થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યાં હતાં કે ઇરાનનું ક્રૂડ ઓઇલ લઈને જતાં એક વિશાળ ટેન્કરને જીબ્રાલ્ટર પાસે યુકેના નૌકાદળે કબજે કરી લીધું હતું. જીબ્રાલ્ટરની ખાડીમાં થઈને ટેન્કર સિરિયા પહોંચવાનું હતું તેવો દાવો બ્રિટનનો હતો. જોકે ઇરાને તે દાવો નકારી કાઢ્યો હતો અને પોતાના ઓઇલ ટેન્કરને મુક્ત કરવા માટેની માગણી કરી હતી.
દરમિયાન ઇરાનને લાગ્યું હશે કે પોતાનું ટેન્કર છોડવામાં નહીં આવે. આ ઉપરાંત સાઉદી અરેબિયામાં અમેરિકાના દળો પણ જમા થવાં લાગ્યાં છે. વધુ કેટલાક વિમાનો અને સૈનિકો સાઉદી પહોંચ્યાં છે. સાથે જ અમેરિકાએ ઇરાનનું એક ડ્રોન પણ તોડી પાડ્યું. એકાદ મહિના પહેલાં અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યાનો દાવો ઇરાને કર્યો હતો.
દરમિયાન ખબર આવ્યાં કે ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સના સૈનિકોએ બ્રિટનના એક ટેન્કરને કબજે કરી લીધું છે. બ્રિટનનું સ્ટેના ઇમ્પેરો સાઉદી અરેબિયા જઈ રહ્યું હતું, પણ અચાનક તેણે વળાંક લીધો અને ઇરાનની દરિયાઇ સરહદ તરફ આગળ વધવા લાગ્યું હતું. ઇરાનિયન રેવોલ્યૂશનરી ગાર્ડના જવાનોએ સ્પીડબોટથી આડશ બાંધીને અને હેલિકોપ્ટરથી જહાજ પર ઉતરીને તેને કબજે કર્યું હતું. તેના સંદેશવ્યવહારના સાધનો બંધ કરી દીધાં હતાં. લગભગ 40 મિનિટ પછી બ્રિટિશની માલિકીનું, પણ લાયબેરિયાનો ધ્વજ ધરાવતું મેડસર જહાજ પર ગૂમ થઈ ગયું. તેનો સંદેશવ્યવહાર પણ અટકી પડ્યો હતો. જોકે આધુનિક ટ્રેકિંગ સિસ્ટમને કારણે વિમાનો અને જહાજો ક્યાં છે તે જાણી શકાતું હોય છે.
મરીન ટ્રેકિંગનું કામ કરતી કંપનીએ જોયું કે સ્ટેના ઇમ્પેરો જે દિશામાં ગયું હતું તે દિશામાં જ, એટલે કે ઇરાનના કાંઠા તરફ જ મેડસર પણ જઈ રહ્યું હતું. જોકે એકાદ કલાક પછી સ્થિતિ સ્પષ્ટ થઈ. મેડસરના ક્રૂની પૂછપરછ કર્યા પછી તેને મુક્ત કરી દેવાયું, પરંતુ સ્ટેના ઇમ્પેરોને આખરે બંદર અબ્બાસ ખાતે લાંગરી દેવામાં આવ્યું.
