દુર્લભ વાદ્ય ‘સૂરસિંગાર’ પર રાષ્ટ્રગીત વગાડતા જોયદીપ મુખરજી

મહાન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર તાનસેનના એક સીધા વંશજે છેક 18મી સદીના બનાવેલું વાદ્ય ‘સૂરસિંગાર’ વગાડવામાં કોલકાતાના સંગીત કલાકાર જોયદીપ મુખરજી નિષ્ણાત છે. એમણે ‘સૂરસિંગાર’ પર પોતાની સંગીતરચનાઓનાં મહત્તમ વીડિયો તૈયાર કર્યા છે અને એ માટે તેમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. હાલ જ્યારે ભારત દેશ તેની આઝાદીનું આ 75મું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ જોયદીપ મુખરજીએ 250 વર્ષ જૂના, દુર્લભ એવા ‘સૂરસિંગાર’ વાદ્ય પર ભારતનું રાષ્ટ્રગીત વગાડ્યું છે જેનો વીડિયો તમે અહીં જોઈ શકો છો.

‘સૂરસિંગાર’નો ઈતિહાસ રસપ્રદ છે. આ વાદ્ય સરોદ કરતાં પણ જૂનું છે. આ સૌથી જૂનાં ધ્રુપદ વાદ્યોમાંનું એક છે, જે સેનિયા રબાબ (અથવા સેની રબાબ) (સિતાર)માંથી વિકસીત થયું હતું. 1775-1825ના વર્ષો દરમિયાન જાફર ખાન જાણીતા સેનિયા રબાબીયા હતા. એમને કાશીના મહારાજાના દરબારમાં સંગીતકક્ષાને પેશ કરવાનું આમંત્રણ મળ્યું હતું, પરંતુ એ વખતે પ્રતિકૂળ હવામાનને કારણે એમના સેનિયા રબાબના તારમાંથી બહુ નીરસ ધ્વનિ નીકળતો હતો. જાફર ખાને મહારાજાને વિનંતી કરી હતી કે પોતે સારી રીતે વાદ્યસંગીત પેશ કરી શકે એ માટે તેમને સાત મહિનાનો સમય આપે. મહારાજાએ એમને  છૂટ આપી હતી.

જાફર ખાન એક નિષ્ણાત વાદ્યસર્જકને ઓળખતા હતા. એમણે તેને રબાબ પર આધારિત એક નવું વાદ્ય બનાવવાનું કહ્યું હતું. એ વાદ્યની સપાટી પર જાફર ખાને ધાતુની એક પટ્ટી લગાડી હતી, જેનાથી એ ફિંગરબોર્ડ બની ગયું હતું. એમણે એમાં ધાતુના તાર પણ બેસાડાવ્યા હતા. ધાતુની પટ્ટી અને લાકડાના સાઉન્ડબોર્ડ પરના તારને લીધે કર્ણપ્રિય ધ્વનિ નીકળ્યો. આ વાદ્યનું નામ તેમણે ‘સૂરસિંગાર’ આપ્યું હતું.

તે નવા વાદ્યથી વગાડેલા સંગીતથી કાશીના મહારાજા અત્યંત પ્રભાવિત થયા હતા અને તે પછી સમગ્ર ઉત્તર ભારત તથા શેષ ભારતમાં પણ આ વાદ્ય જાણીતું થયું એટલું નહીં, પણ સંગીતની તાલીમ માટે અને પરફોર્મન્સ માટે લોકપ્રિય થયું હતું.