પરીક્ષા અને પરિણામઃ વાલીઓની અપેક્ષાઓ, બાળકોની માનસિક રાહત

લેખિકા: ડૉ. સંગીતા શ્રીવાસ્તવ

દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ અને પરિણામોના સમયે ‘સ્ટ્રેસ’ નો વિષય ઉઠે છે. તણાવ/સ્ટ્રેસની અસર વિધાર્થીઓની માનસિક રાહત-સ્વાસ્થ્ય અને એમને શાળા અને કોલેજોમાં મળતી સફળતા પર પડે છે એ જાણીતી હકીકત છે. વિશ્વભરમાં થયેલા સંખ્યાબંધ અભ્યાસ દ્વારા ક્યારનું ય સ્વીકૃત થયું છે કે વિધાર્થીઓ પર સ્ટ્રેસની અસર થાય છે. ભાવનાત્મક અસમર્થતા, આક્રમક વર્તણૂક, શરમાળપણું, સામાજિક ભય અથવા અણગમો, સામાન્યપણે આનંદદાયક ગણાતી પ્રવૃત્તિઓમાં પણ નિરસતા બતાવવી આવા બધા ચિન્હોનું વારંવાર દેખાવું એ સ્ટ્રેસ હોવાની શક્યતા તરફ ઈશારો કરે છે. શું તાજેતરમાં વાલીઓએ આવા ચિન્હો તેમનાં કિશોર વયના બાળકોમાં નોંધ્યા છે?

વાલીઓની અપેક્ષાનો ભાર

પોતાનાં બાળકોને ભવિષ્યમાં મળનારી સિધ્ધિનો આધાર તેમણે શાળાની પરીક્ષાઓમાં મેળવેલી સફળતા ઉપર રહેલો છે એવી માન્યતામાંથી ‘વાલીઓની અપેક્ષા’ જન્મે છે. ‘તણાવ એ જીવનમાં અંદર કે બહારના પરિબળોને કારણે સર્જાતી કટોકટી છે, જેને  કારણે આજુબાજુના વાતાવરણ સાથે સુમેળ સાધવો અઘરો બને છે અને પોતાની જાત સાથે અને બહારના વાતાવરણ સાથે સંતુલનની સ્થિતિ જાળવવા માટે પહેલાંની સરખામણીએ વ્યક્તિએ ખૂબ જ વધુ પ્રયાસ કરવો પડે છે’. મનની શાંતિના અભાવને પણ સ્ટ્રેસ કહી શકાય. વયસ્કોની માફક જ બાળકો અને કિશોરોમાં પણ સ્ટ્રેસનું હોવું સામાન્ય થઈ રહયું છે.

સ્ટ્રેસના સંકેત

જ્યારે બાળકોને ભણતરનો સ્ટ્રેસ જણાય ત્યારે તેઓ ઘણી અલગ-અલગ રણનીતિઓ વાપરે છે. જે અમુક બાળકોને સ્ટ્રેસ લાગે ત્યારે તેઓ ટાળવાની કોશીશ કરે, દારૂ અથવા ડ્રગને રવાડે ચઢી જાય, કોઈ પણ વસ્તુઓમાં રસ ન લે અથવા નનૈયો ભણે, જ્યારે બીજા બાળકો હકારાત્મક વલણ અપનાવીને સ્વીકાર કરી લે, અને ભણતરના સ્ટ્રેસને કાબુમાં લેવા માટેની યોજનાઓ બનાવે. જે કિશોરોને સ્ટ્રેસ જણાતો હોય તેઓ ભણતરને  નડતરરૂપ માને છે.

(પ્રતિકાત્મક તસવીર)

એક તરફ વાલીઓનું સકારાત્મક રીતે બાળકોનાં અભ્યાસની બાબતોમાં સામેલ થવું બાળકોને વધુ સારા શૈક્ષણિક પરિણામો તરફ દોરી જાય છે તો બીજી તરફ વાલીઓની વધુ પડતી અપેક્ષાઓ, તેમનું નકારાત્મક કે તુલનાત્મક વલણ વિદ્યાર્થીઓમાં હતાશાની લાગણી જન્માવે છે. વાલીઓ સામાન્ય રીતે પોતાનાં બાળકો માટે ઊંચા આદર્શો અને લક્ષ્યો રાખે છે અને બાળકો પાસેથી એને પૂરા કરવાની અપેક્ષાઓ રાખે છે.

