કર્ણાટકની સરકાર પોતાના ભારથી જ તૂટી પડી

ર્ણાટકનું નાટક એવો પ્રાસ જબરો મળે છે એટલે વારંવાર એનો ઉપયોગ થાય છે. વારંવાર ઉપયોગથી નીરસ થઈ જાય, પણ કેટલાક નાટક એટલા રસપ્રદ હોય છે કે વારંવાર જોઈ શકીએ છીએ. કોમેડી, પ્રહસન વારંવાર જોઈએ છીએ અને હસ્યા કરીએ છીએ. કર્ણાટકનું નાટક એવું જ રસપ્રદ બન્યું હતું. રસપ્રદ કરતાંય ખેદજનક બન્યું હતું.
પ્રેક્ષકોના ભોગે નાટક ચાલ્યા જ કરે ત્યારે પ્રેક્ષકો કંટાળે, પણ સૌનું પાગરણ સલવાયું હોય એટલે શું થાય…
કર્ણાટકના નાગરિકોનું પાગરણ પણ સલવાયું હતું. તેના પર રાજકારણીઓ ચપ્પટ બેસી ગયા હતા. ધારાસભ્યો ખરીદી લેવાના અનૈતિક ખેલના ઉસ્તાદ ભાજપના યેદીયુરપ્પાએ ફરીથી ખેલ પાડ્યો. ભૂતકાળમાં પણ ભાજપે ધારાસભ્યોને ખેડવી સરકારોને ખેડવી હતી. ગોવામાં અને મેઘાલયમાં વિપક્ષી ધારાસભ્યોને…. ઉપ્પાડો, કેટલા નાણાં જોઈએ છે… એમ કહીને કોથળીઓ ખુલ્લી મૂકી દેવાતી રહી છે. કર્ણાટક પછી મધ્ય પ્રદેશનો વારો છે. પરંતુ કર્ણાટકના કિસ્સામાં એટલું પણ કહેવું પડે કે આ સરકાર પોતાના જ ભારથી તૂટી પડી છે. આ કજોડું થયું હતું અને કજોડું કેટલું ચાલશે તે નક્કી નહોતું. કજોડું કંકાસ કરીને પણ ઘણીવાર સંસાર પૂરો કરી નાખતો હોય છે. પણ કંકાસની પણ એક મર્યાદા હોય છે.
કોંગ્રેસના સિદ્ધારમૈયા આ સરકાર ચાલવા નહીં તે પહેલેથી જ લાગતું હતું. સિદ્ધારમૈયાની વ્યક્તિગત જૂની દુશ્મની ગોવડા પરિવાર સાથે છે. બે દાયકા પહેલાં જેડી(એસ)માં સિદ્ધારમૈયા મહત્ત્વના નેતા હતા. પણ તેમને લાગ્યું કે દેવે ગોડા પોતાના બે પુત્રો કુમારસ્વામી અને રેવન્નાને જ આગળ કરશે. તેમણે જેડી(એસ)માં પણ ભાગલા પાડવાની કોશિશ કરી હતી. આખરે સિદ્ધારમૈયાને રવાના કરી દેવાયા હતા.
કોંગ્રેસમાં જોડાઈને સિદ્ધારમૈયા આગળ વધી શક્યા અને મુખ્યપ્રધાન પણ બની શક્યા. કર્ણાટકમાં મુખ્ય બે જ્ઞાતિઓ લિંગાયત અને વોક્કાલિગ્ગા વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરતી હોય છે. સિદ્ધારમૈયા ત્રીજી મહત્ત્વની જ્ઞાતિ કુરુબાના હતા. કુરુબાનો અર્થ જ થાય છે, જેમનો ભરોસો કરી શકાય. પણ રાજકારણમાં કોઈ કોઈનો ભરોસો કરી શકે નહી.
ભાજપને સત્તાથી દૂર રાખવા માટે જોડાણ થયું છે ત્યારે સિદ્ધારમૈયા જૂની દુશ્મની યાદ નહી રાખે અને તેમના પર ભરોસો કરી શકાશે એમ ગોવડાઓએ માન્યું હશે. પણ ગોવડાઓ કંઈ ઓછા ગળણે ગળાય તેવા નથી. કુમારસ્વામી સત્તાનો લાડવો મળ્યો તેને સારી રીતે ખાઈ શક્યા નથી. આ પ્રસાદનો લાડવો હતો. પ્રસાદ જરાક જરાક વહેંચીને ખાવો રહ્યો. ગોવડાઓ કદાચ આખું ભાણું જમી જવા માગતા હતા.
એકાદ વર્ષ પહેલાંની વાત છે. કર્ણાટકની ચૂંટણીના પરિણામો આવી રહ્યા હતા. ભાજપ પ્રારંભથી આગળ હતો, પણ બપોર સુધીમાં ગતિ મંદ પડી. તેમની બેઠકો 104 પર આવીને અટકી હતી. સત્તા માટે 113 જોઈએ. બીજી બાજુ કોંગ્રેસ પણ 78થી આગળ વધી શકી નહી. કોંગ્રેસે સત્તા ગુમાવી, પણ ભાજપને સત્તા ના મળે તે માટે બપોરે અઢી વાગ્યે સોનિયા ગાંધીએ જાતે સીધો દેવે ગોવડાને ફોન કર્યો. તેમને કહ્યું કે તમે સરકાર બનાવો અમે તમને ટેકો આપીશું.
