દેશ, પ્રદેશ, ભાષા એક ના કરી શકે તો…

ભાષાવાર રાજ્યોની રચનાનો મુદ્દો આઝાદી પહેલાં જ ચર્ચાઇ ગયો હતો. તે વખતે આઝાદી આવશે તો કેવી રીતે આવશે તે સ્પષ્ટ નહોતું, પણ ભાષાના આધારે એક જૂથ બની શકે તેવો વિચાર થવા લાગ્યો હતો. લોકમાન્ય તિલકે છેક 1891માં કેસરી દૈનિકમાં લખ્યું હતું કે પ્રાંતોની નવરચના જો ભાષાને આધારે થાય તો તેમાં એક પ્રકારની સમરૂપતા ઊભી થઈ શકે છે અને વહીવટમાં તેનો ફાયદો પણ થઈ શકે છે. જોકે આઝાદી મળી ત્યારે ભાષા નહીં, પણ ધર્મનો મુદ્દો પ્રબળ બન્યો અને ધર્મના આધારે ભાગલા પડ્યાં. એ ભાગલાની પીડા એટલી હતી કે દેશને એકતાની જરૂર હતી. તે વખતે ભાષા જેવા વૈવિધ્યના મુદ્દાને બદલે ભારતીય સંસ્કૃતિની એક સમાનતાને અને ભારતીય રાષ્ટ્રીયતાને પ્રમોટ કરવી જરૂરી હતી. તેથી પ્રાંતોની રચના ભાષાને આધારે કરવાની વાત પર બહુ ચર્ચા નહોતી. પરંતુ આંધ્રમાં તેલુગુભાષીઓની માગણીઓ બહુ જૂની હતી. તેઓ મદ્રાસ પ્રાંતમાંથી અલગ થવા માગતાં હતાં.

આઝાદી પછી જે મોટા આંદોલનો થયાં તેમાં આદિવાસીઓ માટે અલગ રાજ્યની તથા તેલુગુઓ માટેના રાષ્ટ્રની રચનાની માગણી મુખ્ય હતાં. તે વખતે પણ મામલો હિંસક બન્યો હતો. પોટ્ટી શ્રીરામુલુ નામના કોંગ્રેસી ગાંધીજીના અનુયાયી હતાં અને તેમણે અલગ રાજ્યની માગણી માટે ઉપવાસ શરૂ કર્યાં હતાં. કેટલાક કારણોસર નહેરુએ તેમના ઉપવાસને અને ભાષાવાર પ્રાંત રચનાની વાતને બહુ મહત્ત્વ આપ્યું નહીં. 1952માં ઉપવાસમાં શ્રીરામુલુનું અવસાન થયું અને મામલો ઉગ્ર બન્યો હતો.તે પછી આખરે આંધ્રપ્રદેશની રચના કરવી પડી. તે પછી મુંબઈમાંથી ગુજરાતી અને મરાઠીભાષીઓ માટે અલગ અલગ રાજ્ય બનાવવું પડ્યું. આ ઇતિહાસ આગળ વધે છે અને આંધ્રના પણ ભાગલા કરવા પડ્યાં, કેમ કે એક જ ભાષા બોલનારા લોકો વચ્ચે પણ અસંતોષ ઊભો થઈ શકે છે. હવે મામલો પ્રદેશનો હતો. તેલંગણા પ્રદેશના લોકોને લાગતું હતું કે તટીય આંધ્રના લોકો, વિશાખાપટ્ટનમ બાજુના લોકોનું જોર વધુ છે. હૈદરાબાદમાં તેમને દબદબો છે એમ તેમને લાગતું હતું. અન્યાયની અને શોષણની લાગણી વધી રહી હતી. એક જ ભાષા બોલનારા લોકો એકબીજા સાથે રહેવા તૈયાર નહોતા. ટૂંકમાં તેલંગણાનું આંદોલન પણ લાંબું ચાલ્યું અને હિંસક બન્યું અને આંધ્રના પણ ટુકડા કરવા પડ્યાં.

ભાઇઓમાં ભાગ પડે અને જુદાં પડે, પણ ભાઇઓ તરીકે સંબંધ તો રહી જ શકે. સારી રીતે છૂટાં પડ્યાં હોય તો વધુ સારા સંબંધો રહે. પણ તેલંગણાના મામલાને રાજકીય પક્ષોએ સ્વાર્થ ખાતર ગૂંચવી માર્યો હતો. તેનું પરિણામ એ આવ્યું છે કે હજીય બંને પ્રદેશો વચ્ચે સ્પર્ધા થાય છે. હાલમાં જ એવું થયું કે વર્લ્ડ તેલુગુ કોન્ફરન્સ હૈદરાબાદમાં યોજવામાં આવી, પણ તેમાં આંધ્રના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુને આમંત્રણ જ આપવામાં ના આવ્યું.હવે તેલુગુઓમાં જાણે ભાગલા પડી ગયાં – આંધ્રના તેલુગુઓ જુદાં અને તેલંગણાના તેલુગુઓ જુદાં. નાયડુની પાર્ટી તેલુગુ દેસમ પાર્ટીએ આકરી ટીકા કરીને કહ્યું કે તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે વર્લ્ડ તેલુગુ કોન્ફરન્સને કેસીઆર તેલુગુ કોન્ફરન્સમાં ફેરવી નાખી છે. તેલુગુ લોકોના પ્રદેશ પ્રમાણે ભાગલા પાડી દીધાં અને તેલુગુ અસ્મિતાનું અપમાન કર્યું છે એવી ટીકાઓ થવા લાગી છે.