જ્યારે વાલીઓએ ઈચ્છેલા કે નક્કી કરેલા ધોરણો સુધી બાળક પહોંચી ન શકે તો વાલીઓને લાગે છે કે તેમનું બાળક આળસુ છે અથવા નબળુ છે. આને કારણે બાળકોમાં હીનતાનો ભાવ આવે છે, જે એમનામાં માનસિક હતાશાને જન્મ આપે છે અને આત્મહત્યા સુધી દોરી જાય છે. બાળકો પાસેથી રાખવામાં આવતી શૈક્ષણિક અપેક્ષાઓ એમનામાં શૈક્ષણિક સ્ટ્રેસને જન્મ આપે છે જે આત્મહત્યા કરવા જેવી મનોવૃત્તિઓ જગાવે છે.

વિવિધ પરિવારની સ્થિતિ

એક ગ્લોબલ રિસર્ચ સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જે ભારતીય બાળકો સામાન્ય અને આદર્શ પરિવારોમાંથી આવે છે એ બાળકો પર, એક ડિસ્ટર્બ્ડ પરિવારમાંથી આવતા બાળક પર હોય એની સરખામણીમાં ભણતરનો સ્ટ્રેસ વધુ હોય છે. ડિસ્ટર્બ્ડ પરિવારોમાંથી આવતા બાળકોને શૈક્ષણિક બાબતો માટે એમનાં વાલીઓ પાસેથી ઓછું ધ્યાન અને દોરવણી મળતી હોય એવી શક્યતા છે. આને કારણે આવા બાળકો ઉપર તણાવ ઓછો હોય છે. બાળકોનાં શૈક્ષણિક મામલાઓમાં વાલીઓની વધુ પડતી ચોકસાઇ અને તકેદારી બાળકો ઉપર નકારાત્મક અસર કરે છે એવું આ ઉપરથી ઉજાગર થયું છે.

બાળકોનનો કઠિન દોર

કિશોરાવસ્થા એક મુશ્કેલ દોર છે જેમાં બાળકો તેમની આજુબાજુની દરેક વસ્તુઓ બાબત અસમંજસમાં હોય છે. તેઓ શૈક્ષણિક પરીક્ષાઓથી, એકબીજા સાથેનાં સંબંધોથી, રિલેશનશીપની સમસ્યાઓથી, એમનાં પોતાનામાં આવતા બદલાવોથી અને કારકિર્દીની તપાસ કરવા જેવી બાબતોથી સ્ટ્રેસ અનુભવતા હોય  છે. આવો સ્ટ્રેસ માનસિક, શારીરિક અને વર્તણૂક વિષયક સમસ્યાઓ ઊભી કરી શકે છે.

ઘણા બધા વાલીઓને એમ લાગે છે કે બાળકો પાસે ઊંચી અપેક્ષાઓ જતાવવાથી તેઓ એમનામાં સ્વાભિમાનની ભાવના, આત્મવિશ્વાસની ભાવના પોતાનું મૂલ્ય અને મહત્વ સમજવાની ભાવના એમનામાં રોપે છે. પરંતુ મોટે ભાગે તેમની આ અપેક્ષાઓ વધુ પડતી આદર્શવાદી અને અશક્ય પ્રકારની હોય છે. સફળતા મેળવવા માટેની વધારે પડતી ઊંચી અપેક્ષાઓ બાળકો માટે વિનાશક અને નુકશાનકારક સાબિત થઈ શકે છે.

આથી વાલીઓ અને તેમના બાળકો વચ્ચે પ્રેમાળ અને સંતુલિત સંબંધ વિકસે એની મોટી જરૂરિયાત છે. આમ કરવા માટે મારા પોતાનાં અનુભવો પર આધારિત કેટલાંક સૂચનો આપુ છું.

પરિવારમાં નિયમો જરૂરી છે કેમ કે તેને કારણે એક માળખું તૈયાર થાય છે, જે બાળકોને સ્થિરતા અને સુરક્ષિતતા પ્રદાન કરે છે. પરંતુ આ નિયમાવલીનો પાયો બિનશરતી સ્વીકૃતિ અને પ્રેમ હોવો જોઈએ.

વાલીઓ, જો તમે તમારે પોતાને માટે બાંધેલી ધારણામાં ઓછા પડતા હો તો પોતાની જાત માટે કઠોર ન બનો કે પોતાના પર નારાજ ન થાઓ.

