એમ. કે. કરુણાનિધિ 94 વર્ષની વયે વિદાય લીધી તે સાથે જ તમિલનાડુના દ્રવિડ રાજકારણનો એક યુગ અસ્ત પામ્યો છે. પેરિયારથી શરૂ થયેલી પરંપરાના તે છેલ્લાં દિગ્ગજ નેતા હતા. જયલલિતા પણ એ જ પરંપરાના ખરા, પણ જયલલિતા બ્રાહ્મણ હતા, જ્યારે દ્રવિડ રાજકારણ મૂળભૂત રીતે શોષણખોર બ્રાહ્મણ વ્યવસ્થાનું વિરોધી રાજકારણ હતું. પેરિયારથી શરૂ થયેલું દ્રવિડ આત્મસન્માનનું અને આર્યત્વના વર્ચસનું રાજકારણ ખતમ કરવામાં દ્રવિડ મુનેત્ર કળગમ અગ્રેસર રહ્યું હતું.
જયલલિતા એમ. જી. રામચંદ્રનની ફિલ્મોના હીરોઇન હતા અને તેમની સાથેના નીકટના નાતાને કારણે તેમના અવસાન પછી એઆઇએડીએમકે પક્ષ પર તેમણે કબજો કર્યો હતો અને દ્રવિડ રાજકારણની પરંપરાને પોતાના પક્ષ તરફ વાળવામાં તેમને સફળતા મળી હતી. તેમની અને કરુણાનિધિ વચ્ચેની વર્ચસની લડાઈમાં અંત ભાગમાં જયલલિતા જ જીત્યાં હતાં, કેમ કે તેમણે સતત બીજી વાર મુખ્યપ્રધાન બનવાની સિદ્ધિ મેળવી હતી. કરુણાનિધિ પાંચ વાર મુખ્યપ્રધાન બન્યાં હતાં, પણ દર વખતે વચ્ચે ગેપ પડતો હતો. દર વખતે કોઈ ને કોઈ નેતા તેમની સામે અવરોધ બનીને ઊભા હતા. પ્રારંભમાં તેમણે જ મોટા કરેલા એમ. જી. રામચંદ્રન અને બાદમાં રામચંદ્રનની શિષ્યા જયલલિતા. જીવનભર સંઘર્ષ કરનારા કરુણાનિધિએ જીવનના છેલ્લા દાયકામાં પણ સંઘર્ષ કર્યો, પણ તેમાં બધા સંઘર્ષ વખાણવાલાયક નથી.
સૌથી મોટો સંઘર્ષ તેમના પરિવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપોનો હતો. તેમની ત્રીજી પત્નીની દીકરી કનીમોડી સામે 2જી સ્પેક્ટ્રમનો મસમોટા કૌભાંડનો આરોપ મૂકાયો હતો. તે આરોપમાંથી તે છુટ્ટી શક્યા, પણ ભ્રષ્ટાચારનો ડાઘ ઘોવો સહેલો નથી. એ જ રીતે તેમના ભત્રીજાઓ દયાનિધિ અને કલાનિધિ મારને અબજો રૂપિયાનું સામ્રાજ્ય જમાવ્યું છે. સમગ્ર તામિલનાડુમાં કેબલ ઇન્ડસ્ટ્રી પર અને ટીવી ચેનલો પણ તેમનો કબજો છે. ટેલિકોમમાં પણ મારનબંધુઓએ મોટા ગોટાળા કર્યા હતા. કૌટુંબિક સંઘર્ષ પણ વધ્યો હતો, કેમ કે બે પત્નીના ત્રણ સંતાનો વચ્ચે રાજકીય વારસા માટે સતત લડાઇ ચાલતી હતી. બીજી પત્નીના બે દીકરા અલાગીરી અને સ્ટાલિન વચ્ચે અને ત્રીજી પત્નીની દીકરી કનીમોડી વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો હતો. તે સંઘર્ષમાં કામચલાઉ ધોરણે એમ. કે. સ્ટાલિનનું જૂથ આગળ છે, કેમ કે અલાગીરીની તો પક્ષમાં જ હકાલપટ્ટી કરી દેવાઈ હતી. કનીમોડી સ્વતંત્ર રીતે પક્ષ ચલાવી શકે એવી સ્થિતિમાં નથી એથી તેણે બેમાંથી એક ભાઈની સાથે રહેવાની અને દિલ્હીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરવાની જ ભૂમિકા પસંદ કરવાની રહે છે.
મૃત્યુ પછીય કરુણાનિધિનો સંઘર્ષ અટક્યો નહોતો. ચેન્નઇનો મરિના બીચ પ્રસિદ્ધ છે. દિલ્હીના રાજઘાટની જેમ અહીં પ્રસિદ્ધ નેતાઓની સમાધિઓ બની છે. છેલ્લે જયલલિતાના અવસાન પછી તેમની સમાધિ પણ અહીં બની એટલે સ્વાભાવિક છે કે કરુણાનિધિ માટે પણ અહીં જ સમાધિ બનાવવાની માગણી થઈ. તે સાથે જ મંગળવારે રાત્રે તંગદિલીભર્યું નાટક શરૂ થઈ ગયું હતું. આખી રાત તામિલનાડુ જાગતું રહ્યું હતું, કેમ કે કરુણાનિધિની અંતિમવિધિ મરિના બીચ પર કરીને પછી ત્યાં જ તેમની સમાધિ અને સ્મારક સ્થળ બનાવવાની મંજૂરી હરીફ પક્ષની સરકારે આપી નહોતી. મામલો રાતોરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને મધરાતે મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને સામસામી દલીલો ચાલી હતી.