આ તેલુગુ અસ્મિતાનો મામલો પણ રાજકીય રીતે બહુ સેન્સિટિવ છે. ગુજરાતની અસ્મિતાની જેમ તેલુગુ અસ્મિતા મોટો મુદ્દો બની શકે છે. ભૂતકાળમાં એનટી રામરાવ જેવા અભિનેતાનો નેતા તરીકે ઉદય થયો, કેમ કે તેમણે તેલુગુ પ્રાઇડનો મુદ્દો ઉઠાવ્યો હતો. આંધ્ર કોંગ્રેસ માટે અગત્યનું રાજ્ય હતું, પણ તેલુગુભાષી કોંગ્રેસી નેતાઓને દિલ્હીના ઉત્તર ભારતીય નેતાઓ માન નથી આપતાં એવો મુદ્દો ઉઠાવાયો હતો. રાજીવ ગાંધી દ્વારા તે વખતના મુખ્ય પ્રધાન ટી.એમ. અંજૈયાનું એરપોર્ટ પર અપમાન થયું છે તે એક જ મુદ્દે જોરદાર પ્રચાર એનટીઆરે ચલાવ્યો અને સીએમ બની ગયાં. તેમણે બનાવેલો પક્ષ એટલે તેલુગુ દેસમ પાર્ટી, જે તેમના જમાઇ ચંદ્રબાબુ નાયડુએ બાદમાં કબજે કરી લીધો.

હવે ફરીથી તેલુગુ પ્રાઇડનો મુદ્દો ઊભો થાય તો ટીડીપી શું કરશે તે સવાલ છે. પણ આંધ્ર હવે એક નથી. તેલંગણા જૂદું થઈ ગયું છે ત્યારે પહેલાં કરતાં જુદી રીતે આ મામલો ચગી શકે છે. સ્થાનિક ધોરણે ટીડીપીને ફાયદો થાય, ઉપરાંત ધારે તો તેલંગણામાં પણ ટીડીપીની શાખા ખોલીને હૈદરાબાદ જેવા શહેરી વિસ્તારોમાં સ્થાન જમાવવાનું સપનું જોઈ શકાય.

15 ડિસેમ્બરે મળેલી તેલુગુ વર્લ્ડ કોન્ફરન્સમાં દુનિયાભરના તેલુગુઓ એકઠા થયાં હતાં. સ્વાભાવિક રીતે જ આવા સંમેલનોમાં થાય તેવું બધું થયું હતું. ભાષાને પ્રોત્સાહન મળે, સાંસ્કૃતિક આદાનપ્રદાન વધે, લોકસાહિત્ય અને સાહિત્યનો વ્યાપ વધે વગેરે. આવા મુદ્દો હોય ત્યારે તેમાં આંધ્રના હોય કે તેલંગણાના બધા તેલુગુઓ એક થઈને ભાગ લે. પણ રાજકીય પક્ષોના નેતાઓ જ્યાં ભેગા થાય ત્યાં એકતા થાય નહીં. સંમેલનનો પ્રકાર ગમે તે હોય, નેતાઓને બોલાવો એટલે તેઓ પોતાનો એજન્ડા અને એજન્ડાનો મમરો મૂકે ખરા.

તેલુગુ વર્લ્ડ કોન્ફરન્સના મુદ્દે પણ એવું જ થયું. તેનું ઉદઘાટન મૂળ આંધ્રના અને હવે ઉપરાષ્ટ્રપતિ બનેલા એમ. વેંકૈયા નાયડુ દ્વારા થયું. તેઓ મૂળ ભાજપના નેતા અને ભાજપ સાથે નાયડુનો નાતો સારો છે. પણ આ મુદ્દે બંને થોડા જુદા પડ્યાં. બીજું મોદી સાથે દોસ્તી હોવા છતાં આંધ્રપ્રદેશને સ્પેશિયલ સ્ટેટસ આપવાની વાત ભાજપની કેન્દ્ર સરકાર કરતી નથી.

એકતા માટેનું પરિબળ શું હોય શકે તે વિચારણા માગી લેતો વિષય છે. દેશ એક ના કરી, પ્રદેશ એક ના કરી શકે, ભાષા એક ના કરી શકે, ધર્મ પણ એક કરી શકતો નથી, ત્યારે ચિંતા થાય. તેની સામે આટલા વૈવિધ્ય છતાં ભારત અને ભારતીયો એક છે અને રહે છે તેનો સંતોષ પણ આપણે લેતા રહીએ છીએ. માટે આજે તેલુગુ પ્રાઇડ માટે નેતાઓ ભલે બાખડી પડ્યાં, કે ગુજરાતની અસ્મિતા માટે ભવિષ્યમાં નેતાઓ લડાઇ કરે તો આપણે નાગરિકોએ બહુ ચિંતા કરવી નહીં.