કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડુંઃ ચિંતા ભારતીય લોકતંત્રની

કોંગ્રેસ માત્ર એક રાજકીય પક્ષ નથી. કોંગ્રેસ આઝાદીના ઇતિહાસ સાથે સંકળાયેલી અને આઝાદી પછી સ્વતંત્ર ભારતે જે સ્વરૂપ લીધું તેના માટે જવાબદાર સંસ્થા છે. એ વાત સાચી છે કે અસલી કોંગ્રેસ તો ક્યારનીય ભૂંસાઈ ગઈ છે. આ કોંગ્રેસ ઇન્દિરા કોંગ્રેસ છે. ઇન્ડિકેટ અને સિન્ડિકેટમાં વહેંચાઈ ગયેલી કોંગ્રેસમાં પાછળ જે સંસ્થા કોંગ્રેસ વધી હતી તેનું અસ્તિત્વ દેખીતી રીતે રહ્યું નથી. પણ સંસ્થા કોંગ્રેસ પાછળની ભાવના કોઈક રીતે ભારતીય રાજકારણમાં જીવંત રહે તો કંઈ ખોટું નથી. હકીકતમાં આવકાર્ય છે, કેમ કે એકહથ્થુ સત્તાનો વિરોધ કરવા માટે, તેની સામે સવાલો કરી શકે અને પડકારી શકે તેવી સંસ્થા કોઈ ને કોઈ સ્વરૂપે જીવંત રહેવી જરૂરી છે. વર્તમાન સમયે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે તેમાં ચિંતા ભારતીય લોકતંત્રને થવી જોઈએ, કેમ કે રાષ્ટ્રીય સ્તરે એકથી વધુ મજબૂત પક્ષો જોઈએ. સત્તામાં કોઈ એક પક્ષ બેઠો હોય ત્યારે તેનો રાષ્ટ્રીય વિકલ્પ પણ જોઈએ.

પ્રાદેશિક પક્ષો પણ જોઈએ. ઘણી વાર આદર્શના નામે માત્ર બે જ મુખ્ય પક્ષો હોવા જોઈએ એવી વાત થતી હોય છે, ત્યારે તેની પાછળ એકહથ્થુ સત્તાની એષણા જ હોય છે તે સમજવું રહ્યું. નાના અને પ્રાદેશિક પક્ષો ના હોય ત્યારે મુખ્ય બે કે ત્રણ પક્ષોનું રાજકારણ એવું આકાર લે જેમાં ભારતીય સમાજના બધા વર્ગોના હિતો ના પણ સચવાય.
પાછળ રહી ગયેલા વર્ગોના હિતો માટે સાત દાયકા સુધી ચાલેલા રાજકારણ પછી હવે નવા ભારતમાં એવું રાજકારણ આકાર લઈ રહ્યું છે જે અગાઉના સ્થાપિત હિતોને ફરીથી સ્થાપિત કરવા માટે મથી રહ્યું હોય. કોંગ્રેસ ઘણા અંશે એવા જ સ્થાપિત હિતોના અંશો ધરાવતું હતું, પણ આઝાદી પછી પોતાના અસ્તિત્ત્વ માટે તેણે અન્ય વર્ગોનું પ્રતિનિધિત્વ કરીને અથવા કરવાનો દેખાવ કરીને કે દાવો કરીને પોતાનું રાજકારણ ચલાવ્યું હતું. આપણે તેને વૉટબેન્કની રાજનીતિ કહીએ છીએ. તેની ટીકા પણ કરીએ છીએ, ત્યારે એ પણ સમજી લેવું જરૂરી છે કે તેના વિકલ્પે આવેલી રાજનીતિ એવી જ મજબૂત વૉટબેન્કના પાયા પર ઊભી છે. બિનઅનામત વર્ગની સોલીડ વૉટબેન્ક 2014માં શરૂ થઈ અને 2019માં મજબૂત બની છે તેનો સ્વીકાર અને ટીકા કરવાનો સમય પણ આવી ગયો છે.

અને તેથી જ એક મજબૂત વિપક્ષ માટે વિપક્ષે નહિ, રાજકારણીઓએ નહિ, પણ પ્રજાએ અને પ્રજાહિત ઇચ્છતા ચિંતકોએ વિચારવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ ખતમ થઈ જતી હોય તો થઈ જાય. તેના સ્થાને કોઈ મજબૂત રાજકીય વિકલ્પ ઊભો થવો જોઈએ. પણ કોંગ્રેસ આ જ સમયે અચાનક ખતમ થઈ જાય અને મજબૂત રાષ્ટ્રીય વિપક્ષ ઊભો ના થઈ શકે તો શું થાય? ચીન અને રશિયાની જેમ લાંબો સમય એકપક્ષી રાજકારણ ભારતમાં પણ ચાલતું રહે. આ ભયસ્થાન છે અને ભયસ્થાન ઊભું થાય તે પહેલાં જ કોંગ્રેસનું કોકડું ઉકેલાય તે જરૂરી છે. વાસ્તવિકતા એ છે કે પોષતું તે મારતું એ ન્યાયે કોંગ્રેસનું સૌથી મજબૂત પાસુ પરિવારવાદ, તેના પતન માટેનું પણ સૌથી મોટું કારણ અને પરિબળ બન્યું છે.