ભૂલો દરેકથી થાય છે. જે બનાવ બની ગયા છે એ બધાને આપણે ભૂસી શકવાના નથી. આમ થયું હોત તો, અથવા આમ કર્યું હોત અથવા ન કર્યું હોત તો.. એવા વિચારો બંધ કરવાનું શીખવું પડશે. એને બદલે શું સારું છે એ બાબત વિષે જાગરૂકતા કેળવવાનું શીખવું પડશે.

વાલી તરીકે બાળકો માટે અમુક નિર્ણયો કરો, કેમ કે તેમને એની જરૂર છે પરંતુ જો એમની પસંદગી તમારાથી ભિન્ન હોય તો પણ એનો સ્વીકાર કરો.

તમારા મૂડ અને તમારી ઊર્જા (એનર્જી) બંનેની બાળકો પર અસર થાય છે. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે તમારા બાળકો પણ ઉશ્કેરાયેલા રહે છે. જ્યારે તમે શાંત અને આનંદમાં હો તો બાળકો પણ ખુશ અને હળવા હોય છે. જો તમારા બાળકો ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ હોય તો એમની પર તમારા મૂડની વધુ અસર થાય છે.

તમે ધીમા પડો : બીજી રૂમમાં જાઓ, ઊંડા શ્વાસ ભરો અને સભાન પણે લાંબા શ્વાસ વડે તમારા તણાવને તમારાથી દૂર કરો. જ્યાં સુધી તમારા વિચારો શાંત ન થાય  અને તમારા શ્વાસ સામાન્ય ન થાય ત્યાં સુધી રૂમમાં પાછા ન જાઓ. તમે શાંત થયા પછી જ જાઓ અને તમે નોંધશો કે કેટલી ઝડપથી એ લોકો પણ હળવા થાય છે. તમે જ્યારે હળવા થવાનું શીખશો ત્યારે તમારા બાળકો ઉપર એની ઘણી સકારાત્મક અસર થશે. આમ કરવાથી ઘરનાં વડીલ તરીકે તમે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવો છો. એટલે પહેલા તમે તમારી સંભાળ કરો !

બાળકો શાણા હોય છે અને ખૂબ અવલોકન કરે છે, પરંતુ તમારી અંદર શું ચાલી રહ્યું છે એ બાળકોને કહેવાની જરૂર નથી. યાદ રાખો કે આ તેમની બાલ્યાવસ્થા છે એટલે એમને બાળક જ રહેવા દો અને એમનાં જીવનની સમસ્યાઓને એમને પોતે સુલજાવવા દો. તમારી જિંદગીની સમસ્યાઓ માટે એક વયસ્ક તરીકે, બીજા કોઈ એક વયસ્ક પાસેથી આધાર અને સાંત્વના શોધો. તમારું બાળક તમને પૂછે તો પણ મહેરબાની કરીને એને તમારો હમરાઝ ન બનાવો. તમે એને બીજા કોઈ સામાન્ય જવાબો આપી શકો, જેવા કે “હું કોઈ નિર્ણય કરવા બાબત વિચારું છું” અથવા “હું કામ વિષે વિચારું છું..”  તમારી સમસ્યાઓમાં એને ન સંડોવો.

બે બાળકોની તુલના ન કરો. જે બાળક બહિર્મુખી હોય એને બીજા લોકો સાથે ફાવે છે કે અભ્યાસનાં સમયે બહારના અવાજો વચ્ચે પણ એ ભણી શકે છે પણ અંતર્મુખી બાળક આવા વાતાવરણમાં કામ કરી શકતું નથી. એને તો એકાંત અને શાંતિ માફક આવે છે. એટલે શાંત બાળકને પણ તમારું ધ્યાન આપો.

જો બાળકને સ્પોર્ટ્સમાં રસ પડતો હોય પણ તમને એમ લાગતું હોય કે એણે અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તો એને ન ગમતી પ્રવૃત્તિમાં ધકેલવાને બદલે એની પસંદગીને પ્રાધાન્ય આપો. આ એને એના આખા જીવન પર્યંત મદદરૂપ થશે. એને પોતાને માટે જે મહત્વનું છે એ કરવા દો નહીં કે તમને એના માટે જે મહત્વનું લાગે છે એ એની પર લાદવાની કોશિશ ન કરો.

