દુનિયાના બધા દેશો કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કેટલું તેની મથામણ કરતું હોય છે, ત્યારે ભૂતાન કુલ રાષ્ટ્રીય ખુશી કેટલી તેની ચિંતા કરે છે. ગ્રોસ હેપિનેસ ઇન્ડેક્સ અમારા માટે વધારે અગત્યનો છે એવું થોડા વર્ષો પહેલાં ભૂતાનના રાજાએ કહ્યું ત્યારે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું હતું. પણ આ લેખ ભૂતાન વિશે નથી. ભારતને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 30 પોઈન્ટનો જમ્પ મળ્યો તે વિશે છે. ભારતે હરણફાળ ભરી અને 130માંથી સીધું જ 100મું સ્થાન મેળવ્યું છે.આ અઠવાડિયે જ વિશ્વ બેન્કનો અહેવાલ આવ્યો અને તેમાં ભારત ટોપ 100માં આવી શક્યું છે. પણ ભૂતાનથી વાતની શરૂઆત એટલા માટે કરવી પડી કે તેનું સ્થાન ભારત કરતાંય આગળ છે. ચીન કરતાંય આગળ છે. 75મા સ્થાને બેઠેલું ભૂતાન ભારતને એ જણાવે છે કે વેપાર સારી રીતે થાય, સૌ માટે સમૃદ્ધિ પેદા થાય તો સમાજ સુખી થાય. ભારત એ દિશામાં જ જવા માગે છે અને દુનિયાની સૌથી મોટી ઈકોનોમી બનવા માગે છે. પણ તેમાં અડચણો ઘણી છે. ભૂતાન નાનકડો દેશ છે, ઓછી વસતિ છે. વિશાળ દેશ, ખીચોખીચ વસતિ અને વૈવિધ્ય એ ભારત માટે એક સમસ્યા પણ છે. આમ છતાં સરકારી દાવા પ્રમાણે આ વર્ષે જ 122 સુધારા કરવામાં આવ્યા છે તેના કારણે ભારતના નંબર સુધર્યા છે.
કંપની ખોલવી હોય તો તેની નોંધણી, ટ્રેડનેમ રજિસ્ટર કરાવવું, ઓફિસ-ફેક્ટરી માટે જગ્યા ખરીદવી, તેના દસ્તાવેજો અને નોંધણી કરાવવા, લાઇટ કનેક્શન મેળવવું, ગુમાસ્તા ધારા હેઠળ નોંધણી કરાવવી, સેફ્ટી અંગેની મંજૂરી મેળવવી, પર્યાવરણ સહિતની અન્ય મંજૂરી મેળવવી – આ બધા એવા કામ છે જેમાં સમય લાગતો હોય છે. કેટલો સમય લાગે તેના આધારે દેશોને રેન્કિંગ અપાય છે. કરવેરા કેવા છે અને તેની પ્રોસેસ કેટલી સહેલી છે તે પણ ધ્યાને લેવાય છે. આ વખતના રેન્કિંગમાં હજી જીએસટી પછીની સ્થિતિ ધ્યાને લેવાઈ નથી. એક તરફ સરકારનો દાવો છે કે જીએસટીને કારણે ભારતમાં સૌથી મોટો કરવેરા સુધારો કરાયો છે, પણ વેપારી અગ્રણીઓ કહે છે કે પ્રોસિજર એટલી કોમ્પ્લેક્સ છે કે મુશ્કેલીઓ વધી છે. આ બેમાંથી જેમની વાત વર્લ્ડ બેન્ક સાચી માનશે તે પ્રમાણે નંબર્સમાં સુધારો થશે. જો જીએસટીને સૌથી મોટો આર્થિક સુધારો માની લેવાશે તો ભારતને આશા છે તે પ્રમાણે ટોપ 50માં સ્થાન મળી શકશે.એક સાથે 30નો જમ્પ લીધા પછી ભારત સરકારની મહત્ત્વાકાંક્ષા હવે સીધો 50નો જમ્પ લઈને ટોપ 50માં આવવાનો છે. જોકે આ મામલે ગુજરાતની ચૂંટણી છે એટલે રાજકારણ પણ શરૂ થયું છે. ગુજરાતનો વેપારી વર્ગ જે ભાજપને ટેકો આપતો આવ્યો છે તે આ વખતે જીએસટીના કારણે ભારે નારાજ છે. બીજી બાજુ ભાજપની સરકાર તો ઉદ્યોગપતિઓની જ સરકાર છે એવી ટીકા કરીને કોંગ્રેસ આમ આદમીની અકળામણને હવા આપી રહ્યો છે. તેથી અરૂણ જેટલીએ વર્લ્ડ બેન્કના અહેવાલ પછી તરત જ આવીને પ્રેસ કોન્ફરન્સમાં જશ ખાટવાની કોશિશ કરી અને કોંગ્રેસને ચીંટીયો પણ ભર્યો. જશ ખાટવા સુધી બરાબર હતું, પણ જેટલીએ કહ્યું કે ઇઝ ઓફ ડુઇંગ કરપ્શનની જગ્યાએ હવે ઇઝ ઓફ ડુઇંગ આવ્યું છે અને એ જ યુપીએ અને એનડીએ સરકાર વચ્ચેનો ફરક છે. આથી રાહુલ ગાંધીએ સોશિઅલ મીડિયામાં સામો ટોણો મારવો પડ્યો. રાહુલે એક મશહૂર શેરને ટ્વીસ્ટ કર્યો કે – સબ કો માલૂમ હૈ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કી હકીકત, લેકીન ખુદ કો ખુશ કરને કે લિયે જેટલી યે ખયાલ અચ્છા હૈ.