પરિવાર કોંગ્રેસને મજબૂત બનાવી શકે તેમ ના હોય ત્યારે કોંગ્રેસનું શું થશે? ભૂતકાળના અનુભવો છે કે કોંગ્રેસમાં વધુ એકવાર ભાગલા પડશે. જનસંઘ અને ભાજપ બંને સ્વરૂપમાં મોટા કોઈ ગાબડાં આજ સુધી પડ્યા નથી. ગુજરાતમાં ખજુરિયા કાંડ થયો, યુપીમાં કલ્યાણસિંહને જવું પડ્યું, ઉમા ભારતીને હટાવી દેવાયા અને યેદીયુરપ્પાએ પણ પક્ષ છોડવો પડ્યો તે ઘટનાઓ નાની બની રહી છે. બલરાજ મધોકથી માંડીને અડવાણી અને જોષીને કોરાણે કરવાની ઘટનાઓએ પક્ષના ટુકડા કરવાના બદલે પક્ષને મજબૂત કર્યો છે તે વાસ્તવિકતા છે.

તેની સામે કોંગ્રેસનો કકળાટ આઝાદીના એક દાયકા પછી જ શરૂ થઈ ગયો હતો. સરદારના બદલે નહેરુને વડાપ્રધાન બનાવાયા તેની પાછળના કારણો જે પણ હોય, પક્ષના વિઘટનની પ્રક્રિયા ત્યાંથી શરૂ થઈ હતી. સરદારને પસંદ કરનારા વધારે હતા અને તે લોકો જ પાયાના કાર્યકરો હતા, પણ પસંદગી મોતીલાલ નહેરુના પુત્રની થઈ હતી. જવાહરલાલ નહેરુનો લોકતાંત્રિક પ્રણાલીઓ પરનો વ્યક્તિગત ભરોસો સ્વીકાર્ય, પણ તે તેમના માટે ઉપયોગી હતો. તેમનું એ વ્યક્તિત્ત્વ તે યુગમાં તેમને જ મજબૂત નેતા બનવાનારું હતું, પણ આગળ જતા પરિવારના વારસો પક્ષને કે વારસદારને બંનેમાંથી એકેયને મજબૂત કરી શક્યો નહોતો.

આ સંદર્ભમાં વારંવાર કામરાજ પ્લાનની ચર્ચા થતી હોય છે. આઝાદીના એક દાયકા પછી અને બે ચૂંટણી જીત્યા પછી અને ચીન સામે હારી ગયા પછી નહેરુના નેતૃત્ત્વ સામે ઊભા થયેલા સવાલો પછી અને તેમણે પોષેલી કૃષ્ણ મેનન સહિતના બિનકાર્યક્ષમ અને વફાદારો પરંપરા પક્ષને અને પરિવારને બંનેને નબળા જ પાડતી રહી છે. 1963નું વર્ષ બેસી ગયું હતું અને કોંગ્રેસનું પતન શરૂ થઈ ગયું હતું. મૂળ કોંગ્રેસમાંથી જ અલગ થયેલા આચાર્ય કૃપલાણી, રામમનોહર લોહિયા અને મીનૂ મસાણીએ પેટાચૂંટણીઓમાં કોંગ્રેસને હરાવીને ભણકારા વગાડી દીધા હતા.

 

1963ની રેટિંયા બારસે, મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઑક્ટોબરે તામિલનાડુના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ અને પછાત વર્ગના નેતા કે. કામરાજે રાજીનામું આપીને સંગઠનને મજબૂત બનાવવાનું કામ ઉપાડ્યું. નહેરુએ પણ રાજીનામું આપવાની વાત કરી હતી, પણ રાજીનામું લેવાયું નહોતું. (રાહુલ ગાંધીનું પણ લેવાયું નથી.) જોકે તેમની સરકારના છ દિગ્ગજ પ્રધાનો લાલ બહાદુર શાસ્ત્રી, જગજીવન રામ અને મોરારજી દેસાઈ વગેરેએ રાજીનામાં આપ્યાં હતાં. બીજુ પટનાયક અને સદોબા પાટીલ જેવા છ મુખ્યપ્રધાનોના રાજીનામાં પણ પડ્યાં હતાં.

