મુંબઈના બીચ પર ઝેરી જેલીફિશનો આતંક

મુંબઈના દરિયાકિનારાઓ પર આજકાલ સંભાળીને ચાલવા જેવું છે. નાહવાનાં શોખીનોએ તો ખાસ ટાળવું, કારણ કે ‘બ્લુ બોટલ’ પ્રજાતિની જેલીફિશ માછલીઓએ બીચ પર ત્રાસ ફેલાવી દીધો છે. આ ઝેરી માછલીઓ લોકોને ડંખ મારે છે. ગીરગામ (ચર્ની રોડ), જુહૂ (વિલે પારલે), આક્સા (મલાડ)ના દરિયાકિનારાઓ પર છેલ્લા કેટલાક દિવસોથી જેલીફિશનાં ડંખને કારણે બસો જેટલા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

ઝેરી એવી જેલીફિશ લાંબી સૂંઢ કે મૂછ ધરાવે છે જેના દ્વારા એ માણસનાં શરીરમાં ડંખ મારે છે અને ડંખ લાગવાથી માનવી અત્યંત પીડાનો અનુભવ કરે છે.

જે લોકો આ ડંખનો ભોગ બન્યા છે તેઓ અને આ માછલીઓ વિશે જાણકારી ધરાવતા લોકો આ માછલીઓને ‘ફ્લોટિંગ ટેરર’ નામ આપ્યું છે.

મુંબઈ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે હાલ દરિયાકિનારાઓ પર ફરતી વખતે જેલીફિશથી સંભાળવું.

મુંબઈમાં બનેલી ઘટનાઓને પગલે ગોવાના પર્યટન વિભાગે પણ પર્યટકો તથા સ્થાનિક રહેવાસીઓને ચેતવણી આપી છે કે એમણે બાગા બીચ ખાતે દરિયામાં નાહવા પડવું નહીં.

જેલીફિશને કઈ રીતે ઓળખવી?

બ્લુ બોટલ જેલીફિશને ‘પોર્ટુગીઝ યોદ્ધા’ નામે પણ ઓળખવામાં આવે છે. આ માછલીઓ સામાન્ય રીતે દરિયામાં ઊંડે રહેતી હોય છે, પણ બચ્ચાંઓને જન્મ આપવા માટે ચોમાસાની ઋતુ દરમિયાન તેઓ દરિયાકિનારાઓ પર આવી જતી હોય છે. ચોમાસાની મોસમ આ માછલીઓ માટે રીપ્રોડક્ટિવ (પ્રજનન) સીઝન છે.

આમ તો જેલીફિશ દર ચોમાસાની મોસમમાં મુંબઈના દરિયાકિનારાઓ પર આવી જતી હોય છે, પણ આ વખતે એની સંખ્યા ઘણી વધારે છે. જુહૂ બીચ પર ઠેરઠેર જોવા મળે છે.

બને છે એવું કે આ માછલીઓ દેખાવમાં અનોખા પ્રકારની હોય એટલે લોકો એને જોવા માટે નજીક જાય છે, પરંતુ લોકો જેવા આ માછલીઓનાં સંસર્ગમાં આવે છે ત્યારે માછલીઓ માનવીને ડંખ મારી દે છે. એને કારણે તે ભાગ પર ખંજવાળ ઉપડે છે અને પીડા શરૂ્ થાય છે. ઘણીવાર ડંખ મારેલો ભાગ ખોટો પડી જાય છે.

જેલીફિશનાં ડંખની સારવાર શું?

જેલીફિશનાં ડંખથી માત્ર અત્યંત પીડા થાય છે એટલું જ નહીં, એ ભાગની ચામડી પર લાલ રંગનું ચાઠું થઈ જાય છે અને એ બે-ત્રણ દિવસ સુધી રહે છે. ડંખને કારણે શરીરમાં ગયેલું ઝેર અન્ય ભાગમાં પણ ફેલાય છે એટલે ત્યાં પણ સખત દુખાવો થાય છે.

સામાન્ય રીતે આ ડંખની કોઈ તબીબી સારવારની જરૂર હોતી નથી, પરંતુ જો દુખાવો લાંબો સમય સુધી ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને.

જે લોકોને સીફૂડની એલર્જી હોય છે એમને યોગ્ય તબીબી સારવાર લેવી જોઈએ, કારણ કે આ ડંખની જો સારવાર કરવામાં ન આવે તો મૃત્યુ પણ નિપજી શકે છે.

જેલીફિશ ડંખ ભરે તો પ્રાથમિક સારવાર તરીકે ચામડીને પહેલા મીઠાયુક્ત પાણીથી ધોઈ નાખવા અને ત્યારબાદ ચપટી ઈપ્સમ સોલ્ટ નાખેલું ગરમ પાણીથી એ ભાગને 15-20 મિનિટ સુધી ધોતા રહેવું જેથી જખમમાં રહેલું ઝેર નાશ પામે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]