દીપાવલીઃ સંબંધોના રંગથી હદયમાં અવનવી રંગોળી બનાવીએ

સો વદ અમાસ એટલે વિક્રમ સંવતનો આખરી દિવસ. આપણા માટે તો એ દિવાળી. કહે છે કે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને લંકાપતિ રાવણનો વધ કરીને વિજય પ્રાપ્ત કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા એની ખુશીમાં આ પર્વ મનાવવામાં આવે છે.

દીપાવલી એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ છે. વીતેલા વર્ષના તમામ અંધકાર દૂર થાય અને આવનારું નવું વર્ષ દરેક પ્રકારે ઝળહળે એવી ભાવના આ તહેવાર સાથે જોડાયેલી છે. દિવાળીને આવકારવા માટે આપણે જાતજાતની તૈયારીઓ કરીએ છીએ. બધા જ ઘરની સાફ સફાઈ કરીએ છીએ. ઘરની દીવાલો અને છત પર લાગેલા ડાઘને સાફ કરી આપણે ઘરને ઉજળું અને ચમકદાર બનાવીએ છીએ. ઘરનાં માળિયા સાફ કરીને નકામી અને બીનજરૂરી વસ્તુઓનો નિકાલ કરીએ છીએ. ઘરને દીવડા, તોરણ, રોશની અને રંગોળીથી શણગારીએ છીએ.

આ તો એક પ્રતીક છે. એ આપણને સૌને સમજાવે છે કે આવી જ રીતે આપણે આપણામાં રહેલી ઈર્ષ્યા, રાગ-દ્વેષ, બદલાની ભાવના, વેર, નફરતના ડાઘને દૂર કરી હૃદયને પણ સ્વચ્છ અને ચમકદાર બનાવવું જોઈએ. નકામા અને બીનજરૂરી વાદ-વિવાદ અને કડવાશનો નિકાલ કરી મનને હકારાત્મક વિચારોના દીવડા, નવી આશાનાં તોરણ, સંસ્કારની રોશની તથા સ્વસ્થ સંબંધોની રંગોળીથી શણગારવું જોઈએ.

  • ખરા અર્થમાં દિવાળી કોને કહેવાય? આ સવાલનો જવાબ કંઈક આવો મળે…
  • દીન-દુખિયાને જોઈ આંખોમાં કરુણાના દીવડા પ્રગટે…દિવાળી એને કહેવાય..
  • તદ્દન વિપરીત સંજોગોમાં પણ શબ્દોની મીઠાશ ન છૂટે…દિવાળી એને કહેવાય..
  • ‘સ્વ’ નું દારૂખાનું ફૂટી જાય અને ‘હું’ પણાંનો ધૂમાડો નીકળી જાય…દિવાળી એને કહેવાય..
  • સંબંધોના રંગોથી હૃદયમાં અવનવી રંગોળી રચાય…દિવાળી એને કહેવાય.
  • આખું ય અસ્તિત્વ રોશનીની માફક ઝળહળે…દિવાળી એને કહેવાય.

 

દિવાળી વિશે વાત કરીએ ત્યારે કવિ અનિલ ચાવડાની આ રચના યાદ આવેઃ

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ

ઝટપટ ફોડી દઈને,

ચહેરા ઉપર ફૂલઝડી સમ

ઝરતું સ્મિત લઈને;

કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે

એક ચમકતો હીરો,

ચલો શોધીએ ભીતર જઈને

ખુદની તેજ-લકીરો;

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

 

ખુદ જલીને જગને રોશન કરતા દીવડા પાસેથી આજના પવિત્ર પર્વે એટલું પ્રણ લઈએ કે આપણાં શિક્ષણ અને સંસ્કારની જ્યોત વડે આપણે આપણી જાતને જ રોશન કરીશું….

દીપાવલીની તમને, મને અને આપણને સૌને હાર્દિક શુભકામના….

(નીતા સોજીત્રા)