આ કજોડું ગોળધાણા ખાધા વિના તૈયાર થયું હતું. સ્થાનિક કોંગ્રેસી નેતાઓને અણસાર પણ નહોતો. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ તેને સ્વંય ખોદેલા ખાડામાં ઉતારી દેનારી છે. ભાજપે જેડી (એસ)નો સાથ લઈને સરકાર બનાવી હોત, પણ ભાજપે શરતો સાથે અને કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે સરકાર બનાવી હોત. કોંગ્રેસને દોસ્તી કરતાંય આવડતું નથી. ગોવડાઓને ટેકો આપવાની વાત કર્યા પછી સ્થાનિક નેતાઓને જોડવાની જરૂર હતી. તેમને વિશ્વાસમાં લઈને, શરતો નક્કી કરીને સરકારની રચના થઈ હોત. તેના બદલે રાતોરાત સરકારની રચના થઈ. અવિશ્વાસ અને અસંતોષના પાયા પર સરકારની રચના થઈ હતી.
સિદ્ધારમૈયા ત્યારથી સમસમીને બેઠા હતા. વારંવાર કુમારસ્વામીની સરકારને તોડી નાખવાા પ્રયત્નો થતા રહ્યા, પણ સફળ ના રહ્યા. કુમારસ્વામી પર દબાણ કરીને કોંગ્રેસના નેતાઓ પોતાનું કામ કરાવતા રહ્યા, પણ હવે લાગતું હતું કે લાંબું ખેંચાશે નહિ. આ વખતે સિદ્ધારમૈયાના ટેકેદાર ગણાતા ધારાસભ્યોએ મક્કમતા સાથે બળવો કર્યો. ભાજપ સાથે સોદાબાજી કરી લીધી. ભાજપે ભરપુર નાણાં આપ્યા હોવાનું કહેવાય છે. રોકડા ખણખણિયા ઉપરાંત બળવો કરનારા 16માંથી ઘણાને પ્રધાનપદાં પણ મળશે.
જોકે હવે મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં ભરાઈને પડેલા અને કદાચ ભાજપના કે કોઈકના પૈસે રોજ લાખો રૂપિયાનો ધૂમાડો કરી રહેલા બળવાખોરોનું શું થશે તે વિચારવાનું રહે છે. તેમના રાજીનામાં સ્પીકરે છેક સુધી સ્વીકાર્યા નથી. મંગળવારે વધુ એકવાર પોતાની સમક્ષ હાજર થવા સ્પીકરે આદેશ કર્યો હતો. સ્પીકર રમેશકુમારે કહ્યું હતું કે તેમની સામે પક્ષવિરોધી પ્રવૃત્તિની ફરિયાદ છે. તેમને ગેરલાયક ઠેરાવવાની ફરિયાદ પણ છે. હવે તેમને ગેરલાયક ઠેરાવવાની પ્રક્રિયા થઈ શકે છે. સરકાર મંગળવારે રાત્રે વિશ્વાસનો ઠરાવ હારી ગઈ. કુમારસ્વામીને ફક્ત 99 મતો મળ્યા. ભાજપના 105 મતો. બે અપક્ષો ગૃહમાં આવ્યા નહોતા, પણ તેમણે ભાજપ સરકારને ટેકો આપવાનું નક્કી કરી રાખેલું છે.
કુમારસ્વામી હવે કેરટેકર મુખ્યપ્રધાન છે, પણ સ્પીકર હજીય સ્પીકર છે. તેઓ કદાચ બુધવારે ધારાસભ્યોને ગેરલાયક ઠરાવતો ચુકાદો આપી શકે છે. તેનાથી કશો ફરક પડવાનો નથી. સરકાર ભાજપની જ બનશે. ભાજપને ઉલટાનો ફાયદો થઈ જશે. બળવાખોરો ગેરલાયક ઠરે અને પેટાચૂંટણીઓ ના લડી શકે તો ભાજપને ઉલટાની શાંતિ. તેમને જીતાડીને પ્રધાન બનાવવાની જફા ટળી. બળવાખોરોએ રોકડાં મળ્યા એનાથી સંતોષ માની લેવાનો રહેશે.
એવું પણ કહેવાય છે કે દેવે ગોવડાએ ગયા અઠવાડિયાથી પોતાના ઘરે યજ્ઞ શરૂ કરી દીધો હતો. યજ્ઞ બુધવાર બપોરે સુધી ચાલવાનો હતો. ગમે તેમ કરીને વિશ્વાસનો મત બુધવાર સાંજ સુધી ટાળવાનું નાટક કરવાનું હતું. પરંતુ આ દેશ બંધારણ પ્રમાણે અને કાયદા પ્રમાણે ચાલે છે. યજ્ઞની અંધશ્રદ્ધા અને મંત્રોચ્ચારના નાટક પર ચાલતો નથી. યજ્ઞ કરવાથી વરસાદ આવી જતો હોત તો દુકાળ કદી પડ્યો ના હોત. યજ્ઞો કરવાની સત્તા મળી જતી હોત તો દેશમાં ચૂંટણીઓ કરવાની જરૂર પડી જ ના હોત.
આવી અંધશ્રદ્ધાના નાટક વચ્ચે કર્ણાટકનું રાજકીય નાટક પૂરું થઈ ગયું. પૂરું તો નહિ, પણ અંક એક પૂરો થયો. બીજો અંક હવે કોની સરકાર બને છે, કેવી રીતે બને છે, કે પછી ગૃહને વિખેરી નાખીને ત્રણ રાજ્યોની ચૂંટણી સાથે મધ્યસત્ર ચૂંટણી યોજાય છે તેના આધારે ભજવાશે. એમ થશે તો નાટક આગળ ચાલશે, ત્રિઅંકી થશે અને ચૂંટણી પછી ત્રીજો અંક નક્કી કરશે કે કર્ણાટકમાં આખરે કોની સરકાર બનશે. પણ એટલું નક્કી કે વર્તમાન કુમારસ્વામીની સરકાર સ્વંયના ભારથી જ તૂટી પડી છે.