કામરાજને કોંગ્રેસના પ્રમુખ બનાવાયા, જેથી કોંગ્રેસનું સંગઠન વધારે ચૂસ્ત બનાવી શકાય. જોકે અસલી સત્તા અને વગ હજીય નહેરુની જ હતી. આજે કામરાજ પ્લાન કરવાનો થાય તો કોને કોંગ્રેસ પ્રમુખ બનાવાશે તેની ચર્ચાઓ ચાલતી થઈ છે. ત્યારે એ પણ યાદ રાખવું રહ્યું કે નહેરની બરોબરિયા નેતાઓ કોંગ્રેસમાં હતા તો પણ કામરાજ પ્લાન પછીય વર્ચસ્વ નહેરુનું જ રહ્યું હતું. આજે તો રતિભાર પણ શંકા ના રહે કે કોંગ્રેસ પ્રમુખ કોઈ પણ બને, અસલી સત્તા રાહુલ ગાંધી નહિ, પણ સમગ્ર રીતે ગાંધી પરિવાર પાસે જ રહેવાની છે.

તેના કારણે કોંગ્રેસમાં ફેરફારો થાય તો પણ કોકડું ઉકેલાવાનું નથી. કામરાજને પ્રમુખ બનાવાયા અને ફેરફારો થયા, પણ તેની પાછળનો અસલ ઉદ્દેશ કંઈક અલગ હતો તેવી ચર્ચા એ વખતે પણ શરૂ થઈ ગઈ હતી.  બાદમાં બનેલી ઘટના, બાદના ઇતિહાસ અને બાદમાં લખાયેલા પુસ્તકોમાં પણ તે શંકા વ્યક્ત થતી જ રહી છે. અસલ ઇરાદો મોરારજી દેસાઈને વડાપ્રધાન બનતા અટકાવાનો હતો. નહેરુ પછી લાલબહાદુર શાસ્ત્રી જ અનુગામી બને તેનો પાકો બંદોબસ્ત કરવા માટે જ કામરાજ પ્લાન હતો તેવું ગોપાલકૃષ્ણ ગાંધી સહિતના અનેક વિદ્વાનોએ લખ્યું છે. સૌએ પ્રધાનપદેથી અને મુખ્યપ્રધાનપદેથી રાજીનામાં આપી દીધા અને સત્તાના હોદ્દા છોડ્યા, પણ થોડા જ વખતમાં લાલબહાદુર શાસ્ત્રીને ફરીથી નહેરુના પ્રધાનમંડળમાં સામેલ કરી દેવાયા હતા.

કામરાજના કહેવાથી જ નહેરુએ ફરી શાસ્ત્રીને પ્રધાન બનાવી દીધા તેમ કહેવાય છે, પણ તેના કારણે મોરારજી દેસાઈ સહિતના નેતાઓ હવે અલગ તરી આવ્યા. કામરાજની તરફેણ કરનારા એવું કહી રહ્યા છે કે તેમનો ઈરાદો શુભ હતો. તેમનો ઈરાદો એ હતો કે નહેરુની હાજરીમાં જ વારસદાર નક્કી થઈ જાય તો કોંગ્રેસના ટુકડા થતા અટકે. નહેરુની હાજરીમાં સ્પષ્ટ વારસદાર કોઈ નક્કી ના થાય એ સંજોગોમાં બાદમાં રાજીનામાં આપનારા 12 દિગ્ગજો ઉપરાંત અન્ય અડધો ડઝન નેતા સ્પર્ધામાં હોત. આઝાદીનું આંદોલન સાથે મળીને ચલાવનારા આ નેતાઓ એકબીજાથી ઉતરતા નહોતા, દરજ્જામાં એકબીજાને લગભગ સમાન હતા. નહેરુ પણ આઝાદી સાથે વડાપ્રધાન બન્યા એટલે જરાક અલગ તર્યા, બાકી તેઓ પણ ગાંધી પછીના અડધો ડઝન નેતાઓની હરોળમાં જ ગણાતા હતા.

