શાસક આમ આદમી પાર્ટી (AAP)એ શહેર-રાજ્ય દિલ્હીમાં દરેક પરિવારને ચોક્કસ સ્તર સુધી પીવાનું મફત પાણી અને વીજપૂરવઠો આપવા તેમજ દિલ્હીના ઘણા ખરા ભાગોમાં વાઈ-ફાઈ તથા સીસીટીવી સુવિધા પૂરી પાડવાના નામે વોટ માગ્યો છે. તદુપરાંત શાળાઓમાં તથા આરોગ્યના માળખામાં વિકાસ કરવા, ઓનલાઈન માગણી કરનારાઓને એમના ઘરમાં સરકારી સેવાઓ પહોંચતી કરવા, મહિલાઓ માટે મફત જાહેર પરિવહન સુવિધા, રસ્તાઓ અને પૂલોના કામકાજમાં પ્રગતિ લાવવા અને રાજ્યના બજેટનું કદ બમણું કરવા જેવા અન્ય મુદ્દાઓ ઉપર પણ વોટ માગ્યો છે.
આમ આદમી પાર્ટીને પડકાર ફેંક્યો છે ભારતીય જનતા પાર્ટીએ, જે કેન્દ્રમાં સત્તા પર છે. તે દિલ્હીવાસીઓ પાસેથી પોતાના એ નિર્ણય પર મત માગે છે કે એણે ગેરકાયદેસર કોલોનીઓમાં 40 લાખ ઝૂંપડપટ્ટીના ઘરોને નિયમિત કરી દીધા. AAPની સરકાર પોતે જે વિકાસલક્ષી કાર્યો કર્યાનો દાવો કરે છે એના વિસ્તારીકરણ, ગુણવત્તા અને કદ અંગે પણ સરકારને ભાજપ સવાલ કરી રહી છે. દિલ્હીની ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે તો એનાથી એની કેન્દ્રીય સત્તા પર કોઈ પ્રકારની આંચ આવવાની નથી, પરંતુ નાગરિકતા અને વસ્તી ગણતરીની CAA-NRC-NPRની કાયદા-પ્રક્રિયાઓનો આરંભ કરાયા બાદ રાષ્ટ્રીય પાટનગરની આ ચૂંટણી પહેલી એવી છે જ્યાં મતદારો એમનો ચુકાદો આપશે. વળી, આ ચૂંટણી ભાજપમાં તેમજ કેન્દ્ર સરકારમાં મોદી-શાહની જોડીની શાસકીય ક્ષમતા માટે પ્રતિષ્ઠા સમી પણ બની છે. બીજી બાજુ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જો ચૂંટણીમાં ફરી જીતશે તો તેઓ એમની આ સફળતાનો ઉપયોગ કરશે તથા એમના બહુ વખણાયેલા દિલ્હી-મોડેલના શાસનનો દેશના અન્ય રાજ્યોમાં ફેલાવો કરશે.
રેસમાં ઉતરનાર ત્રીજો પક્ષ છે કોંગ્રેસ, જે થોડીક રમૂજ પૂરી પાડે છે અને એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે AAP સરકારે માત્ર છેલ્લા છ મહિનામાં જ મોટા ભાગના વિકાસલક્ષી કાર્યો કર્યા છે. રસપ્રદ રીતે, કોંગ્રેસ માટે ભાજપ વિશે બોલવા જેવું કંઈ રહ્યું નથી. ભાજપ છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં મહાનગરપાલિકામાં અને કેન્દ્રમાં લગભગ છ વર્ષથી શાસન કરે છે. પ્રચાર ઝુંબેશ પરથી એવું જણાયું છે કે કોંગ્રેસને ભાજપ તરફથી કોઈ રાજકીય પડકારની ચિંતા નથી, પરંતુ પોતાની વોટ-બેન્કને આમ આદમી પાર્ટી છીનવી ગઈ એનું તેને દુઃખ છે.
મહિલા દેખાવકારો લગભગ બે મહિનાથી અને કાતિલ ઠંડીનો સામનો કરીને શાહીનબાગ ખાતે CAA-NRC વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કરી રહી છે અને જામિયા યુનિવર્સિટી તથા જેએનયૂના વિદ્યાર્થીઓની મારપીટની ઘટનાઓ અને એના વિડિયો જે રીતે સોશિયલ મિડિયા પર સર્ક્યૂલેટ થયા છે ત્યારે AAPની નેતાગીરીએ આ બધાયથી ચતુરાઈપૂર્વક અંતર જાળવી રાખ્યું છે. ભાજપ તથા મિડિયાનો અમુક વર્ગ AAPને આ મામલામાં ઢસડવાની બહુ કોશિશ કરે છે, જેથી એને કોમી રંગ આપી શકાય. કેજરીવાલે ચોખ્ખું જણાવી દીધું છે કે સંસદમાં AAP પાર્ટીએ CAAની વિરુદ્ધમાં મત આપી દીધો છે તેથી દિલ્હીની ચૂંટણીમાં CAA-NRC મુદ્દાનું એને મન મહત્ત્વ નથી, પરંતુ બેરોજગારીની સમસ્યા સામે પગલાં લેવા તથા આર્થિક વિકાસને વધારવાને મહત્ત્વ આપે છે.
