વધારે ગાજશે તે માટે બજેટ સુધી રાહ જોવી પડશે. ત્રણ રાજ્યોની ચૂંટણી પછી કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીને મુખ્ય મુદ્દો બનાવી દીધો છે. તેથી ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોનો પણ સમતોલ વિકાસ એ મહત્ત્વનો મુદ્દો રહેશે. સ્માર્ટ સિટિ, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવા શહેરી મુદ્દાઓ ભાજપે બહુ ચગાવ્યા હતા, પણ તે હવે કેટલા કામમાં આવશે તે નવેસરથી વિચારવું પડશે. સ્વચ્છતાનો મુદ્દો પણ ગ્રામીણ ઓછો અને શહેરી વધારે લાગ્યો હતો. ઉજ્જવલા અને ઘરેઘરે વીજળી બે જ મુદ્દા એવા હતા, જે ગામડામાં અસર કરી શકે. રામમંદિરનો મુદ્દો સદાબહાર છે એમ ભાજપને લાગે છે, પણ લોકોને લાગે છે કે કેમ તે જોવાનું રહેશે. લોકોને હવે સમજાવવું પડતું નથી, લોકો સામેથી જ કહે છે કે એતો ચૂંટણી આવી એટલે રામ યાદ આવ્યા. તેમ છતાંય રામમંદિરનો મુદ્દો પડતો મૂકાવાનો નથી અને હવે અદાલતમાં મોડું થાય છે તેવું બહાનુ ચલાવવાનું છે.

પરંતુ પ્રથમ ગઠબંધનો પાકા કરી લેવાના છે. મુદ્દાઓ બજેટ પછી નક્કી થશે. તે પહેલાં પ્રાદેશિક પક્ષો સાથે સમજૂતિઓ કરી લેવાની રહેશે. તેલંગાણામાં જંગી બહુમતી સાથે જીત્યા પછી કેસીઆરે પોતાની રીતે ગઠબંધન ઊભું કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેઓ પણ રવિવારે ઓડિશાના પાટનગર ભુવનેશ્વર પહોંચ્યા હતા અને નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. પટનાયક અત્યાર સુધી સૌથી અકળ રહ્યા છે. ઓડિશામાં ભાજપનું વધતું જોર તેમણે અકળાવી રહ્યું છે, ત્યારે તેમના માટે વિમાસણ એ છે કે ગઠબંધન કોની સાથે કરવું. આમ છતાં તેઓ કેસીઆરને મળ્યા અને ફક્ત એટલું કહ્યું કે એક સ્વતંત્ર ત્રીજા મોરચાની રચના માટે ચર્ચાઓ ચાલી રહી છે. એનડીએ અને યુપીએની સામે ત્રીજો મોરચો ઊભો થાય તે માટેના પ્રયાસોમાં મમતા બેનરજીને પણ જોડવાની કોશિશ કેસીઆર કરશે. જોકે મમતા પોતે આવા ફેડરલ ફ્રન્ટ માટે કોશિશ કરી ચૂક્યા છે, પણ જોઈએ તેવી સફળતા મળી નથી. નાયડુ અને તામિલનાડુના ડીએમકેના નેતા યુપીએને મજબૂત કરવામાં લાગ્યા છે, ત્યારે કેસીઆર, પટનાયક અને મમતા બેનરજી શું કરશે તે જોવાનું બાકી છે. પણ તૈયારીઓ થવા લાગી છે… ભાજપની બીજી એક તૈયારી એ પણ ચાલી રહી છે કે યુપીમાં ગઠબંધન યોગ્ય રીતે ના થાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]