હિમાચલ પ્રદેશ: ‘કમળ’ ખીલશે કે ‘પંજો’ પકડ યથાવત રાખશે?

હિમાચલ પ્રદેશ એ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ રાજ્યનો લગભગ તમામ ભૂ-ભાગ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી ઘેરાયેલો છે. અહીં દેશના અન્ય વિસ્તારમાંથી લોકો ગરમીના દિવસોમાં આવવાનું વધુ પસંદ કરે છે. જોકે અત્યારે તો શિયાળાની શરુઆત થવા છતાં હિમાલયમાં આવેલા હિમાચલ પ્રદેશનું તાપમાન ગરમ થઈ રહ્યું છે. અહીં ગરમનો અર્થ આબોહવાથી ગરમ નહીં પરંતુ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાથી અહીંનું રાજકીય તાપમાન વધી રહ્યું છે.

હિમાચલ પ્રદેશની સ્થાપના

દર વર્ષે 25 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં હિમાચલ પ્રદેશ એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. ભૌગોલિક દ્રષ્ટિએ હિમાચલ પ્રદેશમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે. કાંગડા, હમીરપુર, મંડી, બિલાસપુર, ઉના, ચંબા, લાહૌલ અને સ્પીતી, સિરમૌર, કિન્નોર, કુલ્લૂ, સોલન અને શિમલા જિલ્લો. હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠકો છે. રાજ્યની વર્તમાન જનસંખ્યા 71 લાખથી વધુ છે. જેમાં દર એક હજાર પુરુષે મહિલાઓનું પ્રમાણ 974 છે. વર્તમાન વિધાનસભાની ચૂંટણી માટે આગામી 9 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. જેમાં એક જ તબક્કામાં 68 બેઠક માટે મતદાન પૂર્ણ કરી લેવામાં આવશે.

જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ દરેક પાર્ટી દ્વારા પ્રચાર કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1993થી રાજ્યના મુખ્યપ્રધાન પદનો ઈતિહાસ જોઈએ તો, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દર પાંચ વર્ષે સરકાર બદલાતી રહી છે. વર્તમાન સીએમ વિરભદ્ર સિંહ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે. 7 નવેમ્બરે સાંજે પ્રચાર પડઘમ શાંત થયે અને 9 નવેમ્બરે કુલ 68 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ કરવામાં આવશે.

હિમાલચ પ્રદેશ: ચૂંટણી પ્રક્રિયા પર એક નજર

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા જાહેર થયેલી 68 ઉમેદવારોની યાદીમાં પ્રેમકુમાર ધૂમલ હિમાચલ પ્રદેશની સુજાનપુર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપ તરફથી બેવાર મુખ્યપ્રધાન પદ સંભાળી ચૂકેલા ધૂમલ પોતાનાં વતન બમસનની બેઠક પરથી ત્રણવાર ચૂંટણી લડી ચૂક્યાં છે. વર્ષ 2012માં તેઓ હમીરપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

જાણકાર સૂત્રોનું માનીએ તો, ઉમેદવારોની વર્તમાન યાદીથી ધૂમલ ખુશ નથી. કારણકે તેમનાં જૂથનાં લોકોને ટિકિટ નથી મળી. ઉપરાંત ધૂમલના પૂર્વ વિધાનસભા વિસ્તાર હમીરપુરથી નરેન્દ્ર ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અનિલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, અનિલ શર્મા એ અભિનેતા સલમાન ખાનની માનેલી બહેન અર્પિતાના સસરા છે. અને સલમાન ખાન તેમના માટે પ્રચાર કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ અનિલ શર્મા મંડી સદર વિધાનસભા બેઠક પરથી ત્રણ વાર ચૂંટણી જીતી ચૂક્યા છે.

મહિલા ઉમેદવારની વાત કરીએ તો, ભાજપે છ મહિલા ઉમેદવારોને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.  ભાજપે હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે મુખ્યપ્રધાન પદના ઉમેદવારના નામની હજી સત્તાવાર જાહેરાત નથી કરી. જેથી મતદારો અને પક્ષના કાર્યકરો અવઢવમાં છે. આ વખતે પક્ષનો ચહેરો પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમકુમાર ધૂમલ હશે કે કેન્દ્રીય પ્રધાન જગતપ્રકાશ નડ્ડા કે પછી પક્ષના અધ્યક્ષ કોઈ નવા જ ચહેરાની જાહેરાત કરશે? તે મુદ્દો હજી સ્પષ્ટ નથો નથી.

ભાજપ વિકાસ અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવીને હિમાચલની ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ માટે મુશ્કેલીની વાત એ છે કે, રાજ્યના વર્તમાન સીએમ વિરભદ્ર સિંહ પર આવક કરતા વધુ સંપત્તિ હોવાનો કેસ ચાલી રહ્યો છે અને તેઓ જામીન પર છુટ્યા છે. તેથી ભાજપમાટે તો ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ સામે બ્રહ્માસ્ત્ર મળી ગયાનો આનંદ છે, ઉપરાંત “ભાવતું હતું અને વૈદે કીધું” જેવો ઘાટ સર્જાયો છે.

આગામી 9 નવેમ્બરે હિમાચલ પ્રદેશના તમામ રાજકીય ધુરંધરોનું ભાવિ EVMમાં કેદ થઈ જશે. અને 18 ડિસેમ્બરે મત ગણતરી બાદ જ ખબર પડશે કે, હિમાચલ પ્રદેશના રાજકારણના કાદવમાં ‘કમળ’ ખીલશે કે ‘પંજો’ તેની પકડ યથાવત રાખશે?

(અહેવાલ- મંગલ પંડ્યા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]