દિલ્હીની ચૂંટણીને કોમી રંગ
ભાજપના હતાશ ઉમેદવાર અને AAPની વિરુદ્ધ બાજુએ આવી ગયેલા કપિલ મિશ્રાએ દિલ્હીની ચૂંટણીમાં પાકિસ્તાનને ઢસડવાનો પ્રયાસ કર્યો હતો તથા કોમવાદની ભાષા ઉચ્ચારી હતી, પણ એમાં એમને ચૂંટણી પંચ તરફથી ઠપકો સાંભળવો પડ્યો અને બે દિવસ સુધી પ્રચાર કરવાનો એમની પર પ્રતિબંધ પણ મૂકાયો. એટલું જ નહીં, દિલ્હી પોલીસને આદેશ આપવામાં આવ્યો કે એ મિશ્રા સામે એફઆઈઆર નોંધે. એટલે દિલ્હીની ચૂંટણીમાં મૂડ કેવો છે એની સાબિતી મળી ગઈ છે.
આ વખતનો ચૂંટણીજંગ ખરેખર ભપકાદાર છે, કારણ કે AAP પાર્ટીએ એની પૂરી તાકાત લગાવી દીધી છે. અન્ય રાજ્યોમાંથી એના સેંકડો સ્વયંસેવકો પણ પાર્ટીની મદદે આવી ગયા છે. એનાથી AAPની તાકાત વધી ગઈ છે. પક્ષના ચૂંટણી પ્રચારમાં ગીત-નૃત્યો, શેરી-નાટકો તથા સોશિયલ મિડિયા મીમ્સનો પણ સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, ભાજપે 21 દિવસમાં જ 5000 જેટલી નાની સભાઓ યોજવાનું નક્કી કર્યું, જેમાં અમુક સભાઓ તો વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તથા કેન્દ્રીય પ્રધાનો સહિત પક્ષના ટોચના નેતાઓ ગજાવશે એવું નક્કી થયું. જોકે વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે પોતે 6 ફેબ્રુઆરી સુધીમાં માત્ર ચાર જ ચૂંટણીસભા કરશે. 6 ફેબ્રુઆરીએ ચૂંટણીપ્રચારનો અંત આવી જશે. મતદાન 8 ફેબ્રુઆરીએ છે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ છે. કોંગ્રેસ પાર્ટી સોશિયલ મિડિયા પર પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે.
દિલ્હીમાં વિધાનસભાની કુલ 70 બેઠકો છે. આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. એણે 15 વિધાનસભ્યોને ફરી ટિકિટ આપી નથી અને ત્યાં નવા ચહેરાઓને જંગમાં ઉતાર્યા છે. એમાંથી બે જણ બળવાખોર અપક્ષ ઉમેદવારો બની ગયા અને બાદમાં પોતાની ઉમેદવારી પાછી પણ ખેંચી લીધી. અન્ય બે ઉમેદવાર (આદર્શ શાસ્ત્રી અને અલકા લાંબા) કોંગ્રેસમાં જોડાઈ ગયાં અને એમાંથી ટિકિટ મેળવી. એક અન્ય નેતા (કપિલ મિશ્રા) ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે.
ભારતીય જનતા પાર્ટી 67 બેઠકો પર ચૂંટણી લડે છે. એણે બે સીટ જનતા દળ (યુનાઈટેડ)ને આપી છે અને એક સીટ રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટીને આપી છે. ભાજપના ઉમેદવારોની યાદીમાં છ મહિલા ઉમેદવારો છે. (આની સામે AAPમાં આઠ મહિલા ઉમેદવારો છે). કોંગ્રેસ પણ 67 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એણે બિહારમાં તેના સહયોગી પક્ષ રાષ્ટ્રીય જનતા દળને 3 બેઠક આપી છે.
2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, AAP, ભાજપ અને કોંગ્રેસના 143 ઉમેદવારો પાસે રૂ. 1 કરોડ કે તેથી વધારે કિંમતની સંપત્તિ હતી. આ વખતે, એ આંકડો વધીને 164 થયો છે. મતલબ કે લગભગ 11 ટકા વધ્યો. વધુમાં, 13 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે એમની પાસે રૂ. 50 કરોડથી વધારે કિંમતની સંપત્તિ છે. આમાં આમ આદમી પાર્ટીના 6 ઉમેદવારો છે તો કોંગ્રેસના ચાર અને ભાજપના 3 ઉમેદવારો છે.