ફરી ખુશીની વાત કરીએ તો માત્ર આર્થિક સફળતા એ જીવનની ખરી સફળતા છે ખરી તેવી ફિલોસોફી પર ચડી જવાય. પણ હકીકત એ છે કે સુખી થવા માટે મૂળભૂત સુવિધાઓ પણ જરૂરી છે. વિશાળ વસતીને પૂરતું ખાવાનું ના મળે, રહેવા માટે ઘર ના મળે ત્યારે આસપાસ આ પ્રકારના અભાવો હોય ત્યારે એકલાંએકલાં ખુશ થઈને રહેવું મુશ્કેલ હોય છે. શહેરો વિકસે તેને આપણે વિકાસ કહીએ છીએ, પણ તે શહેરમાં ટ્રાફિકમાં અટવાઈને રોજેરોજ થોડું થોડું સુખ ખોઈએ છીએ તે ધ્યાને ચડતું નથી. ભૂતાન આવી બધી બાબતોનો વિચાર કરે છે અને માણસ ખુશ છે કે કેમ તેનો જ વિચાર કરે છે. ભારત માટે સીધા એ સ્થિતિએ આવી જવું કદાચ મુશ્કેલ છે. તેથી ભારતે અત્યારે તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનનો જ વિચાર કરવો રહ્યો, ગ્રોસ હેપિનેસ ઇન્ડેક્સ બાદમાં આવશે.
એથી જ ભારત સરકારે સીધો જ જમ્પ લગાવીને 50મું સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે સૌથી અગત્યનું છે માળખાકીય સુવિધા વધારવાનું. જેમ કે દિલ્હી મુંબઈ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર. એ જ રીતે અમૃતસરથી કોલકાતાનો કોરિડોર. અમદાવાદથી મુંબઈની બૂલેટ ટ્રેન. પોર્ટ ડેવલપમેન્ટ પણ જરૂરી છે, કેમ કે તો જ ભારત એક્સપોર્ટ હબ બની શકે. સુઝૂકી અને હોન્ડા ગુજરાતમાં આવ્યા, કેમ કે ગુજરાતના બંદરો પરથી કારની નિકાસ કરી શકાય.
આ ઉપરાંત કંપની ખોલવા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનથી લઈને વીજળીનું કનેક્શન મળે ત્યાં સુધીની પ્રક્રિયામાં ઝડપ કરવા માટે કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીને જણાવાયું છે. ઉત્પાદનોને સાચવવા માટે ગોડાઉન અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કાચો અને તૈયાર માલ પહોંચાડવા માટે ઉત્તમ રસ્તા અને ટ્રાન્સપોર્ટેશન માટે કોમર્સ મિનિસ્ટ્રીને જણાવાયું છે. રેલવે દ્વારા વધારે પરિવહન થાય તો કોસ્ટ પણ નીચી આવે. આ સિવાય ફેક્ટરી બાંધવા માટે બાંધકામ માટે જરૂરી પરવાનગીઓ ઝડપથી મળવી જોઈએ. આ વિષય રાજ્યોનો છે એટલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પણ સમજાવવાનું શરૂ કર્યું છે. આવા સુધારાઓના કારણે વર્લ્ડ રેન્કિંગમાં ફાયદો થાય છે, પણ સાથોસાથ આંતરિક વેપારમાં પણ ફાયદો થાય છે. રાજ્ય સરકારો આ વાત સમજે તો વિદેશી મૂડીરોકાણ ઉપરાંત સ્થાનિક રોકાણ પણ વધે અને આર્થિક ગતિવિધિઓ વધે. આ બધી બાબતો રાજકારણથી પર છે તેવું સરકારોને સમજાવવું મુશ્કેલ હોય છે. જેમ કે જેટલીએ એવું ક્યાં કહેવાની જરૂર હતી કે ઇઝ ઓફ ડુઇંગ કરપ્શન સામે અમારું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે. રાજકારણીઓની આવી ટૂંકી દૃષ્ટિથી જ વેપારી વર્ગ વાજ આવી ગયો છે. તેના કારણે બિઝનેક ક્લાસ જ ખુશ નથી. સરકારો થોડી વાર રાજકારણને બાજુએ રાખીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે જ કામ કરે તો રેન્કિંગ સુધરશે અને વેપારીઓ પણ ખુશ થશે તો પેલો ભૂતાનવાળો હેપિનેસ ઇન્ડેક્સ પણ સુધરશે.
વેપારની સરળતા માત્ર વેપારી વર્ગ માટે નથી. નોકરીઓ ઓછી થતી જાય છે અને કોન્ટ્રેક્ટ પદ્ધતિથી વધુમાં વધુ કામ થવાના છે ત્યારે સમાજનો વધુ મોટો વર્ગ વેપારીની વ્યાખ્યામાં આવવાનો છે. આ વધુ મોટો વર્ગ ખુશ થશે તો ખુશીનો ફેલાવો પણ વધશે. ખુશીનો ફુગાવો થશે તો પ્રજા પણ ફરિયાદ નહી કરે. ખુશી વિનાનો આર્થિક ફુગાવો હદ વટાવે ત્યારે જ નાગરિકો નારાજ થતાં હોય છે.