આજે રાહુલ ગાંધીએ મક્કમતા દાખવી છે કે તેઓ કોંગ્રેસને રિવાઈવ કરવા માગે છે અને કોઈ બિનગાંધીને પ્રમુખ બનાવવા માગે છે. પરંતુ તેઓ કોઈને પ્રમુખ નીમે ત્યારે કામરાજ પ્લાન વખતે થયું હતું તેવું કશું થાય ખરું? શું આ પ્રક્રિયાથી રાહુલ ગાંધીની નિષ્ફળતા પછી હવે કોણ તેનો નિર્ણય થાય ખરો? શું આખરે હજી બાકી રહી ગયેલા એક સભ્ય પ્રિયંકા ગાંધીના હાથમાં પક્ષનું સુકાન આવે તે પહેલાં વચગાળાની વ્યવસ્થા સાબિત થાય ખરી? કે પછી આમ પણ કોંગ્રેસના ટુકડા થવાને છે ત્યારે પ્રમુખપદે કોઈની નિમણૂક કરીને તે પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવાની જ વાત સાબિત થશે?

શું થશે તે કલ્પવું મુશ્કેલ હશે. કામરાજનો ઈરાદો શુભ હતો અને તેઓ કોંગ્રેસને એક રાખવા માગતા હતા, તેમ ધારી લઈએ તો પણ કામરાજ યોજનાએ કોંગ્રેસના ટુકડા કરવાનો પાયો નાખ્યો હતો. એક નેતાની જગ્યાએ નવા નેતા આવે ત્યારે તેની પસંદગી કેવી રીતે કરવી તેની લોકતાંત્રિક પ્રણાલી કામરાજ યોજના સાથે બંધ થઈ ગઈ હતી. ગાંધીજીના જમાનામાં અસલી સત્તા તેમના હાથમાં જ હતી, પણ નિયમિત અને સાચી રીતે સ્પર્ધા થાય તેવી રીતે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીઓ પણ થતી હતી.

ચૂંટાઈને આવેલા કોંગ્રેસના પ્રમુખ અમુક અંશે પોતાની કાર્યપ્રમાણી અપનાવતા પણ હતા. કોંગ્રેસનો મૂળ આત્મા બદલાઈ ના જાય તે હદ સુધીની કામગીરી પ્રમુખ કરી શકતા હતા. નવા યુગમાં ફરી એકવાર કોંગ્રેસ સાચા અર્થમાં પ્રમુખની ચૂંટણી યોજવાનો પ્રયોગ કરી શકે? પરિવાર બહારથી કોઈને પ્રમુખ બનાવાશે, ત્યારે તે સિલેક્શન જ હશે. શાસ્ત્રીને ફરીથી કેબિનેટમાં મોકલીને તેમને વારસદાર અને ભાવી વડાપ્રધાન ધારી લેવાયા હતા. કોંગ્રેસમાં પણ કોઈને પ્રમુખ નિમવામાં આવે ત્યારે બે બાબત થઈ શકે છે – એક કઠપૂતળી જ બની રહે અને અસલી સત્તા પરિવારમાં યથાવત રહે. બીજું, સત્તાનું નવું કેન્દ્ર ઊભું થાય અને ભાવી સત્તાના વારસદાર પણ નક્કી થાય.

બંને સંજોગોમાં કોંગ્રેસનું કોકડું ઉકેલાવાના બદલે ગૂંચવાશે. કોંગ્રેસ સાચા અર્થમાં સંગઠનની ચૂંટણી કરે તો પણ કોકડું ગૂંચવાવાનું છે. પણ મને લાગે છે કે સંગઠનની ચૂંટણી લોકતાંત્રિક પ્રણાલીએ કરવાનો વિકલ્પ પક્ષ માટે સૌથી શ્રેષ્ઠ છે. સંગઠનાત્મક ચૂંટણીઓના કારણે કોંગ્રેસના જૂથો વધારે સ્પષ્ટપણે અને પ્રબળપણે બહાર આવશે. પક્ષના ટુકડા પણ કદાચ થશે, પણ ભારતીય રાજકારણમાં રાજકીય પક્ષની સંગઠનાત્મક ચૂંટણીઓનો એક નવો અધ્યાય પણ લખાશે. કોંગ્રેસને તેનાથી ફાયદો થાય કે ના થાય, પણ ભારતીય લોકતંત્રને તેનાથી લાંબા ગાળે ફાયદો થશે. ભારતીય લોકતંત્ર એ સમજી શકશે કે ભાજપમાં પણ માત્ર સિલેક્શન જ થાય છે, ઇલેક્શન થતું નથી અને સિલેક્શન કરવાનું કામ એક પરિવાર જ કરે છે. ગાંધી પરિવાર જેમ સૌ નેતાઓને સ્પર્ધા કરવાની તક આપે છે, તેમ આ પરિવાર પણ સૌને સ્પર્ધાની તક આપે છે. પણ ભારતીય નાગરિકોનું હિત એમાં છે કે રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચેની આવી સ્પર્ધા જાહેરમાં, વધારે પ્રગટપણે અને લોકશાહી ઢબે થાય.