બીજા લોકોની અલગ ઈચ્છાઓ અને જરૂરીયાતો હોઇ શકે એ સમજવામાં થોડી વાર લાગે છે. દા.ત. તમારા એક બાળકની મર્યાદા બીજા કરતા વધારે હોઈ શકે. શાળાના સમય પછીનો બાકી વધતો સમય બાળકો માટેની પ્રવૃત્તિઓથી ભરી ન દો. કોઈ પણ ઉંમર કેમ ન હોય, દરેક માટે એ અતિ થઈ જાય છે ! આપણાં ખાલી સમયમાં આપણને ગમતી પ્રવૃત્તિ કરવી ગમે છે અથવા તો કઈં ન કરતા ફક્ત બેસી રહેવાનું પણ જરૂરી છે. દરેક અઠવાડીયે અડધા દિવસનું ‘ફેમિલી વેકેશન’ હોય તો કેવું? કોઈ દબાણ, કોઈ કામ, કોઈ અપેક્ષા વગરનું. આપણે હળવાશ અનુભવવાનું અને એમ કરતા પુન: શક્તિસંચાર કરવાનું શીખવું જોઈએ.

કેટલી વાર તમને કોઈએ કહ્યું હશે કે તમે અમુક વિષયમાં ખૂબ ‘અતિ’ છો. : અતિ સંવેદનશીલ, અતિ રોતલ, અતિ વિચારશીલ, અતિ પ્રશ્નો પૂછનાર, અતિ વાચાળ, અતિ ભટકનાર, ખાવામાં અતિ ચોચલા કરનાર, અતિ વાંચનાર, અતિ દિવાસ્વપ્ન જોનાર, વગેરે વગેરે…. આપણને કોઈ આવું કહે ત્યારે આપણે એને વખાણ નથી માનતા. ઊલટું એમ લાગે છે કે “મારામાં કઈ ખામી છે” હકીકતમાં તો આપણે આ બાબતોને નકારાત્મક રીતે લઈએ છીએ અને પછી એને છુપાવવાની કોશિશ કરીએ છીએ કે એમાંથી બહાર નીકળવાની પણ કોશિશ કરીએ છીએ.  હકીકતમાં આ આદતો તો આપણને અનોખા બનાવે છે. આપણે પોતે અને આપણાં બાળકો જે છીએ અને જેવા છીએ એવા તરીકે આપણી જાતને અને બાળકોને સ્વીકારતા અને કદર કરતાં શીખવું જોઈએ. એમની સાથે ઝગડવાનું બંધ કરીને અને એમને આખો દિવસ ટોકવાનું બંધ કરવું જોઈએ.

તમારી આજુબાજુની દુનિયા સાથેનો તમારો સંબંધ જાળવવા માટે સંતુલન જરૂરી છે. તમારા વાતાવરણની બહાર ૩૦ મિનિટ રહેવું એ તણાવ અને ઉત્તેજના ઓછી કરવાનો સરળ ઉપાય છે. જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે તમારી ઈન્દ્રિયોનો વિસ્તાર થતો અનુભવાય છે. જ્યારે કુદરત ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે ત્યારે સંકુચિત દ્રષ્ટિકોણ દૂર થાય છે અને નવો વિસ્તૃત દ્રષ્ટિકોણ સાંપડે છે. આનાથી જીવનને નવી દિશા મળે છે.

છેવટે, દરેક બાળક સાથે તમારે મહિનામાં એકવાર વિશેષ ૩-૪ કલાક ફાળવવા જોઈએ. મારા અનુભવ પરથી હું કહી શકું કે આમ કરવાથી બાળકો એકદમ ઉત્સાહિત થઈ જશે. એ લોકો આ સમયની આતુરતાથી રાહ જોશે અને તમને પણ આ સમય દરમ્યાન બાળકો વિષે ઘણું નવું જાણવા મળશે. જ્યારે તમે એમની સાથે ઘરની બહાર બધાથી દૂર એકલા હોવ ત્યારે એમની સાથે સ્વાભાવિક રીતે ઘનિષ્ઠ રીતે વાતો થઈ શકે છે. તમારા સંબંધોમાં ઊંડાણ આવશે. આ ખૂબ સુંદર અનુભવ છે અને હું આ માટે ખૂબ ભારપૂર્વક ભલામણ કરું છું.

(અનુવાદ – સોનલ કાંટાવાલા)

(લેખિકા ડૉ. સંગીતા શ્રીવાસ્તવ કે.ઈ.એસ. (કાંદિવલી એજયુકેશન સોસાયટી) – શ્રી ટી. પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સનાં – સલાહકાર-પ્રાચાર્યા છે)