પેરિયારના વારસદાર તરીકે રામચંદ્રન અને જયલલિતાની સમાધિ હોય અને દ્રવિડ રાજકારણના દિગ્ગજ અને પેરિયારના એટલા જ મહત્ત્વના વારસદાર કરુણાનિધિની સમાધિ ના હોય તે તેમના ટેકેદારોને મંજૂર નથી. દલીલ એવી થઈ હતી કે માત્ર મુખ્યપ્રધાનની સમાધિ જ ત્યાં બની શકે અને તે પણ વર્તમાન મુખ્યપ્રધાનની, ભૂતપૂર્વની નહીં.
બીજો વાંધો એનજીઓ તરફથી ભૂતકાળમાં લેવામાં આવ્યો હતો કે મરિના બીચ જેવા જાહેર સ્થળોને સમાધિના સ્થળમાં બદલી નાખવા જોઈએ નહી. આટલો સુંદર દરિયાકિનારો નાગરિકો માટે રહેવો જોઈએ. આ ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખીને કોસ્ટલ ઝોન રેગ્યુલેશનના નિયમો પણ છે. તે નિયમો પ્રમાણે દરિયા કિનારે કશું બાંધકામ થઈ શકે નહીં. બીજું, નેતાઓની ભવ્ય સમાધિઓ બનાવવાની પરંપરા લાંબા ગાળે હાનિકારક છે, કેમ કે દેખાદેખીમાં ઠેરઠેર સમાધિઓ બનવા લાગે તેવું બને.
દિલ્હીમાં યમુનાના કિનારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ બનાવવામાં આવી. તે પછી ઇન્દિરા ગાંધીની સમાધિ શક્તિસ્થળ તરીકે બની. ત્યાં સુધી કદાચ લોકોએ વિરોધ ના કર્યો હોત, પણ ત્યાં સંજય ગાંધીની સમાધિ પણ બનાવી દેવાઈ ત્યારે લોકોમાં નારાજી હતી. આગળ જતા જગજીવન રામના વારસદારો સહિત અનેક નેતાઓની સમાધિ બનાવવાની માગણીઓ થવા લાગી હતી.
આ સંજોગોમાં કયા નેતાને સમાધી લાયક મહાન ગણવા અને કોને ન ગણવા તેનું રાજકારણ શરૂ થઈ જતું હોય છે. તામિલનાડુમાં પણ એ જ થયું. કરુણાનિધિના અવસાન પછી, મહાન નેતા તરીકે મરિના ખાતે તેમની સમાધિ હોય તે જયલલિતાના પક્ષને મંજૂર નથી. તેમના અવસાનને કારણે સહાનુભૂતિનો લાભ આગામી લોકસભાની ચૂંટણીમાં ડીએમકેને મળી જાય તો જયલલિતાના પક્ષને અને દિલ્હીમાં તેમણે જેમને સાથ આપ્યો છે તે એનડીએ તકલીફમાં મૂકાઈ જાય. યાદ રાખો કે વર્તમાનમાં 41માંથી 39 બેઠકો જયલલિતાના પક્ષ પાસે છે. તેમાં મોટું ગાબડું પડે તે એનડીએની મોદી સરકારને પણ પરવડે તેમ નથી. તેની સામે ડીએમકેની ગણતરી આ મુદ્દાને લાગણીનો મુદ્દો બનાવી, દ્રવિડ રાજકારણ વર્સિસ આર્ય રાજકારણનો મુદ્દો બનાવી સહાનુભૂતિનો લાભ લેવાનો છે.
મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે અને દેશભરમાંથી તામિલનાડુ સરકાર પર દબાણ વધ્યું છે કે મંજૂરી આપી દેવામાં આવે.મંજૂરી આપી દેવામાં આવે તે સાથે જ ત્યાં અંતિમવિધિ થશે. તે પછી ખરો ખેલ શરૂ થશે. મરિના બીચ ખાતે ભવ્ય સ્મારક બનવાનું આયોજન થાય, તેનું બાંધકામ પણ શરૂ થઈ જાય અને લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે તેને ખુલ્લું મૂકવાનું આયોજન થાય તો ફરીથી ચૂંટણીના માહોલમાં પણ કરુણાનિધિનું નામ તામિલનાડુમાં ખૂણેખૂણે ચર્ચાતું રહે. જીવતેજીવત 1949થી કરુણાનિધિએ સંઘર્ષ કર્યો હતો. તેઓ તમિલ ફિલ્મોના ઉત્તમ પટકથા લેખક તરીકે જાણીતા થયા હતા. તેમણે લખેલી ફિલ્મોના હીરો તરીકે જ રામચંદ્રન લોકપ્રિય બન્યા હતા. વક્તા તરીકે તમિળમાં કરુણાનિધિની જોડ મળે નહીં. કલાઇંગર તરીકે જાણીતા થયેલા કરુણાનિધિ છેલ્લી ઘડી સુધી કલાકાર તરીકે વર્તતા રહ્યા. તેમણે જીવનની અંતિમ ઘડીમાં પણ ફિલ્માના ક્લાઇમેક્સ જેવી પટકથા લખી એમ કહી શકાય.
હાઇકોર્ટમાં મામલો પહોંચ્યો છે અને કોર્ટની મંજૂરી સાથે સ્મારક મરિના બીચ પર જ નક્કી થાય તો ફિલ્મના ક્લાઇમેક્સની જેમ વિજેતા તરીકે તેમની અંતિમ વિદાય થશે. સ્મારક માટે મંજૂરી ન મળે તો પણ ફિલ્મના ક્લાઇમેક્સની જેમ આખરે પોતે ખતમ થઈ જઈને પણ દુશ્મનોને ખતમ કર્યા તે રીતે ચૂંટણીમાં તેમની સહાનુભૂતિનું મોજું ફરી વળે તો નવાઈ ન લાગવી જોઈએ.