આ બંને ઘટનામાં ભારતે પણ ચિંતા કરવા જેવી છે. બંને જહાજો પર સારી સંખ્યામાં ભારતીય ખલાસીઓ, ક્રૂ મેમ્બર્સ, એન્જિનિયરો વગેરે છે. ભારતે પોતાની રીતે બંને જહાજોના ભારતીયોને છોડાવવા માટે કોશિશો શરૂ કરી છે. ભારતીય ક્રૂ મેમ્બર્સને કદાચ મુક્ત કરાવી શકાશે, પણ ઇરાન અને બ્રિટન વચ્ચે મામલો જલદી થાળે પડે તેમ લાગતું નથી. ઇરાને સ્પષ્ટ જણાવી દીધું છે કે પોતાનું પકડાયેલું જહાજ છોડવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિટિશ ટેન્કર પણ મુક્ત થવાનું નથી.આ વિસ્તારમાંથી ભારતીય ટેન્કરો અને જહાજો પણ પસાર થતાં હોય છે. ભારતીય નૌકાદળે તેની સુરક્ષા સાથે પોતાના કાફલો એ વિસ્તારમાં ગોઠવ્યો છે. ભારતીય નૌકા દળની સુરક્ષામાં તેમનું આવનજાવન થાય છે. જોકે આગળ પરિસ્થિતિ તંગ બનશે અને નાનકડી લડાઈ જેવી સ્થિતિ થાય ત્યારે ભારતે વધારે કાળજી લેવી પડશે. માત્ર નૌકા દળના એસ્કોર્ટથી કામ ચાલશે નહીં.
હોર્મુઝની સામુદ્રધુનીમાં નાનકડી લડાઇ થઈ જાય એવા ચિહ્નો વધી રહ્યાં છે. અમેરિકાની આડોડાઇ બંધ થઈ રહી નથી. ઇરાન પર ફરીથી આર્થિક પ્રતિબંધો લાદ્યા પછી તેનો અમલ કરાવવા અમેરિકા બીજા દેશોને પણ દબાણ કરી રહ્યું છે. સાથી પક્ષ તરીકે બ્રિટને પણ કાર્યવાહી કરીને ઇરાનના ઓઇલ ટેન્કરને પકડ્યું, પણ હવે પોતાનું જ ટેન્કર પણ સામે ઇરાને કબજે કરી લીધું છે. જીબ્રાલ્ટર નજીક ઇરાની જહાજ પકડાયું તે અંગેની કાનૂની કાર્યવાહી જીબ્રાલ્ટરમાં ચાલી રહી છે. પણ ઇરાન કહે છે કે જહાજને પકડવાનું કામ બ્રિટનના રૉયલ નેવીએ જ કર્યું હતું. તે વાત પણ સાચી છે. યુરોપિયન યુનિયને પણ ઇરાન પર પ્રતિબંધ મૂક્યો છે. તેના નિયમો આગળ કરીને ઇરાનના જહાજને અટકાવાયું હતું. જીબ્રાલ્ટરની અદાલતમાં કાર્યવાહી ચાલતા મહિનો નીકળી જશે. તેના કારણે મહિના કરતાંય વધારે લાંબી માથાકૂટ ચાલશે તેમ લાગશે. બ્રિટનને ભય હતો કે પોતાનું કોઈ જહાજ ઇરાન કબજે કરશે. તેથી જ કદાચ ગયા અઠવાડિયે બ્રિટનના વિદેશ સચિવે કહ્યું હતું કે તેઓ ઇરાનના ટેન્કરને છોડી દેવા તૈયાર છે, પણ જીબ્રાલ્ટરની કોર્ટમાં ટેન્કરને 30 દિવસ રાખવા માટેની મુદત પડી છે.
દરમિયાન અમેરિકાએ પોતાના સૈનિકોની અને વિમાનોની સંખ્યા સાઉદી અરેબિયામાં વધારવાની શરૂઆત કરી દીધી છે. તેથી ઇરાન પણ વાટાઘાટો થાય તે માટે કોશિશ કરવાના મૂડમાં છે. ઇરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવેદ ઝરિફે ગુરુવારે જ ફરી વાટાઘાટો કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે ઇરાન પરથી કાયમી પ્રતિબંધ હટે તે માટે ઇરાન પોતાના અણુકાર્યક્રમનું વધારે પ્રમાણમાં ઇન્સ્પેક્શન કરવા દેવા તૈયાર છે. ઝરિફ હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની મુલાકાત માટે ન્યૂ યોર્કમાં જ છે. તેમની મુલાકાત માટે ટ્રમ્પ તરફથી સેનેટર રેન્ડ પૉલને મોકલવામાં આવ્યા હતા. ટ્રમ્પને ઇરાનની બાબતમાં સલાહ આપતા જ્હોન બોલ્ટન વધારે આક્રમક મનાય છે. તેથી પૉલને મોકલાયા છે, પણ હજી સુધી ઇરાનની નવી દરખાસ્તનો કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી.