2015ની ચૂંટણીમાં, AAPના ઉમેદવારોની સરેરાશ ઉંમર 43.1 વર્ષ હતી, પરંતુ આ વખતે એ વધીને 47.3 થઈ છે. ભાજપના મામલે, તેના ચૂંટણી ઉમેદવારોની સરેરાશ વયમાં નજીવો ફેરફાર થયો છે. 2015માં સરેરાશ વય 51.7 હતી, જે હાલ વધીને 52.8 થઈ છે. એનાથી વિપરીત, કોંગ્રેસ પાર્ટીએ ઘરડા ઉમેદવારોની સંખ્યા ઘટાડી દીધી છે. એની સરેરાશ વય 53.3 હતી, જે હાલ 51.2 થઈ છે. AAPના 20 ઉમેદવારો 40થી નીચેની વયના છે, કોંગ્રેસના એવા 12 ઉમેદવારો છે. જ્યારે ભાજપના માત્ર 6 છે. ઉમેદવારોની વયના મામલે AAPનો હાથ ઉપર રહ્યો છે.
દિલ્હીના લગભગ બે કરોડ મતદારો ઘણા અણધાર્યા રહ્યા છે. કોંગ્રેસનાં શીલા દીક્ષિતને સતત ત્રણ મુદત આપ્યા બાદ 2013માં, એમણે ત્રિશંકુ વિધાનસભાનો ચુકાદો આપ્યો હતો. એ વખતે, અણ્ણા હઝારેની આગેવાની હેઠળ ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત’ આંદોલનમાંથી અમુક ભાગ છૂટો પડ્યો એમાંથી આમ આદમી પાર્ટીનું સર્જન થયું. ત્રિશંકુ વિધાનસભા ચુકાદા બાદ 2015ના એપ્રિલમાં ફરી ચૂંટણી થઈ ત્યારે AAPએ સપાટો બોલાવી દીધો અને 67 બેઠક જીતી લીધી. બાકીની 3 સીટ ભાજપને મળી. પરંતુ, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી દીધો હતો અને તમામ 7 બેઠકો જીતી હતી. તે ઉપરાંત ભાજપે ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ જીતી હતી અને AAPને બીજું સ્થાન મળ્યું હતું.
આમ, એક વાત સ્પષ્ટ થાય છે કે દિલ્હીમાં કેન્દ્રીય અને સ્થાનિક ચૂંટણીઓમાં મતદારોનું વલણ સાવ જુદું જ રહે છે. બે જુદા જુદા હેતુઓ માટે તેઓ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને એમના હિરો માને છે. હવે આ વખતે પણ એ જ ટ્રેન્ડ ચાલુ રહે એવી ધારણા છે. તમામ જનમતોનો વરતારો આવ્યો છે કે AAP આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરશે.
ઘણા નિરીક્ષકોનું માનવું છે કે આમ આદમી પાર્ટી જીતે એ જરૂરી છે કારણ કે તો જ એ સાબિત થશે કે સુશાસન ચૂંટણી જીતી શકે છે. CAA-NRC મુદ્દાઓ પરની ઉગ્ર ચર્ચા બાદ લોકોની ગંભીર લાગણીનું મહત્ત્વ પણ એનાથી ઘટી જશે, કેન્દ્રીય સ્તરે રાજકારણમાં રાજકીય હરીફાઈનું સંતુલન જળવાશે તથા કાર્યશીલ લોકશાહી જીવંત રહેશે અને મજબૂત પણ થશે. 11 ફેબ્રુઆરીએ એનો જવાબ આવી જશે.
તે છતાં, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે AAP વિજેતા બનશે તો એનું નવું લક્ષ્ય ફરીથી રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણનું રહેશે જેમાં મનીષ સિસોદીયા દિલ્હીનો કારભાર સંભાળશે અને કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરે આગળ વધશે. પરાજીત ભાજપ એ ફટકાને ભૂલીને પોતાનું ધ્યાન બિહાર અને બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીઓ પર કેન્દ્રિત કરશે, જે પણ ભાજપ માટે બહુ જ મહત્ત્વની છે. ભાજપની જીત થશે તો આમ આદમી પાર્ટી પર કયામત આવી જશે અને મોદીને જનતાનો ટેકો હજી પણ કેટલો મજબૂત એ સ્થાપિત થશે, કારણ કે આ વખતની ચૂંટણી પણ કેજરીવાલ અને મોદીને જ આગળ રાખીને લડવામાં આવી રહી છે. કોંગ્રેસને તો બંને બાજુએ ગુમાવવાનું જ આવશે.
(પ્રો. ઉજ્જવલ કે. ચૌધરી)
(લેખક કટારલેખક અને ટેલિવિઝન ન્યૂઝ એનાલિસ્ટ છે તથા કોલકાતાસ્થિત એડમાસ યુનિવર્સિટીના પ્રો વાઈસ ચાન્સેલર છે)