ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. પરિણામોમાં, જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) એ 27 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. 40 બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભામાં બહુમતી માટે 21 બેઠકોની જરૂર હતી. મિઝોરમમાં સત્તાના શિખરે પહોંચેલા લાલદુહોમા, ભૂતપૂર્વ IPS અધિકારી, ધારાસભ્ય અને ભૂતપૂર્વ સાંસદ છે. એમના દ્વારા સ્થાપિત પાર્ટી ZPMની રચના કેવી રીતે થઈ અને લાલદુહોમા કોણ છે એ જાણવું રસપ્રદ છે.
કેવી રીતે થઈ જોરમ પીપલ્સ મૂવમેન્ટની રચના ?
જોરમ પીપલ્સ મૂવમેન્ટની રચના છ પ્રાદેશિક પક્ષોના ગઠબંધન તરીકે કરવામાં આવી હતી. આ છ પ્રાદેશિક પક્ષોમાં મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ, જોરમ નેશનાલિસ્ટ પાર્ટી, જોરમ એક્ઝોડસ મૂવમેન્ટ, જોરમ વિકેન્દ્રીકરણ મોરચો, જોરમ રિફોર્મેશન ફ્રન્ટ અને મિઝોરમ પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે. આ પક્ષો બાદમાં એક એકીકૃત એકમમાં ભળી ગયા, સત્તાવાર રીતે 2018 માં જોરમ પીપલ્સ મૂવમેન્ટ, આજની ZPM, રચના કરી. જો કે, ZPM ને ચૂંટણી પંચમાં નોંધણી કરાવવા માટે ઘણી રાહ જોવી પડી હતી.
2018ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી
ZPM 2018ની મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મેદાનમાં ઉતર્યું હતું. પાર્ટીએ પોતાની જાતને મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના રાજકીય વિકલ્પ તરીકે રજૂ કરી. પક્ષે પ્રતિબંધની હિમાયત કરી હતી. પાર્ટીએ 40માંથી 36 બેઠકો પર ચૂંટણી લડી હતી. એ સમયે લાલડુહોમા દ્વારા રચાયેલી પાર્ટીને ચૂંટણી પંચ તરફથી માન્યતા ન મળી, જેના કારણે એમના ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી પડી હતી. ZPMએ અપક્ષ ઉમેદવારો તરીકે એ સમયે 8 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં લાલદુહોમાએ તત્કાલિન મુખ્યમંત્રી લાલથાનહલવાને કારમી હાર આપી હતી, ત્યારબાદ તેઓ રાજકીય વર્તુળોમાં હેડલાઈન્સ બન્યા હતા.
2019માં ચૂંટણી પંચ તરફથી મળી માન્યતા
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જુલાઈ 2019 માં પક્ષની સત્તાવાર રીતે નોંધણી કરાવી હતી. જો કે એક તરફ, ZPM ને રાજકીય પક્ષનો દરજ્જો મળ્યો, બીજી બાજુ એની સૌથી મોટી સંસ્થાપક પાર્ટી ‘મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ’ 2019 માં જ ગઠબંધનમાંથી બહાર નીકળી ગઈ.
2023ની મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ZPMને બહુમતી મળી
2023ની મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં, ZPM એ તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી હતી. 7 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 80 ટકાથી વધુ મતદાન થયું હતું. 4 ડિસેમ્બરે શરૂ થયેલી મત ગણતરીમાં, ZPM એ 40 માંથી 25 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. આવી સ્થિતિમાં, રાજ્યમાં ZPM સરકાર બનશે અને લાલ દુહોમા મુખ્યમંત્રી બનશે તે નક્કી કરવામાં આવ્યું છે.
ZPMના સ્થાપક લાલડુહોમા એક સમયે PMની સુરક્ષાનો હવાલો સંભાળતા હતા?
મિઝોરમમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલા ZPMના પ્રમુખ લાલદુહોમા મિઝોરમના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે. 1972 થી 1977 સુધી, લાલદુહોમાએ મિઝોરમના મુખ્યમંત્રીના મુખ્ય સહાયક તરીકે સેવા આપી હતી. સ્નાતક થયા પછી એમણે ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષા આપી. 1977માં આઈપીએસ બન્યા બાદ લાલડુહોમા ગોવામાં સ્ક્વોડ લીડર તરીકે કામ કર્યું. એમની તૈનાતી દરમિયાન એમણે દાણચોરો સામે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારી તરીકેની એમની સિદ્ધિઓ છાપાઓમાં હેડલાઇન્સ બનવા લાગી. 1982માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ એમને પોતાના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા. નાયબ પોલીસ કમિશનર તરીકે વિશેષ પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત તેઓ રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં 1982 એશિયન ગેમ્સની આયોજન સમિતિના સચિવ પણ હતા.
રાજકારણમાં કેવી રીતે પ્રવેશ્યા લાલડુહોમા
1984માં પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. એ જ વર્ષે ડિસેમ્બરમાં લાલડુહોમા લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 1988માં કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ, તેઓ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જેના કારણે તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.