રાજધાની રિયાધની નજીક આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પર અમેરિકાએ ફાઇટલ પ્લેન અને લોન્ગ-રેન્જ પેટ્રિઅટ મિસાઇલ્સ ગોઠવી છે. આ એર બેઝ રૉયલ સાઉદી એર ફોર્સના નિયંત્રણમાં છે, પણ હવે ત્યાં 500થી વધુ અમેરિકન સૈનિકો ગોઠવાઇ રહ્યા છે. જોકે અત્યારે એવું જણાવાઇ રહ્યું છે કે રિયાધના સંરક્ષણ માટે દળો અને મિસાઇલ્સ ગોઠવાઇ રહ્યા છે. જોકે અમેરિકન જેટ હુમલાનું કામ પણ કરી શકે છે.
અમેરિકાની સાથે સાથી દેશોના કેટલાક દળો પણ જોડાઈ શકે છે. આગળ જતા 1000થી વધુ સૈનિકો ગોઠવાય તેવી પણ શક્યતા છે. આ પ્રિન્સ સુલતાન એર બેઝ પર જ 1991માં અમેરિકન દળો ગોઠવાયા હતા. ખાડી યુદ્ધ તરીકે જાણીતા થયેલા યુદ્ધ વખતથી જ અમેરિકાએ અડ્ડો જમાવ્યો હતો. અમેરિકન દળો લાંબો સમય અહીં રહ્યા હતા અને ઈરાક પર નો-ફ્લાય ઝોનનો અમલ કરાવતા રહ્યા હતા. ઓપરેશન ઈરાકી ફ્રિડમ 2003માં શરૂ થયું ત્યાં સુધી એટલે કે એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી અમેરિકન દળો અહીં રહ્યા હતા.
આટલા વર્ષો પછી ફરી એકવાર અમેરિકન દળો અહીં પોતાની છાવણી નાખશે. અગાઉની ગોઠવણી વખતે અમેરિકન સૈનિકોને માફક આવે તેવી સગવડો ઊભી કરાઈ હતી, પણ તે વાતનેય દોઢ દાયકો થઈ ગયો છે. તેથી નવેસરથી કેટલીક સુવિધાઓ ઊભી કરાશે એમ સાઉદી સ્રોતોએ જણાવ્યું હતું. રનવેને વધુ મજબૂત કરાશે તથા આવનજાવન માટેના રસ્તાઓ અને રહેઠાણની સુવિધાઓ પણ વધારાશે. મેડિકલ સેન્ટર પણ ખોલવામાં આવે તેવી શક્યતા છે.
ઇરાન સામે સંભવિત લાંબી કામગીરી કરવી પડે તેને ધ્યાનમાં લઈને આ તૈયારીઓ થઈ રહી છે. ઇરાન સામેની કામગીરી જોકે કેટલી ઉગ્ર હશે તે સ્પષ્ટ નથી. ઇરાન પણ કોશિશ કરી રહ્યું છે કે વાટાઘાટો ચાલતી રહે. ભારત, જાપાન, રશિયા, ચીન સહિતના દેશો પણ નથી ઇચ્છતા કે અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાનું જોર અજમાવે. પરંતુ અમેરિકા અને ઇરાને એકબીજાના ડ્રોન તોડી પાડ્યા. બે મહિનામાં બે ટેન્કરો ડૂબાડી દેવાયા. આ અઠવાડિયે ઇરાને બે જહાજોને આંતર્યા અને તેમાંથી એકને બંદર અબ્બાસ પર કબજે રાખ્યું છે. આ બધી ઘટનાઓને કારણે તંગદિલી ઓછી થઈ નથી.