વૈશ્વિક સ્તરે ભૂરાજકીય સમસ્યાઓ, ફુગાવાનો અને વ્યાજનો ઉંચો દર તથા અર્થતંત્રની નાજુક સ્થિતિ જેવા સંજોગો વચ્ચે ભારત ખમતીધર અર્થતંત્ર છે એ બાબત વચગાળાના બજેટ પરથી સ્પષ્ટ થઈ રહી છે. આગામી નાણાકીય વર્ષ માટે કુલ કરજ 14.13 ટ્રિલ્યન રૂપિયા રહેવાનો અંદાજ છે અને મૂડીગત ખર્ચમાં વધારો કરીને એનું પ્રમાણ 11.1 ટ્રિલ્યન રૂપિયા કરવામાં આવવાનું છે. સાથે સાથે રાજીકોષીય ખાધનું પ્રમાણ જીડીપીના 5.1 ટકા સુધી સીમિત રાખવાનું લક્ષ્ય નકકી કરાયું છે. આ રીતે સરકારે મૂડીખર્ચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સરકારી ખર્ચ વધે ત્યારે અર્થતંત્રની વૃદ્ધિ પર એનું ઘણું સારું પરિણામ આવે છે, એ સિદ્ધાંતના આધારે સરકારે આ નિર્ણય લીધો છે. સાથે સાથે સરકારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય
ગરીબો, યુવા વર્ગ, ખેડૂતો અને મહિલાઓ એ ચારેય વર્ગોને કેન્દ્રમાં રાખીને વિકાસ માટેનાં પગલાં ભરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ માટેની ફાળવણી વધારવામાં આવી છે. નોંધનીય છે કે આયુષ્માન ભારત યોજના આશા અને આંગણવાડી વર્કર્સ તથા સહાયકોને આવરી લેશે. આ રીતે દેશમાં સર્વસમાવેશક વિકાસ સાધવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ બજેટનું અન્ય મુખ્ય પાસું એટલે આત્મનિર્ભર ભારત અને કાર્બનનું પ્રમાણ ઘટાડવા માટેના પગલાં. અદ્યતન તંત્રજ્ઞાનમાં નાણાંનું રોકાણ કરીને કાર્બનનું પ્રમાણ ઘટાડવા માટેનાં પગલાં લેવામાં આવવાનાં છે. સરકારે ખાનગી ક્ષેત્રે સંશોધન અને વિકાસ કાર્યને વેગ આપવા માટેની યોજના ઘડી છે અને સાથે સાથે એક કરોડ ઘરોમાં સૌર ઉર્જાનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. એ જ રીતે કમ્પ્રેસ્ડ બાયોગેસની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે આધુનિકતા લાવવા માટેની નવી યોજના દાખલ કરાઈ છે. આ રીતે ઉચ્ચ દરજ્જાની અદ્યતન ટેક્નૉલૉજીમાં રોકાણ વધશે.
માળખાંકીય સુવિધાઓમાં સુધારા
સરકારે રેલવે, પોર્ટ્સ, ઉડ્ડયન અને માર્ગ પરિવહન એ બધાં ક્ષેત્રે રોકાણ વધારવાનું નક્કી કર્યું છે, જેને લીધે દેશનો સર્વાંગી વિકાસ થશે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના હેઠળ રેલવે કોરિડોરનું નિર્માણ કરવાથી લોજિસ્ટિક્સનો ખર્ચ ઘણો ઘટશે. માળખાકીય સુવિધાઓની ગુણવત્તા સુધારવા માટે તથા જાહેર પરિવહન સુધારવા માટે પણ પગલાં ભરવામાં આવવાનાં છે. સર્વાંગી વિકાસ અને આર્થિક સુધારાને પ્રાથમિકતા આપવાની સરકારી નીતિ ચાલુ રહેશે, એવું વચગાળાના બજેટ પરથી સ્પષ્ટ થયું છે. એની સાથે સાથે માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે વધુ રોકાણ કરવા માટે સરકારે કરવેરાના અનુપાલન દ્વારા સંસાધનો ઊભાં કર્યાં છે. હાલના કરવેરાના માળખામાં કોઈપણ ફેરફાર કર્યા વગર અનુપાલન સુધારીને વધુ કરવેરા આવક ઊભી કરવાનું લક્ષ્ય છે, જે ઘણી સકારાત્મક બાબત કહેવાય.
ઈકિવટી માર્કેટ પર અસર
નાણાપ્રધાને નાગરિકો માટેની નિશ્ચિત જુના વર્ષોની પ્રત્યક્ષ કરવેરાની લેણી કે ડિમાંડની નીકળતી રકમ માફ કરવાનો જે નિર્ણય લીધો છે એનાથી આશરે 1 કરોડ કરદાતાઓને લાભ થશે. સરકારે વિકાસ પાછળ ખર્ચ કર્યો છે પરંતુ સાથે સાથે રાજકોષીય વ્યવહાર્યતા જાળવી રાખી છે. આ રીતે, નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધનું પ્રમાણ જીડીપીના 4.5 ટકા કરતાં ઓછું કરી દેવાના લક્ષ્યનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. વચગાળાના આ બજેટની ઈક્વિટી માર્કેટ પર સાનુકૂળ અસર થવાની શક્યતા છે. માર્કેટને હવે લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ આવનારી નવી સરકારના સંપૂર્ણ બજેટની પ્રતીક્ષા રહેશે.
નિલેશ શાહ,
કોટક મહિન્દ્રા એએમસીના મૅનેજિંગ ડિરેક્ટર